‘ જો તે અટકશે , તો અટકી જશે મારું જીવન’
પારીના સ્વયંસેવક સંકેત જૈન સમગ્ર ભારતમાં 300 ગામડાઓમાં ફરવાનું લક્ષ્ય રાખે છે અને અન્ય વાર્તાઓ સાથે, આ વાર્તા પૂરી પાડે છે: ગ્રામીણ પરિદૃશ્ય અથવા ઘટનાની તસવીતો અને તે તસવીરોનું રેખાચિત્ર. પારી પરની શ્રેણીમાં આ છઠ્ઠી આવૃત્તિ છે. સંપૂર્ણ તસવીર અથવા રેખાચિત્રને જોવા માટે કોઈપણ દિશામાં સ્લાઇડરને ખેંચો
15 વર્ષની ઉંમરથી ખેતી કરતા મહાદેવ ખોટ કહે છે, “આ બળદ મારું જીવન છે.” તસવીરમાં તમે જેનો ડાબો પગ બહાર નીકળેલો જુઓ છો, તે મહાદેવ છે, જેઓ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના લક્ષ્મીવાડી ગામના છે. તે પગ નવ વર્ષ પહેલાં ખેતરમાં ઝેરી કાંટાથી ચેપ લાગવાથી કાપવામાં આવ્યો હતો. આજે, તેઓ કૃત્રિમ પગ અને હાથમાં લાકડી વડે કૃષિ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરે છે.
તેઓ તેમના ભાઈની માલિકીની બે એકર જમીનમાં મગફળી અને થોડી જુવાર ઉગાડે છે. એક પ્લોટ 1.5 કિલોમીટર દૂર છે અને બીજો આ ગામથી લગભગ 3 કિમી દૂર હાથકણંગલે તાલુકામાં છે.
તેઓ કહે છે, “પાણીની તંગી અને મારા ઇજાગ્રસ્ત પગને કારણે આ પાછલા દાયકામાં અમારા ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ઉપરાંત, આ ખેતર ઉજ્જડ અને ડુંગરાળ પ્રદેશ પર છે.” હવે 60 વર્ષની વય વટાવી ચૂકેલા મહાદેવ દરરોજ તેમની બળદગાડીમાં લગભગ 6 કિલોમીટરનું અંતર કાપે છે, ખેતરની તપાસ કરે છે અને તેમનાં પશુઓ માટે ઘાસચારો લાવે છે. “તે જ છે જે મને જુદી જુદી જગ્યાઓએ લઈ જઈ રહ્યો છે, અને જો તે અટકશે, તો મારું જીવન પણ થંભી જશે.”
તેઓ યાદ કરીને કહે છે, “1980ના દાયકામાં મને બીજા લોકોના ખેતરોમાં એક ટન શેરડી કાપવાના 12 કલાકના કામ માટે 10 રૂપિયા મળતા હતા.” આજે તેમને કામથી 200 રૂપિયાથી વધુ કમાણી થાત. પરંતુ તેમની ઇજા સાથે તે બધું સમાપ્ત થઈ ગયું. વધુમાં, ગયા વર્ષે તેમને તેમના ભાઈના ખેતરમાંથી પણ કોઈ ફાયદો થયો ન હતો, કારણ કે પ્રાણીઓએ મોટાભાગના પાકને સફાચટ કરી દીધો હતો. “અંતમાં, મને 35 કિલોગ્રામની ફક્ત બે બોરી મગફળી મળી હતી. મેં તેને વેચી ન હતી, કારણ કે મારે તેને આગામી સિઝન માટે રાખવાની હતી અને તેમાંથી થોડીક મારા સંબંધીઓને પણ આપવાની હતી.”
મહાદેવ કહે છે, “મારાં પત્ની શલાબાઈ આ ખેતરમાં કામ કરે છે અને પછી અન્યોનાં ખેતરમાં ખેતમજૂર તરીકે કામ કરે છે અને ફળો વેચે છે.” શલાબાઈનો કપરો દિવસ સવારે 5 વાગ્યે શરૂ થાય છે, અને તેમાં ફળ એકત્ર કરવા માટે ટેકરીઓ પર ચારો લેવા જવાનો પણ સમાવેશ થાય છે. લક્ષ્મીવાડી પાસે અલ્લામા પ્રભુ ડોંગર (ડુંગર) ખાતેના ખેતરમાં મહાદેવનું કામ સવારે 10 વાગ્યે શરૂ થાય છે. શલાબાઈની મજૂરી અને અપંગતા પેન્શન તરીકે તેમને મળતા 600 રૂપિયાથી તેમનો ગુજારો થાય છે.
શલાબાઈ ખોટ કહે છે કે તેઓએ કદાચ હજુ 60 વર્ષની વય વટાવી નથી. તેઓ કહે છે, “તેમના ઓપરેશન પહેલાં હું દિવસમાં ચાર કલાક કામ કરતી હતી. હવે હું રોજીંદા 10 કલાકથી વધુ કામ કરું છું જેથી કરીને પેટનો ખાડો ભરી શકાય.” તેઓ વર્ષમાં લગભગ 45 દિવસ ફળ વેચે છે (ઓક્ટોબરથી શરૂઆત કરીને). “તે માટે, મારે [3 કિમી દૂર] નારાંદે ગામ સુધી આખો રસ્તો પગપાળા કાપવો પડશે અને સવારે છ વાગ્યે કામ માટે નીકળવું પડશે.” તેઓ સાવરદે, આલ્ટે અને નારાંદેનાં નજીકના ગામોમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. તેઓ ઉમેરે છે, “સાત કલાકના કામ માટે, મને 100 થી 150 રૂપિયા મળે છે, જ્યારે પુરુષોને 200 રૂપિયા મળે છે. ખેતરોમાં વધુ કામ મહિલાઓ કરે છે, પરંતુ વેતન હંમેશાં પુરુષોને જ વધારે આપવામાં આવે છે.”
તેમના બંને પુત્રો લક્ષ્મીવાડી છોડીને બહાર જતા રહ્યા છે. એક દૈનિક મજૂર છે. બીજો, એક અલગ ગામમાં ગણોત. મહાદેવ કહે છે, “મારે મારા ઓપરેશન માટે 27,000 રૂપિયાનો ખર્ચ થયો હતો, જેમાંથી મારે 12,000 લોન લેવી પડી હતી. મારા પુત્રોએ થોડા વર્ષોમાં તે લોન ચૂકવી હતી. તેઓ હજુ પણ ક્યારેક અમને આર્થિક મદદ કરે છે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ