“કુદલુ! કુદલુ! પાત્રે કુદલુ [વાળ! વાળ! વાળના બદલામાં વાસણો!]”
સાકે સરસ્વતીનો ઊંચો અવાજ બેંગ્લોરમાં મત્તીકેરેની શેરીઓમાં ગૂંજે છે, તેઓ ઘેર-ઘેર ફરીને લોકોના વાળ એકઠા કરે છે. બદલામાં તેઓ એલ્યુમિનિયમના હલકા વજનના રસોડામાં વપરાતા વાસણો આપે છે - પાણી ભરવાના નાના વાસણ, તપેલીઓ, તવા, કડછી, ઝારી, તવેથો, મોટી ચાળણીઓ, વિગેરે.
બેંગ્લોરના આ 23 વર્ષના ફેરિયા કહે છે, “આ કામ હું મારા ભાભી શિવમ્મા પાસેથી શીખી છું. વધુ ને વધુ ગ્રાહકોને આકર્ષવા માટે મારે ઊંચા અવાજે શી રીતે બૂમ પાડવી એ [પણ] તેમણે મને શીખવ્યું."
તેમના પરિવારમાં આ કામ કરનાર ત્રીજી પેઢીના સરસ્વતી કહે છે, "મારી માતા, ગંગમ્મા તેના લગ્ન થયા એની પહેલાથી જ આ કામ કરતી આવી છે, પરંતુ તેને પીઠ અને ઘૂંટણની ખૂબ તકલીફ રહેતી હોઈ તેણે પોતાનું કામ ઓછું કરી દીધું છે." સરસ્વતીના પિતા પુલ્લન્ના અને માતા ગંગમ્મા 30 વર્ષ પહેલા આંધ્રપ્રદેશથી બેંગ્લોર સ્થળાંતરિત થયા હતા.
આ પરિવાર કોરાચા સમુદાયનો છે, આ સમુદાય આંધ્ર પ્રદેશમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી - અધર બેકવર્ડ ક્લાસ) તરીકે સૂચિબદ્ધ છે. હાલ 80 વર્ષના પુલ્લના ખજૂરીના સૂકા પાનમાંથી ઝાડૂ (સાવરણી) બનાવે છે અને 20-50 રુપિયાના એકના ભાવે વેચે છે.
તેમના પિતાની કમાણી પૂરતી નહોતી અને તેથી પાંચ વર્ષ પહેલા સરસ્વતી 18 વર્ષના થયા ત્યારે તેમણે બીકોમની ડિગ્રીનો અભ્યાસ પૂરો કરવાની સાથે સાથે કામ કરવાનું શરૂ કર્યું. આ પરિવાર ઉત્તર બેંગ્લોરમાં કોન્ડપ્પા લેઆઉટમાં રહે છે - પરિવારમાં તેમના માતાપિતા, બે મોટા ભાઈઓ, તેમની પત્નીઓ અને બાળકો છે.
સોમવારથી શનિવાર સુધી રોજ સરસ્વતી કોલેજ જાય છે. રવિવારે તેમનો દિવસ સવારે 6 વાગે શરુ થાય છે, તેઓ ઘેર-ઘેર ફરીને લોકોના વાળ એકઠા કરવાનું શરૂ કરે છે. જતા પહેલા તેઓ પોતાના પરિવાર માટે સવારનો નાસ્તો બનાવે છે. તેઓ કહે છે, "અમે બહાર હોઈએ ત્યારે બાળકો ભૂખ્યા થાય છે, તેથી હું થોડું વધારે રાંધીને જઉં છું."
સરસ્વતી અને તેમના ભાભી શિવમ્મા જરૂરી સાધનસામગ્રી સાથે લઈને કામ પર જવા નીકળી જાય છે: એક રાખોડી ભૂખરા રંગના બગલથેલામાં એલ્યુમિનિયમના વાસણો અને દૂધવાળા પાસે હોય તેવું સ્ટીલનું પાત્ર હોય છે, તેનો ઉપયોગ તેઓ વાળ એકઠા કરવા માટે કરે છે.
સરસ્વતી કહે છે, "કામ શરૂ કરતા પહેલા અમે થોડું ખાઈ લેવાનું ભૂલતા નથી." સામાન્ય રીતે તેઓ એક પ્લેટ ઈડલી વડા, એક ઓમેલેટ અથવા મસાલા ભાત ખાઈ લે છે.
દર અઠવાડિયે તેઓ મત્તીકેરે, યેલહંકા ન્યુ ટાઉન, કલ્યાણ નગર, બનાસવાડી અને વિજયનગર જેવા કેટલાક વિસ્તારોની મુલાકાત લેવાનો પ્રયત્ન છે. સરસ્વતીના માર્ગો ઓછીથી મધ્યમ આવક ધરાવતા પરિવારોના રહેણાક વિસ્તારોમાંથી પસાર થાય છે.
સામાન્ય રીતે બંને 10 કલાક કામ કરે છે અને એ સમયગાળામાં વચ્ચે બે વાર વિરામ લે છે, જેથી તેઓ થોડુંઘણું ખાઈ શકે.
સરસ્વતી જે ઘરોમાં જાય છે તેઓ પ્લાસ્ટિકની થેલીઓ, ખાદ્યપદાર્થો ભરવાના પ્લાસ્ટિકના પાત્રો, પ્લાસ્ટિકની બરણીઓ, પતરાના ડબ્બા અને દૂધની ફાટેલી બેગોમાં વાળ એકઠા કરી રાખે છે.
સરસ્વતી કહે છે, "હું વાળખેંચીને [તેની ગુણવત્તા] તપાસી જોઉં છું." તેઓ ઉમેરે છે, "બ્યુટી પાર્લરમાં કાપેલા વાળ હોય છે અને (વિગ બનાવવા માટે) એ ના ચાલે." (વિગ બનાવવા માટે) અમારે 'રેમી હેર' - એટલે કે "જેમાં ક્યુટિકલ હજુ પણ અકબંધ હોય એવા મૂળમાંથી નીકળેલા વાળ" મેળવવા પડે. વાળની લઘુત્તમ લંબાઈનો પણ માપદંડ હોય છે, વાળની લંબાઈ ઓછામાં ઓછી છ ઈંચથી વધુ હોવી જોઈએ.
માપવાના યોગ્ય સાધનના અભાવે તેઓ વાળને પોતાની મુઠ્ઠીની આસપાસ ઓછામાં ઓછા બે વાર લપેટીને લંબાઈનો અંદાજ કાઢે છે. પછી તેઓ વાળનો બોલ બનાવી દે છે.
વાળ માપ્યા પછી સરસ્વતી અથવા તેના ભાભી એલ્યુમિનિયમના હલકા વજનના વાસણો બહાર કાઢે છે અને જેની પાસેથી તેઓ વાળ ખરીદે છે તેને બે વિકલ્પ આપે છે. તેઓ સમજાવે છે, "જો ગ્રાહકો ચીકણા હોય તો તેઓ અમારી સાથે રક્ઝક કરે અને ખૂબ ઓછા વાળ માટે મોટું વાસણ મેળવવા ઝગડો કરે."
બધા જ ઘરોમાં વાસણોનો ઉપયોગ થતો હોવાથી વિનિમય માટેનું એ સારું માધ્યમ છે. પરંતુ તેઓ કહે છે કે છતાં કેટલાક ગ્રાહકો હજી પણ પૈસાનો આગ્રહ રાખે છે. પરંતુ અમે તેમને પૈસા આપી શકતા નથી. માત્ર 10 થી 20 ગ્રામ વાળના બદલામાં તેઓ 100 રુપિયાથી વધુ કિંમત માગે છે!”
એક દિવસમાં તેઓને માંડ મુઠ્ઠીભર વાળ મળે છે, કેટલીકવાર તો 300 ગ્રામથી પણ ઓછા હોય. તેઓ કહે છે, "એવો પણ સમય આવ્યો છે કે હું ઘેર ઘેર જઈને વાળ માગું અને મને જવાબ મળે - 'વાળ ખલાસ થઈ ગયા છે.' તમને ખબર નથી હોતી કે તેઓ [વાળ એકઠા કરતા બીજા લોકો] કયા વિસ્તારમાં તમારી પહેલા જઈ આવ્યા છે."
એકઠા કરેલા વાળ સરસ્વતી એક ડીલર પાર્વતી અમ્માને વેચે છે.
“વાળના દર મોસમી છે. પરિવાર માટે એ કોઈ નિશ્ચિત આવકની બાંયધરી આપતા નથી. સામાન્ય રીતે કાળા વાળના ભાવ એક કિલોના 5000 થી 6000 રુપિયાની વચ્ચે હોય છે. પરંતુ વરસાદની મોસમમાં ભાવ ઘટીને 3000 કે 4000 રુપિયે કિલો થઈ જાય છે.
પાર્વતી અમ્મા ડિજિટલ વેઈંગ મશીન પર વાળનું વજન કરે છે.
કંપનીઓ પાર્વતી અમ્મા પાસેથી વાળ ખરીદે છે અને તેમાંથી વિગ બનાવે છે. 50 વર્ષના પાર્વતી કહે છે, "લગભગ 5000 સ્ત્રીઓ વાળને અલગ કરીને સાફ કરવાનું કામ કરે છે. તેઓ સાબુ, તેલ, શેમ્પૂનો ઉપયોગ કરે છે અને તેને રાતભર છોડી દે છે જેથી વાળ ચોખ્ખા થઈને સુકાઈ જાય. એ પછી વાળ વેચતા પહેલા પુરુષો તેની લંબાઈ તપાસે છે.
સરસ્વતીને આગળથી આયોજન કરવું પડે છે. તેઓ સમજાવે છે, "આજે વાસણો ખરીદવા હોય તો મારે ગઈકાલના વાળ માટે પાર્વતી અમ્મા પાસેથી પૈસા લઈ લેવા પડે. વાળ વેચવા માટે હું એક મહિના સુધી રાહ જોતી નથી. મને મળે કે તરત હું તેને વેચી દઉં છું."
ઘેર-ઘેર ફરીને વાળ એકઠા કરનાર સરસ્વતી કહે છે કે આ કામ માટે તેમને રોજ 12 થી 15 કિલોમીટરનું અંતર પગપાળા કાપવું પડે છે કારણ કે, "બસ કંડક્ટરો અમને કેએસઆરટીસીની [રાજ્ય સરકારની] બસોમાં ચઢવા દેતા નથી."
તેઓ કહે છે, “આ કામ મારા શરીર પર અસર કરે છે. મને શરીર દુ:ખે છે, ડોકી દુ:ખે છે." કારણ કે તેમને એક ખભા પરથી બીજા ખભા પર સતત વજન બદલતા રહેવું પડે છે. પરંતુ તેમ છતાં તેઓ કામ ચાલુ રાખે છે.
તેઓ ઉમેરે છે, "આ વેપારથી અમારી રોજિંદી જરૂરિયાતો જ માંડ પૂરી થાય છે, આમાંથી કંઈ અમારા ખિસ્સા ભરાતા નથી."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક