ઢેઉરી ગામનાં 29 વર્ષીય ખેડૂત તેમના અવાજમાં ખેદ અને ઉદાસી સાથે કહે છે, “જો પાન [સોપારીનું પાન] નો પાક બચ્યો હોત, તો તેનાથી મને [2023માં] ઓછામાં ઓછા બે લાખ રૂપિયા આવક થઈ હોત.” કરુણા દેવીએ જૂન 2023માં બિહારના નવાદા જિલ્લામાં ભારે ગરમીના કારણે પોતાનો પાક ગુમાવ્યો હતો. એક સમયે લીલાછમ દેખાતા બગીચામાં તેમના વૃક્ષો પર ઝગમગતા પ્રસિદ્ધ મગહી સોપારીનાં પત્તાંવાળું તેમનું બરેજા જાણે કંકાલ બની ગયું હતું. આના લીધે તેઓ અન્યોના બરેજામાં મજૂરી કરવા મજબૂર થયાં છે.
નવાદા એ એક ડઝન જિલ્લાઓમાંનો એક હતો જેણે ઘણા દિવસો સુધી તીવ્ર ગરમીનો સામનો કર્યો હતો. તે વર્ષે પડેલી ગરમીનું વર્ણન કરતાં તેઓ ઉમેરે છે, “લગતા થા કી આસમાન સે આગ બરસ રહા હૈ ઔર હમલોંગ જલ જાએંગે. દોપહર કો તો ગાંવ એકદમ સુનસાન હો જાતા થા જૈસે કી કરફૂ લગ ગયા હો [એવું લાગતું હતું કે જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય, અને અમે બળીને ખાક થઈ જઈશું. બપોરે ગામ જાણે કર્ફ્યુ લાદવામાં આવ્યો હોય તેમ સંપૂર્ણપણે નિર્જન થઈ જતું.]” જિલ્લાના વારિસઅલીગંજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન 45.9 ડિગ્રી સેલ્સિયસ હોવાનું નોંધ્યું હતું. 18 જૂન, 2023ના રોજ ‘ધ હિન્દુ’ માં પ્રકાશિત થયેલા એક અહેવાલ અનુસાર, આ ઘટના પછી બિહાર અને ઉત્તર પ્રદેશમાં 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા.
ભીષણ ગરમી હોવા છતાં કરુણા દેવી કહે છે, “અમે બરેજા જઈશું.” તેમનો પરિવાર કોઈ જોખમ લઈ રહ્યો નથી, કારણ કે તેમણે છ કઠ્ઠા [આશરે 8,000 ચોરસ ફૂટ] વિસ્તારમાં ફેલાયેલા બરેજામાં વાવેતર કરવા માટે 1 લાખ રૂપિયાની લોન લીધી હતી.
બિહારમાં પાનના બગીચાને બરેજા અથવા બરેઠા કહેવામાં આવે છે. આ ઝૂંપડી જેવું માળખું ઉનાળામાં ધગધગતા સૂર્ય અને શિયાળામાં તીવ્ર પવનથી નાજુક વેલાઓનું રક્ષણ કરે છે. તે સામાન્ય રીતે વાંસની લાકડીઓ, તાડ અને નાળિયેરનાં પાંદડાં, કાથીના દોરડા, ડાંગરની પરાળ, અને અરહરની દાંડીઓથી ઘેરાયેલું હોય છે. બરેજાની અંદર, જમીનને ખેડીને લાંબા અને ઊંડા ખાડા કરવામાં આવે છે. દાંડીનું વાવેતર એવી રીતે કરવામાં આવે છે કે પાણી મૂળની નજીક એકઠું ન થાય અને છોડ સડી ન જાય.
નાજુક વેલાઓ હવામાનમાં થતા ઊગ્ર બદલાવો સામે ટકી શકતા નથી.
ગયા વર્ષે, તીવ્ર ગરમીનો સામનો કરતાં, કરુણા દેવીના પતિ યાદ કરે છે કે કેવી રીતે “અમે છોડને દિવસમાં માત્ર 2-3 વખત જ પાણી આપ્યું હતું, કારણ કે વધુ સિંચાઈ કરવાથી ખર્ચમાં વધારો થઈ જાય. પરંતુ હવામાન એટલું ગરમ હતું કે તે ટકી જ ન શક્યા. 40 વર્ષીય સુનીલ ચૌરસિયા કહે છે, “છોડ સૂકાવા લાગ્યા અને ટૂંક સમયમાં જ બરેજા બરબાદ થઈ ગયું.” તેમની પાનની આખી ખેતી ખતમ થઈ ગઈ હતી. ચિંતિત કરુણા કહે છે, “મને ખબર નથી કે અમે લોનની ચૂકવણી કેવી રીતે કરીશું.”
આ વિસ્તારનો અભ્યાસ કરી રહેલા વૈજ્ઞાનિકો કહે છે કે મગધ પ્રદેશમાં હવામાનની ભાત બદલાઈ રહી છે. પર્યાવરણ વૈજ્ઞાનિક પ્રો. પ્રધાન પાર્થ સારથી કહે છે, “અમે જોઈ રહ્યા છીએ કે જે એક સમાન હવામાન ભાત હતી તે હવે તદ્દન અનિયમિત બની ગઈ છે. તાપમાનમાં અચાનક વધારો થાય છે અને કેટલીકવાર એક કે બે દિવસમાં ભારે વરસાદ પડે છે.”
2022માં સાયન્સ ડાયરેક્ટ જર્નલમાં પ્રકાશિત ‘ભારતના દક્ષિણ બિહારમાં પર્યાવરણીય પરિવર્તન અને ભૂગર્ભજળ પરિવર્તનશીલતા’ શીર્ષક ધરાવતું એક સંશોધન પત્ર કહે છે કે 1958-2019 દરમિયાન સરેરાશ તાપમાનમાં 0.5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. તે કહે છે કે 1990ના દાયકાથી ચોમાસાના વરસાદમાં જોવા મળતી વધુ અનિશ્ચિતતા પણ સ્પષ્ટ છે.
ઢેઉરી ગામના અન્ય એક ખેડૂત અજય પ્રસાદ ચૌરસિયા કહે છે, “મગહી પાન કા ખેતી જુઆ જૈસા હૈ [મગહી પાનની ખેતી જુગારની જેમ અનિશ્ચિત છે].” તેઓ ઘણા મગહી ખેડૂતો વતી બોલી રહ્યા છે જેઓ હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. “અમે તનતોડ મહેનત કરીએ છીએ, પરંતુ સોપારીના છોડ ટકી રહેશે તેની કોઈ ગેરંટી નથી.”
પાનનાં પત્તાં પરંપરાગત રીતે ચૌરસિયા લોકો દ્વારા ઉગાડવામાં આવે છે, જેઓ બિહારમાં અત્યંત પછાત વર્ગ [ઈ.બી.સી.] સાથે સંબંધિત છે. બિહાર સરકાર દ્વારા તાજેતરમાં હાથ ધરાયેલા જાતિ સર્વેક્ષણ અનુસાર રાજ્યમાં છ લાખથી વધુ ચૌરસિયા લોકો રહે છે.
ઢેઉરી ગામ નવાદાના હેસુઆ બ્લોકમાં આવેલું છે; તેની 1,549 (વસ્તી ગણતરી 2011 અનુસાર) વસ્તીમાંથી અડધાથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. ઉપરાઉપરી વર્ષો સુધી હવામાનમાં ઊગ્ર ફેરફારો આવવાને કારણે આ વિસ્તારમાં મગહી પાનના પાકનો નાશ થઈ રહ્યો છે.
2023ની હીટવેવ (ગરમીના મોજા) પહેલાં 2022માં ખૂબ જ ભારે વરસાદ પડ્યો હતો. રણજીત ચૌરસિયા કહે છે, “લગતા થા જૈસે પ્રલય આને વાલા હો. અંધેરા છા જાતા થા ઔર લગતાર બરસા હોતા થા. હમ લોગ ભીગ ભીગ કર ખેત મેં રહેતે થે. બારિશ મેં ભીગને સે તો હમકો બુખાર ભી આ ગયા થા [એવું લાગતું હતું કે આપત્તિ આવી રહી છે. દિવસે અંધારું થઈ જતું અને પછી ભારે વરસાદ પડતો. અમે વરસાદમાં પલળવા છતાં ખેતરમાં જતા જ હતા. આનાથી અમને તાવ પણ આવી જતો હતો.]”
55 વર્ષીય વૃદ્ધ કહે છે કે તે પછી તેમને તાવ આવ્યો હતો અને તેમને મોટું નુકસાન પણ થયું હતું. તેઓ કહે છે, “મારા ગામના મોટાભાગના સોપારીના ખેડૂતોને તે વર્ષે નુકસાન થયું હતું. મેં પાંચ કઠ્ઠા [આશરે 6,800 ચોરસ ફૂટ] માં પાનની ખેતી કરી હતી. પાણી ભરાવાને કારણે પાનના વેલા સુકાઈ ગયા હતા.” ઓડિશામાં આવેલા ચક્રવાત આસાનીના કારણે ત્રણ-ચાર દિવસ સુધી ભારે વરસાદ પડ્યો હતો.
મગહી પાન ઉત્પાદક કલ્યાણ સમિતિના પ્રમુખ રણજીત ઉમેરે છે, “ગરમીના મોજા જમીનને સૂકવી નાખે છે, છોડની વૃદ્ધિને અટકાવે છે અને જ્યારે અચાનક વરસાદ પડે છે, ત્યારે છોડ સૂકાઈ જાય છે.”
તેઓ કહે છે, “છોડ નવા હતા. તેમની સંભાળ નવજાત બાળકની જેમ લેવી પડે છે. જેમણે તેમની તેવી સંભાળ ન લીધી, તેમના સોપારીના વેલા સુકાઈ ગયા હતા.” રણજીત કહે છે કે વર્ષ 2023માં તેમના છોડ તીવ્ર ગરમીના મોજાથી બચી ગયા હતા, કારણ કે તેમણે તેના પર ઘણી વખત પાણી છાંટ્યું હતું, “મારે તેને ઘણી વખત પાણી આપવું પડતું હતું. ક્યારેક તો દિવસમાં 10 વખત.”
મગહી ઉગાડતા સાથી ખેડૂત અને તેમના પાડોશી અજય કહે છે કે હવામાનમાં ઊગ્ર ફેરફાર થવાના બનાવોના લીધે તેમને પાંચ વર્ષમાં બે વાર નુકસાન થયું હતું. 2019 માં, 45 વર્ષીય અજયે ચાર કઠ્ઠા (આશરે 5,444 ચોરસ ફૂટ) માં સોપારીની ખેતી કરી હતી. તીવ્ર ઠંડી પડવાથી તે બરબાદ થઈ ગયું હતું; ઓક્ટોબર 2021માં, ચક્રવાત ગુલાબના લીધે આવેલા ભારે વરસાદે પાનને તહેસનહેસ કરી નાખ્યા હતા. તેઓ યાદ કરે છે, “મને બંને વર્ષમાં આશરે 2 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હતું.”
*****
અજય ચૌરસિયા સોપારીના વેલાઓને વાંસ અથવા સરકંડાની પાતળી દાંડીઓ સાથે બાંધી રહ્યા છે, જેથી તેને હલતાં અને પડતાં અટકાવી શકાય. હૃદય આકારના ચળકતા લીલા પાનના પાંદડા વેલો પર ભારે વજનથી લટકતા હોય છે; તેઓ થોડા દિવસોમાં તોડવા માટે તૈયાર થઈ જશે.
લીલાછમ માળખામાં તાપમાન બહારની સરખામણીએ ઠંડું હોય છે. અજય કહે છે કે અતિશય ગરમી, ઠંડી અને અતિશય વરસાદ એ સોપારીના છોડ માટે સૌથી મોટો ખતરો છે. તપતા ઉનાળામાં, જો મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ વધી જાય, તો તેમણે જાતે જ તેના પર પાણીથી છંટકાવ કરવો પડે છે. તેઓ પોતાના ખભા પર આશરે પાંચ લિટર પાણીનો માટીનો ઘડો મૂકે છે, અને પાણીને ફેલાવવા માટે પોતાની હથેળીનો ઉપયોગ કરે છે. તેઓ ધીમે ધીમે વેલાઓ વચ્ચે ફરે છે, અને જ્યારે તેઓ ચાલે છે ત્યારે પાણીનો છંટકાવ કરે છે. તેઓ નિર્દેશ કરે છે, “જો હવામાન ખૂબ ગરમ હોય તો અમારે આવું ઘણી વખત કરવું પડે છે. પરંતુ તેમને વરસાદ અને ઠંડીથી બચાવવાનો કોઈ રસ્તો નથી.”
ગયા ખાતે સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ સાઉથ બિહાર ખાતે સ્કૂલ ઓફ અર્થ, બાયોલોજિકલ એન્ડ એન્વાયર્નમેન્ટલ સાયન્સના ડીન સારથી કહે છે, “અનિયમિત હવામાનમાં આબોહવા પરિવર્તનનું યોગદાન કેટલું છે તે અંગે કોઈ અભ્યાસ નથી થયો, તેમ છતાં બદલાતી હવામાનની ભાત આબોહવા પરિવર્તનની અસર સૂચવે છે.”
અજય પાસે પોતાની આઠ કઠ્ઠા (આશરે 10,000 ચોરસ ફૂટ) જમીન છે, પરંતુ તે વિખરાયેલી છે, તેથી તેમણે ત્રણ કઠ્ઠા જમીન 5,000 રૂપિયા પ્રતિ વર્ષ લેખે ભાડા પટ્ટે લીધી છે અને આશરે ભાડે લીધેલી જમીન પર મગહી સોપારીના પાનની ખેતી કરવા માટે 75,000 રૂપિયા રોકાણ કર્યું છે. તેમણે સ્થાનિક સ્વ-સહાય જૂથમાંથી 40,000 રૂપિયાની લોન લીધી છે, જેને આગામી આઠ મહિનામાં દર મહિને 6,000 રૂપિયાના માસિક હપ્તે ચૂકવવાની છે. સપ્ટેમ્બર 2023માં અમારી સાથે વાત કરતાં તેઓ કહે છે, “અત્યાર સુધી મેં માત્ર બે હપ્તામાં 12,000 રૂપિયા જ ચૂકવ્યા છે.”
અજયનાં પત્ની, 40 વર્ષીય ગંગા દેવી ક્યારેક તેમને ખેતરમાં મદદ કરે છે, અને અન્ય ખેડૂતોના ખેતરોમાં ખેતમજૂરી પણ કરે છે. તેઓ તેમના વેતન વિષે કહે છે, “તે એક કપરું કામ છે, પણ અમને દરરોજ માત્ર 200 રૂપિયા મળે છે.” તેમના ચાર બાળકો — એક નવ વર્ષની પુત્રી અને 14, 13 અને 6 વર્ષના પુત્રો — ઢેઉરીની સરકારી શાળામાં ભણે છે.
હવામાનમાં ઊગ્ર ફેરફારના બનાવોને કારણે પાકને થયેલા નુકસાનને કારણે પાનના ખેડૂતોને અન્ય ખેડૂતોના પાનના ખેતરોમાં મજૂર તરીકે કામ કરવાની ફરજ પડી છે, કારણ કે તેમની પાસે આ પાક વાવવાની બાબતમાં નિપુણતા છે.
*****
મગહી પાનના પાંદડાઓનું નામ મગધ પરથી પડ્યું છે, જ્યાં તેની ખાસ ખેતી કરવામાં આવે છે. બિહારના મગધ પ્રદેશમાં દક્ષિણ બિહારના ગયા, ઔરંગાબાદ, નવાદા અને નાલંદા જિલ્લાનો સમાવેશ થાય છે. પાનમાં ઊંડો રસ ધરાવતા અને મગહી પાન માટે ભૌગોલિક સૂચક (GI) ટેગ માટે અરજી કરનારા ખેડૂત રણજીત ચૌરસિયા કહે છે, “કોઈને ખબર નથી કે મગહી છોડની પ્રથમ કાપણી અહીં કેવી રીતે અને ક્યારે પહોંચી, પરંતુ તે પેઢી દર પેઢી વધી રહી છે. અમે સાંભળ્યું છે કે તેનો પ્રથમ છોડ મલેશિયાથી આવ્યો હતો.”
મગહીનું પાન એ નાના બાળકની હથેળીના કદનું હોય છે — 8 થી 15 સેમી લાંબું અને 6 થી 12 સેમી પહોળું. સુગંધિત અને સ્પર્શમાં નરમ એવા આ પાનમાં લગભગ કોઈ રેસા નથી હોતા, તેથી તે મોંમાં ખૂબ જ સરળતાથી ઓગળી જાય છે, તેની આ વિશિષ્ટ ગુણવત્તા તેને પાનની અન્ય પ્રજાતિઓ કરતાં શ્રેષ્ઠ બનાવે છે. તેની શેલ્ફ લાઇફ પણ લાંબી છે. તેને તોડ્યા પછી 3-4 મહિના સુધી રાખી શકાય છે.
રણજીત કહે છે, “તમારે તેમને ભીના કપડામાં લપેટીને ઠંડી જગ્યાએ રાખવાં પડશે અને દરરોજ તપાસ કરવી પડશે કે કોઈ પાંદડાં સડી તો નથી રહ્યાં ને. કેમ કે જો તે સડી રહ્યાં હશે, તો તમારે તેને તરત જ દૂર કરવું પડશે નહીંતર તે અન્ય પાંદડાઓમાં સડો ફેલાવશે.” અમે તેમને તેમના પાકા મકાનમાં જમીન પર બેસીને સોપારીનાં પાન લપેટતાં જોઈ રહ્યાં છીએ.
તેઓ પાનને એકબીજા ઉપર મૂકીને 200 પાંદડાંનો થોક બનાવે છે અને હેક્સો બ્લેડથી દાંડીને કાપી નાખે છે. પછી તેઓ પાનને દોરીથી બાંધે છે અને વાંસની ટોપલીમાં મૂકે છે.
પાનના છોડને કાપીને ફરીથી વાવી શકાય છે, કારણ કે તેમાં ફૂલો નથી હોતાં, તેથી બીજ પણ નથી હોતાં. રણજીત ચૌરસિયા કહે છે, “જ્યારે કોઈ સાથી ખેડૂતનો પાક નિષ્ફળ જાય છે, ત્યારે અન્ય ખેડૂતો તેમના ખેતરને ફરીથી સ્થાપિત કરવા માટે તેમના પાકમાંથી કાપણી તેની સાથે વહેંચે છે. અમે તેના માટે ક્યારેય એકબીજા પાસેથી પૈસા નથી લેતા.”
આ વેલાઓ બરેજામાં ઉગાડવામાં આવે છે અને તેની કિંમત આશરે એક કઠ્ઠા (આશરે 1,361 ચોરસ ફૂટ) ને આવરી લેતા બરેજા બનાવવા માટે 30,000 રૂપિયા છે અને તેનો ખર્ચ બે કઠ્ઠા માટે 45,000 રૂપિયા સુધી પહોંચે છે. જમીનને ખેડીને તેમાં લાંબા અને ઊંડા ખાડા કરવામાં આવે છે, અને દાંડીઓને ખાડાની બાજુમાં વાવવામાં આવે છે, જ્યાં માટી એકઠી થાય છે જેથી પાણી છોડના મૂળ સુધી ન પહોંચે કારણ કે મૂળમાં પાણી ભરાઈ જવાથી છોડ સડી જાય છે.
તેના એક વર્ષના જીવન કાળમાં, એક મગહી સોપારીનો છોડ ઓછામાં ઓછાં 50 પાન આપે છે. સ્થાનિક બજારોમાં તેમજ ઉત્તર પ્રદેશમાં બનારસની જથ્થાબંધ મંડીમાં એક કે બે રૂપિયામાં એક પાન વેચાય છે — જે દેશની સૌથી મોટી પાનની મંડી છે.
મગહી પાનને 2017માં જી.આઈ. સૂચક એનાયત કરવામાં આવ્યો હતો. જી.આઈ. મગધના ભૌગોલિક પ્રદેશના 439 હેક્ટરમાં ખાસ ઉગાડવામાં આવતા પાન માટે છે. અને ખેડૂતો જી.આઈ. મેળવીને ઉત્સાહિત હતા અને રાહતનો શ્વાસ લઈ રહ્યા હતા. જો કે, જેમ જેમ વર્ષો પસાર થતાં ગયાં તેમ તેમ ખેડૂતો કહે છે કે તેમને કોઈ ફાયદો થયો નથી. રણજીત ચૌરસિયા અમને કહે છે, “અમને અપેક્ષા હતી કે સરકાર મગહીની જાહેરાતો બહાર પાડશે, જેનાથી વધુ માંગ પેદા થશે અને અમને સારો દર મળશે, પરંતુ આવું કંઈ થયું નહીં. [દુખ તો યે હૈ કી જીઆઈ ટેગ મિલને કે બાવજૂદ સરકાર કુછ નહીં કર રહી હૈ પાન કિસાનો કે લિએ. ઈસ્કો તો એગ્રિકલ્ચર ભી નહીં માંગતી હૈ સરકાર [દુઃખની વાત તો એ છે કે જી.આઈ. ટેગ હોવા છતાં સરકાર પાનના ખેડૂતો માટે કંઈ કરી રહી નથી. સરકાર તો સોપારીની ખેતીને ખેતી તરીકે પણ નથી ગણતી].”
બિહારમાં પાનની ખેતી બાગાયત ખેતી હેઠળ આવે છે અને ખેડૂતોને પાક વીમા જેવી કૃષિ યોજનાઓનો લાભ મળતો નથી. “ખરાબ હવામાનને કારણે જ્યારે અમારા પાકને નુકસાન થાય છે, ત્યારે અમને માત્ર વળતર જ મળે છે; પરંતુ વળતરની રકમ હાસ્યજનક છે.” રણજીત ચૌરસિયાને એક હેક્ટર (આશરે 79 કઠ્ઠા) માં થયેલ નુકસાન માટે વળતર પેટે ફક્ત 10,000 રૂપિયા જ અપાયા હતા. “જો તમે તેની ગણતરી કઠ્ઠાની દૃષ્ટિએ કરો, તો દરેક ખેડૂતને કઠ્ઠા દીઠ નુકસાન પેટે 126 રૂપિયા મળે છે.” અને તેઓ ઉમેરે છે કે ખેડૂતોને ઘણી વખત જિલ્લા કૃષિ કાર્યાલયના ધક્કા ખાવા પડે છે, જેથી તેઓ ઘણીવાર વળતરનો દાવો જ નથી કરતા.
*****
2023 માં ભારે ગરમીમાં તેમનો પાક ગુમાવ્યા પછી, સુનીલ અને તેમનાં પત્ની હવે અન્ય ખેડૂતોના બરેજામાં કામ કરે છે. તેઓ કહે છે, “ઘર ચલાને કે લિએ મઝદુરી કરના પડતા હૈં. પાન કે ખેત મેં કામ કરના આસાન હૈ ક્યોંકિ હમ શુરૂ સે યે કર રહે હૈં. ઈસી લિયે પાન કે ખેત મેં હી મઝદુરી કરતે હૈં [ઘર ચલાવવા માટે અમારે મજૂર તરીકે કામ કરવું પડે છે. બરેજામાં કામ કરવું અમારા માટે સરળ રહ્યું છે, કારણ કે અમે ઘણા વર્ષોથી પાનની જ ખેતી કરતાં આવ્યાં છીએ].”
દૈનિક 8-10 કલાક કામ કરીને સુનિલ 300 રૂપિયા કમાય છે અને તેમનાં પત્ની કરુણા દેવી 200 રૂપિયા. આ કમાણી છ સભ્યોના પરિવારનું ઘર ચલાવવામાં મદદ કરે છે: 3 વર્ષની એક પુત્રી અને એક, પાંચ અને સાત વર્ષના ત્રણ પુત્રો.
2020માં કોવિડ-19ના કારણે લાદવામાં આવેલા લૉકડાઉનને કારણે પણ તેમને નુકસાન થયું હતું. તેઓ કહે છે, “લૉકડાઉન દરમિયાન બજારથી માંડીને વાહનો સુધી બધું જ બંધ હતું. મારી પાસે ઘરમાં 500 ઢોલી (200 પાનનું બંડલ) પાન રાખેલું હતું. હું તેને વેચી શક્યો નહીં અને તે સડી ગયાં.”
કરુણા દેવી કહે છે,
હું ઘણીવાર તેમને [સોપારીના પાન] ની ખેતી છોડવાનું કહું છું.” જો કે, સુનીલ તેમની ચિંતાઓને
દૂર કરતાં કહે છે, “તે આપણા પૂર્વજોની વારસો છે. આપણે તેને કેવી રીતે છોડી શકીએ અને
જો આપણે તેને છોડીશું તો પણ આપણે કરીશું શું?”
આ વાર્તાને બિહારના એક ટ્રેડ યુનિયનિસ્ટની યાદમાં - જેમણે આ રાજ્યમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોના સંઘર્ષોનું સમર્થન કર્યું હતું - શરુ કરાયેલી ફેલોશિપનું સમર્થન મળ્યું છે
અનુવાદક: ફૈઝ મોહંમદ