ઈન્ટરનેશનલ કમિશન ઑફ જ્યુરિસ્ટ્સ દ્વારા 2019 માં પ્રકાશિત અહેવાલ લિવિંગ વિથ ડિગ્નિટી માં જણાવ્યા અનુસાર એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના સભ્યોને અટકાયત, બળજબરીથી લગ્ન, જાતીય અને શારીરિક હિંસા અને 'ઉપચારાત્મક' સારવાર જેવા જોખમો અને અનુભવોનો અવારનવાર સામનો કરવો પડે છે.
ઉદાહરણ તરીકે વિધિ અને આરુષ (નામો બદલ્યાં છે) નો જ કિસ્સો લઈએ તો તેમણે સાથે રહેવા માટે મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લામાંથી પોતપોતાના ઘર છોડીને મુંબઈ જવું પડ્યું હતું. વિધિ અને આરુષ (જે પોતાને ટ્રાન્સ પુરુષ તરીકે ઓળખાવે છે) મુંબઈમાં ભાડાના રૂમમાં રહે છે. આરુષ કહે છે, “મકાનમાલિકને અમારા સંબંધોની જાણ નથી. અમારે એ (સંબંધ) છુપાવવો પડશે. (મકાનમાલિકને એની જાણ થશે તો અમારે રૂમ ખાલી કરવા વારો આવશે.) અમારે રૂમ ખાલી નથી કરવો.”
ઘણી વાર એલજીબીટીક્યુઆઈએ+ વ્યક્તિઓને ઘર ભાડે આપવાનો ઈન્કાર કરવામાં આવે છે, તેમને બળજબરીથી ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવે છે, અને પરિવાર, મકાનમાલિકો, પડોશીઓ અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવે છે. લિવિંગ વિથ ડિગ્નિટી અહેવાલ જણાવે છે કે આ સમુદાયના ઘણા લોકોને બેઘર થવા વારો આવે છે.
સામાજિક કલંકના બોજ અને સતામણીને કારણે, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, ઘણા ટ્રાન્સજેન્ડર લોકોને, પોતાનું ઘર છોડીને વધુ સલામત જગ્યા શોધવા મજબૂર થવું પડે છે. 2021માં નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશન (રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ) દ્વારા પશ્ચિમ બંગાળમાં કરાયેલ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના એક અભ્યાસ માં જાણવા મળ્યું છે કે "પરિવાર લૈંગિક ઓળખ છુપાવવા માટે તેમના પર દબાણ કરે છે." અને લગભગ અડધા લોકોએ તેમના પરિવાર, મિત્રો અને સમાજના ભેદભાવભર્યા વર્તનને કારણે પોતાનું ઘર છોડી દીધું છે.
એક ટ્રાન્સ મહિલા શીતલ પૂછે છે, "અમે ટ્રાન્સજેન્ડર છીએ એનો અર્થ શું એ છે કે અમારી કોઈ ઈજ્જત નથી [અમને કોઈ આત્મસન્માન નથી]?" શીતલ શાળામાં, કામ પર, શેરીઓમાં, લગભગ દરેક જગ્યાએ વર્ષોથી કડવા અનુભવોનો ભોગ બનતા આવ્યા છે. ‘ લોકો અમારી સામે એવી રીતે જોઈ રહે છે જાણે અમે કોઈ ભૂત-પલિત ન હોઈએ ’ એ શીર્ષક હેઠળની વાર્તામાં તેઓ પૂછે છે, "શા માટે દરેક જણ અમારો તિરસ્કાર કરે છે?"
કોલ્હાપુર માં સકીના (મહિલા તરીકે તેમણે પસંદ કરેલ નામ) એ પોતાના પરિવારને તેમની મહિલા રૂપે રહેવાની ઈચ્છા વિશે જણાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓએ આગ્રહ રાખ્યો હતો કે સકીના (જેને પરિવારજનો પુરુષ તરીકે જોતા હતા) કોઈ છોકરી સાથે લગ્ન કરી લે. “ઘરમાં મારે પિતા તરીકે, પતિ તરીકે જીવવું પડે છે. હું સ્ત્રી તરીકે જીવવાની મારી ઈચ્છા પૂરી કરી શકતી નથી. હું બેવડું જીવન જીવું છું - મનથી એક સ્ત્રી તરીકે અને બહારની દુનિયા સામે એક પુરુષ તરીકે."
આપણા દેશના ઘણા ભાગોમાં એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના લોકો પ્રત્યે પૂર્વગ્રહયુક્ત વલણ પ્રવર્તે છે. દાખલા તરીકે, તૃતીય લિંગ તરીકે ટ્રાન્સજેન્ડર લોકોના માનવ અધિકારો પરનો આ અભ્યાસ દર્શાવે છે કે ટ્રાન્સજેન્ડર સમુદાય, શિક્ષણ, રોજગાર, આરોગ્યસંભાળ, મતદાન, કુટુંબ અને લગ્ન જેવા ક્ષેત્રોમાં સિસજેન્ડર લોકો (જેમની લૈંગિક ઓળખ જન્મ સમયે નિર્ધારિત લૈંગિક ઓળખ સાથે મેલ ખાતી હોય છે) ને ઉપલબ્ધ ઘણા અધિકારોથી વંચિત છે.
હિમાચલ પ્રદેશના ધર્મશાલા નગરમાં એપ્રિલ 2023 માં યોજાયેલી પહેલી પ્રાઈડ માર્ચ ને નવનીત કોઠીવાલા જેવા કેટલાક સ્થાનિકોએ શંકાની નજરે જોઈ હતી. તેમણે કહ્યું, "મને નથી લાગતું કે આ યોગ્ય છે, તેઓએ [ક્વિયર લોકોએ] આ કારણસર લડવું ન જોઈએ કારણ કે તેઓ જે માંગે છે તે કુદરતી નથી છે - તેમને બાળકો શી રીતે થશે?"
ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ રોજિંદા જીવનમાં ભેદભાવ અને એકલતાનો ભોગ બને છે, અને તેમને ઘર તેમજ નોકરી મળતા નથી. રાધિકા ગોસાવી કહે છે, “અમને ભીખ માંગવી ગમતી નથી, પણ લોકો અમને કામ આપતા નથી. રાધિકાલગભગ 13 વર્ષના હતા ત્યારે તેઓને પોતે ટ્રાન્સજેન્ડર છે એવી ખબર પડી હતી. તેઓ ઉમેરે છે, “દુકાનદારો વારંવાર અમારું અપમાન કરીને અમને હાંકી કાઢે છે. પરંતુ પેટનો ખાડો પૂરવા જેટલું કમાવા માટે અમે બધું જ સહન કરી લઈએ છીએ."
સામાજિક બહિષ્કાર અને યોગ્ય નોકરીની તકોનો ઈન્કાર એ ટ્રાન્સજેન્ડર લોકો માટે એક વાસ્તવિક સમસ્યા છે. (ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં હાથ ધરવામાં આવેલ) તૃતીય લિંગ તરીકે ટ્રાન્સજેન્ડર સમુદાયના માનવ અધિકારો પરનો અભ્યાસ દર્શાવે છે કે 99 ટકા લોકોને એક કરતા વધુ કિસ્સાઓમાં 'સામાજિક બહિષ્કાર' નો સામનો કરવો પડ્યો હતો અને લગભગ 96 ટકાને 'રોજગારની તકો' નકારવામાં આવી હતી.
ટ્રાન્સજેન્ડર રાધિકા કહે છે, “અમારે ક્યાંય જવું હોય તો રિક્ષા ચાલક ઘણીવાર અમને લઈ જતા નથી અને ટ્રેનો અને બસોમાં લોકો અમારી સાથે અસ્પૃશ્યોની જેમ વર્તે છે. અમારી બાજુમાં કોઈ ઊભું રહેતું નથી કે બેસતું નથી, પરંતુ લોકો અમારી સામે એવી રીતે જોઈ રહે છે જાણે અમે કોઈ ભૂત-પલિત ન હોઈએ."
એલજીબીટીક્યુઆઈએ+ વ્યક્તિઓએ શોપિંગ મોલ્સ અને રેસ્ટોરન્ટ સહિતના જાહેર સ્થળોએ ભેદભાવ નો સામનો કરવો પડે છે. તેમને ત્યાં પ્રવેશવા દેવામાં આવતા નથી, સેવાઓ પૂરી પાડવામાં આવતી નથી, તેઓને ગોપનીયતાનું ઉલ્લંઘન કરતી તપાસમાંથી પસાર થવું પડે છે અને તેમની પાસેથી ભેદભાવપૂર્ણ ભાવોની માગણી કરવામાં આવે છે. શિક્ષણ પૂરું કરવું એ તેમને માટે એક વધારાનો પડકાર બની જાય છે. મદુરાઇના (પરંપરાગત ગીત) કુમ્મી નૃત્યાંગના-કલાકાર કે. સ્વસ્તિકા અને આઈ. શાલીનને ટ્રાન્સ મહિલાઓ હોવાના કારણે તેઓને થતી હેરાનગતિને કારણે અનુક્રમે બીએનો અને 11 મા ધોરણનો તેમનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. વાંચો: મદુરાઇમાં કિન્નર કલાકારો: સતામણી, એકલતા, આર્થિક પાયમાલી
(સર્વોચ્ચ અદાલતે ટ્રાન્સજેન્ડરને તૃતીય લિંગ તરીકે માન્યતા આપતો ચુકાદો પસાર કર્યાના એક વર્ષ પછી) 2015 માં પ્રકાશિત થયેલ આ સર્વેક્ષણ દર્શાવે છે કે કેરલામાં ટ્રાન્સજેન્ડર સમુદાયના 58 ટકા સભ્યોએ 10 મા ધોરણનો અભ્યાસ પૂરો કરતા પહેલા શાળા છોડી દીધી હતી. અભ્યાસ પૂરો ન કરી શકવાના કારણોમાં શાળામાં ભારે સતામણી, આરક્ષણનો અભાવ અને ઘરનું પ્રતિકૂળ વાતાવરણ સામેલ છે.
*****
બોની પોલ યાદ કરે છે, "'મહિલાઓની ટીમમાં, એક પુરુષ રમી રહ્યો છે' - આ પ્રકારની હેડલાઈન્સ હતી." બોની પોલ પોતાને એક પુરુષ તરીકે ઓળખાવે છે અને તેઓ એક ઈન્ટરસેક્સ વ્યક્તિ છે. તેઓ ભૂતપૂર્વ ફૂટબોલર છે, 1998 એશિયન ગેમ્સમાં રમવા માટે રાષ્ટ્રીય ટીમ માટે તેમને પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની લિંગ ઓળખને કારણે પછીથી તેમને ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.
યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર હ્યુમન રાઈટ્સ ના કાર્યાલયના જણાવ્યા અનુસાર ઈન્ટરસેક્સ લોકો લૈંગિક લાક્ષણિકતાઓ (જનનેન્દ્રિયો, ગોનાડ્સ અને રંગસૂત્રો સહિત) સાથે જન્મે છે જે પુરુષ અથવા મહિલા શરીરના નિર્ધારિત લાક્ષણિક ધોરણો સાથે બંધબેસતી નથી.
બોની કહે છે, “મારે એક ગર્ભાશય હતું, એક અંડાશય હતું અને અંદર એક શિશ્ન હતું. મારે બંને ‘ભાગો’ [પ્રજનન અંગો] હતા. માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં મારા જેવી શરીર-રચના ધરાવતા લોકો છે. રમતવીરો, ટેનિસ ખેલાડીઓ, ફૂટબોલરો, ઘણા ખેલાડીઓ મારા જેવા છે.
બોની કહે છે કે સમાજના ડરથી તેઓ પોતાનું ઘર છોડીને બહાર નીકળતા નથી. આ અહેવાલ નોંધે છે કે એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના સભ્યો અવારનવાર વ્યક્તિગત સલામતી સામેના જોખમોનો અને દુર્વ્યવહારનો સામનો કરે છે, જેને આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ ક્રૂરતા અથવા અપમાનજનક વર્તાવ કહી શકાય. વાસ્તવમાં ભારતમાં 2018માં નોંધાયેલા માનવાધિકાર ઉલ્લંઘન ના કુલ કેસોમાંથી 40 ટકા કેસો શારીરિક હુમલાના છે, ત્યારબાદ આવે છે બળાત્કાર અને જાતીય સતામણીના કેસો (17 ટકા).
આ અહેવાલ દર્શાવે છે કે 2014 થી કર્ણાટકને બાદ કરતા દેશમાં બીજી કોઈપણ રાજ્ય સરકારે તૃતીય લિંગ ઓળખની કાનૂની માન્યતા સંબંધિત જાગૃતિ અભિયાનો હાથ ધર્યા નથી. અહેવાલમાંના તારણો પોલીસ અધિકારીઓ દ્વારા ટ્રાન્સજેન્ડર સમુદાયને થતી હેરાનગતિની તરફ પણ ધ્યાન દોરે છે.
કોરોના ક્રોનિકલ્સ નોંધે છે કે ભારતમાં કોવિડ-19 ના પહેલા લોકડાઉન દરમિયાન સેક્સ ડેવલપમેન્ટ (જાતીય વિકાસ) માં ભિન્નતા ધરાવતી ઘણી વ્યક્તિઓ "તેમની ચોક્કસ સમસ્યાઓ અને જરૂરિયાતો વિશેની સમજના અભાવ " ને કારણે જરૂરી આરોગ્યસંભાળ સહાય મેળવવામાં નિષ્ફળ ગઈ હતી. ભારતમાં એલજીબીટીક્યુઆઈએ+ સમુદાયના લોકોના આરોગ્યની સ્થિતિને સ્પષ્ટ કરવા અને સમજવા માટે પારી લાઇબ્રેરીના હેલ્થ ઑફ સેક્સ્યુઅલ અને જેન્ડર માઈનોરિટી (જાતીય અને લૈંગિક લઘુમતી આરોગ્ય) વિભાગ ના આવા ઘણા અહેવાલો મહત્વપૂર્ણ છે.
કોવિડ-19 મહામારીને કારણે સમગ્ર તમિળનાડુમાં ઘણા લોક કલાકારો બરબાદ થઈ ગયા છે ત્યારે ટ્રાન્સ મહિલા કલાકારોને સૌથી વધુ અસર પહોંચી હતી - તેમની પાસે ભાગ્યે જ કોઈ કામ કે કોઈ આવક હતા, અને કોઈ રાહત કે સરકારી લાભો પણ મળ્યા નહોતા. મદુરાઈ શહેરના ટ્રાન્સ મહિલા લોક કલાકાર 60 વર્ષના તર્મા અમ્મા કહે છે, “અમારી પાસે કોઈ નિશ્ચિત આવક હોતી નથી. અને આ કોરોના [મહામારી] ને કારણે અમે આજીવિકાની રહીસહી તકો પણ ગુમાવી દીધી છે.”
તેઓ વર્ષના પહેલા છ મહિના મહિને 8000 થી 10000 રુપિયા કમાતા. પછીના અડધા ભાગ માટે, છ મહિનામાં તર્મા અમ્મા મહિને 3000 કમાતા. મહામારીને કારણે જાહેર થયેલા લોકડાઉને એ બધુંય બદલી નાખ્યું. તેઓ કહે છે, “પુરૂષ અને મહિલા લોક કલાકારો સરળતાથી પેન્શન માટે અરજી કરી શકે છે, પરંતુ ટ્રાન્સ વ્યક્તિઓ માટે એ ખૂબ જ મુશ્કેલ છે. મારી અરજીઓ ઘણી વખત ઠુકરાવી દેવામાં આવી છે."
પરિવર્તન આવી રહ્યું છે, ઓછામાં ઓછું કાગળ પર. 2019 માં સંસદમાં ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઑફ રાઇટ્સ) એક્ટ પસાર કરવામાં આવ્યો હતો, જે સમગ્ર ભારતમાં લાગુ થયો હતો. આ અધિનિયમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થા શિક્ષણ; આરોગ્યસંભાળ સેવાઓ; નોકરી અથવા વ્યવસાય; પરિવહનનો અધિકાર; કોઈપણ મિલકત ખરીદવા અથવા ભાડે આપવા; (લોકોના પ્રતિનિધિ તરીકે) જાહેર હોદ્દા માટે ચૂંટણીમાં ઊભા રહેવા અથવા જાહેર હોદ્દાનો કાર્યભાર સાંભળવા અથવા સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કોઈપણ ઉત્પાદન, આવાસ, સેવા, સુવિધા, લાભ, વિશેષાધિકાર અથવા તકની પહોંચ બાબતે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ સાથે ભેદભાવ કરશે નહીં.
આપણું બંધારણ જાતીય ઓળખના આધારે કોઈપણ પ્રકારના ભેદભાવને પ્રતિબંધિત કરે છે. તે એમ પણ કહે છે કે મહિલાઓ અને બાળકોની સાથે ભેદભાવ ન થાય અથવા તેમના અધિકારોનો ઈન્કાર ન થાય એ સુનિશ્ચિત કરવા માટે રાજ્યો વિશેષ જોગવાઈઓ કરી શકે છે. જો કે વ્યક્તિઓ માટે આવી જોગવાઈઓ કરી શકાય કે નહીં એ અંગે બંધારણમાં કોઈ સ્પષ્ટતા નથી.
કવર ડિઝાઇનઃ સ્વદેશા શર્મા અને સિદ્ધિતા સોનાવણે
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક