એક યુવક અચાનક જ જ્યાં મહિલાઓ નૃત્ય કરી રહી હતી એ કામચલાઉ મંચ પર ચઢી ગયો અને તેણે 19-વર્ષની મુસ્કાનનો હાથ પકડી લીધો. તેણે કહ્યું, “અભી યે ગોલી માર દેંગે તો તુરત નાચને લગોગી [હમણાં એક ગોળી મારી દઈશ ને તો તું તરત નાચવા માંડીશ]."
એ યુવક મુસ્કાનને ધમકી આપતો હતો ત્યારે બાકીના પ્રેક્ષકો સીટી વગાડીને અને બૂમો પાડીને તેને પ્રોત્સાહિત કરતા રહ્યા. આ યુવા કલાકાર (મુસ્કાન) નો કોઈ વાંક ગણો તો માત્ર એટલો જ હતો કે બિહારના પૂર્વ ચંપારણ જિલ્લામાં (અશ્લીલ વર્તન કરી) તેમની હાંસી ઉડાડતા એક હજારથી વધુ માણસોના ટોળાથી ત્રસ્ત થઈ ગયેલ આ નર્તકીએ એક અશ્લીલ ભોજપુરી ગીત પર નૃત્ય કરવાની ના પાડી દીધી હતી.
રુનાલી ઓર્કેસ્ટ્રા ગ્રુપના કલાકાર મુસ્કાન સ્થાનિક રીતે "ઓર્કેસ્ટ્રા" તરીકે ઓળખાતા નૃત્ય અને સંગીતના કાર્યક્રમમાં રજૂઆત કરી રહેલ સાત નર્તકીઓમાંના એક હતા. ચિરૈયા બ્લોકમાં દુર્ગા પૂજા ઉત્સવના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોમાં નૃત્ય કરતા મુસ્કાન કહે છે, "આવી ધાકધમકીઓ અમારે નર્તકીઓ માટે કંઈ નવી નથી."
પરંતુ વાત ધાકધમકીઓથી અટકતી નથી, આ ધાકધમકીઓ ઝડપભેર અમારી ઈચ્છા વિરુદ્ધ અનિચ્છનીય જાતીય હરકતો દ્વારા અમારી છેડતી કરવાના પ્રયાસોમાં ફેરવાઈ જાય છે. એક નર્તકી રાધા કહે છે, “કમર પર હાથ રખના યા બ્લાઉઝ મેં હાથ ઘુસાને કી કોશિસ કરના યહાં મર્દો કી રોજમર્રા કી હરકતે હૈં [પુરુષો અમારી કમર પર હાથ મૂકે છે અથવા અમારા બ્લાઉઝમાં જબરદસ્તી હાથ સરકાવવાનો પ્રયાસ કરે છે. આવું (બેહુદું) વર્તન અહીં રોજિંદી બાબત છે]."
બિહારમાં સામાન્ય રીતે વિવિધ તહેવારો, ખાનગી પાર્ટીઓ અથવા લગ્નપ્રસંગો દરમિયાન ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. નર્તકીઓને પ્રત્યેક રજૂઆત દીઠ 1500-2000 રુપિયાની વચ્ચેની કોઈક રકમ ચૂકવવામાં આવે છે. સૌથી અનુભવી કલાકારોને પણ એક રજૂઆત માટે 5000 રુપિયાથી વધારે મળતા નથી. વધુ કાર્યક્રમો માટે તેમને બોલાવવામાં આવે તે માટે નર્તકીઓ ઘણીવાર ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોના એક કરતાં વધુ આયોજકોના સંપર્કમાં રહે છે.
મુસ્કાન સમજાવે છે, "ભારત અને નેપાળના વિવિધ ભાગોમાંથી લગભગ 200 છોકરીઓ સોનેપુર મેળામાં ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોમાં નૃત્ય કરવા આવે છે." બિહારના સારણ જિલ્લામાં સોનેપુર મેળામાં દર વર્ષે આયોજિત થતા ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોના એક આયોજક સાથે મુસ્કાનનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને ત્યારથી તેઓ (એક વ્યાવસાયિક) નર્તકી તરીકે કામ કરી રહ્યા છે. કામ કરતા કરતા ધીમે ધીમે તેમણે આ કામમાં કુશળતા મેળવી લીધી હતી.
સામાન્યત: 15-35 વર્ષની વય વચ્ચેની છોકરીઓને આ કાર્યક્રમો માટે નર્તકીઓ તરીકે રાખવામાં આવે છે. મુસ્કાન ઉમેરે છે, “કેટલીક છોકરીઓ (આ વ્યવસાયમાં આવ્યા પછી) હજી પણ તેમના પરિવારના સંપર્કમાં છે. તેઓ વર્ષમાં એક કે બે વાર પોતાને ઘેર જાય છે." તે કહે છે, "તેઓ શું કામ કરે છે એ તેમના પરિવારો જાણે છે." અને પરિવારજનો તેમના આ કામ બાબતે અણગમો બતાવતા નથી કે તેમને ઠપકો પણ આપતા નથી તેનું કારણ સમજાવતા તેઓ કહે છે, "આખરે પરિવારને પણ પૈસાની જરૂર છે અને આ છોકરીઓ આ કામ કરીને પરિવારની જરૂરિયાતો પૂરી કરે છે, પરિવારને પોષે છે."
સતામણીનો સામનો કરવો પડતો હોવા છતાં ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોમાં નૃત્ય કરવાથી મુસ્કાનને આજીવિકા કમાવામાં મદદ મળે છે - અને તેથી તેઓ આ કામ કરવાનું ચાલુ રાખે છે. મુસ્કાન માત્ર 13 વર્ષના હતા ત્યારે કોલકતાના 29 વર્ષના એક યુવક સાથે તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા. અપમાનજનક લગ્નના ત્રણ વર્ષ પછી આખરે તેઓ તેમના સાસરેથી ભાગી ગયા હતા.
માત્ર એક વર્ષની દીકરી સાથે બિહાર જતી ટ્રેનમાં તેઓ કેવી રીતે ચડી ગયા હતા એ યાદ કરતા મુસ્કાન કહે છે, "મેં દીકરીને જન્મ આપ્યો હતો એ તેને [મારા પતિને] ગમતું ન હતું અને તે અમારું બાળક વેચી નાખવા માગતો હતો." પછીથી સોનેપુરના મેળામાં મુસ્કાનને કામ મળી ગયું હતું.
મુસ્કાન જણાવે છે કે ઓર્કેસ્ટ્રા નર્તકીઓ પ્રત્યે ખૂબ ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે, તેની અસર તેમની મૂળભૂત જરૂરિયાતો ઉપર પણ થાય છે. મુસ્કાન કહે છે, "અમારા માટે રહેવાનું ઠેકાણું શોધવાનું પણ અઘરું છે." મુસ્કાન અને તેમની દીકરી પટનાની બહારના વિસ્તાર દિઘામાં ભાડાના મકાનમાં રહે છે. તેઓ નર્તકી તરીકે કામ કરતી બીજી છ છોકરીઓ સાથે બે બેડરૂમના આ પાકા મકાનમાં રહે છે. “મને અહીં આ છોકરીઓ સાથે રહેવાનું ગમે છે. આ જગ્યા સસ્તી છે અને અમે બધા ભાડું અને બીજા ખર્ચા વહેંચી લઈએ છીએ.”
સતામણી અને ભેદભાવનો સામનો કરવો પડતો હોવા છતાં મુસ્કાનa તેમને ત્રાસ આપતા પતિ સાથે રહેવા કરતા આ કામ કરવાનું વધુ પસંદ કરે છે. તેઓ કહે છે, “યહાં [ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોમાં] તો સિર્ફ છૂ કે છોર દેતે હૈ, કમ સે કમ પહેલે કી તરહ રોજ રાત કો રેપ તો નહીં હોતા [અહીં તો તેઓ ફક્ત તમને અડકીને છોડી દે છે. કમ સે કમ પહેલાની જેમ રોજ રાત્રે બળાત્કારનો ભોગ બનવા કરતા તો આ વધારે સારું]."
ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોમાં પોતે સતામણીનો ભોગ બન્યા પછી મુસ્કાન નથી ઈચ્છતી કે તેની દીકરી મોટી થઈને તેમની જેમ નર્તકી બને. દીકરી અભ્યાસ કરીને તેમના કહેવા પ્રમાણે "એક બહેતર જિંદગી" જીવે એવું તેઓ ઈચ્છે છે. મુસ્કાને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું હતું, પણ પછીથી તેમના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.
મુસ્કાન કહે છે, “પરંતુ અહીં અમારામાંથી ઘણા પાસે કોઈ આઈડી [ઓળખના પુરાવા] નથી." પરિણામે શાળાઓમાં પ્રવેશ મેળવવાનું મુશ્કેલ બને છે. તેઓ ઉમેરે છે, "મને ખબર નથી કે આ પુરાવા વિના હું તેને શાળાએ કેવી રીતે મોકલીશ. અમારે મદદની જરૂર છે પણ કોની પાસે મદદ માગવી તેની અમને ખબર નથી."
પ્રિયા ઓર્કેસ્ટ્રા કાર્યક્રમ માટે પટનાની મુલાકાત લે છે ત્યારે તેઓ મુસ્કાન સાથે રહે છે, પ્રિયા ઓર્કેસ્ટ્રા જૂથમાં ડ્યુએટ ડાન્સર (યુગલ કલાકાર) તરીકે કામ કરે છે. તેઓ માત્ર 16 વર્ષના હતા ત્યારથી તેમણે પોતાના પતિ સાથે નર્તકી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું.
હવે 20 વર્ષના પ્રિયા કહે છે, “હું આ કામ હંમેશ માટે કરવાનું ચાલુ ન રાખી શકું." તેઓ પોતાના પતિ સાથે મળીને સામાન્ય માલસામાનની દુકાન (જનરલ સ્ટોર) ખોલવા માગે છે. તેઓ ઉમેરે છે, “ટૂંક સમયમાં હું બાળકને જન્મ આપવાનું વિચારી રહી છું. અમે નથી ઈચ્છતા કે અમારા બાળકને ઓર્કેસ્ટ્રા ક્ષેત્ર સાથે ક્યારેય કોઈ લેવાદેવા હોય."
બીજા એક નર્તકી મનીષાએ 10 મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કર્યા પછી ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોમાં રજૂઆત કરવાનું શરૂ કર્યું હતું. તેમના પિતાનું અવસાન થયું છે અને તેમની માતાને ઘર-નોકર તરીકે મળતા પગારથી પરિવારનું ગુજરાન ચાલી શકે એમ નહોતું. તેઓ કહે છે, “આ કામ કામચલાઉ છે; હું લાંબા સમય સુધી આ કાર્યક્રમોમાં કામ નહિ કરું. થોડા વખત પછી મારી પાસે પૂરતા પૈસા થશે ત્યારે હું આ કામ છોડી દઈશ અને કોઈ સારા માણસ સાથે લગ્ન કરી લઈશ.”
બિહારના સારણ જિલ્લામાં છપરા નગર નજીક એક સ્થાનિક બજાર - જનતા બજારમાં ઘણી શેરીઓમાં ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોના આયોજકોની હારબંધ ઓફિસો આવેલી છે. ઓર્કેસ્ટ્રા કાર્યક્રમોના આયોજકોમાંના એક વિકી કહે છે, "જનતા બજાર તો પુરા હોલસેલ બજાર જૈસા હૈ ઓર્કેસ્ટ્રા ડાન્સર્સ કા [જનતા બજાર તો ઓર્કેસ્ટ્રા નર્તકીઓના જથ્થાબંધ બજાર જેવું છે]."
નર્તકીઓને થતી સતામણીથી વાકેફ વિકી કહે છે, “ઘણી વખત નર્તકીઓને 'છિનાળ' ધારી લેવામાં આવે છે અને તેમને સતાવવામાં આવે છે. જોકે તેમને સતાવનાર કરનારા પુરુષો વિશે કોઈ કંઈ બોલતું નથી.” તેઓ ઝડપથી ઉમેરે છે, “હું પરિણીત પુરુષ છું અને મારો પોતાનો એક પરિવાર છે. નર્તકીઓને મારા પરિવારનો જ એક હિસ્સો માનીને હું તેમની સાથે વર્તું છું.” તેઓ કહે છે કે ઘણી વાર મોટા પાયે યોજાયેલ ઓર્કેસ્ટ્રા કાર્યક્રમો માટે તેમણે પૈસા ખર્ચીને સુરક્ષા કર્મચારીઓની વ્યવસ્થા કરવી પડે છે.
વિકી કહે છે, “પીપીમાં પજવણી વધુ સામાન્ય છે." તેઓ સમજાવે છે કે, પીપી એટલે પ્રાઈવેટ (ખાનગી) પાર્ટીઓ, જે સામાન્ય રીતે હાઈ-પ્રોફાઈલ લોકો (સમાજના કહેવાતા મોટા માણસો) દ્વારા યોજવામાં આવે છે. બીજા એક આયોજક રાજુ કહે છે, "ઘણીવાર નર્તકીઓને પોલીસની સામે જ સતાવવામાં આવે છે."
આ વાર્તામાં તમામ લોકોના નામો બદલેલા છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક