બરફ વિક્રેતાઓ મત્સ્ય ઉદ્યોગ માટે મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને તમિલનાડુના દરિયાકિનારે આવેલા ગરમ હવામાનવાળા કુડ્ડલોરના વ્યસ્ત માછીમારી બંદર પર. અહીં શહેરના ઓલ્ડ ટાઉન બંદર પર, મોટી કંપનીઓ માછલીઓના મોટા વેપારીઓ અને યાંત્રિક બોટોને જથ્થાબંધ બરફ પૂરો પાડે છે.
પોતાની ઓળખ કોતરી રહેલાં કવિતા, માછીમારો અને મહિલા માછલી વિક્રેતાઓને બરફ વેચે છે. તેઓ 800 રૂપિયામાં બરફનો મોટો બ્લોક ખરીદે છે, જેને આગળ જતાં આઠ નાના બ્લોકમાં વિભાજીત કરવામાં આવે છે, જે દરેકની કિંમત 100 રૂપિયા જેટલી થાય છે. આ એક એવું કાર્ય છે જેમાં નોંધપાત્ર શારીરિક શ્રમ કરવો પડે છે. તેથી કવિતાએ 600 રૂપિયાના વેતન અને બે ટંકનું ખાવાની શરતે એક પુરુષ મજૂરને પણ કામે રાખ્યો છે.
41 વર્ષીય બરફ વિક્રેતા કહે છે, “હું જે મહિલાઓને બરફની જરૂર હોય તેમને નાના બ્લોક્સ લઈ જવામાં મદદ કરું છું. તેમાં સખત મહેનત કરવી પડે છે અને તેમ છતાં અમે માંડ માંડ ગુજારો કરી શકીએ છીએ. હું ખરેખર પૈસા બચાવવા માંગુ છું, પરંતુ અમે મોટી કંપનીઓ સાથે સ્પર્ધા કરી શકીએ તે રીતે વિકાસ કરી શકતાં નથી.”
કવિતાએ 2017માં બરફ વેચવાનું શરૂ કર્યું હતું. તેઓ કહે છે, “મારા સસરા અમૃતલિંગમની તબિયત લથડતાં હું બરફ વેચવાના વ્યવસાયમાં જોડાઈ હતી. મારા પતિને આમાં રસ નહોતો અને મારાં જેઠ વિદેશમાં સ્થળાંતર કરી ગયા હતા.” વધુમાં, શાળા સુધી ભણેલાં કવિતા પાસે આ વેપારમાં યોગદાન આપવા માટે ઉપયોગી કુશળતા હતી.
કવિતા પાંચ ભાઈ-બહેનોમાં સૌથી નાનાં છે. તેમના પિતા, એક સ્વ-પ્રશિક્ષિત મિકેનિક, જ્યારે કવિતા લગભગ 14 વર્ષની હતી ત્યારે બીમાર પડ્યા હતા. કવિતા એ વખતે નવમા ધોરણમાં ભણતાં હતાં. પછી તેમણે શાળા છોડી દીધી અને તેમનાં માતા સાથે ખેતમજૂરીનું કામ — ડાંગરની રોપણી અને નીંદણ માટે જવાનું શરૂ કર્યું.
જ્યારે તેમણે એક કલાકાર અને ચિત્રકાર અંબુ રાજ સાથે લગ્ન કર્યા ત્યારે તેઓ 23 વર્ષનાં હતાં. આ દંપતી તેમના બાળકો 17 વર્ષીય વેંકટેસન, અને 15 વર્ષીય થાંગા મિત્રા સાથે કુડ્ડલોર ઓલ્ડ ટાઉન બંદર નજીક સંદ્રુરપાલેયમ નામની નેસમાં રહે છે.
તેમના સસરા, 75 વર્ષીય અમૃતલિંગમે 20 કરતાં વધુ વર્ષ પહેલાં આ બંદર પર બરફ વેચવાનું શરૂ કર્યું હતું, તે સમયે ત્યાં બરફ ફક્ત વેપારીઓને જથ્થાબંધ વેચવામાં આવતો હતો અને કોઈ નાના બ્લોક્સમાં બરફ વેચતું ન હતું. અમૃતલિંગમ પાસે જથ્થાબંધ જથ્થો પૂરો પાડવા માટે જરૂરી મૂડી નહોતી, પરંતુ તેમણે તેમના માટે એક વિશિષ્ટ જગ્યા શોધી કાઢી જ્યાં તેઓ નાના પાયે વિક્રેતાઓને બરફ વેચી શકે.
કવિતા કહે છે, “મોટા વેપારીઓ પાસે બરફનાં કારખાનાં, વજન ઉંચકનારા, પરિવહન સુવિધાઓ અને વિક્રેતાઓ હોય છે.” તેમના પોતાના નજીવા સંસાધનો 20 ચોરસ ફૂટની દુકાન સુધી મર્યાદિત છે, જેને તેમણે બરફ રાખવા અને વેચાણ માટે નાના ટુકડા કરવા માટે 1,000 રૂપિયે મહિને ભાડે રાખી છે.
કવિતા કહે છે, “મોટા બરફના વેપારીઓ તરફથી હરીફાઈ વધી રહી છે, પણ મારે ટકી રહેવું પડશે.”
માછીમારીમાં પ્રક્રિયા દરમિયાન, સંગ્રહમાં, વિતરણમાં અને માર્કેટિંગના વિવિધ તબક્કામાં બરફની જરૂર પડે છે. સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બહાર પાડવામાં આવેલ મરીન ફિશરીઝ સેન્સસ 2016 મુજબ, માછીમારી ક્ષેત્રના વ્યવસાયોમાં માછલીનું માર્કેટિંગ, જાળીની બનાવટ અને સમારકામ, માછલીઓ જૂદી પાડવી, તેના પર પ્રક્રિયા કરવી અને છાલ કાઢવાનો સમાવેશ થાય છે. અહીંના કામદારોને ‘મજૂર’ અને ‘અન્ય’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં ‘અન્ય’માં તેવા લોકોનો સમાવેશ થાય છે જેઓ માછલીની હરાજી, બરફ તોડવા, છીપ, શંખ, શેવાળ, સુશોભન માટેની માછલી વગેરેના સંગ્રહમાં કામ કરે છે.
તમિલનાડુમાં , 2,700 મહિલાઓ અને 2,221 પુરુષોને ‘અન્ય’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે, જ્યારે કુડ્ડલોર જિલ્લા માટે, આ આંકડો 404 મહિલાઓ અને 35 પુરુષોનો છે. આમાંના ત્રણ-ચતુર્થાંશ લોકો કુડ્ડલોર ઓલ્ડ ટાઉન બંદર નજીકના ગામોમાં વસે છે. બરફ સંબંધિત કામ સાથે સંકળાયેલા લોકો સામાન્ય રીતે બરફને ઉતારે છે અને તેના ટૂકડા કરે છે, માછલીને બરફમાં પેક કરીને ખોખામાં મૂકે છે અને તેને વાહનોમાં ચઢાવે છે, જે તેમને આગળના સ્થળે લઈ જાય છે.
કવિતા નજીકની સ્ટેટ ઇન્ડસ્ટ્રીઝ પ્રમોશન કોર્પોરેશન ઓફ તમિલનાડુ લિમિટેડ (SIPCOT) ઔદ્યોગિક વસાહતમાં આવેલી બે કંપનીઓ પાસેથી બરફ ખરીદે છે, જેને તેઓ નાના પાયે ખરીદતા વેપારીઓ અને માથે બરફ ઉંચકીને વેચતા લોકોને વેચે છે.
કવિતાનો ઊંચો અને પાતળપ બાંધો તેમના શારીરિક શ્રમને ઝાંખો કરી દે છે. તેઓ કહે છે, “બંદર પરની અમારી દુકાનથી પુલ પર જ્યાં મહિલા માછલી વિક્રેતાઓ બેસે છે ત્યાં બરફના બ્લોક્સને માથા પર ઉંચકીને લઈ જવા મુશ્કેલ કામ છે.” દુકાનમાંથી સ્થાનિક રીતે બરફના બ્લોક્સના પરિવહન માટે ભાડે કરેલી મોટરસાઇકલ વાન ટ્રિપ દીઠ 100 રૂપિયા વસૂલે છે. કવિતા બરફ તોડવાના મશીનમાં દરરોજ 200 રૂપિયાનું ડીઝલ પણ ભરે છે.
ધંધો ચલાવવો ખર્ચાળ કામ છે. કવિતા બરફના 210 બ્લોક 21,000 રૂપિયામાં ખરીદે છે અને તે ઉખરાંત શ્રમ, બળતણ, ભાડું અને પરિવહન માટે વધારાના સાપ્તાહિક ચાર્જ પણ ચૂકવે છે, જે તેમના કુલ ખર્ચને 26,000 રૂપિયા સુધી લઈ જાય છે. તેમની આવક 29,000 થી 31,500 રૂપિયા જેટલી છે, જેનાથી તેમને 3,000 થી 3,500 રૂપિયા સાપ્તાહિક નફો થાય છે; જે નોંધપાત્ર દેખાય છે. જો કે, આ કવિતા અને તેમના પતિ અંબુ રાજની સંયુક્ત કમાણી છે.
તેમને માછીમાર ગણવામાં આવતાં ન હોવાથી, કવિતા માછીમાર મહિલાઓની સહકારી મંડળીઓમાં સભ્યપદ માટે પાત્ર નથી. જો તેઓ આ મંડળીઓનાં સભ્ય હોત તો તેમને સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળ્યો હોત. તેઓ વન્નિયર સમુદાયનાં છે, જેને સૌથી પછાત જાતિ (એમબીસી) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, અને માછીમારી સાથે સંકળાયેલી જાતિઓમાં તેની ગણતરી નથી .
સરકારી નીતિઓમાં કવિતા જેવી સ્ત્રીઓનો ઉલ્લેખ ખૂબ ઓછો જોવા મળે છે, જેમનું કાર્ય મત્સ્યઉદ્યોગ ક્ષેત્રના હાંસિયામાં ગણવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમિલનાડુના માછીમારી અને અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ (સામાજિક સુરક્ષા અને કલ્યાણ) માં સંકળાયેલ માછીમારો અને મજૂરો અધિનિયમ, 2007 મુજબ, કવિતાના કાર્યને ‘બીચ વર્કર’ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે, જેમાં બરફ ઉતારવો અને બરફ તોડવો, ખોખામાં માછલી પેક કરવી અને પરિવહન માટે તેમને ગાડીમાં ચઢાવવાનો સમાવેશ થાય છે. પરંતુ તેમને આ પ્રકારના વર્ગીકરણથી કોઈ ફાયદો થતો નથી.
*****
કવિતા અને તેમના 42 વર્ષીય પતિ અંબૂ રાજનો દિવસ વહેલો શરૂ થાય છે, જેઓ સવારે 3 વાગ્યે બંદરે જવા માટે નીકળે છે અને બરફ વેચવાનું શરૂ કરે છે. સવારે 3 થી 6 વાગ્યા વચ્ચેના સમયે જ્યારે વિવિધ રાજ્યોમાંથી વેપારીઓ માછલી ખરીદવા આવે છે ત્યારે બરફનું વેચાણ ચરમસીમાએ હોય છે. મોટાભાગના માછીમારો આ સમયે તેમણે પકડેલી માછલીઓ ઉતારે છે અને તેમને સાચવવા માટે બરફની જરૂર પડે છે.
સવારે 6 વાગ્યે, કવિતાનાં સાસુ 65 વર્ષીય સીતા, શાળાએ જતા પહેલા બાળકો માટે રસોઇ બનાવવા ઘરે પરત આવેલ કવિતાને થોડો આરામ આપે છે. સવારે 10 વાગ્યે, કવિતા બંદર પર બરફ વેચાવ પરત આવી જાય છે. તેઓ સાઇકલ ચલાવીને બંદર પરની દુકાન અને ઘર વચ્ચેનું અંતર માંડ પાંચ મિનિટમાં કાપે છે. જો કે, બંદરમાં શૌચાલય અને કપડાં ધોવાની સુવિધાનો અભાવ છે, જે એક સમસ્યા છે.
પરિવારના નિર્ણય લેવામાં સીતાનો મહત્ત્વનો ફાળો છે. કવિતા કહે છે, “તેમણે જ એક ખાનગી ફાઇનાન્સ કંપની પાસેથી બરફ તોડવાનું મશીન ખરીદવા માટે 50,000 રૂપિયા ઉધાર લીધા હતા.”
તેઓ ઉમેરે છે: “મને એ પણ ખબર નથી કે અમારા ઉધાર પર કેટલું વ્યાજ છે, મારાં સાસુ આ બધાનું આયોજન કરે છે અને તમામ મોટા નિર્ણયો લે છે.”
પણ કવિતાને ધંધાની સમજ તો છે. ક્રેડિટ પર વેચાણ કરતી વખતે, તેઓ તરત જ તે વ્યવહાર નોંધી લે છે. તેઓ બરફના વેચાણ અને ખરીદી પર પણ નજર રાખે છે. પરંતુ તેમણે બધી આવક તેમનાં સાસુને આપવી પડે છે.
કવિતા ફરિયાદ કરવા માંગતાં નથી, કારણ કે તેમની બધી જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવે છે. તેઓ કહે છે, “હું કમાણી કરું છું, અને ભલે એ પૈસાનો વહીવટ હું ન કરતી હોઉં, પણ તેનાથી મને ઘરે માન મળે છે.” આ પરિવાર બંદરથી લગભગ 2 કિમી દૂર ત્રણ ઓરડાવાળા મકાનમાં રહે છે.
તેઓ સમજાવે છે, “અમે એક ગાઢ સંબંધથી જોડાયેલ કુટુંબ છીએ, અમે બધા એકબીજાને ટેકો આપીએ છીએ.” તેમનાં બાળકોની શાળાની ફી તેમના સાળા અરુલ રાજ દ્વારા ચૂકવવામાં આવે છે, જેમણે મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને સિંગાપોરમાં કામ કરે છે.
જેમ જેમ તેમનાં સાસરિયાં વૃદ્ધ થાય છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓ વધે છે, તેમ તેમ કવિતા પરિવાર માટે વધતી જવાબદારીઓ સંભાળી રહ્યાં છે અને બરફના વ્યવસાયમાં પણ સક્રિય ભાગ ભજવી રહ્યાં છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ