ગધેડીના એક લિટર દૂધના સાત હજાર રૂપિયા? અરે, કોઈપણ વસ્તુના એક લિટરના આટલા તે હોતા હશે કંઈ? વાત તો બુદ્ધિની બહારની લાગે છે , પરંતુ સપ્ટેમ્બર 2020 માં અખબારના મથાળામાં ગુજરાતના સૌરાષ્ટ્રની હાલારી ગધેડીઓના દૂધ વિશે આ જ કહેવામાં આવ્યું હતું. તે સાચું પણ નીકળ્યું - જો કે ફક્ત એક માત્ર ચકાસી શકાય તેવા દાખલામાં. અને જો તમે ભૂલેચૂકે ય ગુજરાતના હાલારી-ઉછેરનારા સમુદાયોને એવું સૂચવવાની હિંમત કરી કે ગધેડીના દૂધના કાયમ આવા જ ભાવ મળે છે તો તેઓ તમારી ઠેકડી ઉડાવી તમને ત્યાંથીહાંકી કાઢશે.
દુર્લભ ઔષધીય ગુણો ધરાવતા હોવાનું કહેવાતા આ દૂધના ભાવ ગુજરાતમાં મહત્તમ 125 રુપિયે લિટર સુધી પહોંચ્યા છે. અને તે પણ સંશોધન માટે મર્યાદિત માત્રામાં આ દૂધ ખરીદતી સંસ્થાએ આપ્યા છે.
અને અખબારના મથાળા નો પીછોકરતો હું આવી પહોંચ્યો સૌરાષ્ટ્રમાં. રાજકોટ જિલ્લાના કપાસના ઉજ્જડ ખેતરોમાં હું દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ બ્લોકના જામપર ગામના 60 વર્ષના પશુપાલક ખોલાભાઇ જુજુભાઇ ભરવાડને મળ્યો. તેઓ તેમના પરિવાર તેમજ બકરીઓ અને ઘેટાંનાં ટોળાં અને પાંચ હાલારી ગધેડાં સાથે વાર્ષિક સ્થળાંતરના રસ્તે હતા. .
ખોલાભાઈએ કહ્યું, "ફક્ત રબારી અને ભરવાડ સમુદાય જ હાલારી ગધેડાં રાખે છે.” અને તેમાંના ઘણા ઓછા પરિવારો "પરંપરાને જીવંત રાખે છે. આ પ્રાણીઓ સુંદર છે પરંતુ આમાંથી અમને ખાસ આવક ના થાય. એક પૈસો ના આવે.”" ખોલાભાઈ અને તેમના પાંચ ભાઈઓ પાસે કુલ મળીને 45 ગધેડા છે .
વિચરતા પશુપાલકોની આવકની ગણતરી ખૂબ ગૂંચવણભરી છે. તેમની આવક ન તો સ્થિર છે અને ન તો નિશ્ચિત. અને બીજા કેટલાકની માફક ઇંધણ અને વીજળી પર તેમનો માસિક ખર્ચો એકસરખો હોતો નથી. કોઈ સામાન્ય અનુમાન ન કાઢવા અંગે અમને તાકીદ કરતા ભુજના સહજીવન પશુપાલન કેન્દ્રના (એનજીઓ) સંશોધનકારો કહે છે કે પાંચ વ્યક્તિના પરિવારની કુલ આવક (પશુઓના ટોળાના કદના આધારે) વર્ષે 3-5 લાખ રુપિયા અને ચોખ્ખી આવક (બધા ખર્ચ પછી) વર્ષે 1-3 લાખ રુપિયા જેવી હોઈ શકે. આ બકરા અને ઘેટાંનું ઊન ને દૂધ વેચવાથી થતી આવક છે.
ગધેડાં તેમના માટે નહિવત આવક પેદા કરતા હોય અથવા કોઈ જ આવક પેદા ન કરતા હોય એવું લાગે છે. હવે છેલ્લા કેટલાક વર્ષોથી પશુપાલકોની આવકમાં ઘટાડો થતા તેઓને હાલારી ગધેડાંના ટોળાં સંભાળવાનું મુશ્કેલ લાગે છે.
પશુપાલન કેન્દ્રના રમેશ ભટ્ટી કહે છે કે ટોળાનું સરેરાશ કદ તેના માલિકના પરિવારના કદ પર આધારિત છે. ચાર ભાઈઓનો પરિવાર સંવર્ધન કરતો હોય, તો તેમની પાસે 30 થી 45 ગધેડાં હોઈ શકે છે. અમદાવાદ નજીક દિવાળી પછી યોજાતા વાર્ષિક મેળામાં તેઓ આ પ્રાણીઓનું વેચાણ કરે છે. તો સ્થળાંતર કરતા સમુદાયો, જે ગધેડાંનો બોજવાહક પ્રાણીઓ તરીકે ઉપયોગ કરે છે, તેઓ ચાર કે પાંચ ગધેડીઓ રાખતા હોય છે.
સંવર્ધકો અને પશુપાલકોને હમણાં સુધી ગધેડીના દૂધ માટેનું બજાર મળ્યું ન હતું. ભટ્ટી કહે છે, “ગધેડીનું દૂધ મોટા બજારોમાં પ્રચલિત નથી. 2012-13 માં દિલ્હીના ઓર્ગેનિકો નામના સામાજિક સાહસે ગધેડીના દૂધમાંથી સૌંદર્યવર્ધક ઉત્પાદનો બનાવવાનું શરૂ કર્યું હતું, છતાં ભારતમાં હજી આ માટે કોઈ ઔપચારિક બજાર નથી. "
હાલારી ગધેડાં એ સૌરાષ્ટ્રની એક સ્થાનિક નસલ છે, જેનું નામ હાલાર પરથી પડ્યું છે. હાલાર એ હાલના જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને રાજકોટ જિલ્લાઓને અનુરૂપ પશ્ચિમ ભારતનો ઐતિહાસિક પ્રદેશ છે. મને સૌથી પહેલા રમેશ ભટ્ટી પાસેથી આ નસલ વિષેની જાણકારી મળી. આ રંગે સફેદ, મજબૂત અને હૃષ્ટપુષ્ટ ગધેડાં એક દિવસમાં 30-40 કિલોમીટર ચાલી શકે છે. તેઓ પશુપાલકોના સ્થળાંતર દરમ્યાન બોજવાહક પ્રાણીઓ તરીકે અને ગાડાં ખેંચવા માટે ઉપયોગમાં લેવાય છે.
હાલારી એ નેશનલ બ્યુરો ઓફ એનિમલ જિનેટિક રિસોર્સિસ દ્વારા સ્થાનિક ગધેડાની નસલ તરીકે ગુજરાતમાંથી નોંધાનાર અને માન્યતા પ્રાપ્ત કરનારી આ પ્રથમ નસલ છે. રાષ્ટ્રીય સ્તરે, હાલારી એ હિમાચલ પ્રદેશના સ્પીતી ગધેડા પછીની બીજી નસલ છે. હાલારી પછી તરત જ ગુજરાતના કચ્છી ગધેડા આવે છે.
2019ની 20 મી પશુધન ગણતરી ભારતની ગધેડાની વસ્તીમાં ભયજનક ઘટાડો નોંધે છે - તેમની સંખ્યા 2012 માં 330,000 થી ઘટીને 2019 માં 120,000 થઈ ગઈ છે - આ લગભગ 62 ટકા જેટલો ઘટાડો છે. ગુજરાતમાં હાલારી ગધેડાંની તેમ જ તેના સંવર્ધકોની સંખ્યામાં આ ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે.
2018 માં સહજીવન દ્વારા શરૂ કરાયેલા (અને પશુપાલન વિભાગ, ગુજરાત સરકારrને સુપ્રત કરેલા) એક અભ્યાસમાં પાંચ વર્ષ દરમિયાન તમામ પ્રકારના ગધેડાંની વસ્તીમાં 40.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતના 11 તાલુકાઓમાં જ્યાં આ પશુઓ અને તેમના સંવર્ધકો રહે છે ત્યાં હાલારીઓની સંખ્યા 2015 માં 1112 થી ઘટીને 2020 માં 662 થઈ ગઈ છે. અને તે જ સમયગાળામાં હાલારીના સંવર્ધકોની સંખ્યા 254 થી ઘટીને 189 થઈ છે.
ઘટાડા પાછળના કારણો? જામપર ગામના 57-58 વર્ષના પશુપાલક મંગાભાઇ જાદાભાઇ ભરવાડ હતાશાથી પૂછે છે, "ગધેડા ચરાવવા માટે જમીન ક્યાં છે? મોટાભાગની ચરાઉ જમીન હવે વાવેતર હેઠળ છે. બધી જગ્યાએ ખેતી છે. જંગલની ભૂમિમાં પણ ગધેડા ચરાવી ન શકીએ. તે કાયદા દ્વારા પ્રતિબંધિત છે." અને, તે ઉમેરે છે, “હાલારી ગધેડાને સંભળવા અઘરું કામ છે. તેમની પ્રકૃતિ ખરાબ હોય છે. તેમની સંખ્યા ઝડપથી વધતી નથી. ”
બદલાતી આબોહવાની પરિસ્થિતિ અને વધતો જતો અનિયમિત વરસાદ પશુપાલકોને પણ પરેશાન કરે છે. આ વર્ષે સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ પડ્યો હતો, પરિણામે ઘણા ઘેટાં-બકરાં માર્યા ગયા હતા. જામપર ગામના 40 વર્ષના હમીર હાજા ભુડિયા કહે છે, “આ વર્ષે મારા 50 ટકા પશુઓ વરસાદના કારણે માર્યા ગયા છે. જુલાઈમાં દિવસો સુધી સતત વરસાદ પડ્યો. શરૂઆતમાં તો મને લાગ્યું કે મારા બધા જ પશુઓ મરી જશે, પરંતુ થોડાઘણા જીવી ગયા, દયા ભગવાન શ્રીકૃષ્ણની.”
ભાવનગર જીલ્લાના ગઢડા બ્લોકના ભંડારિયા ગામના 40-45 વર્ષના પશુપાલક રુરાભાઈ કાન્હાભાઈ છઢકા કહે છે, “અગાઉ બધું સંતુલિત હતું. ક્યાંય વધારે પડતો વરસાદ નહિ કે વધારે પડતો તડકો નહિ. ત્યારે ચરાવવાનું સરળ હતું. હવે અચાનક એક સમયે એટલો બધો વરસાદ પડે છે, મારા ઘેટાં-બકરાં મરી જાય છે. અને બીજા પશુઓ દ્વારા થતી આવક ઘટતી હોવાથી, હાલરીનું મોટું ટોળું રાખવું અમારે માટે મુશ્કેલ છે." જ્યારે પશુ બીમાર હોય અને તબીબી સહાયની જરૂર પડે ત્યારે સ્થળાંતરના માર્ગો પર પશુચિકિત્સા અધિકારીઓની ગેરહાજરી એ પશુપાલકો માટે વધારાની મુશ્કેલી ઊભી કરે છે.
કેટલાક પરિવારોએ તેમના ગધેડાં વેચી દીધા છે. પોરબંદર બ્લોક અને જિલ્લાના પરવાડા ગામના સમુદાયના નેતા અને હાલારી સંવર્ધક 64 વર્ષના રાણાભાઈ ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, "યુવા પેઢીઓને ગધેડાના પશુપાલનમાં રસ નથી. સ્થળાંતર દરમિયાન ગાડાં ખેંચવા સિવાય હવે આ પ્રાણીઓ બીજા શું કામના છે? આ કામ આજકાલ અમે નાના ટેમ્પોની મદદથી કરી લઈએ છીએ." (પશુપાલકો તેમના માર્ગ પર આગળના મુકામે કેટલીક જરૂરી ભારે ચીજો ઉતારવા માટે નાના નાના ટેમ્પો ભાડે રાખે છે જેથી તેઓ પશુઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે).
રાણાભાઈ કહે છે, ગધેડાં ઉછેરવાની સાથે એક સામાજિક લાંછન જોડાયેલું છે. “કોને સાંભળવું ગમે - 'દેખો ગધેડા જા રહો હૈ' ['જુઓ ગધેડા જાય છે'] - કોઈ બીજા પાસેથી એવું સાંભળવા માગતું નથી." છેલ્લા બે વર્ષમાં રાણાભાઈના પશુઓની સંખ્યા 28 થી ઘટીને 5 થઈ ગઈ છે. તેમણે સંભાળી શકે એમ ના લગતા ઘણા હાલરીઓ વેચી દીધા કારણ કે તેમને રોકડની જરૂર હતી.
અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વૌઠા ખાતે ભરાયેલા મેળામાં એક હાલારી 15000-20000 માં વેચાય. ખરીદદારો રાજ્યના જ અથવા બીજા રાજ્યોના હોય , બીજા વિચરતા સમુદાયોમાંથી કે ખડતલ બોજવાહક પ્રાણીઓ ની શોધમાં હોય એવા હોય - દાખલા તરીકે, ખાણના વિસ્તારોમાં - અથવા ગાડાં ખેંચવા માટે ઉપયોગમાં લેવા. .
તો પછી ગધેડીના એક લિટર દૂધના 7000 રુપિયા એ સનસનાટીભેર ખબર શું હતી? તેની શરૂઆત સ્થાનિક અખબારોએ જામનગરના ધ્રોલ બ્લોકના મોટા ગરેડિયા ગામમાં એક લિટર - ફક્ત એક લિટર - દૂધ 7000 રુપિયે વેચાયું તેવા અહેવાલથી કરી હતી. આ ભાવ મેળવનાર ભાગ્યશાળી પશુપાલક વશરામભાઈ તેધાભાઈ હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે ક્યારેય કોઈને આટલો ભાવ મળ્યો હોવાની વાત સાંભળી નથી.
'જો કોઈ પ્રાણી બીમાર હોય તો અહીં જવાબદારી લેવાવાળું કોઈ નથી. અમારે જ ઈન્જેક્શન આપવું પડશે. અહીં કોઈ પશુચિકિત્સક નથી. '
વશરામભાઈએ જણાવ્યું કે આ વર્ષે સપ્ટેમ્બરમાં મધ્યપ્રદેશથી કોઈ વ્યક્તિ તેમની પાસેથી હાલારી ગધેડીનું દૂધ ખરીદવા આવ્યો હતો. જામનગરના માલધારીઓ મોટેભાગે ગધેડીના દૂધનો પોતાને માટે ઉપયોગ કરતા નથી. (માલધારી શબ્દ ગુજરાતી શબ્દો માલ - પશુધન - અને ધારી – પશુના પાલક પરથી આવ્યો છે). કેટલીકવાર જ્યારે તબીબી કારણોસર, બીમાર બાળકોની સારવાર કરવા માટે ગધેડીનું દૂધ મેળવવા તેમનો સંપર્ક કરવામાં આવે છે ત્યારે તેઓ તેમને મફત આપે છે. પરંતુ મધ્યપ્રદેશના એ વ્યક્તિએ દૂધ ખરીદવાનું તેનું કારણ જાહેર કર્યું નહોતું. વશરામભાઈએ તેમની ગધેડીને તો દોહી તે દોહી - પણ સાથોસાથ એક લિટરના 7000 રુપિયા માગીને દેખીતી રીતે જ ખરીદનારને ય….. તે વ્યક્તિએ રોકડમાં ચુકવણી કરી. પશુપાલકે પત્રકારોને કહ્યું કે તેઓ (પશુપાલક) પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
તે સાથે હજી વધુ પત્રકારો ગરેડિયા ઊતરી આવ્યા. પરંતુ કોઈ એ જાણી શક્યું નથી કે ખરીદનારને એ એક લિટર શેને માટે જોઈતું હતું.
ગાયોથી વિપરીત, ગધેડીઓને ભાગ્યે જ દુધાળા પ્રાણીઓ તરીકે ઉછેરવામાં આવે છે. પશુપાલન કેન્દ્રના રમેશભાઈ કહે છે, “એક ગધેડી દિવસમાં એક લિટર - વધુમાં વધુ એક લિટર - જેટલું દૂધ આપી શકે છે. તેઓ અહીં ગાય પાસેથી જે મેળવી શકે તેના કરતા આ 10 ગણું ઓછું છે. અને તે પણ તેના ખોલકાંને જન્મ આપ્યા પછી 5-6 મહિના સુધી જ. " તેથી પશુપાલકોએ ગધેડીના દૂધને નાણાકીય વળતર મેળવી આપે એવું ક્યારેય જાણ્યું જ નથી.
નેશનલ સેન્ટર ઓન ઈકવાઈન્સ (એનઆરસીઈ - ઘોડા પરનું રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર) ઓગસ્ટ મહિનામાં ગુજરાતના મહેસાણા જિલ્લામાંથી થોડા હાલારી ગધેડાને સંશોધન માટે તેના બિકાનેર ફાર્મમાં લાવ્યું હતું. સહજીવનના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે કે એનઆરસીઈએ જાહેર કર્યું છે કે "હાલારી ગધેડીના દૂધમાં અન્ય તમામ પશુધન પ્રજાતિઓ / નસલોના દૂધની તુલનામાં એન્ટી-એજીંગ અને એન્ટી-ઓક્સિડન્ટ ગુણધર્મો સૌથી વધુ હોય છે."
રમેશ ભટ્ટી કહે છે કે આ અહેવાલથી દૂધની લોકપ્રિયતામાં વધારો થયો છે અને હાલારી ગધેડાના સંવર્ધકોમાં નવો ઉત્સાહ આવ્યો છે. રમેશભાઈને પોતાને જ દેશના જુદા જુદા ભાગોમાંથી આ નસલ વિશે ઘણા સવાલો મળ્યા છે. દરમિયાન આદ્વિક ફૂડ જેવી કંપનીઓ ગધેડીના દૂધ માટે 100-લિટરની ડેરી શરુ કરવાનો વિચાર કરી રહી હોવાનું કહેવાય છે. આ કંપનીએ 2016માં કચ્છમાં ઊંટડીના દૂધની 1000-લિટરની ડેરી શરૂ કરી હતી. ભટ્ટી કહે છે કે, 'ગધેડાનું દૂધ સૌંદર્ય પ્રસાધનોમાં ખૂબ પ્રચલિત છે અને ગ્રીક, આરબ [અને ઈજિપ્ત] ની રાજકુમારીઓ ગધેડીના દૂધથી નહાતી હોવાની દંતકથાઓ છે." તેઓ ઉમેરે છે. "ભારત અને પશ્ચિમમાં સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં આ માટેનું બજાર ઉભરી રહ્યું છે."
જો કે ડેરી શરુ થશે તો પણ ભાવ ફરી એક લિટરના 7,000 રુપિયા સુધી પહોંચશે કે કેમ એ અંગે તેમને શંકા છે. તેઓ મને જણાવે છે, “તાજેતરમાં જ આદ્વિકે કોઈક સંશોધન માટે પશુપાલકો પાસેથી 12 થી 15 લિટર દૂધ ખરીદ્યું, અને તેઓએ માલિકોને લિટરદીઠ 125 રૂપિયા ચૂકવ્યા.”
આ રકમ કંઈ ગધેડીના સંવર્ધકોના દિવાસ્વપ્નો ચાલુ રહે એવી તો નથી જ.