ધ્રુજારી રાજવી શયનગૃહ સુધી પહોંચે ત્યાં તો બહુ મોડું થઇ ચૂક્યું હતું. બરબાદ થઇ ગયેલા બુરજોના સમારકામ માટે હવે મોડું થઇ ગયું હતું. નાયબ સેનાપતિઓને અને પ્રધાનોને જગાડવા માટે પણ હવે મોડું થઇ ગયું હતું
આખા સામ્રાજ્યમાં ઊંડી ખાઈઓ ગૌરવભેર પથરાઈ ગઈ હતી. ખાઈઓ જેમાંથી તાજા કાપેલા લીલા ઘઉંના રાડાંની સુગંધ આવતી, અને જે સમ્રાટને એમની ભૂખે ટળવળતી પ્રજા માટે જેટલો ઊંડો તિરસ્કાર હોય એનાથી ય વધારે હોય ઊંડી, અને હોય એમની આકાશગંગાને શરમાવે એવી છાતીથી ય વિશાળ . ખાઈઓ દોડી જતી હતી મહેલ સુધીના તમામ રસ્તાઓ પર થઇ, બજારોની વચમાંથી, પવિત્ર ગૌશાળાની દીવાલો પરથી. હવે બહુ મોડું થઇ ચૂક્યું હતું.
પાંજરા ખોલી લોકોની વચમાં છોડી દેવાયેલા પાલતુ કાગડાઓ પાસે કા.. કા.. કા... કરીને આ ધ્રુજારીઓને ઉપદ્રવ જાહેર કરી દેવા માટે કે માત્ર કોઈ અજાણ્યો ધૂમાડો કહીને અવગણવા માટે ઘણું મોડું થઇ ગયું હતું. મોડું થઇ ગયું હતું એ કૂચ કરતા પગને ધિક્કારવાનું શીખવવા માટે. ઓહ, પેલા વાઢિયાંભર્યા સૂરજના તાપે તપેલા પગ, કેવા હચમચાવે છે એના રાજ સિંહાસનને! આ પરમસત્તાનું અસ્તિત્વ હજારો વર્ષો સુઘી રહેશે એવા બણગા ફૂંકવા માટે પણ હવે મોડું થઇ ગયું હતું. પેલા લીલા હાથ જે ધૂળમાંથી ખીલવે છે ભર્યા ઘઉંના અંકુરો એ હવે આકાશને ચૂમી રહ્યા હતા.
પણ કોની રાક્ષસી મુઠ્ઠીઓ હતી એ? અડધાથી વધારે સ્ત્રીઓ હતી, ત્રીજા ભાગનાને ગળે બાંધેલા હતા ગુલામીના ગાળિયા, ચોથા ભાગના હતા બીજાઓ કરતા સદીઓ પુરાણા. કોઈ કોઈએ વીંટાળેલા હતા મેઘધનુષ શરીરે, તો કોઈએ કર્યા હતા છાંટણા નારંગી ને હળદરિયા પીળા, તો કોઈ કોઈ સાવ ચીંથરેહાલ હતા. પણ એમના ચીંથરા અતિ કિમતી રાજપોશાકથી વધારે રાજવી હતા. આ મોતને ચકમો દેનારા ભૂતોને ના તો મસમોટી ગીલ્લોલોમાંથી ઝીંકાતા પથ્થરો મારી શકતી હતા ના બંદૂકોના છરા.
પણ ધ્રુજારીઓ રાજવી બાકોરાં સુધી પહોંચે, જ્યાં હકીકતમાં તો એક હૈયું હોવું જોઈતું હતું ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું.
ખેડૂતોને
1)
ચીંથરેહાલ ખેડૂતો, તમે કેમના હસો?
"આ મારી આંખોના છરા
જવાબો એમાં વસો."
બહુજન ખેડૂતો, તમે કેમના ઘવાઓ?
"આ ચામડી તે પાપ ને ભૂખ
ક્હે માઇ-બાપ બચાવો"
2)
બખ્તરમાં નારીઓ, કરો કેમ કદમકૂચ
હાથ સૂરજ, દાતરડાં
ને સૌ લોક જુએ અહીં હાજરાહજૂર
દીન તમે ખેડૂત. નાખો કેમ નિસાસા?
"જેમ મુઠ્ઠીભર ઘઉં
જેમ વેર્યા વૈશાખી દાણા"
3)
લાલ કિસાન, લાલ કિસાન
ક્યાં જઈને ભરશો શ્વાસ?
"કદી વાવાઝોડાની આંખમાં
કદી લોહરીની ઝાળમાં "
માટીના જાયા, કઈ દિશાએ ચાલ્યા દોડી ?
"જ્યાં લઇ ચાલે બંદગી
ને આ લોઢાની હથોડી,
ડૂબતા સૂરજ ભણી."
4)
ઓ જમીન વિહોણા ખેડુ
તમે સપનાં કે દિ’ જુઓ?
"મારી આંખોના વરસાદી બુંદે
જે દિ’ કાળા રાજ બળે ભડકે."
હિજરાતાં સિપાહી,
તમારે કે દિ’ કરવી વાવણીયું?
"જે દિ’ હળની ધાર ભારે
ચલવું પાલતુ કાગાઓની પીઠે"
5)
આદિવાસી ખેડૂત, તમે ગીત કયું ગાશો?
"આંખના બદલે લઈશું આંખ
રાજાના રાજ થશે બરબાદ"
કાળા કાળી રાતના ખેડૂત
સાથ શું લઈને જાશો?
"રાજમુકુટ થયા ધૂળધાણી
ઉજડાયાં ખેતર અનાથ અમારા"
શબ્દસૂચિ
બહુજન : દલિત, શુદ્ર, અને આદિવાસી
લોહરી: શિયાળુ અયનકાળને ચિહ્નિત કરતો એક પંજાબી ઉત્સવ
વૈશાખી : (બૈસાખી પણ કહેવાય છે) એક વસંતઋતુમાં આવતો ઉત્સવ જે મોટેભાગે પંજાબમાં ઉજવાય છે પણ બીજા ઉત્તર ભારતના રાજ્યોમાં પણ ઉજવાય છે.
આ
સહિયારા
પ્રયાસમાં
નોંધપાત્ર
યોગદાન
બદલ
અમે
સ્મિતા
ખતોરના
આભારી
છીએ
.
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા