25-મીટર ઊંચા ઝાડની ટોચ પરથી નીચે જોઈને હુમાયુ શેખ હિન્દીમાં બૂમ પાડે છે, “ખસી જાઓ! નહીં તો તમને વાગી જશે.”
એ ઉભા છે ત્યાં બરાબર નીચે કોઈ નથી એની ખાતરી થાય પછી તેઓ તેમની વાંકી છરી ઘુમાવવાનું શરુ કરે છે, અને નાળિયેરનો વરસાદ થાય છે. ધડામ! ધડામ!
થોડી વારમાં જ કામ પૂરું થઈ જાય છે અને તેઓ પાછા જમીન પર આવી જાય છે. તેઓ અસાધારણ ઝડપે - માત્ર ચાર મિનિટમાં ઉપર ચડીને નીચે ઉતરી જાય છે. તેનું કારણ છે પરંપરાગત નાળિયેર તોડનારાઓથી વિપરીત હુમાયુ નાળિયેરના ઝાડના થડ ઉપર ચડવા અને નીચે ઉતરવા માટે રચાયેલ ખાસ યાંત્રિક વિકલ્પનો ઉપયોગ કરે છે.
તેઓ જે ઉપકરણનો ઉપયોગ કરે છે તે ફૂટ-રેસ્ટ સાથેના પગની જોડી જેવું લાગે છે. તેની સાથે એક લાંબુ દોરડું જોડેલું હોય છે જે થડની આસપાસ વીંટાળવામાં આવે છે. આ ઉપકરણ હુમાયુને તેઓ જાણે સીડી ચડી રહ્યા હોય તેમ જ ઝાડ પર ચડી જવા દે છે.
તેઓ કહે છે, "હું એક-બે દિવસમાં જ [આ ઉપકરણનો ઉપયોગ કરીને] ચડતા શીખી ગયો હતો."
મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ગોલચંદપુર ગામના સ્થળાંતરિત હુમાયુ પોતાના ગામમાં નાળિયેરના ઝાડ પર ચડવા ટેવાયેલા હતા, પરિણામે તેઓ સરળતાથી શીખી શક્યા.
તેઓ કહે છે, “મેં આ [ઉપકરણ] 3000 રુપિયામાં ખરીદ્યું હતું. પછી થોડા દિવસો સુધી હું મારા મિત્રો સાથે અહીં આવતો. થોડા વખતમાં જ મેં એકલા આવવાનું શરૂ કરી દીધું."
તેમની કમાણી નિશ્ચિત નથી. તેઓ કહે છે, “ક્યારેક હું રોજના 1000 કમાઉં, ક્યારેક 500 કમાઉં તો ક્યારેક કંઈ જ ન મળે.” એક ઘરમાં કેટલા નાળિયેરના ઝાડ પર ચડવાનું છે એ સંખ્યા પ્રમાણે હુમાયુ પૈસા લે છે. તેઓ કહે છે, “જો માત્ર બે જ ઝાડ હોય, તો હું એક ઝાડના 50 રુપિયા લઉં. પરંતુ જો ઘણા બધા ઝાડ હોય તો હું દર ઘટાડીને એક ઝાડના 25 રુપિયા લઉં. હું [મલયાલમ] જાણતો નથી, પરંતુ હું ભાવતાલ કરી લઉં છું.
તેઓ કહે છે, "ગામમાં [પશ્ચિમ બંગાળમાં] અમારી પાસે ઝાડ પર ચડવા માટે આવા ઉપકરણો નથી." અને ઉમેરે છે કે કેરલામાં આ ઉપકરણ લોકપ્રિય થઈ રહ્યું છે.
તેઓ જે ઉપકરણનો ઉપયોગ કરે છે તે ફૂટ-રેસ્ટ સાથેના પગની જોડી જેવું લાગે છે. તેની સાથે એક લાંબુ દોરડું જોડેલું હોય છે જે થડની આસપાસ વીંટાળવામાં આવે છે. આ ઉપકરણ હુમાયુને તેઓ જાણે સીડી ચડી રહ્યા હોય તેમ જ ઝાડ પર ચડી જવા દે છે
હુમાયુ ત્રણ વર્ષ પહેલા [2020 ની શરૂઆતમાં] મહામારી ફેલાઈ તે પહેલા કેરલામાં સ્થળાંતરિત થયા હતા. તેઓ યાદ કરે છે, "પહેલીવાર આવ્યો ત્યારે હું દાડિયા મજૂર તરીકે ખેતરોમાં કામ કરતો હતો."
કેરલા આવવાનું કારણ જણાવતા તેઓ કહે છે, "કામ કાજ કે લિયે કેરલા અચ્છા હૈ [કામ કરવા માટે કેરલા સારું છે]."
તેઓ કહે છે, "પછી કોરોના આવ્યો અને અમારે પાછા જવું પડ્યું."
માર્ચ 2020માં (સ્થળાંતરિત શ્રમિકો માટે) કેરલા સરકારે ખાસ શરુ કરેલી મફત ટ્રેનોમાંની એકમાં તેઓ પશ્ચિમ બંગાળમાં તેમને ઘેર પાછા ફર્યા હતા. તે જ વર્ષે ઓક્ટોબરમાં તેઓ કેરલા પાછા આવ્યા. પાછા આવ્યા પછી તેમણે નાળિયેર તોડનાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
તેઓ રોજ સવારે 5:30 વાગે ઉઠે છે અને સવારે સૌથી પહેલા રસોઈ કરે છે. તેઓ સમજાવે છે "હું સવારે જમતો નથી. હું છોટા નાશ્તા [નાસ્તો] કરું અને પછી કામ પર જતો રહું, પછી પાછો આવીને જમું." પરંતુ તેમના પાછા આવવાનો સમય નક્કી હોતો નથી.
તેઓ કહે છે, “કોઈક દિવસ હું સવારે 11 વાગ્યા સુધીમાં ઘેર પાછો આવી જઉં તો કોઈક દિવસ પાછા આવતા આવતા બપોરના 3-4 પણ વાગી જાય."
ચોમાસા દરમિયાન તેમની આવકમાં વધઘટ થઈ શકે છે પરંતુ ઉપકરણ હોય એટલે મદદ મળી રહે છે.
તેઓ કહે છે, "મને વરસાદની મોસમમાં ઝાડ પર ચડવામાં કોઈ તકલીફ પડતી નથી કારણ કે મારી પાસે મારું મશીન છે." પરંતુ આ સિઝનમાં બહુ ઓછા લોકો નાળિયેર તોડવા માટે બોલાવે છે. તેઓ ઉમેરે છે, "સામાન્ય રીતે એક વાર વરસાદ શરૂ થાય પછી મને ઓછું કામ મળે છે."
આથી જ તેઓ ગોલચંદપુરમાં તેમના પાંચ જણના પરિવાર - તેમની પત્ની હલીમા બેગમ, તેમની માતા અને ત્રણ બાળકોની મુલાકાત લેવા માટે ચોમાસાના મહિનાઓ પસંદ કરે છે. 17 વર્ષનો શનવર શેખ, 11 વર્ષનો સાદિક શેખ, નવ વર્ષનો ફરહાન શેખ બધા શાળામાં અભ્યાસ કરે છે.
તેઓ કહે છે, “હું મોસમી સ્થળાંતર કરનાર નથી. હું 9-10 મહિના કેરલામાં રહું છું અને [પશ્ચિમ બંગાળમાં] માત્ર બે મહિના માટે ઘેર આવું છું,” તે કહે છે. પરંતુ જે મહિનાઓ તેઓ ઘરથી દૂર હોય છે ત્યારે તેમને તેમનો પરિવાર ખૂબ યાદ આવે છે.
હુમાયુ કહે છે, "હું દિવસમાં ઓછામાં ઓછા ત્રણ વખત ઘેર ફોન કરું છું." તેમને ઘરનું ખાવાનું પણ ખૂબ યાદ આવે છે. તેઓ કહે છે, "હું અહીં બંગાળ જેવું ખાવાનું બનાવી શકતો નથી, પણ જે હોય તે ચલાવી લઉં છું, જેમતેમ પેટ ભરું છું. "
"હાલ તો હું રાહ જ જોઈ રહ્યો છું...ક્યારે ચાર મહિના પૂરા થાય ને ક્યારે [જૂનમાં] ઘેર જઉં."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક