હિમાચલ પ્રદેશના લાહૌલ–સ્પીતિ જિલ્લામાં પશુપાલક અને ખેડૂત એવા છેરિંગ અંગદુઈ કહે છે, “લગભગ ૩૦ વર્ષ પહેલાં સ્પીતિમાં ભારે બરફ પડતો હતો. તે હરિયાળું હતું અને ઘાસ પણ સારું હતું.”
આ ૪૩ વર્ષીય લંગ્ઝામાં રહે છે, જે દરિયાની સપાટીથી ૧૪,૫૦૦ ફૂટ ઉપર આવેલું છે અને ૧૫૮ લોકો ત્યાં વસવાટ કરે છે, ( ૨૦૧૧ની વસ્તીગણતરી મુજબ). તેમાંના મોટા ભાગના લોકો રાજ્યમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ ભોટ સમુદાયના છે. ગામના રહેવાસીઓ મોટાભાગે ખેતી, પશુપાલન અને સ્પીતિની મુલાકાતે આવતા પ્રવાસીઓનું સંચાલન કરવાનું કામ કરે છે.
જુલાઈ ૨૦૨૧ના અંતમાં, અમે છેરિંગને અને લંગ્ઝામાં ઢોર, ઘેટાં અને બકરાંના પશુધનને સંભાળતા કેટલાક પશુપાલકોને મળ્યા. તેમણે તેમના પ્રાણીઓ માટે હવે ઘાસ શોધવા માટે વધુ અંતરની મુસાફરી કરવી પડે છે તેની વાત કરી.
છેરિંગ કહે છે, “હવે અહીં પર્વતોમાં ઓછો બરફ પડે છે. અહીં વરસાદ પણ બહુ વધારે નથી પડતો. તેથી હવે વધારે ઘાસ ઉગતું નથી. આ કારણે અમારે પ્રાણીઓને ચરાવવા માટે વધુ ઊંચાઈએ લઈ જવાં પડે છે.”
સ્પીતિ હિમાચલ પ્રદેશના ઉત્તર–પૂર્વ ભાગમાં આવેલું છે. તેમાં વધારે ઊંચાઈવાળી ખીણો અને અનેક નદીઓ છે. આ પ્રદેશમાં ઠંડા રણ જેવું વાતાવરણ છે, જે ભારતના બાકીના પ્રવાસીઓને આકર્ષે છે — ખાસ કરીને ઉનાળાના ગરમ મહિનાઓમાં. મુલાકાતીઓ અહીં રાત્રે સ્વચ્છ આકાશમાં દેખાતી આકાશગંગાની ઝલક પણ જોઈ શકે છે.
આ ફિલ્મમાં બતાવેલ પશુપાલકની વાર્તા આપણને બતાવે છે કે અનિયમિત હિમવર્ષાની ભાતના લીધે કેવી રીતે છેરિંગ અને તેમના સાથી પશુપાલકોના જીવન અને આજીવિકાને અસર કરી છે.
ચિંતીત ચહેરે તેઓ પૂછે છે, “અમે [ગામવાસીઓ] વિચારીએ છીએ કે આવનારા વર્ષોમાં કંઈક થશે અને અહીંયાં ભેડ બકરીઓ [ઘેટાં અને બકરાં] લુપ્ત થઈ જશે કારણ કે અમારી પાસે વધારે ઘાસ બાકી નથી. અમે તે ક્યાંથી મેળવીશું?”
અનુવાદક: ફૈઝ મોહંમદ