ચાંદી જેવી ચમકતી માછલીઓ પર મીઠાના દાણા નાખતાં વિસલાત્ચી કહે છે, "હું મારી બે દીકરીઓ માટે આવું જીવન નથી ઈચ્છતી." આ 43 વર્ષીય મહિલા તમિલનાડુના કિનારે આવેલા કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર 20 વર્ષ કરતાં વધુ સમયથી માછલીઓ સૂકવવાનું કામ કરી રહ્યાં છે.
તેઓ કહે છે, “હું એક ભૂમિહીન દલિત પરિવારમાં ઉછરી છું, અને ડાંગરની ખેતી કરતા મારા ખેતમજૂર માતા-પિતાને મદદ કરતી આવી છું. તેઓ ભણ્યાં ગણ્યાં ન હતાં." 15 વર્ષની ઉંમરે વિસલાત્ચીના લગ્ન શક્તિવેલ સાથે થયા હતા અને તેના બે વર્ષ પછી તેમની પ્રથમ પુત્રી શાલિનીનો જન્મ કુડ્ડલોર જિલ્લાના ભીમા રાવ નગર નામના એક નેસમાં થયો હતો.
ભીમા રાવ નગરમાં ખેતમજૂરીનું કામ ન મળતાં વિસલાત્ચી આજીવિકાની શોધમાં કુડ્ડલોર ઓલ્ડ ટાઉન હાર્બર પર આવ્યાં હતાં. 17 વર્ષની વયે તેઓ કમલાવેણીને મળ્યાં હતાં, જેમણે તેમને માછલી સૂકવવાનું શીખવ્યું હતું અને આ વ્યવસાય સાથે પરિચય કરાવ્યો હતો. ત્યારથી વિસલાત્ચી આ જ વેપાર સાથે જોડાયેલાં છે.
ખુલ્લામાં માછલી સૂકવવી એ માછલી પર કરાતી પ્રક્રિયાનું સૌથી જૂનું સ્વરૂપ છે અને તેમાં માછલી પર મીઠું લગાવવું, તેને શેકવી, તેનું અથાણું બનાવવું વગેરે જેવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. કોચી સ્થિત સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા 2016માં કરાયેલ મરીન ફિશરીઝ સેન્સસ મુજબ, કુડ્ડલોર જિલ્લામાં માછીમારીના વ્યવસાયમાં સક્રિય એવી 5,000થી વધુ મહિલાઓમાંથી આશરે 10 ટકા મહિલાઓ માછલીઓ સૂકવવામાં, તેમને અલગ પાડવામાં, અને તેની ચામડી ઉતારવાનું કામ કરે છે. મત્સ્યોદ્યોગ વિભાગ ના જણાવ્યા અનુસાર, 2020-2021માં તમિલનાડુમાં દરિયાઈ મત્સ્યઉદ્યોગ પ્રવૃત્તિઓમાં જોડાયેલ મહિલાઓની સંખ્યા લગભગ 2.6 લાખ હતી.
જ્યારે તેમણે આ કામની શરૂઆત કરી હતી, ત્યારે તેમનાં માર્ગદર્શક કમલાવેણી 40 વર્ષનાં હતાં અને તેઓ માછલીઓની હરાજી, વેચાણ અને સૂકવણી સહિતનો માછલીનો જામેલો વ્યવસાય ચલાવતા હતા. તેમના હેઠળ 20 મહિલા કારીગર કામ કરતી હતી, અને વિસલાત્ચી તેમાંનાં એક હતાં. તે એક અઘરું દૈનિક કામ હતું − જેમાં વિસલાત્ચીએ દરરોજ સવારે 4 વાગ્યે બંદરે પહોંચવું પડતું અને છેક સાંજે 6 વાગે ઘેર પરત ફરવા મળતું. તેમને આ કામ માટે નાસ્તા, ચા, અને ભોજન ઉપરાંત વેતન પેટે 200 રૂપિયા આપવામાં આવતા હતા.
*****
2004ની સુનામીના લીધે વિસલાત્ચીના જીવનમાં ધરખમ ફેરફારો આવ્યા. તેઓ કહે છે, “સુનામી પછી મારું દૈનિક વેતન વધીને 350 રૂપિયા થયું અને માછલીનું ઉત્પાદન પણ વધ્યું.”
રિંગ સીન ફિશિંગના વપરાશને કારણે મત્સ્ય ઉદ્યોગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી હતી, જે એકસાથે ઘણી માછલીઓ પકડવામાં મદદ કરે છે. રિંગ સીન એ સામાન્ય રીતે વપરાતું એક ઉપકરણ છે જેનો ઉપયોગ જાળીની આસપાસ કરવામાં આવે છે. તે એન્કોવીઝ, મેકરેલ અને ઓઇલ સારડીન જેવી માછલીઓને પકડવા માટે સૌથી વધુ અનુકૂળ છે. 1990ના દાયકાના અંત ભાગમાં કુડ્ડલોર જિલ્લામાં રિંગ સીન ખૂબ જ લોકપ્રિય બની હતી. વાંચો: વેણીની વારતા: 'એક સાહસિક સ્ત્રી'નું અવતરણ
વિસલાત્ચી યાદ કરીને કહે છે, “ત્યાં વધુ કામ, વધુ નફો, અને વધુ વેતન મળતું હતું. અમને કમલાવેણી હેઠળ કામ કરવું પસંદ હતું. તેઓ પોતે પણ દિવસભર કામ કરતાં હતાં − પછી ભલે તે હરાજી કરવાનું કામ હોય, માછલી વેચવાનું કામ હોય, કે કામદારોની દેખરેખ કરવાનું કામ હોય.”
વિસલાત્ચી એક વિશ્વાસુ કારીગર હતાં, અને જ્યારે તેઓ બહાર જતાં ત્યારે કમલાવેણી તેમને માછલી સૂકવવાના શેડની ચાવીઓ સોંપી દેતાં. વિસલાત્ચી કહે છે, “ત્યાં અમને એકે દીવસ રજા નહોતી મળતી, પરંતુ અમારી સાથે સન્માનપૂર્ણ વ્યવહાર કરવામાં આવતો હતો.”
જેમ જેમ માછલીના ભાવમાં વધારો થયો, તેમ તેમ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પણ વધ્યા. તેમના પતિ શક્તિવેલ પાણીની ટાંકીના સંચાલક તરીકે કામ કરતા હતા પરંતુ આ કામથી તેમને મળતું 300 રૂપિયાનું વેતન તેમના પરિવાર માટે પૂરતું ન હતું. આ દંપતીને હવે બે પુત્રીઓ હતી − શાલિની અને સૌમ્યા જેઓ શાળામાં ભણતાં હતાં. આથી પરિવારનો ગુજારો કરવો કઠીન થઈ ગયો હતો.
વિસલાત્ચી તેમણે પોતાનો વેપાર કેમ ચાલું કર્યો તે સમજાવતાં કહે છે, “જો કે, મને કમલાવેણી ખૂબ પસંદ હતી, પણ ત્યાં ગમે તેટલો નફો થાય તો પણ મને ફક્ત દૈનીક વેતન જ મળતું હતું.”
આ સમયની આસપાસ, વિસલાત્ચીએ માછલીને સૂકવીને પોતાની જાતે વેચવાના ઉદ્દેશ્યથી માછલીની ખરીદી કરી. જ્યારે મુસાફરી કરી રહેલાં કમલાવેણીને વિસલાત્ચીના સ્વતંત્ર વેપાર કરવાના પ્રયાસો વિષે જાણ થઈ, ત્યારે તેમણે વિસલાત્ચી છેલ્લા 12 વર્ષથી જે કામ કરી રહ્યાં હતાં તે નોકરીમાંથી કાઢી મૂક્યાં.
હવે તેમને તેમની દીકરીઓની વાર્ષિક 6,000 ફી ભરવી પોસાય તેમ ન હતી. તેમનો પરિવાર સંઘર્ષ કરી રહ્યો હતો.
એક મહિના પછી, તેઓ માછલીના વેપારી કુપ્પમાણિક્કમને મળ્યાં, જેમણે તેમને બંદર પર પાછા ફરવાનું કહ્યું. તેમણે વિસલાત્ચીને માછલી સૂકવવા એક ટોપલું અને તેને રાખવા માટે તેમના શેડમાં મફતમાં થોડી જગ્યા આપી. પરંતુ તેમાંથી પૂરતી કમાણી થતી ન હતી.
વિસલાત્ચીએ 2010માં આ વ્યવસાયમાં જંપલાવવાનું નક્કી કર્યું. તેમણે એક અઠવાડિયા માટે એક સ્થાનિક હોડીવાળા પાસેથી 2,000 રૂપિયાની માછલી ‘ઉધાર’ લઈને વેપાર કરવાની શરૂઆત કરી. પણ આ કામમાં તેમણે સખત મહેનત કરવી પડી હતી − તેમણે માછલી ખરીદવા માટે સવારે 3 વાગ્યે બંદર પર પહોંચી જવું પડતું અને તેને સૂકવીને અને વેચીને છેક રાત્રે 8 વાગે ઘેર પરત ફરવા મળતું. વિસલાત્ચીએ મહિલા સ્વ-સહાય જૂથ (એસ.એચ.જી.) પાસેથી 40 ટકાથી વધુ વાર્ષિક વ્યાજ પર 30,000 રૂપિયાની લોન લીધી, જેને તેમણે બે વર્ષમાં ચૂકવવાની હતી. એસ.એચ.જી.ના વ્યાજદરો ઊંચા હોવા છતાં, તે ખાનગી શાહુકારો કરતાં તો ઓછા જ હતા.
આગળ જતાં તેમને કુપ્પમાણિક્કમ સાથે પણ મતભેદો થયા, જેમના શેડનો ઉપયોગ તેઓ માછલી સૂકવવા માટે કરતાં હતાં. તેઓ આ વિષે ચોખવટ કરે છે, “તે બધા નાણાકીય બાબતોને લગતા તફાવતો હતા. અને તેમણે મને કેટલી મદદ કરી છે તે યાદ કરાવવાનો તેઓ એક પણ મોકો ચૂકતા નહીં.” આ પછી વિસલાત્ચીએ સૂકી માછલી રાખવા માટે મહિને 1,000 રૂપિયાના ભાડા પેટે પોતાનો શેડ ભાડે આપવાનું નક્કી કર્યું.
તેમણે પોતાનો અલગ વેપાર કર્યો અને સાહસ કર્યું તે માટે, વિસલાત્ચીને તેમની આસપાસના લોકો તરફથી વારંવાર ગાળો સાંભળવી પડતી હતી. કુડ્ડલોરમાં, પટ્ટનવર અને પર્વદરાજાકુળમ સમુદાયો કે જેઓ સૌથી પછાત વર્ગો (એમ.બી.સી.) થી સંબંધિત છે તેઓ માછીમારીના વેપાર પર પ્રભુત્વ ધરાવે છે, જ્યારે વિસલાત્ચી દલિત સમુદાયનાં છે. વિસલાત્ચી કહે છે, “માછીમાર સમુદાયને લાગતું હતું કે મને બંદરમાં કામ કરવાની રજા આપીને અને મારો પોતાનો વ્યવસાય ચલાવવાની મંજૂરી આપીને તેઓ જાણે મારા પર ઉપકાર કરી રહ્યા છે. તેઓ તેમને મન ફાવે તેમ બોલે છે અને આનાથી મારી લાગણી દુભાય છે.”
જો કે માછલીઓ સૂકવવાનું કામ તેમણે એકલાંએ શરૂ કર્યું હતું, પણ તેમના પતિ પણ તેમને મદદ કરે છે. જેમ જેમ ધંધો મોટો થવા લાગ્યો, તેમ તેમ વિસલાત્ચીએ બે મહિલા મજૂરોને કામે રાખી અને ખાવા−પીવા અને ચા−નાસ્તા સહિત તેમને રોજનું 300 રૂપિયા વેતન આપ્યું. તે મહિલાઓનું કામ માછલીઓને પેક કરવાનું અને તેમને સૂકવવા માટે બહાર મૂકવાનું હતું. તેમણે માછલીઓ પર મીઠું નાખવા માટે અને નાના મોટા કામ કરવા માટે રોજના 300 રૂપિયા મજૂરી પર એક છોકરાને પણ નોકરીએ રાખ્યો છે.
રિંગ સીન ઉપકરણનો ઉપયોગ કરતા માછીમારો પાસેથી વિપુલ પ્રમાણમાં માછલી મળી રહેતી હોવાથી, વિસલાત્ચી દર અઠવાડિયે 8000−10,000 રૂપિયા કમાણી કરી શકતાં હતાં.
તેઓ તેમની નાની દીકરી સૌમ્યાને એક નર્સિંગ કોર્સમાં દાખલ કરી શક્યાં હતાં અને મોટી દીકરી શાલિની રસાયણશાસ્ત્રમાં સ્નાતકનો અભ્યાસ કરી શકી હતી. તેમના આ કામથી થયેલ કમાણીથી બન્ને દીકરીઓના લગ્ન પણ કરી શકાયાં.
*****
વિસલાત્ચી અને અન્ય લોકોએ રિંગ સીન ફિશિંગમાંથી ફાયદો ઉઠાવ્યો તો છે, પરંતુ જીવવિજ્ઞાનીઓ અને વૈજ્ઞાનિકોના મતે માછલીના જથ્થામાં ઘટાડો થવા પાછળનું કારણ તે જ છે, અને તેથી આ પ્રથા પર પ્રતિબંધ મુકવા માટે લાંબા સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. જો કે પર્સ સીન જાળીનો ઉપયોગ કે જેમાં રિંગ સીનનો સમાવેશ થાય છે તે 2000થી ગેરકાયદેસર છે, તેમ છતાં, 2020ના તમિલનાડુ સરકારનો માછલી પકડવા માટે મોટી જાળીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતો આદેશ જારી થયો ત્યાં સુધી આ કાયદો ક્યારેય કડક રીતે લાગુ કરવામાં આવ્યો ન હતો.
પ્રતિબંધને કારણે માત્ર તેમની પોતાની જ નહીં, પરંતુ માછીમારી સમુદાયમાં લગભગ બધાંને નુકસાન થયું હોવાની વાત કરતાં વિસલાત્ચી કહે છે, “અમે બધાએ સારી કમાણી કરી હતી, પણ હવે માંડ અમારા પેટનો ખાડો ભરી રહ્યા છે.” તેઓ હવે રિંગ સીન હોડીના માલિકો પાસેથી માછલી ખરીદી શકતાં નથી, જેઓ ક્ષતિગ્રસ્ત અને બચેલી માછલીઓ તેમને ઓછી કિંમતે વેચતા હતા.
તેના બદલે, હવે માછલીઓને ઊંચા ભાવે વેચતા ટ્રોલર બોટવાળા વેપારીઓ જ વિસલાત્ચીનો માછલીઓ ખરીદવાનો એકમાત્ર સ્રોત બની ગયા છે. જ્યારે માછલીના પ્રજનનના સમયગાળા દરમિયાન એપ્રિલ-જૂનના મધ્યમાં ટ્રોલર બોટ કામગીરી બંધ કરે છે, ત્યારે વિસલાત્ચીએ ફાઇબર બોટની શોધ કરવી પડે છે જે તેમના કરતાં પણ ઊંચા દરે તાજી માછલી વેચે છે.
જ્યારે મોસમ સારું હોય અને માછલી ઉપલબ્ધ હોય ત્યારે તેઓ અઠવાડિયામાં લગભગ 4,000−5,000 રૂપિયા કમાણી કરે છે. આ કામમાં સિલ્વર બેલી (કરાઈ) અને ટ્રેવલી (પારાઈ) જેવી સસ્તી માછલીઓને સૂકવવાનો પણ સમાવેશ થાય છે. સૂકવેલી સિલ્વર બેલીના એક કિલોનો ભાવ 150−200 રૂપિયા હોય છે, જ્યારે ટ્રેવલીના કિલો દીઠ 200−300 રૂપિયા મળી શકે છે. લગભગ એક કિલો સૂકી માછલી મેળવવા માટે વિસલાત્ચીને 3-4 કિલો તાજી માછલીની જરૂર પડે છે. સિલ્વર બેલી અને ટ્રેવલીની તાજી માછલીની એક કિલોની કિંમત અનુક્રમે 30 રૂપિયાથી 70 રૂપિયા હોય છે.
પોતાની પરિસ્થિતિનો સારાંશ આપતાં તેઓ કહે છે, “અમે જે વસ્તુ 120 રૂપિયામાં ખરીદીએ છીએ, તેને અમે 150 રૂપિયામાં વેચી શકીએ છીએ, પરંતુ તે સૂકી માછલી કેટલા પ્રમાણમાં બજારમાં આવે છે તેના પર નિર્ભર છે. અમુક દિવસે અમે નફો કરીએ છીએ, અમુક દિવસે અમારે નુકસાન વેઠવું પડે છે.”
અઠવાડિયામાં એકવાર, તેઓ માછલીને બે ડ્રાયફિશ બજારમાં − એક કુડ્ડલોરમાં અને બીજું પડોશી નાગાપટ્ટિનમ જિલ્લામાં − લઈ જવા માટે એક વાહન ભાડે રાખે છે. આશરે 30 કિલો વજનની સૂકી માછલીના દરેક ખોખાના પરિવહન માટે 20 રૂપિયા ખર્ચ થાય છે. તેઓ દર મહિને લગભગ 20 ખોખાં બનાવવાનો પ્રયાસ કરે છે.
રિંગ સીન ફિશિંગ પર પ્રતિબંધને કારણે માછલી ખરીદવાના વધતા ભાવ, મીઠાના ભાવમાં થયેલ વધારો, પરિવહન અને માછલીને પેક કરવા માટેની થેલીનો ખર્ચ, આ બધાના લીધે તેમના ખર્ચમાં વધારો થયો છે. આ ઉપરાંત, તેઓ કામદારોને 300 રૂપિયા મજૂરી ચૂકવતાં હતાં તેમાં પણ વધારો થયો છે અને હવે તેમણે 350 રૂપિયા મજૂરી ચૂકવવી પડી રહી છે.
આ સાથે, સૂકી માછલીના ભાવમાં તેજી રહી નથી અને વિસલાત્ચી એપ્રિલ 2022માં 80,000 રૂપિયાના દેવામાં ડૂબેલાં હતાં. આમાં તેમણે હોડીના માલિકને તાજી માછલી ખરીદવા માટે આપવાના 60,000 રૂપીયા અને તેમણે સ્વ−સહાય જૂથ પાસેથી લીધેલ ઉધારનો પણ સમાવેશ થાય છે.
ઓગસ્ટ 2022 સુધીમાં, વિસલાત્ચીએ તેમના કામદારોને છૂટા કરવાની અને તેમના વ્યવસાયનું કદ નાનું કરવાની ફરજ પડી હતી. તેઓ કહે છે, “હું હવે માછલીને જાતે મીઠું લગાવું છું. મારા પતિ અને હું પ્રસંગોપાત થોડી મદદ લઈને વેપાર આગળ વધારીએ છીએ. અમને દરરોજ ફક્ત ચાર કલાક જ આરામ મળે છે.”
વિસલાત્ચીને એકમાત્ર આશ્વાસન એ છે કે તે આનાથી તેઓ તેમની દીકરીઓ 26 વર્ષીય શાલિની, અને 23 વર્ષીય સૌમ્યાને ભણાવી શક્યાં છે. પરંતુ તેમના નસીબમાં તાજેતરમાં આવેલી મંદીથી તેમની ચિંતામાં વધારો થયો છે.
તેઓ કહે છે, “હવે એક કટોકટી છે અને હું દેવામાં ગરકાવ થઈ ગઈ છું.”
જાન્યુઆરી 2023માં, સુપ્રીમ કોર્ટે અમુક નિયમો અને શરતોને આધીન, મર્યાદિત રીતે પર્સ સીન ફિશિંગની પરવાનગી આપવાથી તેમને રાહત મળી હતી . આનાથી તેમનું નસીબ પુનર્જીવિત થશે કે કેમ તે અંગે વિસલાત્ચીને શંકા છે.
વીડિયો જુઓ: કુડ્ડલોર ફિશિંગ હાર્બર પર વિવિધ ભૂમિકાઓ ભજવતી મહિલાઓ
દિવ્યાવુદ્રનના સમર્થન સહ
અનુવાદક: ફૈઝ મોહંમદ