"અહીં નથી કોઈ જાતની રજાઓ, નથી કોઈ વિરામ કે નથી કામના કોઈ નિશ્ચિત કલાકો."
શેખ સલાઉદ્દીન હૈદરાબાદ સ્થિત એકીકૃત કેબ કંપનીમાં ડ્રાઈવર છે. 37 વર્ષના શેખ સલાઉદ્દીન સ્નાતક છે પરંતુ તેઓ કહે છે કે તેમણે કંપની સાથે જે કરાર કર્યો હતો તે તેમણે ક્યારેય વાંચ્યો નથી, તેઓ કંપનીનું નામ ન આપવાનું પસંદ કરે છે. "કરાર ઘણા બધા કાનૂની શબ્દોથી ભરેલો છે." કરાર ફક્ત તેમણે ડાઉનલોડ કરેલી એપ્લિકેશન પર જ છે; તેમની પાસે કરારની કોઈ ભૌતિક નકલ નથી.
ડિલિવરી એજન્ટ રમેશ દાસ (નામ બદલ્યું છે) કહે છે, “કોઈ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા. કોલકતામાં સ્થળાંતર કરનાર રમેશ પશ્ચિમ બંગાળના પશ્ચિમ મેદિનીપુર જિલ્લામાં તેમના ગામ બાહા રુનાથી અહીં પહોંચ્યા ત્યારે તેમને કોઈ કાનૂની બાંયધરી જોઈતી નહોતી પરંતુ બને તેટલી ઝડપથી નોકરી જોઈતી હતી. તેઓ જણાવે છે, “કોઈ પેપરવર્ક કરવામાં આવ્યું નહોતું. અમારું આઈડી [ઓળખ પત્ર] એપ્લિકેશનમાં શામેલ છે - તે એકમાત્ર ઓળખ છે. અમને વિક્રેતાઓ મારફત [ત્રીજા પક્ષ દ્વારા આઉટસોર્સિંગ કરીને] કામ પર રાખવામાં આવે છે.”
પાર્સલ દીઠ રમેશનું કમિશન આશરે 12 થી 14 રુપિયા છે અને જો તેઓ 40 થી 45 પાર્સલ ડિલિવરી પૂરી કરે તો રોજના આશરે 600 રુપિયા કમાય છે. તેઓ ઉમેરે છે, "નથી કોઈ ઈંધણ કવર, નથી કોઈ વીમો, નથી કોઈ તબીબી લાભ, નથી બીજું કોઈ ભથ્થું."
ત્રણ વર્ષ પહેલાં સાગર કુમાર બિલાસપુરના પોતાના ઘેરથી રાયપુર આવ્યા એ પછી તેઓ આજીવિકા માટે લાંબા કલાકો કામ કરે છે. 24 વર્ષના સાગર કુમાર છત્તીસગઢની રાજધાનીના શહેરમાં સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી એક ઓફિસના મકાનમાં ચોકીદાર છે અને પછી મધરાત સુધી તેઓ પોતાની બાઈક પર સ્વિગીના ઓર્ડરની ડિલિવરી કરતા ફરે છે.
બેંગ્લોરમાં એક પ્રખ્યાત ભોજનાલયની બહાર સંખ્યાબંધ ડિલિવરી એજન્ટો હાથમાં સ્માર્ટફોન ઝાલીને આમતેમ ફરી રહયા છે. સુંદર બહાદુર બિશ્ત આગામી ઓર્ડર સાથે તેમનો ફોન બીપ થાય એની રાહ જોઈ રહ્યા છે. તેમણે 8 મા ધોરણથી અધવચ્ચે જ ભણવાનું છોડી દીધું છે, તેઓ હજી માંડ માંડ જે ભાષા શીખી રહ્યા છે એ ભાષામાં સૂચનાઓ સમજવા મથામણ કરે છે.
”હું અંગ્રેજીમાં સૂચના વાંચું છું, જેમતેમ કરીને સમજવાનો પ્રયત્ન કરું છું. જોકે બહુ વાંચવાનું હોતું નથી…પહેલો માળ, ફ્લેટ 1A….” તેઓ મોટેથી વાંચે છે. અને ના, નથી તેમના હાથમાં કોઈ કરાર કે તેમની 'ઓફિસ' માં બતાવવા કોઈ ચહેરો (ઓળખ). "રજા, માંદગીની રજા, કશું જ નથી."
શેખ, રમેશ, સાગર અને સુંદર જેવા ભારતના ગિગ કામદારો દેશભરના મહાનગરો અને નાના નગરોમાં ફેલાયેલા છે - 2022 માં પ્રકાશિત નીતિ આયોગના અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં અંદાજે 77 લાખ ગિગ કામદારો છે.
તેમાં કેબ ચલાવનારા, ખાવાનું અને પાર્સલ પહોંચાડનારા અને ઘેર સૌંદર્ય સેવાઓ પૂરી પાડનારા કામદારોનો સમાવેશ થાય છે. આ જનજાતિમાં મોટાભાગે એવા યુવાનોનો સમાવેશ થાય છે જેમના ફોન જ તેમનું કાર્યસ્થળ બની ગયા છે, કામની વિગતો બોટ જનરેરેડ (રોબોટ દ્વારા તૈયાર થતી) હોય છે અને નોકરીની કોઈ જ સુરક્ષા હોતી નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં આવા ઓછામાં ઓછા બે એમ્પ્લોયરો (નોકરીદાતાઓ) એ ખર્ચમાં ઘટાડો કરવાના પગલાના ઓઠા હેઠળ હજારો કામદારોને નોકરીમાંથી છૂટા કર્યા છે.
પિરિયોડિક લેબર ફોર્સ સર્વે (જુલાઈ-સપ્ટેમ્બર 2022) અનુસાર, 18.5 ટકાના બેરોજગારીના દર સાથે, 15-29 વર્ષની વયના કામદારો કાયદાકીય અને કરાર સંબંધિત જરૂરી જોગવાઈઓની ગેરહાજરીમાં પણ વગર વિચાર્યે કોઈપણ નોકરી મેળવવા માટે ઉતાવળા હોય છે.
શહેરમાં બીજી કોઈ દૈનિક વેતન મજૂરી કરતાં ગિગ-વર્કની પસંદગી કરવા માટેના ઘણા કારણો છે. સાગર જણાવે છે, “મેં કૂલી તરીકે અને કપડાં અને બેગની દુકાનોમાં કામ કર્યું છે. સ્વિગી [ડિલિવરી] માટે મારે બસ એક બાઈક અને ફોન બે જ વસ્તુ જોઈએ. નથી મારે કોઈ ભારે વસ્તુઓ ઉપાડવાની કે નથી કોઈ [શારીરિક રીતે] ખૂબ મુશ્કેલ કામ કરવાનું." રાયપુરમાં સાંજે 6 વાગ્યા પછી ખોરાક અને અન્ય વસ્તુઓ પહોંચાડીને તેઓ રોજના 300 થી 400 રુપિયા કમાઈ લે છે, તહેવારોની સિઝનમાં તેમની કમાણી રોજના 500 રુપિયા સુધી પહોંચે છે. તેમનું આઈડી કાર્ડ 2039 સુધી માન્ય છે પરંતુ તેમાં તેમના બ્લડ ગ્રુપ અને ઈમરજન્સી કોન્ટેક્ટ નંબર ખૂટે છે; તેઓ કહે છે કે તેમની પાસે આ વિગતો અપડેટ કરવાનો સમય જ નથી.
પરંતુ બીજા લોકોથી વિપરીત, સુરક્ષા એજન્સીમાં સાગરની દિવસની નોકરીમાં તબીબી વીમા અને પ્રોવિડન્ટ ફંડના લાભ અને માસિક 11000 રુપિયાની આવકનો સમાવેશ થાય છે. આ સ્થિરતા અને ડિલિવરીથી થતી વધારાની આવકને કારણે તેઓ બચત કરી શકે છે. તેઓ કહે છે, “માત્ર એક જ નોકરીથી હું બચત કરી શકતો નહોતો, મારા પરિવારને પૈસા મોકલી શકતો નહોતો અને કોરોનાને કારણે થયેલું દેવું પણ ચૂકવી શકતો નહોતો. હવે હું થોડી ઘણી બચત કરી શકું છું."
બિલાસપુરમાં સાગરના પિતા સાંઈરામનો શાકભાજીનો સ્ટોલ છે અને તેમની માતા સુનીતા સાગરના નાના ભાઈઓ - છ વર્ષના ભાવેશ અને એક વર્ષના ચારણની સંભાળ રાખે છે. આ પરિવાર છત્તીસગઢના દલિત સમુદાયનો છે. તેઓ કહે છે, “અમારી આર્થિક પરિસ્થિતિને કારણે મારે 10 મા ધોરણ પછી અધવચ્ચે જ અભ્યાસ છોડી દેવો પડ્યો. મેં શહેરમાં જવાનું નક્કી કર્યું અને કામ કરવાનું શરૂ કર્યું."
હૈદરાબાદમાં એપ-આધારિત કેબ ડ્રાઈવર શેખ કહે છે કે તેમણે ડ્રાઈવિંગ કરવાનું શરૂ કર્યું કારણ કે એ શીખવાનું તેમને માટે સૌથી સરળ હતું. ત્રણ યુવાન છોકરીઓના પિતા શેખ કહે છે કે તેઓ તેમનો સમય યુનિયનના કામ અને ડ્રાઈવિંગ વચ્ચે વહેંચે છે, તેઓ મોટે ભાગે રાત્રે ડ્રાઈવિંગ કરે છે, તેનું કારણ આપતા તેઓ કહે છે, "ત્યારે ટ્રાફિક ઓછો હોય છે અને પૈસા થોડા વધુ." શેખ તેમનો ખર્ચો બાદ કરતા દર મહિને આશરે 15000 - 18000 રુપિયા કમાય છે.
કોલકતામાં સ્થળાંતર કરનાર રમેશ પણ એપ્લિકેશન-આધારિત ડિલિવરી વ્યવસાયમાં જોડાવા મજબૂર હતા કારણ કે કમાણી શરૂ કરવાનો એ સૌથી ઝડપી રસ્તો હતો. તેઓ 10 મા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના પિતાના અવસાન બાદ પરિવારનું ભરણપોષણ કરવા તેમણે શાળા અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. છેલ્લા 10 વર્ષ વિશે વાત કરતા તેઓ કહે છે, “મારે મારી માતાને મદદ કરવા માટે કમાવાનું શરૂ કરવું જ પડે તેમ હતું. મેં નાની-મોટી ઘણી નોકરીઓ કરી – દુકાનોમાં કામ કર્યું."
કોલકતાના જાદવપુરમાં પાર્સલ ડિલિવરી કરતી વખતે વાત કરતા તેઓ કહે છે કે ટ્રાફિક સિગ્નલ પર રોકાવું પડે ત્યારે મારા મનમાં ખૂબ તણાવ થાય છે, તેઓ કહે છે, “હું હંમેશા ઉતાવળમાં હોઉં છું. હું એટલી ઝડપથી સાયકલ ચલાવું છું...બધું સમયસર કરવાની એટલી બધી ચિંતા હોય છે કે વાત ન પૂછો. ચોમાસું અમારે માટે સૌથી ખરાબ સમય છે. અમે અમારા આરામ, ખોરાક અને સ્વાસ્થ્યના ભોગે અમારા લક્ષ્યને પહોંચી વળવાનો પ્રયત્ન કરીએ છીએ." વધુ પડતા મોટા કદના બેકપેકમાં પાર્સલ રાખવાથી પીઠની ઈજાઓ થાય છે. તેઓ ઉમેરે છે, “અમે બધા ભારે શિપમેન્ટ ઊંચકીએ છીએ. ડિલિવરી કરનાર દરેક વ્યક્તિ પીઠના દુખાવાથી પીડાય છે. પરંતુ અમારી પાસે કોઈ સ્વાસ્થ્ય સુવિધા [કવરેજ] નથી."
વર્કફોર્સમાં દાખલ થવા સુંદરે ચાર મહિના પહેલા એક સ્કૂટર ખરીદ્યું હતું જેથી તેમને બેંગ્લોરની આસપાસ ફરવામાં મદદ મળી શકે. તેઓ કહે છે કે તેઓ મહિને 20000 થી 25000 રુપિયા કમાય છે. તેમાંથી તેમના સ્કૂટરના ઈએમઆઈ, પેટ્રોલ, તેમના ભાડા અને ઘરખર્ચ મળીને કુલ ખર્ચો આશરે 16000 રુપિયા થાય છે.
આઠ ભાઈ-બહેનોમાં સૌથી નાના તેઓ તેમના ખેડૂતો અને દૈનિક વેતન કામદારોના પરિવારમાં એકમાત્ર વ્યક્તિ છે જેમણે કામ શોધવા માટે નેપાળમાં આવેલા તેમના ઘરથી હજારો કિલોમીટર દૂર આવવાનું સાહસ કર્યું છે. તેઓ કહે છે, "મેં દેવું કરીને જમીન ખરીદી હતી, એ દેવું હજી મારે ચૂકવવાનું બાકી છે, અને જ્યાં સુધી હું એ દેવું પૂરેપૂરું ચૂકવી ન શકું ત્યાં સુધી હું આ કામ કરવા ધારું છું."
*****
"મેડમ, તમને ગાડી ચલાવતા આવડે તો છે ને?"
શબનબાનુ શેહદલી શેખને વારંવાર આ સવાલ પૂછવામાં આવે છે. અમદાવાદના 26 વર્ષના આ મહિલા કેબ ડ્રાઇવર છેલ્લા ચાર વર્ષથી વધુ સમયથી ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને હવે તેઓ આવી લૈંગિક ટિપ્પણીઓને ગણકારતા નથી.
તેમના પતિનું દુઃખદ મૃત્યુ થયા બાદ તેમણે આ કામ કરવાનું શરુ કર્યું હતું. તે દિવસોને યાદ કરતાં તેઓ કહે છે, “મેં ક્યારેય એકલા મારી મેળે એક રસ્તોય ઓળંગ્યો નહોતો." શબનમબાનુએ પહેલા સિમ્યુલેટર પર અને પછી રસ્તા પર તાલીમ લીધી, અને એક બાળકના માતા શબનમબાનુએ 2018 માં એક ગાડી ભાડે લીધી અને એપ્લિકેશન-આધારિત કેબ સેવા સાથે સાઈન-અપ કર્યું.
તેઓ હસીને કહે છે, "હવે હું હાઈવે પર પણ ડ્રાઈવ કરું છું."
બેરોજગારીના આંકડા દર્શાવે છે કે 24.7 ટકાના દરે, પુરૂષો કરતાં સ્ત્રીઓ બેકાર રહેવાની શક્યતા વધારે છે. શબનમબાનુ તેમાં અપવાદો પૈકીના એક છે અને પોતાની કમાણીથી તેઓ દીકરીને ભણાવી રહ્યા છે એ વાતનો તેમને ગર્વ છે.
[તેમના મુસાફરો માટે] હવે આ લિંગ નવીનતાની નવાઈ રહી નથી પરંતુ 26 વર્ષની આ યુવતીને બીજી ઘણી ચિંતાઓ છે: “રસ્તા પર શૌચાલય ઘણા દૂર હોય છે. પેટ્રોલ પંપવાળા શૌચાલયને તાળાં મારી રાખે છે. મને ચાવી માગતા શરમ આવે છે કારણ કે ત્યાં ફક્ત પુરુષો જ હોય છે.” વુમન વર્કર્સ ઈન ધ ગિગ ઈકોનોમી ઈન ઈન્ડિયા નામનો અભ્યાસ દર્શાવે છે કે શૌચાલયની પહોંચના અભાવ ઉપરાંત મહિલા કામદારોને કામ પર લિંગના આધારે વેતનના તફાવત અને કામ દરમિયાન ઓછી સલામતી અને ઓછી સુરક્ષાનો સામનો કરવો પડે છે.
જ્યારે શૌચાલયનો ઉપયોગ કર્યા વિના ચાલે તેમ જ ન હોય ત્યારે શબનમબાનુ નજીકના શૌચાલય માટે ગૂગલ કરે છે અને ત્યાં સુધી પહોંચવા માટે વધારાના બે-ત્રણ કિલોમીટર ગાડી હંકારે છે. તેઓ ઉમેરે છે, “ઓછું પાણી પીવા સિવાય કોઈ રસ્તો નથી. પરંતુ એવું કરું તો આ ગરમીમાં મને ચક્કર આવે છે. અંધારા આવી જાય છે. હું મારી ગાડી એક બાજુ પર લઈને થોડી વાર માટે રોકાઈ જઉં છું."
કોલકતામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉતાવળે જતી વખતે રમેશને પણ આ ચિંતાનો સામનો કરવો પડે છે. તેઓ ચિતાથી કહે છે, "રોજેરોજનું લક્ષ્યાંક પૂરું કરવામાં કંઈ વિચારવાનોય સમય ન હોય ત્યારે આ [ટોઇલેટ-બ્રેક્સ] ને અગ્રતા આપવાનું શક્ય નથી હોતું."
તેલંગાણા ગિગ એન્ડ પ્લેટફોર્મ વર્કર્સ યુનિયન (ટીજીપીડબ્લ્યુયુ) ના સ્થાપક અને પ્રમુખ શેખ કહે છે, "ધારો કે કોઈ ડ્રાઈવરને શૌચાલયનો ઉપયોગ કરવાની જરૂર છે અને તે જ સમયે તેને રાઈડ માટેની વિનંતી મળે તો એ વિનંતી નકારી કાઢતા પહેલા દસ વાર વિચારવું પડશે." ઓર્ડર/રાઈડ નકારવાથી તમને એપમાં ડાઉનગ્રેડ કરવામાં આવે છે અને તમને દંડ ફટકારવામાં આવે છે, કાઢી મૂકવામાં આવે છે અથવા સાઇડલાઇન કરવામાં આવે છે. અને તમે ફક્ત ચહેરા વિનાની કોઈ એન્ટિટી પાસે ટિકિટ રેઈઝ કરી શકો, ફરિયાદ નોંધાવી શકો છો અને તમારી સાથે ન્યાય થશે એવી આશા રાખી શકો છો.
નીતિ આયોગે ઈન્ડિયાઝ રોડમેપ ફોર એસડીજી 8 શીર્ષક હેઠળના અહેવાલમાં નિર્દેશ કર્યો છે કે, “ભારતના લગભગ 92 ટકા કર્મચારીઓ અનૌપચારિક ક્ષેત્રમાં કાર્યરત છે… તેમને જોઈએ તેવી સામાજિક સુરક્ષા મળતી નથી…” યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ-8 બીજા મુદ્દાઓની સાથોસાથ "શ્રમિકોના અધિકારોના રક્ષણ અને કામ દરમિયાન સલામત અને સુરક્ષિત વાતાવરણ મળી રહે તે માટે પગલાં લેવા" પર ભાર મૂકે છે.
સંસદે 2020 માં સામાજિક સુરક્ષા વિષયક સંહિતા પસાર કરીને કેન્દ્ર સરકારને ગિગ અને પ્લેટફોર્મ કામદારો માટે સામાજિક સુરક્ષા યોજનાઓ બનાવવા માટે હાકલ કરી છે - 2029-30 સુધીમાં ગિગ અને પ્લેટફોર્મ કામદારોની સંખ્યા વધીને ત્રણ ગણી 23.5 મિલિયન/235 લાખ થઈ જશે એવો અંદાજ છે.
*****
આ વાર્તા માટે જેમની સાથે વાત કરવામાં આવી તેમાંના ઘણા કામદારોએ "માલિક [માસ્ટર]" ની મગજમારીમાંથી મુક્ત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. પારી સાથે વાત કરતા શરૂઆતની થોડી જ ક્ષણોમાં સુંદર અમને કહે છે કે તેઓ અગાઉ બેંગ્લોરમાં નિયમિત કાપડ સેલ્સમેનનું કામ કરતા હતા તેને બદલે આ કામ તેઓ આ જ કારણે વધારે પસંદ કરે છે. તેઓ કહે છે, “અહીં હું જ મારો પોતાનો માલિક છું. હું મારા સમયે કામ કરી શકું છું અને આ ક્ષણે મારે કામ છોડી દેવું હોય તો હું એ પણ કરી શકું છું." પરંતુ તેઓ એ બાબતે પણ સ્પષ્ટ છે કે એકવાર દેવું ચૂકવાઈ જાય પછી તેઓ વધુ સ્થિર અને ઓછી વ્યસ્તતાવાળું કામ શોધશે.
શંભુનાથ ત્રિપુરાના છે અને તેમની પાસે વાત કરવા માટે ઝાઝો સમય નથી – તેઓ પુણેમાં એક ખૂબ જ વ્યસ્ત અને લોકપ્રિય ફૂડ જોઈન્ટની બહાર રાહ જોઈ રહ્યા છે અને કતારબંધ ઝોમેટોઅને સ્વિગી એજન્ટો ફૂડ પાર્સલ લેવા માટે રાહ જોતા તેમની બાઈક પર બેઠા છે. તેઓ છેલ્લા ચાર વર્ષથી પુણેમાં છે અને સરળતાથી શુદ્ધ મરાઠી બોલી જાણે છે.
સુંદરની જેમ તેઓ પણ મોલમાં 17000 રુપિયા રળી આપતા કામને બદલે આ કામ પસંદ કરે છે. શંભુનાથ કહે છે, “આ કામ સારું છે. અમે એક ફ્લેટ ભાડે રાખ્યો છે અને અમે [તેમના મિત્રો] સાથે રહીએ છીએ. હું દિવસના લગભગ હજાર રુપિયા કમાઉ છું.”
કોવિડ -19 ના લોકડાઉન સમયગાળાએ રુપાલી કોળીની બ્યુટિશિયન તરીકેની કુશળતાને ફ્રીલાન્સિંગમાં થતા કામમાં ફેરવી દીધી. તેઓ કહે છે કે, "હું જે પાર્લર પર કામ કરતી હતી તેણે અમારો પગાર ઘટાડીને અડધો કરી દીધો તેથી મેં ફ્રીલાન્સ કામ કરવાનું નક્કી કર્યું." તેઓએ એપ-આધારિત નોકરીમાં જોડાવાનું વિચાર્યું હતું પરંતુ પછીથી તેમ ન કરવાનું નક્કી કર્યું, તેઓ કહે છે, “જો સખત મહેનત મારે કરવાની હોય, [સૌંદર્ય] ઉત્પાદન (મારે ખર્ચે) લાવવાના હોય અને (ગ્રાહકને ઘેર) જવા-આવવાના પૈસા પણ મારે જ ચૂકવવાના હોય તો પછી મારી કમાણીમાંથી 40 ટકા બીજા કોઈને શા માટે આપી દઉં? હું મારા તરફથી 100 ટકા આપીને બદલામાં માત્ર 60 જ મેળવવા માગતી નહોતી.
32 વર્ષના રુપાલી મુંબઈના અંધેરી તાલુકાના મઢ આઈલેન્ડ પરના એક માછીમાર પરિવારમાંથી છે. તેઓ એક સ્વતંત્ર બ્યુટિશિયન તરીકેના તેમના કામ દ્વારા તેમના માતાપિતા, પતિ અને સાસરિયાઓને મદદ કરે છે અને તેઓ કહે છે, "આ રીતે મેં મારા પોતાના ઘર અને લગ્ન માટે ચૂકવણી કરી છે." તેમનો પરિવાર કોળી સમુદાયનો છે, જે મહારાષ્ટ્રમાં સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ (એસબીસી) તરીકે સૂચિબદ્ધ છે.
રુપાલી આશરે આઠ કિલોગ્રામ વજનની ટ્રોલી બેગ ઘસડીને અને સાથે ત્રણ કિલોની બેકપેક ઊંચકીને આખા શહેરમાં ફરે છે. બે એપોઇન્ટમેન્ટ્સની વચ્ચે તેઓ પોતાના ઘરના કામ માટે સમય કાઢે છે, પોતાના પરિવાર માટે ત્રણ સમયનું ભોજન રાંધે છે અને દ્રઢતાથી કહે છે, "અપના મન કા માલિક હોને કા માણસે પોતે જ પોતાના માલિક થવું જોઈએ]."
આ વાર્તા માટેના અહેવાલ હૈદરાબાદથી
અમૃતા કોસુરુ
; રાયપુરથી
પુરુષોત્તમ ઠાકુર
; અમદાવાદથી
ઉમેશ સોલંકી
; કોલકાતાથી
સ્મિતા ખટોર
; બેંગલુરુથી
પ્રીતિ ડેવિડ
; પુણેથી
મેધા કાળે
; મુંબઈથી
રિયા બહેલ
દ્વારા મોકલવામાં આવેલ છે; અને
મેધા કાળે
,
પ્રતિષ્ઠા પંડ્યા
,
જોશુઆ બોધિનેત્ર
,
સંવિતિ ઐયર
,
રિયા બહેલ
અને
પ્રીતિ ડેવિડની
સંપાદકીય સહાય સાથે સંપાદિત કરવામાં આવેલ છે.
કવર ફોટો: પ્રીતિ ડેવિડ
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક