તુત્તકુડી શહેરની શેરીઓમાં લોકોની ભીડ રસ્તાઓ પર ઉતરી આવી હતી - જેમ તમિલનાડુમાં ઠેક ઠેકાણે - ત્યારે એક નાનો છોકરો દોડીને તેમની સાથે જોડાયો. થોડી વારમાં તે ઉદ્દામવાદી સૂત્રોચ્ચાર કરતા વિરોધ પ્રદર્શનનો ભાગ બની ગયો. તેઓ કહે છે, "તમે કદાચ જાણતા ન હો, આજે એ સમજી ન શકો, પણ ભગતસિંહને આપયેલી ફાંસી તમિલનાડુ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાવનાત્મક વળાંક લાવી. લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ઘણાની આંખમાં આંસુ હતા.”
"ત્યારે હું માત્ર 9 વર્ષનો હતો," તેઓ હસી પડ્યા.
આજે, તે 99 વર્ષના છે (15 જુલાઈ, 2020), પરંતુ એ જોશ અને ભાવના જેણે તેમને એક સ્વાતંત્ર્ય સેનાની, ભૂગર્ભ ક્રાંતિકારી, લેખક, વક્તા અને કટ્ટરવાદી બૌદ્ધિક બનાવ્યા, તે તેમણે આજે પણ ટકાવી રાખ્યા છે. તેઓ 14 ઓગસ્ટ, 1947 ના રોજ બ્રિટીશ જેલમાંથી છૂટ્યા હતા. “તે દિવસે ન્યાયાધીશ સીધા સેન્ટ્રલ જેલમાં આવ્યા અને અમને છોડી મૂક્યા. મદુરાઇ ષડયંત્ર કેસમાં અમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા . હું મદુરાઈ સેન્ટ્રલ જેલની બહાર આવતાની સાથે જ સ્વાતંત્ર્ય સરઘસમાં જોડાયો હતો. ”
જીવનની સદીના અંતે અણનમ એન.સંકરૈયા આજે ય બૌદ્ધિક રીતે સક્રિય છે. તેઓ હજી પ્રવચનો કરે છે અને વાર્તાલાપો આપે છે, 2018 માં પણ, ચેન્નઈના પરા, ક્રોમપેટમાં આવેલા તેમના ઘેરથી - જ્યાં અમે તેનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છીએ - તમિલનાડુના પ્રગતિશીલ લેખકો અને કલાકારોના સંમેલનને સંબોધવા તેમણે મદુરાઈ સુધીની મુસાફરી કરી હતી. ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લેવાને કારણે પોતાનો સ્નાતક કક્ષાનો અભ્યાસ ક્યારેય પૂરો ન કરી શકનાર સંકરૈયાએ પાછળથી અનેક રાજકીય નિબંધો, પુસ્તિકાઓ, પત્રિકાઓ અને પત્રકારત્વના લેખ લખ્યા.
1941માં નરસિમ્હાલુ સંકરૈયા ધ અમેરિકન કોલેજ, મદુરાઈની ઈતિહાસમાં સ્નાતકની પદવી મેળવવાની તૈયારીમાં હતા ત્યારે માત્ર બે અઠવાડિયા માટે, અંતિમ પરીક્ષાઓ આપવાનું ચૂકી ગયા. "હું કોલેજના વિદ્યાર્થી સંઘનો જોઇન્ટ સેક્રેટરી હતો." એક તેજસ્વી વિદ્યાર્થી જેણે કેમ્પસમાં કવિતા સમાજની સ્થાપના કરી, ફૂટબોલમાં કોલેજનું પ્રતિનિધિત્વ પણ કર્યું, અને બ્રિટીશ શાસન વિરોધી ચળવળમાં ખૂબ સક્રિય હતા. “મારા કોલેજના દિવસો દરમિયાન, મેં ડાબેરી વિચારધારાવાળા ઘણા લોકો સાથે મિત્રતા કરી. હું સમજી ગયો હતો કે ભારતીય સ્વતંત્રતા વિના સામાજિક સુધારણા પૂર્ણ થશે નહીં. ” 17 વર્ષની વયે, તેઓ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીના સભ્ય હતા. (તે સમયે આ પક્ષ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને ભૂગર્ભમાંથી ગુપ્ત રીતે તેનું સંચાલન કરવામાં આવતું હતું).
તેઓ યાદ કરે છે કે અમેરિકન કોલેજનું વલણ સકારાત્મક હતું. “ફક્ત ડિરેક્ટર અને કેટલાક શિક્ષકો અમેરિકન હતા, બાકીના બધા તમિલ. તેઓ તટસ્થ હોવા જોઈએ પણ તેઓ અંગ્રેજોની તરફેણમાં ન હતા. વિદ્યાર્થી પ્રવૃત્તિઓને ત્યાં મંજૂરી આપવામાં આવી હતી.... ” 1941માં, મદુરાઈમાં બ્રિટિશ વિરોધી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ અન્નમલાઇ યુનિવર્સિટીની વિદ્યાર્થીની મીનાક્ષીની ધરપકડ કરવામાં આવી હતી અને એની નિંદા કરતી એક બેઠક મળી હતી. “અમે એક પત્રિકા બહાર પાડી હતી. અમારા છાત્રાલયના ઓરડાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને (મારા મિત્ર) નારાયણસ્વામી પાસે પત્રિકા હોવાના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી. પાછળથી અમે તેની ધરપકડની નિંદા કરવા માટે એક વિરોધ બેઠક યોજી હતી…”
"તે પછી 28 ફેબ્રુઆરી, 1941 ના રોજ, બ્રિટિશરોએ મારી ધરપકડ કરી. મારી અંતિમ પરીક્ષાના માત્ર 15 જ દિવસ બાકી હતા. હું ક્યારેય પાછો ન આવ્યો. મેં ક્યારેય મારો સ્નાતક કક્ષાનો અભ્યાસ પૂરો ન કર્યો." તેમની ધરપકડની ક્ષણનું વર્ણન કરતા, તેઓ દાયકાઓ પછી કહે છે કે, “મને ભારતની સ્વતંત્રતા માટે જેલમાં જઈને, સ્વતંત્રતા સંગ્રામનો ભાગ બનવાનો ગર્વ હતો. મારા મગજમાં આ એક જ વિચાર હતો.” ખલાસ થઈ ગયેલી કારકિર્દી વિષે લેશમાત્ર રંજ નહોતો. તે સમયના કટ્ટરપંથી યુવાનોના સૂત્રોમાંથી તેમના પ્રિય સૂત્રોમાંનું એક : “અમને નોકરીની તલાશ નથી; અમને તો તલાશ છે મુક્તિની” આ સાથે સુસંગત હતું.
“મદુરાઈ જેલમાં 15 દિવસ ગાળ્યા પછી, મને વેલ્લોર જેલમાં મોકલવામાં આવ્યો. તે સમયે તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કેરળના ઘણા લોકોની પણ ત્યાં અટકાયત કરવામાં આવી હતી."
કોમરેડ એ. કે. ગોપલાન [સામ્યવાદી પક્ષના કેરળના સુપ્રસિદ્ધ નેતા] ની બેઠક યોજવા બદલ ત્રિચીમાં ધરપકડ કરવામાં આવી હતી. ઘટના દરમિયાન કેરળના કોમરેડ ઈમ્બીચી બાવા, વી. સુબ્બૈયા અને જીવનધામની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ બધા પણ ત્યાં વેલ્લોર જેલમાં હતા. મદ્રાસ સરકારની યોજના અમને બે જૂથોમાં વહેંચવાની હતી, જેમાંથી એક જૂથને ‘સી’ પ્રકારનું રેશન આપવામાં આવવાનું હતું. ‘સી’ પ્રકારનું રેશન તેઓ ફક્ત ગુનેગારોને આપતા હતા. આ પદ્ધતિનો વિરોધ કરવા અમે 19 દિવસની ભૂખ હડતાલ કરી હતી. દસમા દિવસ સુધીમાં તેઓએ અમને બે જૂથોમાં વહેંચ્યા. ત્યારે હું માત્ર એક વિદ્યાર્થી હતો.”
કિશોર સંકરૈયાને મેક્સિમ ગોર્કીની માતા વાંચતા જોઈ તેમની જેલની ઓરડીમાં આવેલા જેલના મહાનિદેશકને આશ્ચર્ય થયું હતું. સંકરૈયા કહે છે, તેમણે પૂછ્યું હતું, "તમે ભૂખ હડતાલ પર છો અને ભૂખ હડતાલના દસમા દિવસે, તમે સાહિત્ય વાંચી રહ્યા છો - ગોર્કીની ‘મધર’?" આ વાતની યાદે તેમની આંખો આનંદથી ચમકી ઊઠી .
ત્યાં તે સમયે એક અલગ જેલમાં કેદ કરવામાં આવેલી અન્ય પ્રખ્યાત હસ્તીઓમાં "કામરાજાર [કે. કામરાજ, જેઓ પાછળથી 1954-63 દરમ્યાન મદ્રાસ રાજ્ય - હવે તમિલનાડુ - ના મુખ્ય પ્રધાન હતા], પટ્ટભી સીતારમૈયા [જે આઝાદી પછી તરત જ કોંગ્રેસના અધ્યક્ષ હતા], અને ઘણા અન્ય લોકો હતા. જો કે, તેઓ બીજા યાર્ડમાં, બીજી જેલમાં હતા. ભૂખ હડતાલમાં કોંગ્રેસીઓએ ભાગ લીધો ન હતો. તેમનું કહેવું હતું કે: ‘આપણે મહાત્મા ગાંધીની સલાહથી બંધાયેલા છીએ’ અને મહાત્મા ગાંધીની સલાહ હતી: ‘જેલમાં કોઈ ઉશ્કેરણીપ્રેરક હરકત કરવી નહીં’. જો કે સરકાર કેટલીક છૂટછાટો માટે સંમત થઈ. 19મા દિવસે અમે ભૂખ હડતાલ સંકેલી લીધી.”
ઘણા મુદ્દાઓ પર તેમના તીવ્ર મતભેદો હોવા છતાં, સંકરૈયા કહે છે કે, “કામરાજાર સામ્યવાદીઓના ખૂબ સારા મિત્ર હતા. તેમની સાથે જેલમાં એક જ ઓરડામાં બંધ - મદુરાઈ અને તિરુનેલવેલીના - તેમના સાથીઓ પણ સામ્યવાદી હતા. હું કામરાજારનો ગાઢ મિત્ર હતો. અમારી સાથે જે ખરાબ વર્તન કરવામાં આવતું હતું તેને રોકવા માટે તેમણે એક કરતા વધુ વખત દરમિયાનગીરી કરી. પરંતુ, જ્યારે જર્મની અને સોવિયત સંઘ વચ્ચે યુદ્ધ શરૂ થયું, ત્યારે જેલમાં [કોંગ્રેસીઓ અને સામ્યવાદીઓ વચ્ચે] ભારે દલીલો થઈ હતી.
“થોડા દિવસો પછી, અમારામાંથી આઠ લોકોને રાજમુંદ્રી જેલમાં [હવે આંધ્રપ્રદેશમાં] તબદિલ કરવામાં આવ્યા અને ત્યાં એક અલગ યાર્ડમાં મૂકવામાં આવ્યા."
“એપ્રિલ 1942 સુધીમાં સરકારે મારા સિવાય બધા જ વિદ્યાર્થીઓને મુક્ત કર્યા. જેલના મુખ્ય અધિકારીએ આવીને પૂછ્યું: ‘સંકરૈયા કોણ છે?’ અને પછી અમને જાણ કરી કે મારા સિવાય બધાને મુક્ત કરવામાં આવ્યા છે. એક મહિના સુધી, હું એકાંત કેદમાં હતો અને આખો યાર્ડને મારો જ હતો! ”
કયા ગુના માટે તેમની અને અન્યની ધરપકડ કરવામાં આવી હતી? “કોઈ ઔપચારિક કેસ નોંધાયા નહોતા, ફક્ત અટકાયત કરવામાં આવી હતી. દર છ મહિને તેઓ તમે શા માટે જેલમાં છો એના કારણો દર્શાવતી લેખિત નોટિસ તમને મોકલે. તેમાં રાજદ્રોહ, સામ્યવાદી પક્ષની પ્રવૃત્તિઓ, વગેરે જેવા કારણો ટાંકવામાં આવે. અમે સમિતિ સમક્ષ તેનો જવાબ રજૂ કરીએ - અને સમિતિ તેને ફગાવી દે. "
નવાઈની વાત એ હતી કે, “રાજામુંદ્રી જેલમાંથી છૂટેલા મારા મિત્રો કામરાજરને રાજામુંદ્રી સ્ટેશન પર મળ્યા હતા - તે કલકત્તા [કોલકાતા] થી પાછા આવી રહ્યા હતા. જ્યારે તેમને ખબર પડી કે મને છોડવામાં આવ્યો નથી, ત્યારે તેમણે મદ્રાસના મુખ્ય સચિવને પત્ર લખીને કહ્યું કે મને પાછો વેલ્લોર જેલમાં સ્થાનાંતરિત કરવો જોઈએ. તેમણે મને પણ એક પત્ર લખ્યો. એક મહિના પછી મને વેલ્લોર જેલમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યો - જ્યાં હું અન્ય 200 સાથીઓ સાથે હતો. "
જુદી જુદી જેલની તેમની ઘણી જેલયાત્રાઓમાંની એકમાં સંકરૈયા ભારતના ભાવિ રાષ્ટ્રપતિ આર.વેંકટરામનને પણ મળવાના હતા. "1943માં જ્યારે તેઓ જેલમાં હતા, ત્યારે તેઓ ભારતીય સામ્યવાદી પક્ષના સભ્ય હતા. પાછળથી, તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા. જો કે, અમે ઘણાં વર્ષો સુધી સાથે કામ કર્યું."
અમેરિકન કોલેજમાં ભણતા - અને વ્યાપક વિદ્યાર્થી ચળવળમાં ભાગ લેનાર - સંકરૈયાના ઘણા સમકાલીન લોકો સ્નાતક થયા પછી અગ્રણી હસ્તીઓ તરીકે જાણીતા થયા. એક તમિલનાડુના મુખ્ય સચિવ બન્યા, બીજા ન્યાયાધીશ બન્યા, તો ત્રીજા આઈએએસ અધિકારી થયા, જે દાયકાઓ પહેલાં મુખ્ય પ્રધાનના સચિવ હતા. સંકરૈયા એકમાત્ર એવા હતા તે આઝાદી પછી પણ વારંવાર જેલવાસ ભોગવતા રહ્યા. આમાંથી તેમણે 1947 પહેલા મદુરાઈ, વેલ્લોર, રાજામુન્દ્રી, કન્નુર, સાલેમ અને તાંજોર જેલમાં જેલવાસ ભોગવ્યો ….
1948માં સામ્યવાદી પક્ષ પર પ્રતિબંધ મૂકાયા પછી, તેઓ ફરીથી ભૂગર્ભમાં ગયા. 1950માં તેમની ધરપકડ કરવામાં આવી અને એક વર્ષ પછી છોડી દેવામાં આવ્યા. 1962માં ભારત-ચીનના યુદ્ધ દરમિયાન, ઘણા સામ્યવાદીઓની ધરપકડ કરવામાં આવી. તે સમયે તેમની પણ ધરપકડ કરવામાં આવી અને 7 મહિનાની જેલની સજા કરવામાં આવી. 1965માં વધુ એક વાર સામ્યવાદી આંદોલનને દબાવવામાં આવ્યું ત્યારે તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી અને તેમણે બીજા 17 મહિના જેલમાં વીતાવ્યા.
સ્વતંત્રતા પછી તેમને નિશાન બનાવનારા લોકો પ્રત્યે તેમને જરાય કડવાશ નથી. તેમના મતે, તે બધી રાજકીય લડાઈઓ હતી, વ્યક્તિગત લડાઈઓ નહીં. અને તેમની લડત હંમેશાં આ દુનિયાના શોષિતોના પક્ષમાં રહી છે નહિ. તેમણે ક્યારેય કોઈ વ્યક્તિગત લાભનો વિચાર કર્યો નથી.
તેમના માટે સ્વાતંત્ર્ય સંગ્રામના નિર્ણયાત્મક વળાંક કયા હતા, અથવા પ્રેરણાત્મક ક્ષણો કઈ હતી?
"અલબત્ત, ભગતસિંહને બ્રિટીશરો દ્વારા ફાંસી [માર્ચ 23, 1931] તેમાંની એક હતી. ત્યારબાદ 1945 માં શરૂ થયેલી આઝાદ હિન્દ ફોજ [ધી ઈન્ડિયન નેશનલ આર્મી -આઈએનએ] વિરુદ્ધની અદાલતી તપાસ અને 1946માં રોયલ ઇન્ડિયન નેવી [આરઆઈએન] નો વિદ્રોહ એ બ્રિટીશ સામ્રાજ્યવાદ સામેના સંઘર્ષને ઉત્તેજન આપનાર કેટલીક મુખ્ય ઘટનાઓ હતી."
વીતતા દાયકાઓ સાથે ડાબેરી પ્રવૃત્તિઓ સાથેનું તેમનું જોડાણ અને ડાબેરીવાદ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા વધુ દ્રઢ થયા છે. તેઓ હંમેશને માટે પક્ષના પૂર્ણસમયના કાર્યકર્તા બની રહેશે.
“1944માં તાંજોર જેલમાંથી છૂટ્યા પછી હું ભારતીય સામ્યવાદી પક્ષના મદુરાઈ જિલ્લા સમિતિના સચિવ તરીકે પસંદ થયો. ત્યારબાદ સતત 22 વર્ષ હું પક્ષની રાજ્ય સમિતિના સચિવ તરીકેસચિવ તરીકે ચૂંટાયો.”
સંકરૈયા જનમેદની એકત્રિત કરવામાં ચાવીરૂપ વ્યક્તિ હતા. 1940 ના દાયકાના મધ્યભાગમાં મદુરાઈ ડાબેરીઓના મુખ્ય ગઢ સમાન હતું. “જ્યારે પી.સી. જોશી [સીપીઆઈ જનરલ સેક્રેટરી] 1946 માં મદુરાઈ આવ્યા, ત્યારે તેમની સભામાં 1 લાખ લોકો હાજર હતા. અમારી ઘણી સભાઓમાં ભારે ભીડ જોવા મળતી.”
તેમની વધતી જતી લોકપ્રિયતાને કારણે બ્રિટિશરોએ તેમના વિરુદ્ધ ખોટી રીતે 'મદુરાઈ ષડયંત્ર કેસ' ઊભો કર્યો અને તેમાં પી. રામામૂર્તિ [તમિળનાડુના સામ્યવાદી પક્ષના પ્રખ્યાત નેતા] ને પ્રથમ આરોપી તરીકે, સંકરૈયાને બીજા આરોપી તરીકે, અને અન્ય ઘણા સીપીઆઈ નેતાઓ અને કાર્યકરોને અન્ય આરોપીઓ તરીકે ગણાવ્યા. તેમના પર અન્ય ટ્રેડ યુનિયન નેતાઓની હત્યા કરવા માટે તેમની ઓફિસમાં કાવતરું ઘડવાનો આરોપ મૂકાયો હતો. ગુનાનો મુખ્ય સાક્ષી એક ગાડાવાળો હતો. પોલીસે કહ્યું કે, તેણે ફક્ત તે કાવતરા વિશેની વાતચીત સાંભળીને, પોતાની ફરજ સમજીને, અધિકારીઓ સમક્ષ તે અંગેનું નિવેદન આપ્યું હતું.
એન. રામ ક્રિષ્ણન (સંકરૈયાના નાના ભાઇ) તેમણે 2008માં લખેલા જીવનચરિત્ર પી. રામમૂર્તિ - એક શતાબ્દીની શ્રદ્ધાંજલિમાં જણાવે છે: “તપાસ દરમિયાન, રામમૂર્તિએ [જેમણે પોતાના કેસની દલીલો જાતે જ કરી હતી] સાબિત કર્યું કે મુખ્ય સાક્ષી ચોર અને ધુતારો હતો જે વિવિધ કેસમાં જેલની સજા ભોગવી ચૂક્યો હતો.
આ કેસની સુનાવણી કરનાર વિશેષ ન્યાયાધીશ 14મી ઓગસ્ટ, 1947 ના રોજ જેલના પરિસરમાં આવ્યા અને આ કેસમાં સંડોવાયેલા બધાને મુક્ત કર્યા અને કામદારોના આદરણીય નેતાઓ સામે ખોટા આક્ષેપો કરી આ કેસ ઊભો કરવા બદલ તેમણે સરકારની આકરી ટીકા કરી."
તાજેતરના વર્ષોમાં એ ભૂતકાળના વિચિત્ર પડઘા પડ્યા છે - ફરક માત્ર એટલો છે કે આજના સમયમાં નિર્દોષોને મુક્ત કરવા જેલમાં જાય અને સરકારની ટીકા કરે એવા વિશેષ ન્યાયાધીશ મળવા મુશ્કેલ છે.
1948 માં સીપીઆઈ પર પ્રતિબંધ મૂકાયા પછી, રામમૂર્તિ અને અન્ય લોકોને ફરીથી જેલમાં ધકેલી દેવામાં આવ્યા - આ વખતે સ્વતંત્ર ભારતમાં. ચૂંટણીઓ નજીક આવી રહી હતી, અને ડાબેરીઓની લોકપ્રિયતા મદ્રાસ રાજ્યમાં શાસક કોંગ્રેસ પક્ષ માટે પડકારરૂપ હતી.
“રામમૂર્તિએ અટકાયતમાં હતા ત્યારે સેન્ટ્રલ જેલના અધિક્ષક સમક્ષ ઉમેદવારી નોંધાવી . તેઓ 1952માં મદ્રાસ વિધાનસભાની ચૂંટણી ઉત્તર મદુરાઈ મત વિસ્તારમાંથી લડ્યા. હું તેમના ચૂંટણી પ્રચારની જવાબદારી સંભાળી રહ્યો હતો. અન્ય બે ઉમેદવારો હતા - કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમ ભારતી અને જસ્ટિસ પાર્ટીના પી.ડી. રાજન. રામમૂર્તિએ ભવ્ય વિજય હાંસલ કર્યો. ચૂંટણીના પરિણામો જાહેર થયા ત્યારે તેઓ જેલમાં હતા. ભારતી બીજા ક્રમાંકે આવ્યા અને રાજને તેમની અનામત ગુમાવી. જીતની ઉજવણી માટે વિજય સભામાં 3 લાખ લોકો ઉમટી પડ્યા હતા.” સ્વતંત્રતા બાદ તમિલનાડુ વિધાનસભામાં રામમૂર્તિ વિપક્ષના પ્રથમ નેતા તરીકે ઉભરી આવ્યા.
1964 માં જ્યારે સામ્યવાદી પક્ષના ભાગલા પડ્યા ત્યારે સંકરૈયા નવા રચાયેલા સીપીઆઈ-એમ પક્ષમાં જોડાયા. "1964 માં સીપીઆઈ નેશનલ કાઉન્સિલ છોડનારા 32 સભ્યોમાંથી, આજે ફક્ત હું અને વી.એસ.અચ્યુતાનંદન બે જ સભ્યો જીવંત છીએ." સંકરૈયા પાછળથી મહાસચિવ અને બાદમાં અખિલ ભારતીય કિસાન સભાના પ્રમુખ બન્યા. દોઢ કરોડ સભ્યો સાથે આજે પણ તે ભારતનું સૌથી મોટું ખેડૂત સંગઠન છે. તેમણે સાત વર્ષ સીપીઆઈ-એમ તમિલનાડુના રાજ્ય સચિવ તરીકે અને બે દાયકાથી વધુ સમય સુધી પક્ષની કેન્દ્રીય સમિતિના સભ્ય તરીકે સેવા આપી.
તેમને એ હકીકત પર ગર્વ છે કે “ અમે તમિલનાડુ વિધાનસભામાં સૌ પ્રથમ તમિલનો વપરાશ શરુ કર્યો હતો. 1952 માં, વિધાનસભામાં તમિલમાં બોલવાની કોઈ જોગવાઈ નહોતી, અંગ્રેજી એકમાત્ર ભાષા હતી, પરંતુ [અમારા ધારાસભ્યો] જીવનંદમ અને રામમૂર્તિ તમિલમાં બોલતા હતા, જો કે તેની જોગવાઈ તો 6 કે 7 વર્ષ પછી આવી. "
સંકરૈયાની મજૂર વર્ગ અને ખેડુતો પ્રત્યેની પ્રતિબદ્ધતા આજે પણ યથાવત છે. તેમને આશા છે કે સામ્યવાદીઓ “ચૂંટણીના રાજકારણના યોગ્ય જવાબો” મેળવશે અને મોટા પાયે જનઆંદોલન ઊભું કરશે. 99 વર્ષના સંકરૈયા મુલાકાતના દોઢ કલાક પછી, હજી પણ એ જ ઉત્કટ ભાવાવેશ અને ઊર્જા સાથે વાત કરી રહયા છે જેની સાથે તેમણે શરૂઆત કરી હતી. તેમનો મિજાજ હજી આજે ય એ 9 વર્ષના છોકરાનો છે જે ભગતસિંહના બલિદાનથી પ્રેરાઈ શેરીમાં વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતો.
નોંધ: આ લેખ તૈયાર કરવામાં મૂલ્યવાન યોગદાન બદલ કવિતા મુરલીધરનનો આભાર.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક