મુખ્ય મંચ સામે બેસેલી ભીડ શાંત થઇ ગઈ. સંભળાય નહિ એવો એક માત્ર અવાજ હોય તો એ હતો ત્યાં બેઠેલા લાખો ને હજારો કિલોમીટર દૂર દરેકના વતનમાં બેઠા તમામ લોકોના હૈયાંના એકતાલમાં થતા ધબકારનો. નેતાઓ આભને આંબે એવા જુસ્સા સાથે સન્માનમાં નતમસ્તક ઊભા થયા. ભાવનાગ્રસ્ત માહોલમાં બધા લોકોની વધતા જતા ઉત્સાહભરી આંખો એ આઠ યુવાનો તરફ મંડાયેલી હતી જેઓ માથા પર માટી ભરેલા ઘડા લઇ સિંઘુ સરહદ પરના સંયુક્ત કિસાન મોરચાના મંચ પર ચઢી રહ્યા હતા.
યાદો અને પવિત્ર માટીથી ભરેલો એક એક ઘડો ઘણી માઇલોની સફર કરીને ૨૩ માર્ચ ૨૦૨૧ના રોજ ભગત સિંહ, રાજગુરુ અને સુખદેવનો ૯૦મો શહાદત દિવસ મનાવવા માટે દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહેલાં ખેડૂતો પાસે પહોંચ્યો હતો.
“પંજાબના આ નવયુવાનો આઠ ઐતિહાસિક સ્થળોથી માટી એકઠી કરીને લાવ્યા છે. એ જગ્યાઓથી જે આપણા માટે વિશેષ છે, આપણા દિલોમાં છે – અને અમે તેમનું સ્વાગત કરીએ છીએ,” મંચ પરથી ખેડૂત નેતા, જતીન્દર સિંહ છીનાએ જાહેરાત કરી.
ખેડૂતોના જીવનમાં હંમેશા ભૌતિક અને સંસ્કૃતિક મહત્વ ધરાવતી માટીએ આ શહીદ દિવસે રાજનૈતિક, ઐતિહાસિક તથા બીજા લાક્ષણિક અર્થ મેળવ્યા છે. જે માટીને તેઓ પવિત્ર માને છે તેને અલગ અલગ શહીદોના ગામોમાંથી લાવવી, પ્રદર્શનકારી ખેડૂતોની ઉર્જા વધારવા અને પ્રેરિત કરવાની એ એક સારી રીત હતી. અને આ વિચાર ખેડૂત સંઘો અને કાર્યકર્તાઓની જીલ્લા સ્તરની બેઠકમાં સામાન્ય લોકોના મગજમાં આવ્યો હતો.
“અત્યારે હું ભાવુક છું. આપણે બધાં છીએ. મને ખબર નથી કે શહીદો કયા ખૂન અને માટીના બનેલાં હતા,” માટી લાવનારાઓમાંથી એક, પંજાબના સંગરુરના ૩૫ વર્ષીય ભૂપેન્દ્ર સિંહ લોંગોવાલે કહ્યું. “અમે માટી એટલા માટે ભેગી કરી કારણ કે આ અમને જુલમગારો સામે લડવાનું સાહસ અને હિંમત આપે છે.
૨૩ માર્ચ શહીદ દિવસે, દિલ્હીની સરહદો પર ખેડૂતોના અત્યાર સુધીના સૌથી મોટા અહિંસક અને ઐતિહાસિક પ્રદર્શનનો ૧૧૭મો દિવસ પણ હતો.
ખેડૂતો જે નવા કાયદાકીય ‘પરિવર્તનો’ નો વિરોધ કરી રહ્યા છે તે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે.
ખેડૂતોનું કહેવું છે કે આ કાયદાઓ ન્યુનતમ સમર્થન કિંમત (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયા સહિતની ખેડૂતોને સહાયતા કરનારી મુખ્ય રીતોને કમજોર કરી નાખશે.
તેઓ તેમની લડાઈ ખેતી પર કોર્પોરેટના સંપૂર્ણ નિયંત્રણના વિરુદ્ધ માને છે, કે જેઓ ન તો ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરે છે અને ન તો તેમના અધિકારોની પરવા કરે છે. તેઓ પોતાના સંઘર્ષને ન્યાય અને લોકતંત્ર સાથે-સાથે પોતાની જમીન અને અધિકારોની લડાઈ તરીકે પણ જુએ છે. તેમના માટે આ આઝાદીની લડાઈ પણ છે, પરંતુ આ વખતે જુલમગાર બહારનો કોઈ માણસ નથી.
“ક્રાંતિકારીઓ એ અંગ્રેજો સામે લડાઈ લડી,” પંજાબના ફરીદકોટ જીલ્લાના કોટ કપુરા વિસ્તારમાં આવેલ ઔલખ ગામના ૨૩ વર્ષીય મોહન સિંહ ઔલખે કહ્યું. “તે એક જુલ્મથી ભરેલું અને ક્રૂર શાસન હતું. વાત એ નથી કે અંગ્રેજો જતા રહ્યાં છે. વાત એ છે કે અત્યાચારી શાસન આજે પણ ચાલું છે.” આ કારણે એમના માટે અને એ દિવસે હાજર અન્ય લોકો માટે, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનથી સમૃદ્ધ માટીને ફરીથી મેળવવી સંવૈધાનિક અધિકારોનો દાવો કરવા માટેનું એક પ્રતીકાત્મક રાજનૈતિક કાર્ય બની ગયું હતું.
તેઓ ૨૩ માર્ચે સવારે સિંઘુ પહોંચ્યા – જ્યાં એ દિવસે દેશભરના ૨,૦૦૦થી પણ વધારે ખેડૂતો પહોંચ્યા હતા. ભગત સિંહ, સુખદેવ થાપર અને શિવરામ હરી રાજગુરુની છબીઓ મંચ પર મુખ્ય છબીઓ હતી, જ્યાં માટીથી ભરેલા ઘડા રાખવામાં આવ્યા હતા.
આ મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓને ૨૩ માર્ચ ૧૯૩૧ના રોજ જ્યારે લાહોરની કેન્દ્રીય જેલમાં અંગ્રેજો દ્વારા ફાંસીએ ચડાવવામાં આવ્યા ત્યારે તે બધાની ઉંમર ૨૦ વર્ષની આસપાસ હતી. એમની લાશોને સંતાડીને હુસૈનીવાલા ગામમાં લાવવામાં આવી અને આગની જ્વાળાઓના હવાલે કરી દેવામાં આવી. આ ગામમાં, પંજાબના ફિરોજપુર જીલ્લાના સતલુજ નદી તટ પર હુસૈનીવાલા શહીદ સ્મારક ૧૯૬૮માં બનાવવામાં આવ્યું હતું. આ જ જગ્યાએ એમના ક્રાંતિકારી સહયોગી બટુકેશ્વર દત્ત, અને ભગત સિંહના માતા વિદ્યાવતીનો પણ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. સિંઘુના મંચ પર પહેલા ઘડામાં ત્યાંની માટી હતી.
જ્યારે ભગતસિંહને ફાંસી આપવામાં આવી ત્યારે તેમના ખિસ્સામાં 19 વર્ષની ઉંમરે અંગ્રેજો દ્વારા ફાંસી પર ચડાવી દેવાયેલા એક અન્ય શૌર્ય સ્વાતંત્ર્ય સેનાની કરતારસિંહ સારાભાની તસવીર હતી. માટીનો બીજો ઘડો પંજાબના લુધિયાણા જીલ્લામાં આવેલા એમના ગામ સરાભાથી લાવવામાં આવી હતી. ભગતસિંહના માતા વિદ્યાવતીએ આ યુવા ભારતીય ક્રાંતિકારી, એક પત્રકાર અને ગદર પાર્ટીના મુખ્ય સભ્ય વિષે કહ્યું હતું કે તેઓ એમના દીકરાના “નાયક, મિત્ર અને સાથી” હતા.
પરંતુ ભગત સિંહનો કિસ્સો ૧૨ વર્ષની ઉંમરે શરુ થયો હતો, જ્યારે એમણે પંજાબના અમૃતસર સ્થિત જલિયાવાલા બાગની મુલાકાત લીધી. અંગ્રેજ સેનાના બ્રિગેડીયર જનરલ રેજીનાલ્ડ ડાયરના આદેશ મુજબ ૧૩ એપ્રિલ ૧૯૧૯ ના રોજ ૧,૦૦૦થી પણ વધારે નિ:શસ્ત્ર લોકોનો નરસંહાર કરવામાં આવ્યો હતો. ભગતસિંહ જલિયાવાલા બાગમાંથી લોહીથી રંગાયેલી માટી એકઠી કરી એમના ગામમાં પરત લઇ ગયા. એમણે પોતાના દાદાના બગીચાના એક ભાગમાં આ માટી નાખી અને એના પર ફૂલો ઉગાવ્યા. સિંધુમાં લાવવામાં આવેલી ત્રીજા ઘડાની માટી જલિયાંવાલા બાગની હતી.
ચોથા ઘડાની માટી પંજાબના સંગરુર જીલ્લાના સુનામથી આવી હતી. આ ઉદ્યમ સિંહનું ગામ છે – જેમણે ૧૩ માર્ચ, ૧૯૪૦માં લંડનમાં માઈકલ ફ્રાંસીસ ઓડાયરની ગોળી મારીને હત્યા કરવાના આરોપમાં એક અંગ્રેજ અદાલતમાં સુનાવણી દરમિયાન પોતાનું નામ બદલીને મોહંમદ સિંહ આઝાદ કરી લીધું હતું. ઓડાયરે, પંજાબના ઉપ-રાજ્યપાલ તરીકે, જલિયાવાલા બાગમાં જનરલ ડાયરના કાર્યોનું સમર્થન કર્યું હતું. ઉદ્યમ સિંહને મોતની સજા સંભળાવવામાં આવી હતી અને ૩૧ જુલાઈ, ૧૯૪૦ના રોજ લંડનના પેન્ટોનવિલે જેલમાં ફાંસી આપવામાં આવી હતી. ૧૯૭૪માં, એમના અવશેષો ભારતમાં લાવવામાં આવ્યા હતા અને સુનામમાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
“જેવી રીતે ભગત સિંહ, કરતાર સિંહ સરાભા, ચાચા અજીત સિંહ, ઉદ્યમ સિંહ અને અમારા ગુરુઓએ જુલમગારો સામે લડાઈ લડી, એવી રીતે અમે પણ અમારા નેતાઓના ચાલેલા રસ્તા પર ચાલવા માટે દ્રઢ સંકલ્પ લઈએ છીએ,” ભુપેન્દ્ર લોંગોવાલે કહ્યું. સિંઘુના ઘણાં ખેડૂતોએ તેમના વિચારોને બહાલી આપી.
“અમે પહેલાથી જ અશક્ત લોકો પર સશક્ત લોકોની ઈચ્છાશક્તિને થોપવામાં આવે એનો વિરોધ કરતાં રહ્યા છીએ,” ભગત સિંહના ભત્રીજા, ૬૪ વર્ષીય અભય સિંહે કૃષિ કાયદાઓ વિરુદ્ધ ચાલી રહેલાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પોતાનો જીવ ગુમાવનાર લગભગ ૩૦૦ ખેડૂતોને યાદ કરતાં કહ્યું.
પાંચમા ઘડાની માટી ફતેગઢ સાહિબથી આવી હતી, જે આ જ નામના જીલ્લામાં આવેલું પંજાબનું એક શહેર છે. આ એ જગ્યા છે, જ્યાં સરહિંદના મુગલ ગવર્નર વઝીર ખાનના આદેશ પર ૨૬ ડીસેમ્બર, ૧૭૦૪ના રોજ ગુરુ ગોવિંદ સિંહના બે નાના દીકરાઓ, પાંચ વર્ષીય બાબા ફતેહ સિંહ અને સાત વર્ષીય બાબા જોરાવર સિંહને દીવાલમાં જીવતા ચણી દેવામાં આવ્યા હતા.
છઠ્ઠા ઘડામાં ગુરુદ્વારા કતલગઢ સાહિબથી લાવવામાં આવેલી માટી હતી, જે પંજાબના રૂપનગર જીલ્લાના ચામકૌર શહેરમાં આવેલ છે જ્યાં ગુરુ ગોવિંદ સિંહના બે મોટા દીકરા – ૧૭ વર્ષીય અજીત સિંહ અને ૧૪ વર્ષીય જુઝાર સિંહ – મુગલો સામે લડતાં શહીદ થયા હતા. રૂપનગર જીલ્લાના નુરપુર બેદી વિસ્તારના રણવીર સિંહ આ ઘડા લઈને આવ્યા હતા. ચારે ભાઈઓના સાહસ અને શહીદીની ગાથાઓ કૃષિ કાયદાઓ વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલાં ખેડૂતોના મનમાં ઊંડાણથી ઉતરી ગઈ છે.
સાતમા ઘડાની માટી પંજાબના રૂપનગર જીલ્લાના ખાલસાના જન્મસ્થળ, આનંદપુર સાહિબથી લાવવામાં આવી હતી. ખાલસાનો અર્થ થાય છે ‘શુદ્ધ’, અને ૧૬૯૯માં ગુરુ ગોવિંદ સિંહ દ્વારા સ્થાપિત શીખ ધર્મના વિશેષ યોદ્ધાઓના સમુદાયને દર્શાવે છે, જેમનું કર્તવ્ય જુલ્મ અને ઉત્પીડનથી નિર્દોષ લોકોની રક્ષા કરવાનું છે. “ખાલસાના નિર્માણથી અમને લડવાની ભાવના મળી. કૃષિ કાયદાઓ સામે થઇ રહેલો વિરોધ પણ પંજાબથી જ શરૂ થયો હતો. આપણો દેશ એક એવો દેશ છે જ્યાં લોકો શહીદોનું સન્માન કરે છે. ભારતનો સંબંધ એ પરંપરાથી છે જ્યાં આપણે આપણા મૃત્યુ પામેલા પ્રિયજનો, જે આ દુનિયામાં નથી, એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ,” રણવીર સિંહે કહ્યું.
અલગ-અલગ જગ્યાઓથી માટી લાવનારા ત્રણ યુવાનો – ભુપેન્દ્ર, મોહન અને રણવીરે કહ્યું કે [દિલ્હીની] સરહદો પર વિરોધ કરી રહેલાં ખેડૂતો પોતે આ જગ્યાઓએ જઈ શકે તેમ નથી, પરંતુ ત્યાંની માટી “લડવામાં એમના હોસલામાં વધારો કરશે, અને એમની ભાવનાઓ અને મનોબળ મજબૂત કરશે.”
આઠમી હરોળમાં રાખેલ છેલ્લા ઘડાની માટી પંજાબના શહીદ ભગતસિંહ નગર જીલ્લાના બાંગા શહેરથી થોડે જ બહાર ભગતસિંહના પૈતૃક ગામ, ખટકર કલાથી સિંધુમાં લાવવામાં આવી હતી. ભગત સિંહના ભત્રીજા અભય સિંહ કહે છે કે, “ભગતસિંહના વિચારોનું કેન્દ્ર બિંદુ એ હતું કે મનુષ્ય દ્વારા મનુષ્યનું અને રાષ્ટ્રો દ્વારા રાષ્ટ્રોનું થતું શોષણ અટકવું જોઈએ. દિલ્હીની સરહદો પર થઇ રહેલી આ લડાઈ એમના આદર્શો પ્રાપ્ત કરવાની દિશામાં એક પગલું છે.”
“ભગત સિંહને એમના વિચારોના કારણે શહીદે આઝમ કહેવામાં આવે છે. વિચાર એ છે કે તમારે તમારો ઈતિહાસ જાતે જ લખવો પડશે. અને અમે, મહિલાઓ તરીકે, ખેડૂતો તરીકે, પીડિત તરીકે, પોતાનો ઈતિહાસ લખી રહ્યાં છીએ,” ૩૮ વર્ષીય ખેડૂત અને કાર્યકર્તા સવિતાએ કહ્યું, જેમની પાસે હરિયાણાના હિસાર જીલ્લામાં હાંસી તાલુકાના સોરખી ગામમાં પાંચ એકર જમીન છે.
“આ સરકાર આ કાયદાઓને ફક્ત મોટા નિગમોને અમારી જમીન સુધી સરળતાથી પહોંચવામાં મદદ કરવા માટે જ લાવી રહી છે. જે લોકો કેન્દ્રના આદેશને અવગણે છે, કાર્યપાલિકા એમને સળિયાઓ પાછળ ધકેલી દે છે. અમે ન તો ફક્ત ત્રણ કૃષિ કાયદાઓ, પરંતુ નિગમો વિરુદ્ધ પણ લડી રહ્યા છીએ. અમે ભૂતકાળમાં અંગ્રેજો સામે લડાઈ લડી હતી. હવે અમે એમના સાથીઓ સાથે પણ લડી લઈશું.”
અનુવાદક: ફૈઝ મોહંમદ