તે માંડ 17 વર્ષની હતી જ્યારે તેણે કુડ્ડલોર ફિશિંગ બંદર પર વેપાર કરવાનું શરૂ કર્યું. અને એ સમયે તેની પાસે કંઈ હતું તો ગણીને 1,800 રૂપિયા, એની માએ ધંધો શરુ કરવા આપેલી મૂડી. આજે 62 વર્ષની વેણી બંદર પર કુશળતાથી હરાજી કરનારાઓમાં છે તેમજ એક સફળ વેપારી પણ છે. જેનું એને ગૌરવ છે એવું એનું ઘર જે કંઈ કેટકેટલી મુશ્કેલીઓ વેઠીને ઊભું
દારૂડિયો પતિ એને છોડીને ચાલ્યો ગયો પછી વેણીએ એકલા હાથે ચાર ચાર બાળકોને ઉછેર્યા છે. એ સમયે એની રોજની કમાણી તદ્દન ઓછી હતી, માંડ પેટ ભરવા પૂરતું મળી રહેતું. રિંગ સીન ફિશિંગના આગમન સાથે તેણે બોટમાં રોકાણ કર્યું, લાખો રૂપિયા ઉછીના લઈને. તે રોકાણ પરના વળતરે તેને તેના બાળકોને શિક્ષિત કરવા અને ઘર બનાવવા માટે સક્ષમ બનાવી.
1990 ના દાયકાના અંતથી કુડ્ડલોર કિનારે રિંગ સીન ફિશિંગને ઘણી લોકપ્રિયતા મળી, પરંતુ 2004ના સુનામી પછી તેનો ઉપયોગ ઓર ઝડપથી વધ્યો. રીંગ સીન ગિયર સારડીન, મેકરેલ અને એન્કોવીઝ જેવી દરિયાઈ મહાસાગરની માછલીના પસાર થતા આખા ઝૂંડને ઘેરીને પકડી લે એવી પદ્ધતિનો ઉપયોગ કરે છે.
મોટા પાયાના મૂડી રોકાણોની જરૂરિયાત અને શ્રમની માંગને કારણે નાના માછીમારોએ શેરધારકોના જૂથો બનાવ્યા, ખર્ચ અને મળતર બંનેની વહેંચણી કરી. આ રીતે વેણી રોકાણકાર બની અને એનો વેપાર ઓર વધાર્યો. રીંગ સીન બોટને કારણે મહિલાઓને હરાજી કરવાની , વેપારની અને માછલી સૂકવવાની તકો ઉભી થઇ. વેણી કહે છે, “રિંગ સીનના કારણે સમાજમાં મારો દરજ્જો વધ્યો. "હું એક સાહસિક સ્ત્રી બની. બોલ્ડ! અને આટલી ઉપર આવી શકી."
દરિયામાં બોટ એ ફક્ત પુરુષો માટેની જગ્યા હોય છે, પણ એ એક વાર બંદર પર લાંગરે એની સાથે જ સ્ત્રીઓ એનો કબજો લઈ લે છે - કેચની હરાજીથી લઈને માછલી વેચવા, માછલીને કાપવા અને સૂકવવાથી લઈને કચરાના નિકાલ સુધી, બરફથી લઈને ચા અને રાંધેલા ખોરાક વેચવા સુધી. આમ તો બધી માછીમાર મહિલાઓને સામાન્ય રીતે માછલી વેચનારા ફેરિયાની જેમ તરીકે દર્શાવવામાં આવે છે, પણ એવી પણ ઘણી મહિલાઓ છે જે માછલીઓને લગતા ઘણા કામો વિક્રેતાઓ સાથે ભાગીદારીમાં કરે છે. પરંતુ મત્સ્યઉદ્યોગક્ષેત્રમાં આવી મહિલાઓના યોગદાનના મૂલ્ય અને વિવિધતા બંનેને બહુ ઓછી માન્યતા મળી છે.