શ્રીકાકુલમ પરદેશમ કહે છે કે તેમણે આ દિવાળીમાં લગભગ ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ દીવા બનાવ્યા છે. ૯૨ વર્ષીય કુંભારે આ અઠવાડિયે ઉજવવામાં આવનાર તહેવારના એક મહિના કરતાં વધુ સમય પહેલાં આની શરૂઆત કરી દીધી હતી. તેઓ દરરોજ સવારે ૭ વાગ્યે ચાનો એક કપ પીધા પછી કામ કરવાનું શરૂ કરી દેતા અને વચ્ચે ફક્ત બે જ વિરામ લઇને મોડી સાંજ સુધી કામ કરતા.
થોડાં અઠવાડિયાં પહેલાં ઑક્ટોબરની શરૂઆતમાં, પરદેશને નાના સ્ટેન્ડવાળા દીવા બનાવવામાં તેમનો હાથ અજમાવ્યો હતો . તેઓ કહે છે, “આ દીવા બનાવવા થોડું કઠીન છે. આમાં સ્ટેન્ડની જાડાઈ ચોક્કસ હોવી જોઇએ.” સ્ટેન્ડ તેલથી ભરેલા કપ–આકારના દીવાને નીચે પડતા અટકાવે છે અને સળગતી દિવેટને બહાર જતી અટકાવે છે. તેઓ સામાન્ય દીવા ૨ મિનિટમાં બનાવી દે છે, તેની તુલનામાં આવો એક દીવો બનાવવામાં તેમને પાંચ મિનિટ થાય છે. પરંતુ ગ્રાહકોને જાળવી રાખવા માટે, તેઓ નિયમિત ૩ રૂપિયે વેચાતા દીવાની સરખામણીમાં આનો ભાવ ફક્ત એક રૂપિયો જ વધારે રાખે છે.
પરદેશમના ઉત્સાહ અને તેમની હસ્તકલા પ્રત્યેની લગનને કારણે વિશાખાપટ્ટનમના કુમ્મારી વિધી (કુંભારોની શેરી) ખાતેના તેમના ઘરમાં આઠ દાયકા કરતાં વધુ સમયથી કુંભારનું પૈડું ફરતું રહ્યું છે. આ સમયમાં તેમણે લાખો દીવા કે દીપમ બનાવ્યા છે, જેનાથી દિવાળીની ઉજવણી કરતાં ઘરોમાં રોશની થઈ છે. ૯૨ વર્ષિય કુંભાર કહે છે, “અમારા હાથ, ઊર્જા અને પૈડાંનો ઉપયોગ કરીને આકારહીન માટીમાંથી એક વસ્તું બનાવીએ છીએ. તે એક કલા [કળા] છે.” આ કુંભાર તેમના પરિવાર સાથે રહે છે અને તેમની શ્રવણશક્તિ થોડી નબળી હોવાને કારણે તેઓ વધારે ફરતા નથી.
કુમ્મારી વિધી એ વિશાખાપટ્ટનમ શહેરના અક્કયાપાલેમના વ્યસ્ત બજાર વિસ્તારની નજીકની એક સાંકડી શેરી છે. શેરીમાં મોટાભાગના રહેવાસીઓ કુમ્મારા છે – જે એક કુંભાર સમુદાય છે જે પરંપરાગત રીતે મૂર્તિઓ સહિત માટીની વસ્તુઓ બનાવવાનું કામ કરે છે. પરદેશમના દાદા કામની શોધમાં વિશાખાપટ્ટનમ જિલ્લાના પદ્મનાભન મંડળના પોટનુરુ ગામમાંથી શહેરમાં સ્થળાંતર કરીને ગયા હતા. તેઓ એ સમયને યાદ કરે છે જ્યારે તેઓ નાના હતા અને આ કુંભારની શેરી પરના ૩૦ કુમ્મારા પરિવારો દીવા, છોડ માટેનાં વાસણો, ‘પિગી બેંક’, માટીના પાત્રો, કપ અને મૂર્તિઓ સહિત અન્ય માટીની વસ્તુઓ બનાવતા હતા.
આજે, પરદેશમ વિશાખાપટ્ટનમમાં દીવા બનાવતા છેલ્લા કુંભાર ગણાય છે. અહીંના અન્ય કુંભાર પરિવારો કાં તો માત્ર મૂર્તિઓ અને અન્ય માટીની વસ્તુઓ બનાવવા તરફ વળ્યા છે કાં તો તેમણે હસ્તકલાને સંપૂર્ણપણે છોડી દીધી છે. એક દાયકા પહેલા સુધી, તેઓ પણ તહેવારો પર્વે મૂર્તિઓ બનાવતા હતા પરંતુ ધીમે ધીમે બંધ કરી દીધું. કારણ કે, મૂર્તિ બનાવવાનું કામ શારીરિક રીતે વધુ મુશ્કેલ છે અને તેઓ કહે છે કે તેમના માટે કલાકો સુધી જમીન પર બેસી રહેવું કઠીન છે.
પરદેશમ હવે વિનાયક (ગણેશ) ચતુર્થીની સમાપ્તિની રાહ જુએ છે જેથી તેઓ દિવાળી માટે દીવા બનાવવાનું શરૂ કરી શકે. તેઓ તેમના ઘરની નજીકની ગલીમાં બનાવેલા કામચલાઉ માળખામાં કામ કરતા કહે છે, “મને દીવા બનાવવામાં કેમ ખુશી મળે છે એનું કારણ મને ખરેખર ખબર નથી. પણ હું તે કરું છું. કાદવની સુગંધ કદાચ મને સૌથી વધુ ગમે છે.” તેઓ જે ઓરડામાં કામ કરે છે, તે ઓરડો માટીના ગઠ્ઠા, તૂટેલા ઘડા, મૂર્તિઓ અને પાણીનો સંગ્રહ કરવા માટે વપરાતા ડ્રમથી ભરેલો છે.
બાળપણમાં, પરદેશમે તેમના પિતા પાસેથી ઘરોમાં રોશની કરવા માટે વપરાતા સામાન્ય દીવા કઈ રીતે બનાવવા તે શીખી લીધું હતું. તેઓ વિનાયક ચતુર્થી માટે નિયમિત અને સુશોભન માટેના દીવાઓ, છોડ માટેનાં વાસણો, મની બેંકો અને ગણેશની મૂર્તિઓ અને ‘ફ્લાવરપોટ્સ’ – જે એક માટીનું એક નાનું વાસણ છે અને ફટાકડા ઉદ્યોગમાં ફટાકડા બનાવવા માટે વપરાય છે તે બધું બનાવશે. તેમને આ વર્ષે ૧,૦૦૦ ફ્લાવરપોટ્સ બનાવવાનો ઓર્ડર મળ્યો હતો, જેની કિંમત નંગ દીઠ ૩ રૂપિયા છે.
એક દિવસમાં, આટલી વયે પણ કુશળ પરદેશમ દિવાળી પહેલાંના મહિનાઓમાં લગભગ ૫૦૦ દીવા કે ફ્લાવરપોટ્સ બનાવી શકે છે. તેમનો અંદાજ છે કે તેઓ જે કાચો માલ બનાવે છે તેમાંથી દર ત્રણ વસ્તુઓમાંથી એક વસ્તું અંતિમ સ્વરૂપ સુધી પહોંચતી નથી – કાં તો લાકડાના ભઠ્ઠામાં શેકવામાં આવે ત્યારે અથવા પછી સાફ કરતી વખતે તે તૂટી જાય છે. કુંભારો આ માટે હવે ઉપલબ્ધ નબળી ગુણવત્તાના કાદવને જવાબદાર ઠેરવે છે.
પરદેશમના પુત્ર, શ્રીનિવાસ રાવ અને પુત્રવધૂ, સત્યવતી વ્યસ્ત સિઝનમાં તેમની મદદ કરે છે. તહેવારની સિઝનમાં, જુલાઈ-ઑક્ટોબર, વચ્ચે પરિવારની મળીને કુલ આવક ૭૫,૦૦૦ રૂપિયા થાય છે. બાકીના વર્ષમાં કુંભારની શેરીમાં થોડાક જ મુલાકાતીઓ આવે છે, અને વેચાણ પણ કંઇ નથી થતું. તેમના દીકરા શ્રીનિવાસ શાળામાં નોકરી કરીને દર મહિને ૧૦,૦૦૦ રૂ. કમાય છે અને પરિવાર આ આવક પર આધાર રાખે છે.
ગત દિવાળીએ, કોવિડના કારણે વેચાણમાં ઘટાડો થયો હતો, અને તેઓ માત્ર ૩,૦૦૦–૪,૦૦૦ દીવા જ વેચી શક્યા હતા, અને ફ્લાવરપોટ તો એક પણ નહોતો વેચાયો. દિવાળીના એક અઠવાડિયા પહેલાં તેઓ માંગમાં વધારો થશે તેવી આશા સાથે પારી સાથે વાત કરતા કહે છે, “કોઈને હવે હાથથી બનાવેલા સાદા દીવા નથી જોઈતા. તેમને [ગ્રાહકોને] મશીનથી બનાવેલા ડિઝાઇનવાળા દીવા જ જોઈએ છે.” તેઓ નાના ઔદ્યોગિક એકમોમાં ડાય-કાસ્ટ મોલ્ડથી બનેલા પેટર્નવાળા દીવાની વાત કરે છે. કુમ્મારી વિધીમાં ઘણા ભૂતપૂર્વ કુંભારોના પરિવારો આ દીવા નંગ દીઠ ડિઝાઈન મુજબ ૩–૪ રૂ. માં ખરીદે છે અને તેમને ૫–૧૦ રૂ. માં વેચે છે.
આવી સ્પર્ધા હોવા છતાં, પરદેશન ખુશ થઈને કહે છે, “માટીના સાદા દીવા બનાવવાનું મને પસંદ છે, કારણ કે મારી પૌત્રી તેને પસંદ કરે છે.”
કુમ્મારી વિધીના જે થોડા ઘણા પરિવારો હજુ પણ હસ્તકલા સાથે સંકળાયેલા છે તેઓ દર વર્ષે વિનાયક ચતુર્થીના થોડા મહિના પહેલાં એક વેપારી પાસેથી માટી ખરીદે છે. તેઓ બધા ભેગા મળીને માટીનો એક ટ્રક ખરીદે છે, જે લગભગ પાંચ ટનનો હોય છે. તેઓ માટી માટે ૧૫,૦૦૦ રૂ. અને પડોશી આંધ્રપ્રદેશના વિઝિયાનગરમ જિલ્લાના વિવિધ સ્થળોએથી તેના પરિવહન પેટે ૧૦,૦૦૦ રૂ. ચૂકવે છે. માટીની વસ્તુઓ અને મૂર્તિઓ બન્ને બનાવવા માટે ગુંદરની કુદરતી હાજરીવાળી જિણ્કા માટી મેળવવી નિર્ણાયક હોય છે.
પરદેશમનો પરિવાર લગભગ એક ટન અથવા ૧,૦૦૦ કિલોગ્રામ માટી ખરીદે છે. દિવાળીના એક અઠવાડિયા પહેલાં તેમના ઘરની બહાર મોટી મોટી થેલીઓમાં માટીના કેટલાક ઢગલા જોવા મળે છે. ઘેરા લાલ રંગનો કાદવ શુષ્ક અને ગઠ્ઠાવાળો હોય છે અને તેને યોગ્ય સુસંગતતામાં લાવવા માટે ધીમે ધીમે તેને પાણીમાં ભેળવવો પડે છે. પછીથી, તેને મિશ્રિત કરવા માટે તેને કુટવામાં આવશે; પરદેશમ કહે છે કે તે કડક લાગે છે અને તેમાં આવતા નાના કાંકરા તેમના પગમાં પેસી જાય છે.
એકવાર, માટીનું યોગ્ય મિશ્રણ બની જાય, એટલે તે કુશળ કારીગર એક ખૂણામાંથી સૂકી માટીના છાંટાવાળા ચિહ્નિત લાકડાના ભારે પૈડાને બહાર લાવે છે અને તેને સ્ટેન્ડ પર મૂકે છે. તે પછી તેઓ ખાલી પેઇન્ટ કેન પર કાપડને વાળે છે અને તે પૈડાની સામે તેમની બેસવાની જગ્યા બની જાય છે.
કુમ્મારી વિધીમાં અન્ય કુંભારોના પૈડાની જેમ પરદેશમનું પૈડું હાથથી ચલાવવાનું પૈડું છે. તેમણે વીજળીથી ચાલતા પૈડા વિષે સાંભળ્યું છે પરંતુ તેને કઈ રીતે નિયંત્રિત કરવું તે અંગે તેમને ખાતરી નથી. તેઓ કહે છે, “દરેક કુંડા અને દીપમ [દીવા] માટે ઝડપ અલગ-અલગ હોવી જોઈએ.”
મુઠ્ઠીભર ભીની માટીને પૈડાની વચમાં ફેંકીને તેમના હાથ ધીમેધીમે પરંતુ નિશ્ચિતપણે કામ કરે છે, માટીમાં કારીગરી કરે છે અને ધીમે ધીમે દીવાને આકાર આપે છે. લગભગ એક મીટર પહોળું પૈડું ફરે છે ત્યારે ભીની માટીની ખુશબૂ હવામાં ભળી જાય છે. ગતિને ચાલુ રાખવા માટે, તેઓ મોટી લાકડીની મદદથી તેને વારંવાર ફેરવે છે. પરદેશમ કહે છે, “હું હવે વૃદ્ધ થઈ રહ્યો છું. હું હંમેશાં એક જેટલી તાકાત લગાડી શકતો નથી.” એકવાર દીવા આકાર લેવાનું શરૂ કરે અને મજબૂત બને, એટલે કુંભાર તેને ફરતા પૈડા પરથી કાઢવા માટે દોરાનો ઉપયોગ કરે છે.
જેમ જેમ તેઓ પૈડામાંથી ઉતરે છે તેમ તેમ તેઓ દીવા અને ફ્લાવરપોટ્સને લાકડાના લંબચોરસ પાટિયા પર એક પંક્તિમાં ગોઠવે છે. માટીની વસ્તુઓને શેડમાં ૩–૪ દિવસ સુધી સૂકવવામાં આવે છે. સૂકાયા પછી, તેમને ભઠ્ઠામાં મૂકવામાં આવે છે અને બે દિવસથી વધુ સમય માટે શેકવામાં આવે છે. ભઠ્ઠાને જુલાઈથી ઑક્ટોબર (વિનાયક ચતુર્થી, દશેરા અને દિવાળી માટે) દરમિયાન ૨–૩ અઠવાડિયામાં એકવાર પ્રગટાવવામાં આવે છે. વર્ષના અન્ય સમયે મહિનામાં તેને ભાગ્યે જ એક વાર પ્રગટાવવામાં આવે છે.
ભારતના પૂર્વ કિનારે પડતો ચોમાસાનો મોડો વરસાદ પણ દિવાળીની તૈયારીમાં ન તો તેમને રોકી શકે છે કે ન તો તેમને ધીમા પાડી શકે છે. એવામાં પરદેશમ તેમના ઘરની પાછળની જગ્યામાં પ્લાસ્ટિકની ચાદરો ઢાંકીને ખેંચેલા શેડમાં સ્થળાંતર કરે છે વરસાદના દિવસે પણ કામ ચાલુ રાખે છે. બિલાડીના થોડાં બચ્ચાં તેમની આસપાસ રમે છે, અને ગતિમાન પૈડું, માટીકામના ટુકડાઓ અને ફેંકી દેવામાં આવેલા ઘરના સામાનની આસપાસ દોડે છે.
પરદેશમનાં પત્ની, પૈડીથલ્લી બીમાર છે અને તેમના પલંગમાં જ રહે છે. આ દંપતીને ચાર બાળકો હતાં — બે દીકરીઓ અને બે દીકરાઓ — જેમાંથી એક દીકરો યુવાનીમાં જ ગુજરી ગયો હતો.
પરદેશમ કહે છે, “તે દુઃખની વાત છે કે દીવા બનાવવાળો હું એકલો જ રહી ગયો છું. મારું આખું જીવન મેં વિચાર્યું હતું કે કોઈ નહીં તો મારો દીકરો તો માટીકામ ચાલુ રાખશે. મેં મારા દીકરાને પૈડું કઈ રીતે ફેરવવું તે શીખવ્યું હતું. પરંતુ ગણેશની મૂર્તિઓ અને દીવા બનાવવાથી મળતા પૈસા પૂરતા ન હોવાથી તે એક ખાનગી શાળામાં પટાવાળા તરીકે કામ કરે છે.” પરદેશમના હાથથી બનાવેલા એક ડઝન દીવા ૨૦ રૂ.માં વેચાય છે. પરંતુ જો કોઈ ભાવતાલ કરે, તો તેઓ તેની કિંમત ૧૦ રૂ. જેટલી ઘટાડી દે છે, જેથી થોડાક રૂપિયાનો નફો ગાયબ થઈ જાય છે.
ઉપ્પારા ગૌરી શંકર કહે છે, “નિયમિત દીવા બનાવવા માટે કેટલી મહેનત કરવી પડે છે તે કોઈ સમજી શકતું નથી.” કુમ્મારી વિધીનાં રહેવાસી ૬૫ વર્ષીય ઉપ્પારા પરદેશમના ઘરથી થોડા ઘરો દૂર રહે છે અને તેઓ જીવનભર પડોશી રહ્યાં છે. ગૌરી શંકર હવે પૈડું ફેરવી શકતા નથી કે જમીન પર બેસી શકતા નથી. તેઓ કહે છે, “મારી પીઠમાં દુખાવો થાય છે અને ઊભું થવું અશક્ય બની જાય છે.”
થોડા વર્ષો પહેલાં સુધી, ગૌરી શંકર કહે છે કે તેમનો પરિવાર હાથથી દીવા બનાવતો હતો, જેની શરૂઆત દિવાળીના એક મહિના પહેલાં થતી હતી. તેઓ કહે છે કે તેમણે તે બંધ કરી દીધું કારણ કે હાથથી બનાવેલી વસ્તુઓની કિંમત એટલી ઓછી છે કે તેઓ ભાગ્યે જ માટીની કિંમતને ચૂકવી શકે છે. તેથી આ વર્ષે ગૌરી શંકરના પરિવારે મશીનથી બનાવેલા લગભગ ૨૫,૦૦૦ દીવા ખરીદ્યા છે જેને વેચીને તેઓ થોડો નફો મેળવવાની આશા રાખી રહ્યા છે.
પરંતુ તેઓ તેમના મિત્ર પરદેશમને તેમના પગ વડે માટી ગુંદવામાં મદદ કરે છે. તેઓ કહે છે, “દીવા બનાવવાનું આ પહેલું પગલું છે. કુંભારનું પૈડું ફરતું રાખવાની તેમની ઇચ્છામાં આ [સ્ટેમ્પિંગ] મારું એકમાત્ર યોગદાન છે. પરદેશમ ઘરડા છે. દર વર્ષે એવું લાગે છે કે દીવા બનાવવાનું આ તેમનું છેલ્લું વર્ષ હશે.”
આ વાર્તા રંગ દે ની ફેલોશિપ ગ્રાન્ટ દ્વારા સમર્થિત છે .
અનુવાદક: ફૈઝ મોહંમદ