વિશાખાપટ્ટનમમાં કુમ્મરી વીદિ (કુંભારોની શેરી) માં રહેતી યુ.ગૌરી શંકર પૂછે છે, "તમને લાગે છે કે આ વર્ષે લોકો ગણેશની મૂર્તિ ખરીદશે?" તેઓ કહે છે,  “અમે ભગવાનમાં શ્રદ્ધા રાખીને દર વર્ષે આ મૂર્તિઓ બનાવીએ છીએ. અને તેમની કૃપાથી, અમે થોડોઘણો નફો કરીએ  છીએ. પરંતુ આ વર્ષે, ક્યાંય કોઈ ભગવાન હોય તેમ લાગતું નથી, ચારે તરફ ફક્ત લોકડાઉન અને વાયરસ જ હોય તેવું લાગે  છે."

63 વર્ષના શંકર, 42 વર્ષના તેમના પુત્ર વીરભદ્ર અને 36 વર્ષની પુત્રવધૂ માધવી સાથે મળીને , દર વર્ષે એપ્રિલમાં આંધ્રપ્રદેશના આ શહેરમાં તેમના ઘેર  ગણેશની મૂર્તિઓ  બનાવવાનું શરૂ કરે છે. પરંતુ મહામારીને કારણે આ વર્ષે તેઓ છેક જૂનના મધ્યમાં જ શરૂઆત કરી શક્યા.

તેઓ કહે છે કે સામાન્ય રીતે જુલાઈથી ઓક્ટોબર (કુંભારો માટે તહેવારની સિઝન) દરમિયાન તેઓ વિનાયક ચતુર્થી અને દિવાળીને લગતા માલની વરદી પહોંચાડે છે અને દર મહિને 20000 થી 23000 રુપિયા કમાય છે. આ વર્ષે વિનાયક (ગણેશ) ચતુર્થીના માંડ 48 કલાક પહેલાં, તેમને મૂર્તિઓ માટે એક પણ મોટી વરદી મળી ન હતી.

હજી માંડ 15 વર્ષ પહેલાં તો કુંભારોની ગલી આ આજીવિકા સાથે સંકળાયેલા 30 કુમ્મારા પરિવારોની પ્રવૃત્તિથી ધમધમતી હતી. હવે ત્યાં ફક્ત ચાર પરિવારો છે. અને આ પરિવારોએ માર્ચના છેલ્લા અઠવાડિયામાં શરૂ થયેલા લોકડાઉનને કારણે  તેમની પરિસ્થિતિ વધુ કથળતી અનુભવી  છે.

આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લાના રહેવાસી માધવી કહે છે, "મૂર્તિઓનું વિતરણ કરતા વેપારીઓ પાસેથી અમને મોટા પ્રમાણમાં વરદી  મળે છે, પરંતુ આ વર્ષે અમને કંઈ મળ્યું નથી." તેના પતિના દાદા દાદી  વિજયનગરમ જિલ્લાના એક ગામથી અહીં આવ્યા છે.
U. Gauri Shankar's family – including his daughter-in-law Madhavi – has not received a single bulk order for idols this Ganesh Chathurthi
PHOTO • Amrutha Kosuru
U. Gauri Shankar's family – including his daughter-in-law Madhavi – has not received a single bulk order for idols this Ganesh Chathurthi
PHOTO • Amrutha Kosuru

યુ.ગૌરી શંકરના પરિવાર - તેમની પુત્રવધૂ માધવી સહિત - ને આ ગણેશ ચતુર્થીની મૂર્તિઓ માટે એક પણ મોટી વરદી મળી નથી

તેમના ઘરમાંની નાની ગણેશ મૂર્તિઓની કિંમત, તેના કદને આધારે,  15 થી 30 રુપિયાની વચ્ચે હોય છે. છેલ્લા 4-5 વર્ષથી ફક્ત નાની ગણેશ મૂર્તિઓના વેચાણમાંથી જ  તેમના પરિવારને આ તહેવારની સિઝનમાં મહિને  7000-8000 રુપિયાનો નફો થાય છે.

પરિવાર સાથે મળીને એક દિવસમાં 100 જેટલી મૂર્તિઓ ઘડે છે. શંકર કહે છે, “તેમાંથી 60 થી 70 જેટલી સંપૂર્ણપણે બહાર આવે. કેટલીક રંગ કરતી વખતે તૂટી જાય.” માધવીએ મને નવી મૂર્તિ બતાવી જેનો હાથ તૂટી ગયો હતો. તે કહે છે, "તૂટેલી મૂર્તિઓ સમી કરી શકાતી નથી. તે અમારા નકામા ગયેલા પ્રયત્નોનું પ્રતીક છે." તેમના ઘરની બહાર ત્રણ મોટી, તૂટેલી, અડધી રંગેલી દુર્ગાની  મૂર્તિઓ પણ છે.

તેઓ માટલાં, ગલ્લા, માટીની બરણીઓ, પ્યાલા અને કલાકસબની અવનવી વસ્તુઓ સહિત ઘણી નાની નાની વસ્તુઓ પણ બનાવે છે. આમાંની વિવિધ વસ્તુઓ  તેમના ઘરની બહાર એકબીજા ઉપર જેમતેમ ઢગલો કરીને મૂકેલી છે.  દરેક વસ્તુની કિંમત 10 થી 300 રુપિયાની વચ્ચે છે. માધવી કહે છે, “આજકાલ ખાસ કોઈ આ વસ્તુઓ ખરીદતું નથી. દરેક જણ સ્ટીલ અથવા તાંબાની વસ્તુઓ ખરીદે છે."

શંકર કહે છે, “આમાંથી થતી  આવક મહિને 700-800 રુપિયાથી વધારે નથી.અમે ગણેશ ચતુર્થી અને દિવાળીની કમાણી પર નભીએ ​​છીએ." જ્યારે તે નિષ્ફળ થાય છે, ત્યારે તેઓ ભારે મુશ્કેલીમાં હોય છે.

તેઓ ઉમેરે છે, “અમે 7-8 વર્ષ પહેલાં દર છ મહિને લગભગ 500 જેટલાં માટલાં  બનાવતા હતા. પરંતુ હવે અમે માંડ 100-150 માટલાં બનાવીએ છીએ." ગયા વર્ષે પરિવારે 500 માટલાં, 200 ફૂલદાનીઓ અને માટીની બીજી કેટલીક વસ્તુઓ વેચી હતી. શંકરના અંદાજ મુજબ  2019 માં આમાંથી તેમને 11000 થી 13000 રુપિયા જેટલી કમાણી થઈ હતી. આ વર્ષે તેઓએ માત્ર 200 માટલાં અને 150 ફૂલદાનીઓ વેચી છે - જેમાંનું મોટાભાગનું વેચાણ લોકડાઉન પહેલા થયેલું.
'We put our faith in god and create these idols every year', Shankar says. 'But this year, there seems to be no god, only lockdown and viruses'
PHOTO • Amrutha Kosuru
'We put our faith in god and create these idols every year', Shankar says. 'But this year, there seems to be no god, only lockdown and viruses'
PHOTO • Amrutha Kosuru

શંકર કહે છે, 'અમે ભગવાનમાં શ્રદ્ધા રાખીને દર વર્ષે આ મૂર્તિઓ બનાવીએ છીએ. પરંતુ આ વર્ષે ક્યાંય કોઈ ભગવાન હોય તેમ લાગતું નથી, ચારે તરફ ફક્ત લોકડાઉન અને વાયરસ જ હોય તેવું લાગે  છે

માધવી તેના બે બાળકોના શિક્ષણની ચિંતા કરે છે. માટી ગુંદતા તે કહે છે,  "તમે ગમે તે કહો, પણ મને લાગે છે કે આ ઓનલાઇન વર્ગો તેમને પૂરતું જ્ઞાન નહીં આપી શકે." તેમના બાળકો અંગ્રેજી  માધ્યમની ખાનગી શાળામાં ભણે છે અને લોકડાઉન દરમિયાન શાળા બંધ છે, તેમ  છતાં શાળાએ અવારનવાર માસિક ફી ચૂકવવાની માગણી કરી હતી. માધવી કહે છે, “પરંતુ અમે ફી ભરી શક્યા નથી."

તેઓ ભરી પણ કેવી રીતે શકે? 7 મા ધોરણમાં ભણતા 13 વર્ષના ગોપીનારાયણની મહિનાની ફી  8000 રુપિયા અને  3 જા ધોરણમાં ભણતા 8 વર્ષના શ્રવણકુમારના 4500 રુપિયા, એમ બંને છોકરાઓની ફી મળીને વર્ષે 1.5 લાખ રુપિયા થાય.

શંકર કહે છે, “અમે મારા પૌત્રોના શિક્ષણ માટે લગભગ દર વર્ષે પૈસા - આશરે 70000-80000 રુપિયા ઉધાર લઈએ  છીએ.” વ્યાજ ચૂકવવાનું ટાળવા માટે તેઓ મોટા ભાગે સંબંધીઓ અથવા મિત્રો પાસેથી ઉધાર લે છે.

શંકર અને તેમનો પરિવાર માટીની મોટી મૂર્તિઓ પણ બનાવે છે. તેઓ મુખ્યત્વે 5-6 ફીટ ઊંચી ગણેશની મૂર્તિઓ બનાવે છે અને તેની  કિંમત મૂર્તિ દીઠ 10000 થી 12000 રુપિયા હોય છે. તેઓ કહે છે, “પોલીસે અમને કહ્યું કે મોટી મૂર્તિઓ બહાર ન મૂકો. અને તેથી અમને મોટી મૂર્તિઓ માટેની કોઈ વરદી મળી નથી." ઉદાસીથી હસીને તેઓ ઉમેરે છે, "અને  એ મોટી મૂર્તિઓ જ અમને  સારો નફો રળી આપે  છે."

મુખ્ય માર્ગથી અલગ આવેલી આ કુંભારોની ગલી પર તાજેતરના વર્ષોમાં નથી ઝાઝું ધ્યાન અપાયું કે  ખાસ કોઈ મુલાકતીઓ પણ અહીં આવ્યા નથી.

જે મોટા વિસ્તારમાં આ ગલી આવેલી છે તે આખો વિસ્તાર હજી થોડા વખત પહેલાં જ  સક્રિય કોરોનાવાયરસ કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો હતો. એ પછી પોલીસો શંકરના નવા મુલાકાતીઓ  હતા.

The potters in Kummari Veedhi make small and big Ganesha idols, and other items. But the four Kummara families in this lane – which had 30 potters' families 15 years ago – have seen their situation worsen through the lockdown
PHOTO • Amrutha Kosuru

કુમ્મરી વીદિના કુંભારો નાની-મોટી ગણેશ મૂર્તિઓ અને અન્ય વસ્તુઓ બનાવે છે. પરંતુ આ ગલીમાંના ચાર કુમ્મારા પરિવારોએ -  જ્યાં 15 વર્ષ પહેલાં  30 કુંભાર કુટુંબો હતા -  લોકડાઉનને કારણે  તેમની પરિસ્થિતિ વધુ કથળતી અનુભવી  છે

તેઓ કહે છે, "થોડા દિવસો પહેલા, તેમણે  મને  માટલાં અને માટીની બીજી ચીજોનું વેચાણ બંધ કરી દેવાનું કહ્યું.  તે વિચિત્ર છે, કારણ કે મારે તો ભાગ્યે જ કોઈ ઘરાક આવે છે, અઠવાડિયામાં માંડ એકાદ - અથવા એક પણ  નહીં."  તેઓ પોતાની ‘દુકાન’ અક્કાયપલમ મુખ્ય માર્ગ પર એક હાથલારીમાં ઊભી કરે છે. ત્યાં તે અનેક દીવા અને બીજી  નાની, સુશોભિત કરેલી અને રંગેલી વસ્તુઓ ગોઠવે છે. મોટાભાગની મોટી, મુખ્યત્વે સુશોભિત કરેલી માટીની વસ્તુઓ તેમના ઘરની બહારના ઘોડા પર ખડકેલી  હોય છે.

શંકર કહે છે, “હવે પોલીસે અમને  એ બધું પણ  અંદર રાખવા જણાવ્યું છે. પણ હું તેમને મૂકું ક્યાં?” તેમના ઘરનો મોટો  ભાગ નવી બનાવેલી ગણેશ મૂર્તિઓથી અને આગલા વર્ષોની ન વેચાયેલી મૂર્તિઓ અને  માટીની કેટલીક બીજી  વસ્તુઓથી  ભરેલો છે,

તેઓ કહે છે , “તમે એક વાત સમજો, ઘણા લોકોને માટીકામ સસ્તું લાગે છે. પરંતુ અમારે  તેમાં મોટી રકમનું રોકાણ કરવું પડે છે. માધવી ઉમેરે છે, "આ એક જોખમ ભરેલું સાહસ છે."

કુમ્મરી વીદિના  કુંભારો દર વર્ષે 15000 રુપિયામાં ટ્રક લોડ (આશરે 4-5 ટન) માટી  ખરીદે છે. આ માટી (અને અન્ય સામગ્રી) માટે, શંકર સ્થાનિક શાહુકાર પાસેથી વાર્ષિક 36 ટકાના વ્યાજદરે  પૈસા ઉધાર  લે છે. ગણેશ ચતુર્થી અને દિવાળી પછી મૂર્તિઓ અને દીવા વેચીને થયેલી કમાણીમાંથી તેઓ તે પાછા ચૂકવે છે. તેઓ ચિંતિત છે. તેઓ કહે છે, "જો આ સિઝનમાં હું ખાસ વેચાણ નહિ કરી શકું, તો હું તેમને પૈસા પાછા ચૂકવી શકીશ નહીં."

તેઓ ખરીદેલી માટીને   2-3 દિવસ તડકામાં સૂકવે છે. પછી તેમાં પાણી ઉમેરી તેને પગ વડે ગુંદે  છે. સામાન્ય રીતે આ માટી ગુંદવાનું કામ માધવી કરે છે. તે સમજાવે છે, "માટી ગુંદવામાં લગભગ 4-5 કલાક થાય છે." તે પછી, પ્લાસ્ટર ઓફ પેરિસના બીબાંનો ઉપયોગ કરીને મૂર્તિઓને આકાર આપવામાં આવે છે. શંકર કહે છે, “પહેલાં  બીબાં 3-4 વર્ષ ચાલતા હતા. પરંતુ હવેના બીબાં હલકી ગુણવત્તાવાળા છે અને દર વર્ષે બદલાવવા પડે છે."  દરેક બીબાંની કિંમત લગભગ 1000 રુપિયા થાય છે.
S. Srinivasa Rao’s house is filled with unpainted Ganesha idols. 'Pottery is our kula vruthi [caste occupation]...' says his wife S. Satyawati
PHOTO • Amrutha Kosuru
S. Srinivasa Rao’s house is filled with unpainted Ganesha idols. 'Pottery is our kula vruthi [caste occupation]...' says his wife S. Satyawati
PHOTO • Amrutha Kosuru

એસ. શ્રીનિવાસ રાવનું ઘર રંગ્યા વિનાની ગણેશ મૂર્તિઓથી ભરેલું છે. તેમની પત્ની એસ. સત્યવતી કહે છે,  'માટીકામ એ અમારી કુળ વૃત્તિ  [જાતિ વ્યવસાય] છે ...'

ઘાટ આપ્યા પછી એક અઠવાડિયા સુધી મૂર્તિઓ સૂકવવા માટે રખાય  છે. એકવાર સૂકાઈ ગયા પછી, તેને રંગવામાં આવે છે. શંકર કહે છે, “ [તહેવારની સિઝન માટે] જરૂરી રંગો અને બીજી  સામગ્રીના 13000-15000 રુપિયા થાય. આ વર્ષે મેં હજી સુધી કોઈ ખરીદી કરી નથી. મને લાગે છે કે કોઈ ખરીદી નહિ કરે. પરંતુ મારો દીકરો જુદું વિચારે છે. કોઈપણ રીતે ટકી રહેવા માટે અમારે વેચવું તો પડે જ. "

શંકર કહે છે, “સામાન્ય રીતે, લોકો જૂન મહિનામાં જ અમને મૂર્તિઓ માટે ચૂકવણી કરવાનું શરૂ કરી દે છે. પરંતુ એપ્રિલથી અમારે  કોઈ આવક નથી. અમે માટલાં  અને બીજી વસ્તુઓ વેચીને જે કમાઈએ છીએ છે તે પણ હવે તો સાવ બંધ છે."

એસ. શ્રીનિવાસ રાવનું ત્રણ રૂમનું ઘર થોડેક જ દૂર છે. હમણાં, તેનો મોટો ભાગ રંગ્યા વિનાની  ગણેશ મૂર્તિઓથી ભરેલો છે. માટીકામની સાથે સાથે 46 વર્ષના  શ્રીનિવાસ રાવે 10-12 વર્ષ પહેલાં નજીકની ખાનગી કોલેજમાં કારકુન તરીકે નોકરી લીધી હતી

તેમની પત્ની, 38 વર્ષની એસ. સત્યવતીએ માટીકામ ચાલુ રાખ્યું છે. તેઓ કહે છે, “માટીકામ એ અમારી કુળ વૃત્તિ છે [જાતિ વ્યવસાય] અને તેમાંથી  થોડીઘણી  આવક પણ થાય  છે. હું કંઈ ભણી નથી, હું ફક્ત માટલાં, દીવા અને મૂર્તિઓ બનાવી જાણું  છું. મારા પરિવારમાં,  મારી ત્રણ દીકરીઓ સહિત, અમે નવ જણા છીએ. અમે  બધા માત્ર  તેમની કમાણી પર આધાર ન રાખી શકીએ. ”

સત્યવતી માત્ર નાના ગણેશ બનાવે છે, અને 30 રુપિયે એક વેચે છે. જુલાઈના મધ્યમા અમે મળ્યા તે પહેલાના 10 દિવસના સમયગાળાનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "અત્યાર સુધીમાં મેં 40 મૂર્તિઓ બનાવી છે."  સામાન્ય રીતે, તહેવારની સિઝનમાં આ મૂર્તિઓ વેચીને તેઓ   3000 થી 4000 રુપિયાનો નફો કરે છે.
Along with pottery, Srinivasa Rao took a job as a clerk in a nearby private college 10-12 years ago
PHOTO • Amrutha Kosuru
Along with pottery, Srinivasa Rao took a job as a clerk in a nearby private college 10-12 years ago
PHOTO • Amrutha Kosuru

માટીકામની સાથે શ્રીનિવાસ રાવે 10-12 વર્ષ પહેલા નજીકની એક ખાનગી કોલેજમાં કારકુનની નોકરી લીધી હતી

શ્રીનિવાસ રાવને મે મહિનાથી - મહિને 8000 રુપિયાનો - તેમનો પગાર -મળ્યો નથી. જો કે તેઓ જૂન મહિનાથી કોલેજ જાય છે. તેઓ કહે છે, "મને આશા છે કે આ મહિને પગાર મળશે."

તેમના ફાજલ સમયમાં, તેઓ તેમની પત્નીને મૂર્તિ બનાવવામાં મદદ કરે છે. તેઓ કહે છે, "જેટલી વધારે મૂર્તિઓ બને  તેટલી વધારે આવક થાય." શ્રીનિવાસ માને  છે કે તેઓ આ વર્ષે વરદી ન મળી હોવા છતાં પણ તેમની મૂર્તિઓ વેચી શકે છે. તેઓ કહે છે, "સમય ખરાબ છે અને એટલે ઘણા લોકો ભગવાનને પ્રાર્થના કરવા અને ધાર્મિક વિધિઓ કરવા માગતા હશે."

સત્યવતી 15 અને 16 વર્ષની તેમની બે મોટી દીકરીઓ વિશે ચિંતિત છે. તેઓ કહે છે , “ બંને દસમા ધોરણમાં પાસ થયા છે.  હમણાં તો ફક્ત ઓનલાઈન વર્ગો જ છે તેમ છતાં ઘણી બધી કોલેજો સામાન્ય સંજોગોમાં લેવાય છે તેટલી જ ફી - પ્રત્યેકને માટે એક વર્ષના લગભગ 45000 રુપિયા - ની માંગણી કરે છે. અમે હજી ક્યાંય પણ તેમના નામ નોંધાવ્યા નથી. અમે આશા રાખીએ છીએ કે ફી ઓછી થશે." તેમની સૌથી નાની દીકરી 10 વર્ષની છે અને 4 થા ધોરણમાં છે. તેને અંગ્રેજી-માધ્યમની ખાનગી શાળામાં મોકલવાનો એક વર્ષનો ખર્ચો  25000 રુપિયા થાય છે.

તેઓ  એ સમય યાદ કરે છે જ્યારે કુમ્મરી વીદિમાં ખુશહાલી હતી, ખાસ કરીને ગણેશ ચતુર્થી અને દિવાળી પહેલાં. તે કહે છે, "આ શેરી આનંદથી ગુંજતી અને ભીંજાયેલી માટીની મહેક અહીંની હવામાં રેલાઈ રહેતી. પરંતુ હવે તો માટીકામ કરનાર ફક્ત ચાર પરિવારો રહ્યા  છે."

આ સિઝનમાં અહીં ગણપતિનું વિસર્જન નહીં થાય, , અહીં તો આ પરિવારોનું દેવામાં વિસર્જન થશે.

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Amrutha Kosuru

অমৃতা কোসুরু বিশাখাপত্তনম ভিত্তিক স্বতন্ত্র সাংবাদিক। তিনি চেন্নাইয়ের এশিয়ান কলেজ অফ্‌ জার্নালিজ্‌ম থেকে পড়াশোনা করেছেন।

Other stories by Amrutha Kosuru
Translator : Maitreyi Yajnik

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Other stories by Maitreyi Yajnik