22 વર્ષીય શમિના બેગમ જમ્મુ અને કાશ્મીરના બાંદીપોર જિલ્લાના વઝિરીથલ ગામમાં તેમના બીજા બાળકને જન્મ આપવાના સમયની વાત કરતાં કહે છે, “તે સાંજે જ્યારે મારી ગર્ભાશયની કોથળી ફાટી ગઈ, ત્યારે મને સખત પીડા થઈ હતી. છેલ્લા ત્રણ દિવસથી હિમવર્ષા થઈ રહી હતી. જ્યારે પણ આવું થાય અને દિવસો સુધી સૂર્યપ્રકાશ નથી હોતો, ત્યારે અમારી સોલર પેનલો ચાર્જ થતી નથી.” તે ગામ એવું છે કે જ્યાં સૂર્ય લાંબા સમય સુધી પ્રકાશિત થતો નથી, અથવા તો અનિયમિતપણે થાય છે – અહીં લોકો ઊર્જા માટે એકમાત્ર સ્રોત: સૌર ઊર્જા પર આધાર રાખે છે.
શમિનાએ આગળ ઉમેર્યું, “અમારા ઘરમાં કેરોસીનની એક ફાનસ સિવાય બધું અંધારું હતું. તેથી, મારા પડોશીઓ તે સાંજે પોતપોતાની ફાનસ લઈને એકઠાં થયાં. પાંચ તેજસ્વી પીળી જ્વાળાઓએ તે રૂમને પ્રજ્વલિત કર્યો જ્યાં મારી માતાએ ગમેતેમ કરીને મને રશીદાને જન્મ આપવામાં મદદ કરી.” તે એપ્રિલ 2022ની એક રાત હતી.
વઝિરીથલ બડુગામ ગ્રામ પંચાયત હેઠળના સૌથી મનોહર ગામોમાંનું એક છે. શમિનાના ઘેર પહોંચવા માટે શ્રીનગરથી 10 કલાકની મુસાફરી કરવી પડે છે, જેમાં ગુરેઝ ખીણમાંથી રાઝદાન પાસ નજીકથી સાડા ચાર કલાકની કાચા રસ્તા પરની મુસાફરી, અડધો ડઝન ચેક-પોસ્ટ અને અંતિમ 10 મિનિટની પગપાળા યાત્રાનો સમાવેશ થાય છે. ત્યાં પહોંચવાનો આ એકમાત્ર રસ્તો છે.
નિયંત્રણ રેખાથી થોડે દૂર આવેલ ગુરેઝ ખીણમાં સ્થિત આ ગામમાં વસતા 24 પરિવારોના ઘરો દેવદારના લાકડામાંથી બનેલા છે અને ગરમાવો જાળવી રાખવા માટે અંદરની બાજુએથી તેમાં માટી ચોપળેલી હોય છે. અહીંના ઘરોના મુખ્ય દરવાજાને જૂના યાકના શિંગડા, જે ક્યારેક અસલ હોય છે, તો ક્યારેક તેની લાકડાની પ્રતિકૃતિને લીલા રંગથી રંગેલી હોય છે, વડે શણગારવામાં આવે છે. લગભગ બધી બારીઓ, સરહદની બીજી બાજુ તરફ ખુલે છે.
શમિના તેમના ઘરની બહાર લાકડાના ઢગલા પર તેમના બે બાળકો – બે વર્ષીય ફરહાઝ અને ચાર મહિનાની રશીદા (નામો બદલેલ છે) સાથે બેઠાં છે – અને સાંજના સૂર્યના છેલ્લા બાકી રહેલા કિરણોનો આનંદ માણે છે. તેઓ કહે છે, “મારી માતા મારા જેવી નવી બનેલી માતાઓને દરરોજ સવારે અને સાંજે અમારા નવજાત શિશુઓ સાથે સૂર્યપ્રકાશમાં બેસવાનું કહે છે.” હજુ ઑગસ્ટ મહીનો ચાલું છે. બરફે હજુ આ ખીણ પર આક્રમણ નથી કર્યું. પરંતુ હજુ પણ વાદળછાયા દિવસો, ક્યારેક વરસાદ વાળા અને સૂર્યપ્રકાશ વિનાના અને વીજળી વિનાના દિવસોનો સામનો કરવો પડે છે.
વઝિરીથલના રહેવાસી 29 વર્ષીય મોહંમદ અમિન કહે છે, “અમને ફક્ત બે વર્ષ પહેલાં 2020માં બ્લોક ઓફિસમાંથી સોલાર પેનલો મળી હતી. ત્યાં સુધી અમારી પાસે માત્ર બેટરીથી ચાલતી લાઇટો અને ફાનસો જ હતી. પરંતુ આ [સોલાર પેનલો] હજુ પણ અમારી સમસ્યાઓનું નિરાકરણ લાવતી નથી.”
અમિન ઉમેરે છે, “બડુગામ બ્લોકના અન્ય ગામોને જનરેટર દ્વારા સાત કલાક વીજળી મળે છે, અને અહીં અમારી પાસે 12 વોલ્ટની બેટરી છે જે સોલાર પેનલ દ્વારા સંચાલિત છે. તે અમને વધુમાં વધુ બે દિવસ સુધી બે લાઇટ બલ્બ ચલાવવામાં અને ઘરોમાં રહેલા બે ફોનને ચાર્જ કરવામાં મદદ કરે છે. એટલે કે, જો સતત બે દિવસથી વધુ વરસાદ પડે કે હિમવર્ષા થાય, તો સૂર્યપ્રકાશ નહીં હોય – અને તેથી અમારા માટે [વિદ્યુત] પ્રકાશ પણ નહીં હોય.”
અહીં છ મહિના સુધી ચાલતા શિયાળા દરમિયાન હિમવર્ષા ખતરનાક હોય છે, અને પરિવારોને ઑક્ટોબર અને એપ્રિલ વચ્ચે 123 કિલોમીટર દૂર ગાંદરબલ કે પછી લગભગ 108 કિલોમીટર દૂર શ્રીનગરના જિલ્લાઓમાં સ્થળાંતર કરવાની ફરજ પાડે છે. શમિનાનાં પડોશી આફરીન બેગમ તેનું આબેહૂબ વર્ણન કરતાં કહે છે: “અમે ઑક્ટોબરના મધ્યમાં અથવા અંત સુધીમાં ગામ છોડવાનું શરૂ કરીએ છીએ. નવેમ્બર પછી અહીં ટકી રહેવું મુશ્કેલ બની જાય છે. તમે જે જગ્યાએ ઊભાં છો તે અહીં સુધી બરફથી ઢંકાયેલું રહે છે,” તેઓ મારા માથા તરફ ઈશારો કરીને કહે છે.
શમિના કહે છે, “આનો મતલબ છે કે તેમણે દર છ મહીને ઘરથી દૂર સ્થાયી થવા માટે નવી જગ્યાએ જવું પડે છે અને શિયાળા પછી ઘેર પરત ફરવું પડે છે. કેટલાક લોકોને ત્યાં સંબંધીઓ હોય છે [ગાંદરબલ કે શ્રીનગરમાં] જ્યારે અન્ય લોકો છ મહિના માટે ત્યાં જગ્યા ભાડે રાખે છે.” શમિનાએ મરૂન રંગનું ફેરન, કે જે કાશ્મીરીઓને ગરમ રાખવામાં મદદ કરે છે, પહેર્યું છે. તેઓ આગળ કહે છે, “અહીં 10 ફૂટ બરફ સિવાય બીજું કશુંય દેખાતું નથી. જ્યાં સુધી વર્ષનો તે સમય ન હોય ત્યાં સુધી અમે ગામની બહાર ભાગ્યે જ જઈએ છીએ.”
શમિનાના 25 વર્ષીય પતિ ગુલામ મુસા ખાન દૈનિક મજૂરી કરે છે. તેમને શિયાળામાં ઘણીવાર કામ મળતું નથી. શમિના કહે છે, “જ્યારે અમે અહીં વઝિરીથલમાં હોઈએ છીએ, ત્યારે તેઓ બડુગામ પાસે તો ક્યારેક બાંદીપોરા શહેરમાં કામ કરે છે. તેઓ મોટે ભાગે રોડ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં કામ કરે છે, પરંતુ કેટલીકવાર તેમને બાંધકામ સ્થળોએ પણ કામ મળે છે. જ્યારે તેમને કામ મળે છે ત્યારે તેઓ દૈનિક લગભગ 500 રૂપિયા કમાય છે. પરંતુ મહીનામાં સરેરાશ પાંચ કે છ દિવસ વરસાદને કારણે તેમણે ઘેર બેસી રહેવું પડે છે.” તેઓ કહે છે કે, કામ કેટલું મળે છે તેના આધારે ગુલામ મુસા મહીને લગભગ 10,000 રૂપિયા કમાય છે.
તેઓ આગળ ઉમેરે છે, “પરંતુ જ્યારે અમે ગાંદરબલ જઈએ છીએ, ત્યારે તેઓ ઓટોરિક્ષા ચલાવે છે. તેઓ રિક્ષા ભાડેથી લે છે અને તેને શ્રીનગરમાં ચલાવે છે, જ્યાં શિયાળામાં દરેક જગ્યાએથી પ્રવાસીઓ આકર્ષાય છે. તેનાથી પણ તેમને લગભગ તેટલી જ આવક થાય છે [મહીને લગભગ 10,000 રૂપિયા], પરંતુ અમે ત્યાં કંઈપણ બચાવી શકતા નથી.” ગાંદરબલમાં પરિવહન સુવિધાઓ વઝિરીથલ કરતાં વધુ સારી છે.
શમિના કહે છે, “અમારા બાળકો ત્યાં [ગાંદરબલમાં] જ રહેવા માંગે છે. તેમને ત્યાં વિવિધ પ્રકારનાં વ્યંજનો ખાવા મળે છે. વીજળીની પણ ત્યાં કોઈ સમસ્યા નથી. પરંતુ અમારે ત્યાં ભાડું ચૂકવવું પડે છે. અમે અહીં [વઝિરીથલમાં] રહીએ છીએ તે મહિનાઓ દરમિયાન, અમે બચત કરતાં રહીએ છીએ.” તેમણે ગાંદરબલના વસવાટ દરમિયાન કરિયાણા પાછળ જે ખર્ચ કરવો પડે છે, તે તેમના ખર્ચમાં વધારો કરે છે. વઝિરીથલમાં હોય ત્યારે શમિના ઓછામાં ઓછું એક કિચન ગાર્ડન જાળવી શકે છે જેનાથી પરિવારની શાકભાજીની જરૂરિયાત સંતોષાય છે. અને અહીં તેઓ પોતાના ઘરમાં રહે છે. ગાંદરબલમાં તેઓ જે ઘર ભાડે રાખે છે તેનું માસિક ભાડું 3,000 થી 3,500 રૂપિયા જેટલું હોય છે.
શમિના પારીને કહે છે, “ચોક્કસપણે ત્યાંના ઘરો અમારી પાસે અહીં જેટલા મોટા છે, તેટલાં મોટા નથી, પરંતુ હૉસ્પિટલો સારી છે અને રસ્તાઓ તો એથીય વધુ સારા છે. ત્યાં બધું ઉપલબ્ધ છે પણ બધું પૈસાથી જ મળે છે. દિવસના અંતે તો, તે અમારું ઘર નથી.” દેશવ્યાપી લોકડાઉનની મધ્યમાં, શમિનાની પ્રથમ ગર્ભાવસ્થાના છેલ્લા ત્રિમાસિક ગાળા દરમિયાન, ખર્ચના કારણે પરિવારને વઝિરીથલ પાછા ફરવાની ફરજ પડી હતી.
શમિના હસીને કહે છે, “માર્ચ 2020માં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી ત્યારે હું ફરહાઝ સાથે સાત મહિનાની ગર્ભવતી હતી; તે મહામારીનું ઉત્પાદન છે.” તેઓ ઉમેરે છે, “એપ્રિલના બીજા સપ્તાહમાં, અમે એક વાહન ભાડે કરીને ઘેર પરત આવી ગયા કારણ કે ગાંદરબલમાં કોઈ આવક વિના જીવવું મુશ્કેલ બની રહ્યું હતું, અને ખોરાક અને ભાડા પરનો ખર્ચ તો શરૂ જ હતો.”
“એ વખતે કોઈ પ્રવાસીઓ ન હતા. મારા પતિ કંઈ કમાઈ શકતા ન હતા. મારી દવાઓ અને કરિયાણાના ખર્ચને પહોંચી વળવા અમારે સંબંધીઓ પાસેથી અમુક ઉછીના પૈસા લેવા પડ્યા હતા. જોકે, અમે તેમને ચૂકવણી કરી દીધી છે. અમારા મકાનમાલિક પાસે તેમનું પોતાનું વાહન હતું, અને મારી હાલત જોઈને તેમણે અમને 1,000 રૂપિયા અને ઈંધણના પૈસા ચૂકવવાની શરતે અમને તેમનું વાહન આપ્યું. આ રીતે અમે ઘેર પરત ફરી શક્યાં.”
પરંતુ વઝિરીથલમાં, સમસ્યા માત્ર તૂટક તૂટક વીજ પુરવઠો જ નથી, પરંતુ ગામની આસપાસના રસ્તાઓ અને આરોગ્ય સંભાળ સુવિધાઓનો અભાવ પણ છે. વઝિરીથલથી લગભગ પાંચ કિલોમીટરના અંતરે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) છે પરંતુ તબીબી સ્ટાફની ખાલી જગ્યાઓની ભરતી ન થઈ હોવાને કારણે તે સામાન્ય પ્રસૂતિ માટે પણ અસજ્જ છે.
વઝિરીથલનાં 54 વર્ષીય આંગણવાડી કાર્યકર રાજા બેગમ પૂછે છે, “બડુગામ પીએચસીમાં માત્ર એક જ નર્સ છે. તેઓ ડિલિવરી ક્યાં કરશે? પછી તે ઈમરજન્સી હોય, ગર્ભપાત હોય કે કસુવાવડ હોય, તે બધાંએ સીધાં ગુરેઝ જવું પડે છે. અને જો કોઈને ઓપરેશન કરાવવાનું થાય, તો તેમણે શ્રીનગરની લાલ ડેડ હૉસ્પિટલમાં જવું પડશે. તે ગુરેઝથી લગભગ 125 કિલોમીટર દૂર છે અને પડકારજનક હવામાનમાં ત્યાં પહોંચવામાં નવ કલાક લાગી શકે છે.”
શમિના કહે છે કે ગુરેઝ સીએચસી જવાના રસ્તાઓ ખરાબ છે. 2020માં ગર્ભાવસ્થા દરમિયાન તેમના અનુભવનું વર્ણન કરતાં શમિના કહે છે, “હૉસ્પિટલમાં જવામાં અને ત્યાંથી પાછા ફરવામાં એકતરફી મુસાફરીમાં બે કલાકનો સમય લાગે છે. અને પછી હૉસ્પિટલમાં [સીએચસીમાં] મારી કેવી કાળજી લેવામાં આવી! જેણે મને બાળકને જન્મ આપવામાં મદદ કરી તે એક સફાઈ કર્મચારી હતો. ડિલિવરી દરમિયાન કે પછી એક વખત પણ ડૉક્ટર મારી તપાસ કરવા આવ્યા નથી.”
ગુરેઝમાં પીએચસી અને સીએચસી બંને લાંબા સમયથી ચિકિત્સકો, સ્ત્રીરોગચિકિત્સકો અને બાળરોગ નિષ્ણાતો સહિત તબીબી અધિકારીઓ અને નિષ્ણાતોની ગંભીર અછતથી પીડાય છે. રાજ્યના મીડિયામાં આની ખૂબ ચર્ચા થઈ છે. રાજા બેગમ કહે છે કે પીએચસી માત્ર પ્રાથમિક સારવાર અને એક્સ-રેની સુવિધા પૂરી પાડે છે. તેનાથી વધુ કોઈ પણ જરૂરીયાત માટે, દર્દીને 32 કિલોમીટર દૂર ગુરેઝમાં આવેલ સીએચસીમાં જવાનું સૂચવવામાં આવે છે.
પરંતુ ગુરેઝના સીએચસીની સ્થિતિ દયનીય છે. બ્લોક મેડિકલ ઓફિસરનો અહેવાલ (જે સપ્ટેમ્બર 2022માં સોશિયલ મીડિયા પર ફરતો થયો હતો) જણાવે છે કે બ્લોકમાં 11 મેડિકલ ઓફિસર, 3 ડેન્ટલ સર્જન, 3 નિષ્ણાતો સહિત એક ફિઝિશિયન, એક બાળરોગ અને એક પ્રસૂતિ-સ્ત્રીરોગ નિષ્ણાતની જગ્યાઓ ખાલી છે. આ નીતિ આયોગના આરોગ્ય સૂચિના અહેવાલમાં ખાલી જગ્યાઓ ભરવામાં સુધારાની જે વાત કરવામાં આવી છે તેનાથી વિપરીત છે.
48 વર્ષીય આફરીન, જેઓ શમિનાના ઘરથી ફક્ત 5-6 ઘર દૂર રહે છે, તેમની પોતાની એક વાર્તા છે. તેઓ હિન્દી સાથે વચ્ચે વચ્ચે કાશ્મીરી ભાષામાં બોલતા કહે છે, “જ્યારે મે 2016માં મારે પ્રસૂતિ માટે ગુરેઝના સીએચસીમાં જવું પડ્યું, ત્યારે મારા પતિ પરિવહન સુધી મને તેમની પીઠ પર ઉંચકીને લઈ ગયા. હું દેખીતી રીતે વિરુદ્ધ દિશામાં હતી. 300 મીટર દૂર જ્યાં ભાડે કરેલી સુમો અમારી રાહ જોઈ રહી હતી ત્યાં પહોંચવા માટે મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો. તે પાંચ વર્ષ પહેલાંની વાત છે, પરંતુ પરિસ્થિતિ હજુ પણ એવી જ છે. હવે અમારાં દાઈ પણ ઘરડાં થઈ રહ્યાં છે અને ઘણીવાર બીમાર રહે છે.”
આફરીન જે દાઈનો ઉલ્લેખ કરે છે તે શમિનાનાં માતા છે. શમિના કહે છે, “મારી પ્રથમ પ્રસૂતિ પછી મેં નક્કી કર્યું હતું કે ભવિષ્યમાં હું ઘેર જ જન્મ આપીશ. અને જો મારી માતા ન હોત, તો મારી બીજી ગર્ભાવસ્થા દરમિયાન મારી ગર્ભાશયની કોથળી ફાટી ગયા પછી હું કદાચ બચી ન શકી હોત. તે દાઈ છે અને તેણે ગામની ઘણી મહિલાઓને મદદ કરી છે.” શમિના અમે જ્યાં ઊભાં છીએ ત્યાંથી માંડ 100 મીટર દૂર તેમના ખોળામાં એક બાળકને બેસાડીને તેના માટે ગીતો ગાતાં એક વૃદ્ધ મહિલા તરફ ઈશારો કરે છે.
શમિનાનાં માતા, 71 વર્ષીય જાની બેગમ, કથ્થાઇ રંગનું ફેરન પહેરીને તેમના ઘરની બહાર બેસેલાં છે, અને ગામની અન્ય મહિલાઓની જેમ, તેમનું માથું પણ દુપટ્ટાથી ઢંકાયેલું છે. તેમના ચહેરા પરની કરચલીઓ તેમનો લાંબો અનુભવ છતો કરે છે. તેઓ કહે છે, “હું છેલ્લાં 35 વર્ષથી આ કામ કરી રહી છું. વર્ષો પહેલાં, મારી માતા જ્યારે પ્રસૂતિ માટે જતી ત્યારે મને તેની મદદ કરવા દેતી. તેથી, મેં નિરીક્ષણ કર્યું, પ્રેક્ટિસ કરી અને શીખી. આમાં મદદ કરી શકવી એ સૌભાગ્યની વાત છે.”
જાનીએ અહીં તેમના જીવનકાળમાં થોડાક ફેરફારો નોંધ્યા છે, પરંતુ તે નોંધપાત્ર નથી. તેઓ કહે છે, “આજકાલ પ્રસૂતિમાં ઓછા જોખમો છે કારણ કે હવે મહિલાઓને આયર્નની ગોળીઓ અને અન્ય તમામ ઉપયોગી પૂરકો મળે છે, પહેલાં આવું ન હતું. હા, બદલાવ આવ્યો છે પણ તે હજુ પણ બીજા ગામો જેવો નથી. અમારી છોકરીઓ હવે અભ્યાસ કરી રહી છે પરંતુ આજે પણ સારી આરોગ્યસંભાળ સુવિધાઓની વાત કરવામાં આવે તો તેમની પાસે મર્યાદિત વિકલ્પો જ છે. અમારી પાસે હૉસ્પિટલો છે પરંતુ ઈમરજન્સીમાં ઝડપથી ત્યાં પહોંચવા માટે સારો રસ્તો નથી.”
જાની કહે છે કે ગુરેઝ સીએચસી દૂર છે અને ત્યાં જવું હોય તો ઓછામાં ઓછું 5 કિલોમીટર ચાલવું પડે છે. 5 કિલોમીટર ચાલ્યા પછી, ત્યાં પહોંચવા માટે સાર્વજનિક પરિવહન મળવાની શક્યતા છે. તમને અડધો કિલોમીટર ચાલીને ખાનગી વાહન મળી શકે છે, પરંતુ તે વધુ મોંઘું હશે.
જાની કહે છે, “તેની બીજી ગર્ભાવસ્થા દરમિયાન, શમિના ત્રીજા ત્રિમાસિકમાં ખૂબ જ નબળી પડી ગઈ હતી. અમે અમારા આંગણવાડી કાર્યકરના સૂચન પર હૉસ્પિટલમાં જવાનું વિચાર્યું, પરંતુ મારા જમાઈ કામની શોધમાં શહેરની બહાર હતા. અહીં વાહન મેળવવું સરળ નથી. જો અમને વાહન મળે તો પણ, લોકોએ સગર્ભા સ્ત્રીને વાહન સુધી ઉંચકીને લઈ જવી પડે છે.”
આફરીન જાનીનો ઉલ્લેખ કરીને મોટેથી પૂછે છે, “તેમના ગયા પછી અમારા ગામની સ્ત્રીઓનું શું થશે? અમે કોના પર ભરોસો કરીશું?” સાંજનો સમય છે. શમિના રાત્રિભોજન બનાવવા માટે તેમના ઘરની બહારની ઝાડીઓમાં ઈંડાં શોધી રહ્યાં છે. તેઓ કહે છે, “મરઘીઓ તેમનાં ઈંડાં છુપાવે છે. મારે ઈંડાંની કઢી બનાવવા માટે તે શોધવાં પડે છે, નહીંતર આજે રાત્રે રાજમા અને ચોખા બનશે. અહીં કંઈપણ સરળ નથી હોતું. આ ગામ દૂરથી જંગલની વચ્ચે ઘરો હોવાથી મનોહર લાગે છે. પરંતુ જ્યારે તમે નજીક આવશો ત્યારે જ તમને ખબર પડશે કે અમારું જીવન ખરેખર કેવું છે.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ