ઘોર અંધારું હતું, પરંતુ તે સૂર્યોદયની રાહ જોઈ શકે તેમ ન હતો. રાતના 2 વાગ્યા હતા અને બીજા ત્રણ કલાકમાં તો પોલીસ તેમને અટકાવવા ત્યાં હાજર થઈ જવાના હતા. કાસારુપુ ધનરાજુ અને તેના બે સાથીઓ જ્યાં થોડી જ વારમાં પોલીસ-નાકાબંધી સક્રિય થઈ જવાની હતી ત્યાંથી છટકી ગયા. થોડી વાર પછી, તેઓ મુક્ત હતા - અને દરિયાના પાણી પર .
તે તેના 10 મી એપ્રિલના દુઃસાહસ વિષે કહે છે, "શરૂઆતમાં તો આ રીતે જવામાં મને ખૂબ બીક લાગતી હતી, મારે હિંમત એકઠી કરવી પડી. મારે પૈસાની જરૂર હતી. મારે ભાડુ ચૂકવવાનું હતું." 44 વર્ષનો ધનરાજુ અને તેના સાથી - બધા આશા ખોઈ બેઠેલા માછીમારોએ - તેમની નાની નાની મોટર બોટમાં સવાર થઈ દરિયામાં ઝૂકાવ્યું . લોકડાઉનને કારણે જેટી પર માછીમારી અને અન્ય પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી છે. અને દરરોજ સવારે 5 વાગ્યા સુધીમાં વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના બંને દરવાજે પોલીસ પહોંચી જાય છે. અહીંનું બજાર જાહેર જનતા અને માછીમારો બંને માટે બંધ છે.
ધનરાજુ 6-7 કિલોગ્રામ બંગારુ તીગા (મીઠા પાણીની ખાદ્ય માછલી) લઈને સૂર્યોદય પહેલાં પાછા ફર્યા. તે કહે છે, "તે દિવસે અમે માંડ માંડ બચ્યા. હું પાછો ફર્યો ત્યારબાદ થોડીવારમાં જ પોલીસ આવી. જો એ લોકોએ મને પકડ્યો હોત તો તેમણે મને માર માર્યો હોત. પરંતુ સંકટ સમયમાં ટકી રહેવા માટે આપણે જે કંઈ કરી શકીએ તે આપણે કરવું જ રહ્યું. આજે હું મારું ભાડુ ચુકવીશ, પણ આવતી કાલે કંઈક બીજું આવે. મને કોવિડ -19 નું નિદાન થયું નથી, પણ છતાં તે મને આર્થિક રીતે અસર કરી રહ્યું છે.”
તેણે ચેંગલ રાવ પેટાના ડૉ.એન.ટી.આર. બીચ રોડ પાછળ સાંકડી ગલીમાં પોતાની જૂની કટાયેલી રોમા સાયકલ ઉપર એક સફેદ પાટિયું મૂકીને ઊભી કરેલી કામચલાઉ દુકાનમાંથી છાનેમાને પોલીસની નજર ન પડે તેમ માછલી વેચી દીધી. સામાન્ય સંજોગોમાં 250 રુપિયે કિલોના ભાવે વેચાતી માછલી ધનરાજુએ 100 રુપિયે કિલોના ભાવે વેચી હતી. તે કહે છે, “કાશ... હું આ સાયકલને મુખ્ય માર્ગ પર લઈ જઈ શક્યો હોત, પણ મને પોલીસનો ડર હતો.”
સામાન્ય સંજોગોમાં જો ધનરાજુએ 6-7 કિલો મીઠા પાણીની ખાદ્ય માછલી વેચી હોત, તો તેઓ 1500 થી 1750 રુપિયા કમાયા હોત. પણ તેમની સાયકલ ઉપર ઊભી કરેલી માછલીની દુકાને લોકોનું ખાસ ધ્યાન ન ખેંચ્યું.અને તેમણે પકડેલી માછલીઓ બે દિવસમાં વેચી તેઓ આશરે 750 રુપિયા જ કમાયા. તેમના પ્રયત્નોમાં ગ્રાહકો માટે માછલી કાપવામાં અને સાફ કરવામાં મદદ કરતા 46 વર્ષના પપ્પુ દેવી પણ તેમની સાથે જોડાયા હતા. માછલી કાપીને સાફ કરવા માટે તેમને દરેક કામ દીઠ ગ્રાહક પાસેથી 10-20 રુપિયા મળે છે. તેઓ પણ પૈસા ખાતર જ આ જોખમ વહોરતા હતા.
જ્યારે જેટી સંપૂર્ણ રીતે કાર્યરત હતી ત્યારે પપ્પુ દેવી દિવસના 200-250 રુપિયા કમાઈ લેતા. તેમનું એકમાત્ર કામ માછલી કાપીને સાફ કરવાનું હતું. તેઓ કહે છે, “હવે હું રોજ એક જ ટંક ખાવા પામું છું. મારે જૂન સુધી ટકી રહેવાનું છે. કદાચ વાયરસને લીધે, આ [લોકડાઉનનો સમયગાળો] જૂનથી આગળ પણ લંબાઈ શકે છે." ક્ષણેક માટે તે ચૂપ થઈ જાય છે પછી આશાપૂર્વક કહે છે, "મને લાગે છે કે હું ટકી જઈશ." એક વિધવા અને બે બાળકોની માતા, પપ્પુ દેવી મૂળ આંધ્રપ્રદેશના વિઝિયાનાગ્રામ જિલ્લાના મેન્ટાડા તહસીલના ઈપ્પલાવલાસા ગામના છે.
દેવીએ માર્ચ મહિનામાં તેમની દીકરીઓને તેમના માતાપિતાના ઘેર ઈપ્પલાવલાસા મોકલી હતી. તેઓ કહે છે, “મારા માતા-પિતાની સંભાળ રાખવા હું પણ આ મહિને ત્યાં જવાની હતી. પરંતુ હવે તે અશક્ય લાગે છે. "
2 એપ્રિલ, 2020 સુધી, માછીમારોને દરિયામાં જવા માટે સત્તાવાર રીતે મંજૂરી ન હતી. ઉપરાંત, સંવર્ધનને અનુકૂળ સમયગાળા દરમ્યાન - 15 મી એપ્રિલથી 14 મી જૂન સુધી - માછીમારી ઉપર 61-દિવસનો વાર્ષિક પ્રતિબંધ હોય છે. આનો અર્થ એ કે આ સમયગાળા દરમિયાન મોટરબોટ અને યાંત્રિક નૌકાઓની અવરજવર નિયંત્રિત કરવામાં આવે છે, જેથી માછલીના સંગ્રહને બચાવી શકાય. ચેંગલ રાવ પેટા વિસ્તારમાં જ રહેતા 55 વર્ષના માછીમાર વસુપલ્લે અપ્પારાવ કહે છે, “મેં 15 મી માર્ચે માછીમારી બંધ કરી દીધી હતી કારણ કે લગભગ પંદર દિવસ સુધી મેં મારી પકડેલી માછલીઓ સામાન્ય કરતા અડધા - અથવા અડધાથી પણ ઓછા ભાવે વેચી હતી. માર્ચમાં હું માત્ર 5000 રુપિયા કમાઈ શક્યો. સામાન્ય રીતે તે મહિને 10000 થી 15000 રુપિયા કમાય છે.
અપ્પારાવ સમજાવે છે, "અમે એપ્રિલના પહેલા બે અઠવાડિયામાં [વાર્ષિક પ્રતિબંધ લાગુ કરાય તે પહેલાં] ઘણી સારી કમાણી કરીએ છીએ, કારણ કે સામાન્ય રીતે ત્યારે ઘણા બધા ખરીદદારો હોય છે." તે ઉત્સાહથી કહે છે, "ગયા વર્ષે સંવર્ધનને અનુકૂળ સમયગાળા પહેલાના 10-15 દિવસમાં મેં 15000 રુપિયાની કમાણી કરી હતી."
આ વર્ષે માર્ચના પહેલા અઠવાડિયામાં જ માછલીના ભાવો ગગડ્યા હતા - સામાન્ય રીતે 1000 રુપિયે કિલોના ભાવે વેચાતી વન્સરમ (સીઅર ફિશ) અને સન્દુવાઈ (પોમફ્રેટ) 400-500 રુપિયે કિલો વેચાતી હતી. અપ્પારાવના મતે, આ કોરોના વાયરસથી ફેલાયેલા ગભરાટના કારણે હતું. તે હસીને કહે છે, "એક માણસ આવ્યો અને તેણે મને કહ્યું કે મારે મારી જાળ નાખવાનું બંધ કરવું જોઈએ કારણ કે માછલીઓ ચીનથી વાયરસ લાવે છે. હું શિક્ષિત નથી, પણ મને નથી લાગતું કે આ સાચું છે."
સરકાર દ્વારા નિયત નિ:શુલ્ક રેશન - વ્યક્તિ દીઠ પાંચ કિલોગ્રામ ચોખા મળવા છતાં અપ્પારાવને લાગે છે કે આગળ જતાં ખાવાના સાંસા પડશે. તે કહે છે, "સંવર્ધનને અનુકૂળ સમયગાળો કોઈપણ વર્ષે ખૂબ જ મુશ્કેલ સમય હોય છે, પણ તે સમયગાળા પહેલાના અઠવાડિયામાં થેયેલા નફાને કારણે માંડ માંડ અમારું ગાડું ગબડે છે. પણ આ વખતે વાત જુદી છે. અમારે કોઈ કમાણી નથી, નફો નથી. ”
12 એપ્રિલના રોજ રાજ્ય સરકારે માછીમારો માટે લોકડાઉનમાં ખૂબ જ ટૂંકા ગાળા માટે રાહત આપી હતી, અને તેઓને ત્રણ દિવસ સમુદ્રમાં જવા માટે પરવાનગી આપવામાં આવી હતી. જો કે સંવર્ધનને અનુકૂળ સમયગાળા દરમ્યાનનો પ્રતિબંધ તે 72 કલાકના અંતે શરૂ થશે. આ પરવાનગી મળતા માછીમારોને કંઈક રાહત થઈ હતી - પણ અપ્પારાવને લાગે છે કે, "માત્ર ત્રણ દિવસનો જ સમય તો ઘણો ઓછો સમય છે, અને લોકડાઉનને કારણે ગ્રાહકો પણ ઘણા ઓછા હશે."
ચિંતાપલ્લઈ તાતારાવ ચેંગલ રાવ પેટાની એક સાંકડી ગલીમાં રહે છે. ત્યાં આડેધડ ખડકેલા દીવાસળીના ખોખા જેવા લાગતા ઘરોમાંથી એક ઘર તેમનું પણ છે. તેમાંના એકમાં એક સાંકડી સીડી તેમના અંધારિયા ઘર તરફ દોરી જાય છે. તેમના ઘરમાં ઝાંખું અજવાળું છે. 48 વર્ષના માછીમાર તાતારાવ સવારે વહેલા ઊઠે છે અને જ્યાંથી દરિયા કિનારો જોઈ શકાય તેવા નજીકના સ્થળ સુધી ચાલે છે. લોકડાઉન દરમ્યાન જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી તે જાય છે. પપ્પુ દેવીની જેમ તેઓ પણ મૂળ વિઝિઆનગરમ જિલ્લાના ઈપ્પાલવલસાના છે.
તે ઉદાસીથી હસીને કહે છે, “મને દરિયો યાદ આવે છે. મને જેટ્ટી યાદ આવે છે. મને માછલીઓની ખોટ સાલે છે". માછલી સાથે આવતી આવકની પણ તેમને ખોટ સાલે છે. છેલ્લે તેઓ 26 મી માર્ચ, 2020 ના રોજ દરિયામાં ગયા હતા.
તાતરાવ કહે છે, "બરફ પર સાચવવા છતાં, તે અઠવાડિયે ઘણી માછલીઓ બચી." તેમની પત્ની સત્યા કહે છે, “સારું થયું માછલીઓ બચી, અમને સારી માછલી ખાવા મળી.”
42 વર્ષની ગૃહિણી સત્યા, તાતારાવને તેણે પકડેલી માછલીઓ વેચવામાં પણ મદદ કરે છે. તેને લાગે છે કે લોકડાઉન થયા પછીથી ઘરમાં વધારે ઉલ્લાસ છે. તે ખૂબ પ્રફુલ્લિત ચહેરે કહે છે, “સામાન્ય રીતે, હું એકલી હોઉં છું; હવે મારો દીકરો અને મારા પતિ ઘેર છે. બપોરનું ભોજન કે રાતનું વાળુ અમે સાથે બેસીને કર્યું હોય એ વાતને મહિનાઓ થયા. આર્થિક મુશ્કેલી છતાં, અમે એકબીજા સાથે સમય પસાર કરી રહ્યા છીએ એ મને ગમે છે."
તાતારાવની વાત કરીએ તો, બે વર્ષ પહેલાં તેણે તેની બોટ ખરીદવા માટે લીધેલી લોન કેવી રીતે ચૂકતે કરશે એ વિચારે તે મૂંઝાઈ રહ્યો છે. તે કહે છે કે તે કદાચ શાહુકારની મદદ લેશે - અને વર્ષના અંત સુધીમાં દેવું ચૂકવવાનો પ્રયાસ કરશે. તે કહે છે, “અમે પકડેલી માછલી માટે મળતા ભાવ અત્યારે એટલા નીચા છે કે ત્રણ દિવસ [લોકડાઉનમાં છૂટછાટના સમયમાં] માછીમારી કરવાથી કોઈ ફરક પડતો નથી, માછલીઓ યોગ્ય કિંમતે વેચવાનું માછલી પકડવા કરતા વધારે મુશ્કેલ બનશે."
તે કહે છે, “હું મારા દીકરા માટે પણ ચિંતિત છું. તેણે ગયા મહિને જ નોકરી ગુમાવી." 21 વર્ષનો ચિંતાપલ્લઈ તરુણ ફેબ્રુઆરીમાં તેનો કરાર પૂરો થયો ત્યાં સુધી એક ખાનગી કંપનીમાં વેલ્ડર તરીકે કામ કરતો હતો. તે નિસાસો નાખી કહે છે, "હું નોકરી શોધતો હતો, પણ કોરોનાવાયરસ ..."
તાતારાવ કહે છે, “અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ અને અમારે માટે સામાજિક અંતર જાળવવું અશક્ય છે. આ વિસ્તારમાં હજી સુધી કોઈનું કોરોના સંક્રમણનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું નથી, પરંતુ ન કરે નારાયણ ને જો કોઈનું પરીક્ષણ પોઝિટિવ આવશે તો - મારા મતે અમને કોઈ બચાવી નહિ શકે. કોઈ માસ્ક કે હેન્ડ સેનિટાઇઝર અમને બચાવી શકશે નહીં." તેમની પાસે કોઈ સર્જિકલ માસ્ક નથી અને તેને બદલે તે તેના મોઢે રૂમાલ બાંધે છે. સત્યા પોતાની સાડીના પાલવ વડે તેનું મોઢું ઢાંકે છે.
પરાણે પરાણે હસતું મોઢું રાખવાનો પ્રયત્ન કરતા તાતરાવ કહે છે, “શક્યતા અમારા પક્ષમાં નથી લાગતી. જો વાયરસ મને અથવા મારા પરિવારના કોઈને પણ અસર કરશે, તો અમારી પાસે તબીબી સારવાર માટે પૈસા નથી." અને, સત્યા કહે છે, "અમારામાંના કોઈની પાસે સ્વાસ્થ્ય વીમો કે બચત નથી, અમારી પાસે ચૂકવવા માટે ફક્ત લોન છે અને કાબુમાં લેવા માટે ભૂખ છે."
તાતરાવ, સત્યા અને પપ્પુ દેવીની જેમ જ વિશાખાપટ્ટનમના માછીમાર સમુદાયના અન્ય ઘણા લોકો અન્ય સ્થળોથી સ્થળાંતરિત થઈને અહીંથી આવ્યા છે. બીજા વર્ષોમાં, તેઓ ક્યારેક ક્યારેક, સામાન્ય રીતે સંવર્ધનને અનુકૂળ સમયગાળાના બે મહિના દરમ્યાન, તેમના ગામોમાં પાછા ફરતા હોય છે. આ વખતે, તેઓ આવું કરે એની શક્યતા ઓછી છે.
તાતરાવ કહે છે, "પહેલાં, અમે એ બે મહિનાનું ભાડું ચુકવતા નહોતા - હવે અમારે ચૂકવવું પડશે. સંવર્ધનને અનુકૂળ સમયગાળા દરમ્યાન, અમે અમારા ગામમાં બીજાના ખેતરોમાં નાના મોટા કામ કરીએ અને તેમાંથી અમને રોજના 50 રુપિયા મળી રહે." તેમાં સામાન્ય રીતે જંગલી પ્રાણીઓથી પાક અને ખેત પેદાશોનું રક્ષણ કરવાનું કામ હોય.
તે હસે છે, “ક્યારેક હું તે કામમાં ગરબડ કરું. માછીમારો બીજા કોઈ બ્રાતુકુ તેરુવુ [વેપાર ધંધા] જાણતા નથી. હમણાં તો અમે ફક્ત આશા રાખીએ છીએ કે માછલીના સંવર્ધનગાળા પછી વાયરસ નહિ હોય. ”
ફોટોગ્રાફ્સ માટે પ્રજાશક્તિ, વિશાખાપટ્ટનમના બ્યુરો ચીફ મધુ નરવાનો આભાર.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક