“દીદી, મહેરબાની કરીને કંઈ કરો, નહીતર એ લોકો મને ગમે ત્યારે મારી નાખશે.” આ શબ્દો હું ગિરિજા દેવીને મળી ત્યારે એમના પ્રથમ શબ્દો હતા. તેઓ રડીને કહેતાં હતાં કે, “હું ગઈ કાલ બપોરથી નાનકડા અંધકાર વાળા રૂમમાં પુરાઈ ગઈ હતી, જેથી તેઓ મને મારે નહીં.”
ઘરના એક સાંકળા રસ્તા પાસેથી પસાર થયા ત્યાં વાસણોનો એક ઢગલો ધોવાની રાહ જોઈ રહ્યો હતો, હું એ રૂમમાં પહોંચી કે જ્યાં ગિરિજા તેમનાં સાસરી પક્ષના લોકોથી બચવા પુરાઈ ગયાં હતાં. રૂમની બહાર એક રસોડું અને નાનકડી ખુલ્લી જગ્યા હતી, જ્યાં તેમના પતિ અને બાળકો ખાવાનું ખાતા હતા.
૩૦ વર્ષીય ગિરિજાએ ૩૪ વર્ષીય કડિયા કામ કરતા હેમચંદ્ર અહિવાર સાથે ૧૫ વર્ષ પહેલાં લગ્ન કર્યા હતાં. તેમને ૧૪, ૧૧ અને ૬ વર્ષીય એમ ત્રણ બાળકો છે.
સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે ગિરિજાએ તેમના સાસુ-સસરાની દરેક ગેરવાજબી માંગણી કે જેમાં તેમની નોકરી છોડવાની વાત પણ શામેલ હતી, વિરુદ્ધ તેમની સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. તેમણે ઉત્તરપ્રદેશના મહોબા જીલ્લાના કબ્રાઈ વિસ્તારના પોતાના ગામ બસઓરામાં એક માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા) તરીકે ફરજ બજાવવાની શરૂ કરી ત્યારથી તો સમસ્યા વધુ વણસી હતી. અને હવે જ્યારે લોકડાઉનને કારણે એમના સાસરી પક્ષના લોકો ગામમાં પરત આવી ગયાં છે એટલે હવે તો તે અસહ્ય બની ગયું છે.
ગિરિજા કહે છે કે, “લોકડાઉન પહેલાં તે બંને [તેમના સાસું-સસરા] દિલ્હીમાં હતાં ત્યારે સ્થિતિ કાબુમાં હતી.” તેઓ મજુરી કરતાં હતાં. “પરંતુ જ્યારથી તેઓ પરત આવ્યાં છે, મારા માટે ગુજારો કરવો ખૂબ જ કઠીન બની ગયો છે. પહેલાં જ્યારે પણ હું ગામમાં કોઈ ગર્ભવતી મહિલાની ખબર કાઢવા જતી કે તેમને હોસ્પિટલ લઇ જતી તો તેઓ કહેતાં કે હું કોઈ આદમીને મળવા જાઉં છું. એક આશા વર્કર તરીકે, આ તો મારી ફરજ છે.” અમે જ્યારે ચાલીને ઉપર ધાબા તરફ જઈ રહ્યાં હતાં ત્યારે તેમનો ૬ વર્ષીય દીકરો યોગેશ અમારી પાછળ આવી રહ્યો હતો.
વધારે પડતું રડવાથી ગિરિજાની આંખો અને હોઠ ફૂલી ગયા હોય એવું લાગતું હતું. તેઓ અને હેમચંદ્ર સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમના બે કાકા અને તેમનો પરિવાર પણ આ જ ઘરમાં રહે છે, જો કે તેમના રસોડા અને પરિસર અલગ છે. પરંતુ, પ્રવેશદ્વાર અને આંગણું એક જ છે.
રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ, રેખા શર્મા ફોન પર કહે છે કે, “છેલ્લા કેટલાક મહિનાઓથી ગિરિજા જે હિંસાનો સામનો કરી રહ્યાં છે, તેમાં વધારો થઇ રહ્યો છે, અને ઘણા ઘરોમાં તેનો પડઘો ગુંજી રહ્યો છે. મોટાભાગની ફરિયાદો કાં તો અમારી વેબસાઈટ દ્વારા ઓનલાઈન આવે છે કાં તો અમારા વોટ્સએપ નંબર પર આવે છે – જો કે ૧૮૧ હેલ્પલાઇન પણ ઉપલબ્ધ છે. પરંતુ, મોટાભાગે હિંસાનો સામનો કરનાર માટે ફોન પર વાત કરવી સરળ નથી હોતી.”
અને આ ફરિયાદો હિંસામાં થયેલ વધારાનો સાચો વિસ્તાર નથી દર્શાવતી. ઉત્તરપ્રદેશના પોલીસ અધિક વહીવટી સંચાલક (એડીજીપી) અસીમ અરુણ કહે છે કે, “અમે માનીએ છીએ કે ઘરેલું હિંસા એ ગુનાનો એવો પ્રકાર છે કે જેની નોંધણી હંમેશા ઓછી થઇ છે.” તેઓ બીજી જવાબદારીઓ સાથે ઉત્તરપ્રદેશ પોલીસની ૧૧૨ હેલ્પલાઇનનું પણ ધ્યાન રાખે છે. પરંતુ તેઓ કહે છે કે લોકડાઉનને કારણે, “હિંસાના બનાવોની નોંધણી ન થવાની શક્યતા ઘણી વધુ છે.”
હિંસાના બનાવો અને તેની નોંધણીમાં જે તફાવત છે એ, એક વૈશ્વીક સમસ્યા છે, તે ફક્ત ભારત પુરતો સીમિત નથી. જેમ કે યુ.એન. વુમન નોંધે છે કે : “ઘરેલું હિંસા અને હિંસાના અન્ય પ્રકારોની નોંધણીમાં મોટા પાયે થતી અવગણનાને લીધે પ્રતિસાદ આપવાને અને ડેટા એકત્ર કરવાને પડકારજનક બનાવી દીધું છે. જેમાં હિંસાનો સામનો કરતી ૪૦ ટકાથી પણ ઓછી મહિલાઓ કોઈ પણ પ્રકારની મદદ માગતી નથી કે ન તો તેનો અહેવાલ નોંધાવે છે. મદદ માંગતી મહિલાઓમાંથી ૧૦ ટકાથી પણ ઓછી મહિલાઓ પોલીસ પાસે જાય છે. અત્યારની હાલત [મહામારી અને લોકડાઉન] અહેવાલ નોંધણીને વધુ પડકારમય બનાવે છે, જેમાં મહિલાઓ અને છોકરીઓને મોબાઈલ ફોન કે હેલ્પલાઇનનો ઉપયોગ ન કરી શકવો અને પોલીસ, ન્યાય અને સામાજિક સેવાઓ જેવી જાહેર સેવાઓનું વિક્ષેપિત થવું કારણભૂત છે.”
ગિરિજા તેમનાં આંસુ રોકતા કહે છે કે, “ગઈ કાલે મારા દાદા-સસરાએ મને લાકડી વડે મારી અને ગળું દબાવવાની પણ કોશિશ કરી. પરંતુ, પડોશીએ તેમને રોકી લીધા. તેમણે પછી એ પડોશીને પણ ગાળો આપી. હવે જ્યારે હું મારા પડોશીઓ પાસે મારા પ્રશ્નોના નિરાકરણ માટે જાઉં છું તો તેઓ કહે છે કે તમે ઘેર જઈને જાતે જ એનું નિરાકરણ લાવો, કારણ કે તેઓ મારા સાસરી પક્ષના લોકો પાસેથી ગાળો સાંભળવા નથી માંગતા. જો મારા પતિ મારી પડખે ઊભા રહેતા તો વાત કંઈ જુદી હતી. પરંતુ, એ કહે છે કે આપણે આપણા વડીલો સામે ન બોલવું જોઈએ. તેમને બીક છે કે જો તેઓ બોલશે તો તેમણે પણ માર ખાવો પડશે.”
ઘણી સ્ત્રીઓએ આવી હિંસાનો સામનો કરવો પડે છે. ચોથા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે (૨૦૧૫-૧૬) મુજબ, ત્રીજા ભાગથી પણ વધારે મહિલાઓએ કહ્યું હતું કે તેમણે ઘરેલુ હિંસાનો અનુભવ કર્યો છે – પણ સાતમાંથી ફક્ત એકે જ હિંસાને રોકવા (પોલીસ સહીત) કોઈ પણ જાતની મદદ લીધી છે.
પરંતુ, ગિરિજાના ઘરમાં હાલના સંકટની શરૂઆત કઈ રીતે થઇ?
ગિરિજા કહે છે કે, “લોકડાઉનના શરૂઆતના અઠવાડિયાઓમાં જ્યારે તેઓ [તેમનાં સાસરી પક્ષના] દિલ્હીથી આવ્યાં તો મેં એમને વાઇરસ માટે તપાસ કરાવવાનું કહ્યું કારણ કે ઘરમાં બાળકો પણ છે. પરંતુ, તેમણે મને કહ્યું કે હું તેમના પર કોવિડ-૧૯ ના દર્દી હોવાનો આરોપ લગાવીને તેમને બદનામ કરવા માંગું છું એમ કહીને મને ગાળો આપી. મારા સાસુએ તો મને લાફો મારવાનો પણ પ્રયાસ કર્યો. મારા ઘરની બહાર ૮-૧૦ લોકો આ બધું જોઈ રહ્યા હતા. પણ કોઈ મદદ માટે આગળ ન આવ્યું.” ગિરિજા જ્યારે આ બધું મને કહી રહ્યાં હતાં ત્યારે પણ તેઓ આજુબાજુ જોઈ રહ્યાં હતાં કે કોઈ તેમના પર ધ્યાન રાખીને તો નથી બેસી રહ્યું ને.
ઇન પર્સ્યુટ ઓફ જસ્ટીસ ના ૨૦૧૨ના એક અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ તટસ્થતા અને ચુપકીદી સાધવાથી સામેલગીરી એ વિશ્વવ્યાપી ઘટના છે. તેમણે દર્શાવ્યું કે ૪૧ માંથી ૧૭ દેશોમાં ચોથા ભાગથી પણ વધુ લોકો એવું માને છે કે પુરુષ માટે તેની પત્નીને મારવી યોગ્ય છે. ભારતમાં આ આંકડો ૪૦ ટકા હતો.
પછી ગિરિજાએ પોલીસ માટે તેમના વતી તેમની ૧૪ વર્ષીય દીકરી અનુરાધાએ લખેલ ફરિયાદની નકલ મને બતાવી. અનુરાધાએ મને કહ્યું કે, “અમે આ પોલીસને આપવા માગતાં હતાં. પણ લોકડાઉનના કારણે અમે મહોબા નગરમાં જઈ શકતાં ન હતાં. તેમણે અમને સીમા પર જ રોકી દીધાં હતાં.” આ નગર ગામથી લગભગ ૨૫ કિલોમીટર દૂર છે. તેમને ગામમાં પરત આવતા રોકી દેવામાં આવ્યા એટલે ગિરિજાએ મહોબાના પોલીસ અધિક્ષક સાથે ફોન પર વાત કરી. તેમણે તેમને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી. [અમારી મુલાકાત એટલા માટે શક્ય બની કારણ કે આ પત્રકાર ગિરિજાના ઘેર પોલિસ-મથક અધિકારી અને મહોબા પોલીસ મથકના એક હવાલદાર સાથે ગયાં હતાં.]
મહોબાના એસ.પી. મણીલાલ પાટીદારે કહ્યું કે, “અમે ઘરેલું હિંસાના પ્રથમ કે દ્વિતીય બનાવના આધારે આરોપીની ધરપકડ નથી કરતા. શરૂઆતમાં, અમે તેમને સલાહસૂચન આપીએ છીએ. વાસ્તવિક રીતે, અમે એક વાર, બે વાર કે અમુક વખત ત્રણ વાર પણ આરોપી અને પીડિત બંનેને સલાહસૂચન આપીએ છીએ. અમને જ્યારે એવું લાગે કે પરિસ્થિતિ વણસી રહી છે ત્યારે જ અમે એફ.આઈ.આર. દાખલ કરીએ છીએ.”
રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્મા કહે છે કે, 'લોકડાઉન પછી ઘરેલું હિંસાના બનાવોમાં વધારો થયો છે'
એડીજીપી અરુણ ઉમેરે છે કે, “લોકડાઉન દરમિયાન અમે જોયું છે કે ઘરેલું હિંસાના બનાવો [અહેવાલો] ની નોંધણીમાં ચોખ્ખો ઘટાડો નોંધાયો છે. સામાન્ય રીતે જેટલા અહેવાલો નોંધાતા હતા તેના લગભગ ૨૦ ટકા જેટલા જ અહેવાલો નોંધાયા હતા અને અઠવાડિયા – દસ દિવસ સુધી તેટલા જ રહ્યા હતા, પણ પછી તેમાં સતત વધારો નોંધાયો હતો. મને શંકા છે કે જ્યારે દારૂની દુકાનો (ફરીથી) ખુલી ત્યારે હિંસાના બનાવોમાં વધારો નોંધાયો હતો, જેથી દારૂ અને ઘરેલું હિંસા વચ્ચે એક કડી હોવાનું મનાય છે. પરંતુ હવે [લોકડાઉનની સરખામણીમાં] અહેવાલોમાં ૨૦ ટકાનો ઘટાડો નોંધાયો છે.”
શું તેનું કારણ એ હોઈ શકે કે ઘરેલું હિંસાના બનાવોની નોંધ ઓછી કરાય છે? એડીજીપી અરુણ જવાબ આપે છે કે, “એ સાચું છે. અને એ હંમેશાંથી એવું જ હતું. પરંતુ, હવે આરોપી સ્ત્રીઓની નજર સમક્ષ જ રહેતા હોવાથી તેની સંભાવના હજુ પણ વધારે છે.”
બદલામાં, વધારે સ્ત્રીઓ જુદી જુદી હેલ્પલાઇન અને સહાયો તરફ વળી રહી છે. લખનૌ સ્થિત એસોસિએશન ઓફ એડવોકસી એન્ડ લીગલ ઈનીશીએટીવ્સનાં વરિષ્ઠ વકીલ અને કારોબારી સંચાલક રેનું સિંઘ કહે છે કે, “લોકડાઉન પહેલાં અમે જેટલા અહેવાલો મેળવતા હતા તેના કરતાં અત્યારે ત્રણ ગણા વધારે બનાવો અમે મેળવીએ છીએ. વધારે ચોંકાવનારી વાત એ છે કે અમે એક તબીબી ડૉક્ટર, એમબીબીએસ તરફથી પણ ફરિયાદ મેળવી હતી.”
ગિરિજા સિંઘની જેમ લખનૌ જીલ્લાના ચીન્હટ વિસ્તાર મુખ્યાલયમાં સ્થિત પ્રિયા સિંઘ પણ તેમના ઘરમાં હિંસાના કારણે પુરાયેલાં છે.
અત્યારે ૨૭ વર્ષીય પ્રિયા જ્યારે ૨૩ વર્ષનાં હતાં ત્યારે તેમણે ૪૨ વર્ષીય કુમાર મહેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા અને તેમને અત્યારે એક ૪ વર્ષનો દીકરો છે. તેઓ કહે છે કે, “પહેલાં તેઓ કામથી પરત ફરતા ત્યારે દારૂ પી ને આવતા હતા, પણ અત્યારે તો તેઓ બપોરે પણ દારૂ પીએ છે. મારામારી હવે રોજની બાબત થઇ ગઈ છે. મારો દીકરો પણ આ સમજે છે અને તેમનાથી હંમેશા ડરેલો રહે છે.”
ઉત્તરપ્રદેશના અખિલ ભારતીય લોકતાંત્રિક મહિલા સંઘના ઉપ પ્રમુખ મધુ ગર્ગ કહે છે કે, “સામાન્ય રીતે લોકો જો તેમણે અથવા તેમના જાણીતા લોકોએ ઘરેલું હિંસાનો સામનો કર્યો હોય તો ફરિયાદ નોંધાવતા હતા. પરંતુ, અત્યારે [લોકડાઉનના કારણે] લોકોની અવરજવર નથી એટલે તેઓ હવે અમારી પાસે આવી શકતા નથી. તેથી અમે હેલ્પલાઇનનો પ્રબંધ કર્યો છે. અને હવે અમારી પાસે દિવસના સરેરાશ ૪ થી ૫ ફોન આવે છે. આ બધા ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી ઘરેલું હિંસા સંબંધિત હતા.”
પ્રિયાના પતિ લખનૌમાં ચીકનકારી કપડાના શોરૂમમાં નોકરી કરે છે. પરંતુ, લોકડાઉનને કારણે શોરૂમ બંધ થઇ ગયો હતો અને હવે તેઓ ઘેર રહે છે. પ્રિયા જ્યારે કાનપુરમાં તેમના પપ્પાના ઘેર જાય ત્યારે તેમના પતિની સામે ફરિયાદ નોંધાવવાનું વિચારે છે.
તેમણે કહ્યું કે, “કોઈ પણ વિશ્વાસ નહીં કરે કે તેમણે દારૂ ખરીદવા અર્થે થોડા પૈસા મેળવવા માટે અમારા ઘરમાંથી ઘણાં વાસણો વેચ્યાં છે. તેમણે રેશનની દુકાનમાંથી મેં મેળવેલા રાશન વેચવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પરંતુ મારા પડોશીઓએ મને ચેતવણી આપી અને મેં તેમને કોઈક રીતે રોકી દીધા. તેમણે મને બધાની વચ્ચે મારી. કોઈએ પણ તેને રોકવાની તસ્દી ના લીધી.”
એનએફએચએસ–૪ અનુસાર, ઉત્તરપ્રદેશમાં ૧૫ થી ૪૯ વય સમૂહની ૯૦ ટકા પરિણીત સ્ત્રીઓએ ઘરેલું હિંસાનો સામનો કર્યો છે – જેમાં આરોપી તેમના પતિ જ હતા.
ગિરિજાના માતા પિતા તેની અવિવાહિત નાની બહેન સાથે દિલ્હીમાં રહે છે. ગિરિજા કહે છે કે, “હું તેમની પાસે જવાનું વિચારી પણ શકતી નથી. તેઓ નાનકડી ઝુપડીમાં માંડ ગુજારો કરે છે. હું તેમના ઉપર મારા ખોરાકનો બંદોબસ્ત કરવાની જવાબદારી કઈ રીતે થોપી શકું? કદાચ આ જ મારું નસીબ છે.”
એનએફએચએસ–૪ અનુસાર, “ભારતમાં જેટલી પણ સ્ત્રીઓએ કોઈ પણ જાતની શારીરિક હિંસા કે જાતીય સતામણીનો સામનો કર્યો છે તેમાંથી, ૭૬ ટકા સ્ત્રીઓએ ક્યારેય પણ કોઈની મદદ નથી લીધી કે ન તો કોઈને તેમણે સહન કરેલી હિંસા વિષે કોઈને જણાવ્યું છે.”
ચિત્રકૂટમાં પહારી વિસ્તારના કલવારા ખુર્દ ગામમાં ૨૮ વર્ષીય નગીના ખાન ૧૫૦ કિલોમીટર દૂર આવેલ પ્રયાગરાજમાં તેમના માતા પિતા પાસે જવા માંગે છે.
તેઓ મને તેમના ઘરમાં ખેંચીને લઇ જઈને કહે છે કે, “મારું આખું શરીર જખ્મોથી ભરેલું છે. તમે જાતે જ આવીને જુઓ. દર બીજા દિવસે મારા પતિ જે રીતે મને માર મારે છે, તેના લીધે હું મારી જાતે ચાલવા પણ સક્ષમ નથી. હું અહીં શા કારણે રહું છું? જ્યારે કે મને માર મારવામાં આવે છે અને હું ચાલી પણ શકતી નથી? જ્યારે હું હલનચલન કરવામાં અસમર્થ હોઉં છું ત્યારે મને કોઈ એક ટીપું પાણી પણ આપતું નથી.”
તેઓ ઉમેરે છે કે, “મારા પર એક એહસાન કરો. મહેરબાની કરીને મને મારા માતા પિતાના ઘેર મૂકી જાઓ.” તેમના માતા પિતા તેમને ઘેર પરત લઇ જવા સહમત થઇ ગયા છે – પરંતુ, જાહેર પરિવહન સેવાઓ ફરી શરૂ થાય ત્યારે. નગીના જ્યારે ઘેર જાય ત્યારે તેમના ૩૭ વર્ષીય પતિ સરીફ ખાન કે જેઓ ડ્રાઈવર છે તેમની સામે ફરિયાદ કરવાનું વિચારી રહ્યાં છે.
૨૫ માર્ચનું રાષ્ટ્રીય લોકડાઉન એ કોવિડ-૧૯ ના ફેલાવાને રોકવા માટે જાહેર આરોગ્યના હિતમાં કટોકટીનું પગલું હતું. પરંતુ, બદ લોકો સાથે પુરાયેલા રહેવું એ ગિરિજા, પ્રિયા અને નગીના જેવી સ્ત્રીઓ માટે તેની મેળે જ એક અલગ પ્રકારની કટોકટી ઉભી કરે છે.
ગિરિજા દેવીએ મને બસઓરામાં કહ્યું હતું કે, “આ ગામમાં ઘણી સ્ત્રીઓ એવી છે કે જેઓ તેમના પતિના હાથે ઘણી વાર માર ખાય છે. પરંતુ, તેમણે એ રીતે રહેવાનું સ્વીકારી લીધું છે. હું તેની સામે અવાજ ઉઠાવું છું, જેથી હું મુશ્કેલીમાં મૂકાવ છું. પણ તમે મને કહો કે, હું શા કારણે કોઈને મારી બેઈજ્જતી કરવા દઉં, ફક્ત એટલા માટે કે હું મહિલા છું અને કામ અર્થે ઘરની બહાર નીકળું છું? હું મારા છેલ્લા શ્વાસ સુધી તેની સામે અવાજ ઉઠાવતી રહીશ.”
અનુવાદક: ફૈઝ મોહંમદ