મનજીત રિસોંગ તેમના રસોડાની વચ્ચોવચ આવેલા માટીના જાડા માળખા તરફ ઈશારો કરીને કહે છે, "અહીં અમારા પૂર્વજોના આત્માઓનો વાસ છે." અહીં છત, દીવાલો અને ફર્શ બધું જ વાંસથી બનેલું છે.
ભૂખરા રંગનું એ લંબચોરસ માળખું એક ફૂટ ઊંચું છે અને તેની ઉપર બળતણ માટેના લાકડાના ઢગલો કરેલો છે; તેની નીચે ખોરાક રાંધવામાં આવે છે. મનજીત ઉમેરે છે, “એને મેરોમ કહેવામાં આવે છે અને અમારે માટે એ પૂજાઘર છે. મિસિંગ સમુદાય માટે એ સર્વસ્વ છે."
મનજીત અને તેમની પત્ની નયનમણિ રિસોંગ આજની રાતની મિજબાની તૈયાર કરી રહ્યા છે, તેમાં પરંપરાગત મિસિંગ વાનગીઓની થાળીનો સમાવેશ થાય છે. આ દંપતી (આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ) મિસિંગ સમુદાયનું છે અને બંને સાથે મળીને - આસામના માજુલી નદીના ટાપુ પર આવેલા ગરમુર નગરમાં તેમના ઘરમાંથી જ - રિસોંગ્સ કિચન ચલાવે છે.
બ્રહ્મપુત્રાનદી પર આવેલ, આશરે 352 ચોરસ કિલોમીટરના વિસ્તારને આવરી લેતો માજુલી ભારતનો સૌથી મોટો નદી-ટાપુ છે. નજર પહોંચે ત્યાં સુધી ફેલાયેલા ડાંગરના લીલાછમ ખેતરો, નાના-નાના તળાવો, જંગલી વાંસ અને પોચી ભીની માટીમાં ઉગતી વનસ્પતિ એ આ વિસ્તારની પ્રાકૃતિક વિશેષતાઓ છે. ભારે ચોમાસાનો અને ત્યારપછીના પૂરનો સામનો કરવા માટે ઘરો વાંસના થાંભલાઓ પર બાંધવામાં આવે છે. આ ટાપુ સારસ, કિંગફિશર અને નીલ કૂકડી જેવા પ્રવાસી પક્ષીઓ માટે પણ જાણીતો છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ મનોહર જિલ્લો દર વર્ષે દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે એમાં કશું આશ્ચર્યજનક નથી.
અને 43 વર્ષના મનજીત અને 35 વર્ષના નયનમણિની આજીવિકા પ્રવાસન-વ્યવસાય પર આધાર રાખે છે. તેઓ આ વિસ્તારમાં ત્રણ હોમસ્ટે (પ્રવાસી આવાસ કેન્દ્રો) ચલાવવામાં મદદ કરે છે - રાઇઝિંગ, લા મેસન દી આનંદા અને એન્ચેન્ટેડ માજુલી. 'રિસોંગ્સ કિચન'માં વાંસની દિવાલ પરની એક ફ્રેમમાં દુનિયાભરના ચલણી સિક્કા અને નોટો મઢેલા છે.
રિસોંગ્સ (કિચન)માં જમવું એ એક અનોખો અનુભવ છે, અહીં રસોડા અને જમવાના વિસ્તાર વચ્ચે કોઈ અવરોધો નથી. મેરોમની આસપાસ બેસીને બધા તડાકા મારે છે, મોટાભાગની રસોઈ પણ અહીં જ થાય છે. રસોઈ કરતી વખતે બળતણના લાકડામાંથી ધુમાડો નીકળતો હોવા છતાં, હવાની અવરજવર સારી રીતે થઈ શકે એવા આ રસોડામાં ક્યારેય બફારો થતો નથી.
નયનમણિ રાતના ભોજન માટે માછલીના હાડકાં વિનાના કકડા, કટ ચિકન, તાજી ઇલ, લીલોતરી (શાકભાજી), રીંગણ, બટાકા અને ચોખા ભેગા કરે છે, તેઓ કહે છે, “અમે મિસિંગ લોકો અમારી રસોઈમાં આદુ, ડુંગળી અને લસણ જેવા ઘણા કાચા મસાલાનો ઉપયોગ કરીએ છીએ. અમે બહુ મસાલા ખાતા નથી. અમે મોટેભાગે અમારા ખોરાકને વરાળે બાફીને અને ઉકાળીને રાંધીએ છીએ."
થોડીવારમાં જ તેઓ કેટલીક સામગ્રી મિક્સીમાં ઘુમાવી દે છે અને આંચ પર મૂકેલી મોટી કડાઈમાં બીજી કેટલીક સામગ્રી હલાવવાનું શરૂ કરી દે છે. ધીમે ધીમે રસોડું તેમણે કાળજીપૂર્વક તૈયાર કરેલ જડીબુટ્ટીઓ અને મસાલાઓની સુગંધથી મઘમઘી ઊઠે છે.
એક તરફ રસોઈ થઈ રહી છે, ત્યારે બીજી તરફ પિત્તળના ઊભા પ્યાલાઓમાં અપોંગ દારૂ હાજર છે. આ પરંપરાગત મિસિંગ પીણું અપોંગ થોડું ગળ્યું હોય છે અને તેમાં થોડો મસાલાનો ચટકો હોય છે. દરેક મિસિંગ પરિવારની અપોંગ બ ના વવાની પોતાની આગવી પદ્ધતિ હોય છે. અપોંગની આ બેચ બાજુમાં રહેતા મનજીતના ભાભી જુનાલી રિસોંગને ત્યાંથી આવેલ છે. આ પીણાના મહત્વ વિશે અને તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિશે તમે અહીં વધુ વાંચી શકો છો: માજુલીમાં મિસિંગ દારૂની બનાવટ .
છાલ કાઢવા, સમારવા અને હલાવવાની સાથેસાથે નયનમણિ આંચ પણ તપાસતા રહે છે, તેઓ ચૂલામાંના લાકડા ઉપરનીચે કરે છે જેથી મેનૂમાંની આગલી વાનગી, ચિકન સ્ક્યૂઅર્સ રાંધવા માટે ચૂલો પૂરતો ગરમ રહે: ચિકનના ટુકડા સ્ક્યૂઅર્સમાં નાખીને તૈયાર કરવામાં આવ્યા છે અને શેકાવા માટે તૈયાર છે.
મેરોમની ઉપર બાંધેલ માંચડાને પરાપ કહેવાય છે, તેનો ઉપયોગ લાકડાનો અને - ખાસ કરીને માછલીના પ્રજનનની સીઝનમાં - માછલીઓનો સંગ્રહ કરવા અને બંનેને સૂકવવા માટે થાય છે, મનજીત કહે છે તેમ, “એપ્રિલ, મે અને જૂનમાં માછીમારી પર પ્રતિબંધ હોય છે. ત્યારે માછલીઓ પ્રજનન કરે છે અને અમે જરૂર કરતા વધુ માછલીઓ પકડવા માગતા નથી."
કિચન-ડિનર રૂમ એ પરંપરાગત મિસિંગ ઘરનો એક ભાગ છે, જેને ચાંગ ઘર તરીકે ઓળખવામાં આવે છે. તે કોંક્રીટ અને વાંસના થાંભલાઓ વડે જમીનથી બે ફૂટથી ઊંચે બનાવવામાં આવે છે. ઘરની ફર્શમાં વચ્ચે વચ્ચે જગ્યા રાખવામાં આવે છે, મોટાભાગના માજુલી ઘરોમાં પૂરના પાણીને ઘરમાં ભરાતા રોકવા માટે ઈરાદાપૂર્વક ખાસ આ પ્રકારની રચના કરવામાં આવે છે.
પૂરના સમયે ખોરાકમાં ફેરફાર થાય છે, મનજીત કહે છે કે, “પૂર દરમિયાન શાકભાજીની લણણી ઓછી થાય છે. શિયાળામાં પુષ્કળ શાકભાજી થાય છે. એ વખતે અમે ઘણા શાકભાજી ખાઈએ છીએ.”
આંચ ધીમી થઈ જતા (બીજા લાકડા ઉમેરી) મદદ કરતા મનજીત કહે છે, "હું માથે લાકડાનો ભારો ઉપાડીને પહાડ ચડી શકું પરંતુ હું રસોઈ ન કરી શકું!" એનું કારણ પૂછતા તેઓ હસીને કહે છે, "મને રસોઈ કરવાનું જરાય ગમતું નથી. મિસિંગ સમુદાયમાં 99 ટકા રસોઈ મહિલાઓ જ બનાવે છે."
ડો. જવાહર જ્યોતિ કુલીએ લખેલ પુસ્તક ફોક લિટરેચર ઓફ ધ મિસિંગ કમ્યુનિટી અનુસાર સામાન્ય રીતે મહિલાઓ રસોઈની જવાબદારી સ્વીકારે છે. આ પુસ્તક મિસિંગ સમુદાયની મૌખિક અને લેખિત પરંપરાઓની મદદથી આ સમુદાયના રીતરિવાજોનો અભ્યાસ કરે છે. બીજી પ્રવૃત્તિઓ ઉપરાંત મિસિંગ સમુદાયની મહિલાઓ રસોઈમાં અને વણાટકામમાં કુશળ હોય છે. પુરૂષો સ્વીકારે છે કે બને ત્યાં સુધી તેઓ રાંધવાનું પસંદ કરતા નથી, નાછૂટકે જ રસોઈ કરે છે.
જોકે મનજીત અને નયનમણિએ પોતપોતાની અનુકૂળતા મુજબ કામની વહેંચણી કરી એક એવી વ્યવસ્થા કરી લીધી છે જેથી તેમનું કામ સરળ થઈ જાય છે. મનજીત કહે છે કે રિસોંગ્સ કિચનમાં નયનમણિ ‘ધ બોસ’ છે જ્યારે મનજીતનું કામ હોમસ્ટેમાં મહેમાનોની સંભાળ રાખવાનું છે. જેમ જેમ સાંજ પડતી જાય છે તેમ તેમ મનજીત તેમના હોમસ્ટેમાં રોકાયેલા મહેમાનોને કોઈ તકલીફ તો નથી ને એ જોવા અને કંઈ જોઈતું-કરતું હોય તો પૂછવા માટે રૂમની અંદર-બહાર દોડાદોડી કરી રહ્યા છે.
*****
વિધવિધ વાનગીઓથી સજાવેલી થાળી બનાવવી એ સખત મહેનત માગી લેતું કામ છે. નયનમણિ અઢી કલાકથી વધુ સમયથી સ્ટવ, લાકડાના ચૂલા અને સિંક પર મહેનત કરી રહ્યા છે. મેરોમ પર રસોઈ બનાવવી એ ખૂબ ધીમી પ્રક્રિયા છે, પરંતુ ચૂલાના હુંફાળા પ્રકાશમાં ધુમાડો ઊંચે ચડતો જાય અને વિવિધ વાનગીઓ રંધાતી જાય એ એ દ્રશ્ય જોવું એ મુલાકાતીઓ માટે એક લ્હાવો છે.
તેઓ આ થાળી કેટલી વાર બનાવે છે? નયનમણિ કહે છે, "ક્યારેક હું મહિનામાં એકાદ વાર આ થાળી બનાવું, ક્યારેક ના પણ બનાવું." જોકે તેઓ કહે છે કે કોવિડ પહેલાં તેઓ વધુ વખત બનાવતા હતા. તેઓ છેલ્લા 15 વર્ષથી - 2007 માં મનજીત સાથે તેમના લગ્ન થયા ત્યારથી - આ કામ કરતા આવ્યા છે.
લાકડાની આંચ તરફ એકધાર્યું જોતા મનજીત કહે છે, “મારા માટે એ પહેલી નજરે પ્રેમ હતો."
તેઓ હસતા હસતા ફરી કહે છે, "હા, કદાચ 30 મિનિટ લાગી હતી."
મનજીતની બાજુમાં બેસીને માછલીઓ કાપી રહેલા નયનમણિ હસે છે અને મસ્તીમાં મનજીતને ટપારતા જરાક ગુસ્સાથી કહે છે, "અચ્છા, 30 મિનિટ લાગી હતી એમ?"
મનજીત કહે છે, "એની વાત સાચી છે." અને આ વખતે ખાતરીપૂર્વક ઉમેરે છે, "બધું મળીને બે દિવસ લાગ્યા હતા. એ પછી અમે નદી પાસે છાનામાના મળતા અને સાથે સમય વિતાવતા. કેવા સરસ દિવસો હતા એ.” આ દંપતી 20 વર્ષ પહેલા પહેલીવાર મળ્યા હતા. આજે તેમને બે દીકરીઓ છે, એક કિશોરવયની દીકરી, બબલી અને એક હજી માંડ નવું-નવું ચાલતા શીખેલી બાળકી, બાર્બી.
નયનમણિ જે છેલ્લી વાનગી રાંધી રહ્યા છે તે છે ઇલ, દેશના આ ભાગની એક સ્વાદિષ્ટ વાનગી. તેઓ કહે છે, “અમે સામાન્ય રીતે ઇલને કાચા વાંસમાં રાંધીએ છીએ કારણ કે આ રીતે રાંધેલી ઇલ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આજે અમારી પાસે કાચો વાંસ ન હતો તેથી અમે તેને કેળાના પાનમાં વરાળે બાફી લીધી છે.”
તેઓ આ (થાળી બનાવતા) શીખ્યા કેવી રીતે? તેઓ કહે છે, "મનજીત કી મા દિપ્તી ને મુઝે સીખાયા [મનજીતની માતા દીપ્તિએ મને આ થાળી રાંધતા શીખવ્યું." દિપ્તી રિસોંગ હાલ ઘેર નથી, તેઓ નજીકના ગામમાં તેમની દીકરીને મળવા ગયા છે.
આખરે જેની સૌથી વધુ રાહ જોવાતી હતી એ ક્ષણ આવી પહોંચે છે અને દરેક જણ પોતાના વાંસના ઓટ્ટોમન્સ ઉપાડે છે અને રસોડાના ખૂણામાં વાંસના લાંબા ડાઇનિંગ ટેબલ તરફ આગળ વધે છે.
મેનુમાં છે ઘેટિયા, માછલી અને બટાકાની ખટમીઠી કરી, કેળાના પાનમાં વરાળે બાફેલી ઇલ, સાંતળેલા શાકભાજી, કુકુરા ખોરીકા તરીકે ઓળખાતા સ્મોક્ડ ચિકન સ્ક્યૂઅર્સ, રીંગણ અથવા બેંગેના ભાજા અને કેળના પાનમાં લપેટેલા વરાળે બાફેલા ચોખા છે જે પુરંગ અપીન તરીકે ઓળખાય છે. ખટમીઠી કરી, કાળજીપૂર્વક શેકેલું માંસ અને સુગંધિત ભાત આ ભોજનને મજેદાર બનાવે છે.
એક થાળી 500 રુપિયામાં વેચાય છે.
થાકેલા નયનમણિ સ્વીકારે છે કે, "આ પ્રકારની થાળી બનાવવી ખૂબ જ મુશ્કેલ છે." અને પછી કહે છે, "થોડા દિવસોમાં મારે બપોરનું ભોજન કરવા આવનાર 35 લોકો માટે રસોઈ કરવી પડશે."
દિવસભરની મહેનત પછી તેઓ જોરહાટ જવાનું સપનું જુએ છે, જોરહાટ નદીની પેલે પાર આવેલું એક મોટું શહેર છે, રોજેરોજ ચાલતી ફેરી દ્વારા ત્યાં જઈ શકાય છે. મહામારીને કારણે તેઓ ત્રણ વર્ષથી ત્યાં ગયા નથી. તેઓ હસતા હસતા કહે છે, "જોરહાટમાં હું થોડી ખરીદી કરવાનો અને બહાર રેસ્ટોરાંમાં, જ્યાં કોઈ બીજું રસોઈ બનાવતું હોય ત્યાં, જમવાનો આનંદ માણી શકું છું."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક