“અમારો સંબંધ યમુના સાથે છે. અમે હંમેશા નદીની નજીક રહેતા આવ્યા છીએ.
પોતના પરિવારના આ નદી સાથેના ગાઢ સંબંધ વિશે વાત કરી રહેલ આ છે વિજેન્દર સિંહ. મલ્લાહ (નાવિકોનો) સમુદાય પેઢીઓથી દિલ્હીમાં યમુનાને અડીને આવેલા પૂરના મેદાનોની નજીક રહેતો આવ્યો છે અને આ મેદાનોમાં ખેતી કરતો આવ્યો છે. 1376 કિલોમીટર લાંબી આ નદી 22 કિલોમીટર સુધી નેશનલ કેપિટલ ટેરીટરી (રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ) માં થઈને વહે છે અને અહીં તેના પૂરના મેદાનો લગભગ 97 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે.
વિજેન્દર જેવા 5000 થી વધુ ખેડૂતોને આ જમીનની 99 વર્ષ સુધીની માલિકી આપતા પટ્ટા (જમીનના બહાનાખત) હતા.
આ બુલડોઝરો આવ્યા એ પહેલાંની વાત છે.
જાન્યુઆરી 2020 ના હાડ થીજાવી દેતા શિયાળામાં મ્યુનિસિપલ સત્તાવાળાઓએ પ્રસ્તાવિત જૈવવિવિધતા ઉદ્યાન (બાયોડાયવર્સિટી પાર્ક) માટે જગ્યા કરવા માટે ઊભા પાકો સાથેના તેમના ખેતરો પર બુલડોઝર ફેરવી દીધા હતા. વિજેન્દરે પોતાના પરિવારને તાત્કાલિક નજીકની ગીતા કોલોનીમાં ભાડાના મકાનમાં ખસેડવો પડ્યો હતો.
38 વર્ષના આ ખેડૂતે રાતોરાત તેમની આજીવિકા ગુમાવી દીધી હતી અને તેમના પાંચ જણના પરિવાર - તેમની પત્ની અને 10 વર્ષથીય નાના ત્રણ દીકરાઓ - નું પાલનપોષણ કરવા શહેરમાં ડ્રાઇવિંગ કરવાનું શરૂ કરવું પડ્યું હતું. (આ પરિસ્થિતિમાં મૂકાયેલ) તેઓ એકલા નહોતા. પોતાની જમીન પરથી વિસ્થાપિત થયેલા અને (પરિણામે) આજીવિકા ગુમાવી બેઠેલા બીજા અનેક લોકો ચિત્રકાર, માળી, ચોકીદાર અને (મેટ્રો સ્ટેશનો પર) સફાઈ કામદારો તરીકે નોકરીઓ મેળવવા માટે મજબૂર થઈ ગયા હતા.
તેઓ કહે છે, "તમે લોહા પુલથી આઈટીઓ સુધીના રસ્તા પર નજર નાખો તો (તમને ખ્યાલ આવશે કે) સાયકલ પર કચોરી વેચનારાઓની સંખ્યા વધી ગઈ છે. આ બધા ખેડૂતો છે. તેઓ પૂછે છે, "એકવાર જમીન જતી થઈ રહેપછી ખેડૂત બિચારો કરે શું?"
થોડા મહિનાઓ પછી દેશમાં લોકડાઉન જાહેર થવાનું હતું - 24 મી માર્ચ, 2020 - જે આ પરિવારને વધુ તકલીફમાં મૂકવાનું હતું: વિજેન્દરનો વચલો દીકરો, જે તે સમયે છ વર્ષનો હતો, તેને સેરિબ્રલ પાલ્સી છે અને (લોકડાઉનને કારણે) તેની માસિક દવાઓ મેળવવાનું મુશ્કેલ બની ગયું હતું. યમુના કિનારેથી વિસ્થાપિત થયેલા તેમના જેવા આશરે 500 પરિવારોના પુનર્વસન અંગે રાજ્ય તરફથી કોઈ નિર્દેશ આપવામાં આવ્યા નહોતા - તેમની આવકના સ્ત્રોત અને તેમના ઘરો ધરાશાયી કરી દેવાયા હતા.
કમલ સિંહે કહ્યું, "મહામારી પહેલા અમે ફૂલકોબી, લીલાં મરચાં, સરસવ, ફૂલો વગેરે વેચીને મહિને 8000-10000 રુપિયા કમાઈ લેતા હતા." તેમનો પાંચ જણનો પરિવાર છે: પત્ની, 16 અને12 વર્ષના બે દીકરા અને 15 વર્ષની દીકરી. 45 વર્ષના આ ખેડૂત એ વિચિત્ર પરિસ્થિતિ યાદ કરે છે જયારે તેમના જેવા ખેડૂતને સ્વયંસેવક જૂથો દ્વારા આપવામાં આવેલા ખોરાક પર નભવાનો વારો આવ્યો હતો.
મહામારી દરમિયાન તેમની એકમાત્ર આવક હતી પરિવારની એકમાત્ર ભેંસના દૂધના વેચાણમાંથી થતી આવક. (આ રીતે) એક મહિનામાં કમાયેલા 6000 રુપિયામાંથી તેમના ખર્ચાઓને ભાગ્યે જ પહોંચી વળાતું. કમલે કહ્યું. "મારા બાળકોના ભણતરને અસર પહોંચી હતી." તેમણે ઉમેર્યું, "અમે જે શાકભાજી ઉગાડ્યા હતા તેનાથી અમારું પેટ ભરી શક્યા હોત. આ પાકની લણણી કરવાની હતી પરંતુ એનજીટી [નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ] નો આદેશ છે એમ કહીને તેઓ [અધિકારીઓ] એ ઊભા પાક પર બુલડોઝર ફેરવી દીધું હતું."
એ બન્યું તેના થોડા મહિનાઓ પહેલા - સપ્ટેમ્બર 2019 માં - એનજીટીએ દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ) ને યમુનાના પૂરના મેદાનોને જૈવવિવિધતા ઉદ્યાનમાં રૂપાંતરિત કરી શકાય તે માટે ત્યાં વાડ બાંધવાનો નિર્દેશ આપ્યો હતો. મ્યુઝિયમ બનાવવાની પણ યોજના હતી.
બલજીત સિંહ પૂછે છે, "ખદર - સૌથી ફળદ્રુપ જમીન - ની આસપાસના હજારો લોકો આજીવિકા માટે નદી પર નિર્ભર હતા, તેમનું શું?" (વાંચો: તેઓ કહે છે કે દિલ્હીમાં કોઈ ખેડૂતો નથી .) 86 વર્ષના બલજીત દિલ્હી ખેડૂત સહકારી બહુહેતુક સંસ્થા (દિલ્હી પ્હેઝન્ટ્સ કોઓપરેટિવ મલ્ટીપરપઝ સોસાયટી) ના સામાન્ય સચિવ (જનરલ સેક્રેટરી) છે. તેમણે ખેડૂતોને 40 એકર જમીન ભાડાપટે આપી હતી અને કહ્યું હતું, "સરકાર જૈવવિવિધતા ઉદ્યાનો બનાવીને યમુનાને પોતાની આવક નું માધ્યમ બનાવવા માગે છે."
છેલ્લા થોડા સમયથી ડીડીએ આ ખેડૂતોને જગ્યા ખાલી કરવાનું કહી રહી હતી. હકીકતમાં એક દાયકા કરતાં વધુ સમય પહેલાં મ્યુનિસિપલ સત્તાવાળાઓ તેમના ઘરોને જમીનદોસ્ત કરવા માટે બુલડોઝરો લાવ્યા હતા જેથી 'પુનઃસ્થાપન' અને 'કાયાકલ્પ' નું કામ હાથ ધરી શકાય.
દિલ્હીને, જ્યાં રિવરફ્રન્ટ એ હડપ કરવા માટેની જમીન-જાયદાદ (રિયલ એસ્ટેટ) છે એવું, 'વૈશ્વિક દરજ્જાનું' ('વર્લ્ડ ક્લાસ') શહેર બનાવવાના પ્રયાસનો તાજેતરમાં જ ભોગ બન્યા છે યમુનાના ખેડૂતોના શાકભાજીના ખેતરો. ભારતીય વન સેવા (ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ) ના નિવૃત્ત અધિકારી મનોજ મિશ્રાએ જણાવ્યું હતું કે, "કમનસીબી એ છે કે શહેરના વિકાસકર્તાએ પૂરના મેદાનોને વિકસવાની સંભાવના ધરાવતા વિસ્તાર તરીકે જોયા છે."
*****
આ વર્લ્ડ 'ક્રાસ' શહેરમાં ખેડૂતો માટે કોઈ સ્થાન નથી. ક્યારેય નહોતું.
70 ના દાયકામાં એશિયન ગેમ્સના નિર્માણના કામો માટે હોસ્ટેલ અને સ્ટેડિયમ બનાવવા માટે પૂરના મેદાનના મોટો હિસ્સાનો ભોગ લેવાયો હતો. અહીં શહેરના માસ્ટર પ્લાનને અવગણવામાં આવ્યો હતો, જેમાં આ વિસ્તારને ઈકોલોજીકલ ઝોન તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 90 ના દાયકાના અંતમાં આ પૂરના મેદાનોમાં અને નદીના પટ પર આઈટી પાર્ક, મેટ્રો ડેપો, એક્સપ્રેસ હાઈવે, અક્ષરધામ મંદિર અને કોમનવેલ્થ ગેમ્સ વિલેજ માટેના આવાસો ઊભા કરવામાં આવ્યા. મિશ્રા ઉમેરે છે, "2015 ના એનજીટીના ચુકાદામાં પૂરના મેદાનો બાંધકામ કરી શકાય નહીં એમ કહેવામાં આવ્યું હતું તેમ છતાં."
દરેકેદરેક બાંધકામે યમુનાના ખેડૂતોનો સર્વનાશ નોતર્યો છે, આ ખેડૂતોની ત્યાંથી મોટા પાયે ક્રૂરતાથી હકાલપટ્ટી કરવામાં આવી છે. વિજેન્દરના પિતા 75 વર્ષના શિવ શંકર નોંધે છે, "અમે ગરીબ છીએ એટલે અમને હાંકી કાઢવામાં આવ્યા." તેમણે આખી જીંદગી અથવા ઓછામાં ઓછું તાજેતરમાં એનજીટીના આદેશો આવ્યા ત્યાં સુધી દિલ્હીમાં યમુનાના પૂરના મેદાનો પર ખેતી કરી હતી. તેમણે કહ્યું, "ભારતની રાજધાનીમાં મુઠ્ઠીભર મુલાકાતીઓ માટે સંગ્રહાલયો અને ઉદ્યાનો ઊભા કરવા ખેડૂતો સાથે આવું વર્તન કરવામાં આવે છે."
અને જે શ્રમિકોએ ભારતના 'વિકાસ' માટે આ ભવ્ય સ્મારકો બનાવવાનું કામ કર્યું હતું અને જેઓ નદી કિનારા નજીકની ઝૂંપડીઓમાં રહેતા હતા તેઓને પણ નદી કિનારેથી હાંકી કાઢવામાં આવ્યા હતા. રમતગમત માટેની સુવિધાઓની બડાઈ હાંકતી 'રાષ્ટ્રીય ગૌરવ' સમી આ ભવ્ય ઈમારતો વચ્ચે તેમની કામચલાઉ ઝૂંપડીઓનું કોઈ સ્થાન નહોતું.
એનજીટી દ્વારા રચવામાં આવેલી યમુના મોનિટરિંગ કમિટીના વડા બી.એસ. સજવાન કહે છે, "[2015 માં] એનજીટીએ આદેશ આપ્યો હતો કે એકવાર આ વિસ્તારને યમુના પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે એ પછી એ વિસ્તારને સુરક્ષિત રાખવો જોઈએ કારણ કે તે હિસ્સો નદીનો છે અને મારો કે તમારો નહીં." તેમણે કહ્યું કે ટ્રિબ્યુનલ માત્ર તેના આદેશનું પાલન કરી રહી છે.
પોતાની જિંદગીના 75-75 વર્ષ આ કાંઠે જ ખેતી કરીને ગુજારનાર રમાકાંત ત્રિવેદી પૂછે છે, "અમારું શું? અમે તો આ જમીનમાંથી જ અમારું પેટ ભરતા હતા."
ખેડૂતો કુલ 24000 એકરમાં ખેતી કરે છે અને વિવિધ પાકની લણણી કરે છે જે મુખ્યત્વે દિલ્હીના બજારોમાં વેચાય છે. તેથી શિવ શંકર જેવા ઘણા લોકો એનજીટીના એક બીજા દાવાથી મૂંઝવણમાં છે કે તેઓ જે ખાદ્ય પાક ઉગાડતા હતા તે "નદીના પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરીને ઉગાડતા હતા અને એ પ્રદુષિત પાણી જો ખાદ્ય શૃંખલામાં પ્રવેશે તો જોખમી બની શકે છે.” તેઓ પૂછે છે, "જો એવું જ હોય તો પછી અમને દાયકાઓ સુધી અહીં રહીને શહેર માટે અનાજ ને શાકભાજી ઉગાડવા જ શા માટે દીધા?"
અમે પહેલી વાર 2019 માં આ વિસ્તારના શિવ શંકર, વિજેન્દર અને બીજા પરિવારોને મળ્યા હતા ત્યારે પારી (PARI) એ આબોહવા પરિવર્તનની તેમની આજીવિકા પર શી અસર થઈ છે તે અંગે અહેવાલ આપવા તેમની મુલાકાત લીધી હતી. વાંચો: મોટા શહેર, નાના ખેડૂત, ને મારવાના વાંકે જીવતી એક નદી .
*****
સંયુક્ત રાષ્ટ્રના અભ્યાસ મુજબ આગામી પાંચ વર્ષમાં - 2028 માં દિલ્હી વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બનવાની અપેક્ષા છે. અને તેની વસ્તી 2041 સુધીમાં 28 થી 31 મિલિયન સુધી પહોંચશે એમ મનાય છે.
વધતી જતી વસ્તીનો બોજ માત્ર કાંઠા અને પૂરના મેદાનો પર જ નહીં પરંતુ પાણીના સ્ત્રોતો પર પણ પડે છે. મિશ્રાએ કહ્યું, "યમુના એક ચોમાસુ નદી છે અને તેને વર્ષમાં માત્ર ત્રણ મહિના માટે દર મહિને લગભગ 10-15 દિવસ પડતા વરસાદનું પાણી મળે છે." તેઓ એ હકીકતનો જવાબ આપી રહ્યા હતા કે દેશની રાજધાની પીવાના પાણી માટે યમુના પર નિર્ભર છે, પીવાના પાણીનો એક સ્ત્રોત ભૂગર્ભજળ છે જે આ નદી દ્વારા જ ફરીથી ભરાય છે.
દિલ્હીના આર્થિક સર્વેક્ષણ 2021-2022 માં દર્શાવ્યા મુજબ ડીડીએ એ શહેરના સંપૂર્ણ શહેરીકરણની દરખાસ્ત રજૂ કરી છે.
આ અહેવાલ એ પણ જણાવે છે કે, "દિલ્હીમાં કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ સતત ઘટી રહી છે..."
મનુ ભટનાગરે જણાવ્યું કે 2021 સુધી દિલ્હીની યમુનામાંથી 5000-10000 લોકો આજીવિકા રળતા હતા. તેઓ ઈન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (આઈએનટેસીએચ) ના પ્રાકૃતિક વારસા વિભાગના મુખ્ય નિર્દેશક છે. તેમણે સૂચન કર્યું કે એ જ વિસ્થાપિત લોકોને પૂરના મેદાનોના સૌંદર્યીકરણના કામમાં રોજગારી આપી શકાય. 2019માં પારી સાથેની મુલાકાતમાં તેમણે કહ્યું હતું, "જેમ જેમ પ્રદૂષણ ઘટે છે તેમ તેમ મત્સ્યઉદ્યોગમાં સુધારો થાય છે, જળ રમતો પણ એક વિકલ્પ છે, અને 97 ચોરસ કિલોમીટરના પૂરના મેદાનોનો ઉપયોગ તરબૂચ જેવા ખાદ્ય પદાર્થો ઉગાડવા માટે થઈ શકે." તેમણે આઈએનટેસીએચ દ્વારા પ્રકાશિત નેરેટિવ્સ ઓફ એન્વિરોન્મેન્ટ ઓફ દિલ્હી એ પુસ્તક અમને આપ્યું હતું.
*****
રાજધાનીમાં મહામારી ફાટી નીકળી હોવાથી વિસ્થાપિત થયેલા લગભગ 200 પરિવારોને ખાદ્યાન્નની શોધમાં આમતેમ ભટકવું પડ્યું હતું. 2021 ની શરૂઆત સુધી જે પરિવારની માસિક કમાણી લગભગ 4000-6000 રુપિયા હતી તે લોકડાઉનમાં ઘટીને શૂન્ય થઈ ગઈ હતી. ત્રિવેદીએ કહ્યું, “દિવસના બે ટંક ભોજનમાંથી અમે એક ટંક જ ભોજન કરીને ચલાવી લેતા હતા. અમારી ચા પણ બે કપમાંથી ઘટીને દિવસનો એક જ કપ થઈ ગઈ હતી. અમે ડીડીએના પ્રસ્તાવિત પાર્કમાં કામ કરવા માટે પણ તૈયાર હતા જેથી ઓછામાં ઓછું અમારા બાળકો નું પેટ તો ભરી શકીએ. સરકારે અમારી કાળજી લેવી જોઈતી હતી; શું અમને સમાન અધિકાર નથી? અમારી જમીન ભલે લઈ લો પણ અમને રોજીરોટી કમાવા માટે તો કંઈક આપો?
મે 2020માં ખેડૂતો સુપ્રીમ કોર્ટમાં મુકદ્દમો હારી ગયા હતા અને તેમના ભાડાપટા હવે માન્ય રહ્યા નહોતા. અપીલ માટે જરૂરી 1 લાખ રુપિયા તેમને પોસાય તેમ નહોતા અને પરિણામે તેમનું વિસ્થાપન કાયમી થઈ ગયું.
વિજેન્દરે કહ્યું, “લોકડાઉનમાં દાડિયા મજૂરી અને કાર લોડિંગનું કામ પણ બંધ થઈ ગયું, પરિણામે પરિસ્થિતિ વધુ ખરાબ બની. સામાન્ય દવાઓ ખરીદવા માટે પણ (અમારી પાસે) પૈસા નહોતા." તેમના 75 વર્ષના પિતા શિવ શંકરને શહેરમાં નાની-મોટી નોકરીઓ શોધતા ભટકવું પડ્યું હતું.
તેમણે કહ્યું, “અમારે બધાએ પહેલેથી જ ખેતી કરવાનું બંધ કરી દઈને બીજું કામ શોધી કાઢવા જેવું હતું. જ્યારે કોઈ પાક જ ઉત્પન્ન નહીં થાય ત્યારે લોકોને સમજાશે કે ખોરાક કેટલો જરૂરી છે અને ખેડૂતો કેટલા મહત્ત્વપૂર્ણ છે." તેમના અવાજમાં ગુસ્સો હતો.
*****
શિવ શંકર એ સમય વિષે વિચારે છે જ્યારે તેઓ અને તેમનો પરિવાર ઐતિહાસિક લાલ કિલ્લાથી માત્ર બે કિમી દૂર રહેતા હતા. આ કિલ્લા પરથી જ વડાપ્રધાન દર વર્ષે સ્વાતંત્ર્યદિને રાષ્ટ્રને સંબોધિત કરે છે. તેમણે કહ્યું કે એ ભાષણો સાંભળવા માટે તેમને ક્યારેય ટીવી કે રેડિયોની જરૂર પડી નહોતી.
"પવનની દિશા એવી છે કે તે [પીએમના] શબ્દોને અમારા સુધી લઈ આવે છે... દુઃખની વાત એ છે કે અમારા શબ્દો ક્યારેય તેમના સુધી પહોંચી શક્યા નહીં."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક