‘જો મારી પાસે વિકલ્પ હોત, તો હું ક્યારેય હોસ્પિટલ ન જતી," વારાણસી જિલ્લાના અનાઈ ગામના સુદામા આદિવાસી તેમના પહેલા પાંચ બાળકોને ઘરે થયેલા જન્મના કારણો વિષે  વાત કરતાં કહે છે.  "અમારી સાથે ત્યાં જાનવરો જેવો વ્યવહાર કરવામાં આવે છે. ડોકટરો પોતે અમને તપાસતા નથી અને નર્સો એવી વાતો કરે છે કે, 'આ લોકો કેવામાં રહે છે! આવા ગંધાતા લોકો ક્યાંથી આવી જાય છે?'"

સુદામાએ છેલ્લાં ૧૯ વર્ષોમાં નવ બાળકોને જન્મ આપ્યો છે. અત્યારે ૪૯ વર્ષની ઉંમરે હજુ મેનોપોઝને પહોંચ્યા નથી.

તેઓ બારાગાંવ બ્લોકમાં આવેલા ગામના એક છેડે ૫૭ પરિવારોના મુસહર ટોળામાં રહે છે. ગામમાં ઊંચી જાતિના ઠાકુરો, બ્રાહ્મણો, ગુપ્તાઓના ઘરો, થોડા મુસલમાનોના, અને ચમાર, ધારકર અને પાસી જેવા અન્ય અનુસૂચિત જાતિના ઘરો પણ છે.  પહેલી નજરે આ વસ્તી તેમના સમુદાય સાથે જોડાયેલી ઘણી ધારણાઓની પુષ્ટિ કરતી દેખાય છે - અડધા કપડાવાળા, ધૂળવાળા બાળકો, તેમના પાતળા અને ખોરાકથી ખરડાયેલાં ચહેરાઓ પર ઉડતી માખીઓ અને સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ. પરંતુ નજીકથી જોતાં એક અલગ જ હકીકત સામે આવે છે.

ઉત્તરપ્રદેશમાં અનુસૂચિત જાતિની સૂચીમાં આવતા મુસહર જાતિના લોકો ખેતીને ભારે નુકસાન પહોંચાડનારા ઉંદરો પકડવામાં માહેર હતા. સમય જતા, તેમનો આ વ્યવસાય ધ્રુણાની નજરથી જોવામાં આવ્યો અને આ લોકોને ‘ઉંદરો ખાનારા’ તરીકે ઓળખવામાં આવ્યા - ‘મુસહર’ નામનો પણ આ જ અર્થ થાય છે. આ સમુદાયના લોકોએ અન્ય સમુદાય તરફથી બહિષ્કાર અને અપમાન સહન કરવું પડે છે અને સાથે-સાથે સરકાર પણ એમની ઉપેક્ષા કરે છે જેથી તેમણે વંચિતતાનો સામનો કરવો પડે છે. પાડોશી બિહાર રાજ્યમાં તેમને ‘ મહાદલિત ’ તરીકે સૂચીબદ્ધ કરવામાં આવ્યા છે - જેઓ અનુસૂચિત જાતિઓમાં પણ સૌથી વધારે ગરીબ છે અને તેમણે સૌથી વધારે ભેદભાવનો પણ સામનો કરવો પડે છે.

Sudama Adivasi and her children, on a cot outside their hut in Aneai village. 'We have seen times when our community was not supposed to have such cots in our huts. They were meant for the upper castes only,' says Sudama
PHOTO • Jigyasa Mishra

સુદામા આદિવાસી અનાઈ ગામમાં તેમની ઝુંપડીની બહાર ખાટલા પર તેમના બાળકો સાથે બેઠાં છે. તેઓ કહે છે, ‘અમે એવો સમય પણ જોયો છે જ્યારે અમારા સમુદાયના લોકો ઝુંપડીમાં ખાટલો પણ નહોતા રાખી શકતા. આ સુવિધા ફક્ત ઊંચી જાતિના લોકો માટે જ હતી’

અનાઈ ગામમાં કુપોષણગ્રસ્ત એમની વસ્તીમાં - જેના માટે વસ્તી કરતા ઘેટો (ઝોંપડપટ્ટી) શબ્દ વધારે ઉચિત રહેશે - સુદામા એમની ઝુંપડીની બહાર એક ખાટલા પર બેઠા છે. તેઓ જે ખાટલા પર બેઠા છે તેની તરફ ઈશારો કરીને કહે છે, “અમે એવો સમય પણ જોયો છે જ્યારે અમારા સમુદાયના લોકો ઝુંપડીમાં ખાટલો પણ નહોતા રાખી શકતા. આ સુવિધા ફક્ત ઊંચી જાતિના લોકો માટે જ હતી. જો ગામમાં ફરતી વખતે કોઈ ઠાકુર અમને આ રીતે ખાટલા પર બેસેલા જોઇ લે, તો અમારે કેટકેટલું સાંભળવું પડતું હતું.” સાંભળવું પડતું હતું એટલે કે તેમણે જાતિગત હિંસાથી લદાયેલી ગાળો સંભાળવી પડતી હતી.

તેઓ આગળ કહે છે કે ભલેને હવે એવું લાગતું હોય કે લોકો વર્ણવ્યવસ્થામાં હવે વધારે વિશ્વાસ નથી રાખતા, પણ તેમના જીવન પર તેનો પ્રભાવ હજુ પણ છે. “હવે [અહિં] બધા ઘરોમાં ખાટલા છે, અને લોકો તેના પર બેસે પણ છે.” મહિલાઓને પાસે હજુ પણ તેના પર બેસવાનો અધિકાર નથી: “જ્યારે અમારા [સાસરીપક્ષના] વડીલો આજુબાજુ હોય ત્યારે મહિલાઓ તેના પર બેસી શકતી નથી. એક વાર હું ખાટલા પર બેઠી હતી એટલે મારા સાસુ પાડોશીઓની સામે ખૂબ ઘાંટા પાડવા લાગ્યા.”

સુદામા તેમના ચોથા બાળકને લઈને ખાટલા પર બેઠા છે ત્યારે એમના બાકીના ત્રણ બાળકો ખાટલાની ફરતે ફરી રહ્યા છે. તેમને કેટલા બાળકો છે એ વિષે મેં એમને પૂછ્યું તો તેઓ મૂંઝવણમાં પડી ગયા. પહેલા તેઓ સાત બાળકો કહે છે, પછી જાતે જ પોતાને સુધારે છે, કેમ કે તેમને તેમની વિવાહિત દીકરી યાદ આવી જાય છે જે હવે એના સાસરિયામાં રહે છે. અને પછી ફરીથી તેઓ તેમના એક બાળકને યાદ કરે છે જેનું ગયા વર્ષે નિધન થયું હતું. અંતે, તેઓ પોતાની આંગળીઓ પર ગણતરી કરે છે: “૧૯ વર્ષનો રામ બાળક, ૧૭ વર્ષની સાધના, ૧૩ વર્ષનો વિકાસ, ૯ વર્ષનો શિવ બાળક, ૩ વર્ષની અર્પિતા, ૪ વર્ષનો આદિત્ય, અને દોઢ વર્ષનો અનુજ.”

પોતાનો હાથ હલાવીને સુદામા એમની દીકરીને પડોશની કેટલીક મહિલાઓને અમારી પાસે બોલાવા માટે ઈશારો કરે છે, “અરે જાઓ, અને જઈને કાકીઓને અહિં બોલાવી લાવો.” તેઓ આગળ કહે છે, “મારા લગ્ન થયા ત્યારે મારી ઉંમર લગભગ ૨૦ વર્ષની હતી. ત્રણ-ચાર બાળકો થયા ત્યાં સુધી તો મને કોન્ડોમ કે ઓપરેશન [નસબંધી પ્રક્રિયાઓ] વિષે કંઈ ખબર નહોતી. જ્યારે મને ખબર પડી ત્યારે હું એ પ્રક્રિયા કરાવી શકવાનું સાહસ એકઠું ન કરી શકી. હું ઓપરેશનથી થનારા દુઃખાવાથી ડરતી હતી.” તેમણે ઓપરેશન કરાવવા માટે લગભગ ૧૦ કિલોમીટર દૂર આવેલા બારાગાંવ બ્લોકના એક પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (પીએચસી) જવું પડતું હતું. સ્થાનિક પીએચસીમાં આ પ્રકારના ઓપરેશનની સુવિધા નહોતી.

Sudama with her youngest child, Anuj.
PHOTO • Jigyasa Mishra
She cooks on a mud chulha in her hut. Most of the family’s meals comprise of rice with some salt or oil
PHOTO • Jigyasa Mishra

ડાબે : સુદામા તેમના સૌથી નાના બાળક અનુજ સાથે . જમણે : પોતાની માટીની ઝુંપડીમાં ચૂલા પર ખાવાનું રાંધતી વખતે . તેમના પરિવારમાં ખાવાના નામે મોટેભાગે ભાત અને તેમાં અમુકવાર થોડું મીઠું કે તેલ હોય છે

સુદામા એક ગૃહિણી છે અને તેમના ૫૭ વર્ષીય પતી રામબહાદુર ખેતમજૂર છે. સુદામા કહે છે, “અત્યારે તેઓ ડાંગરના ખેતરમાં કામ કરે છે. આ વાવણીની સીઝન છે.” પાકની લણણી પછી તેઓ બાકીના લોકોની જેમ બાંધકામની જગ્યાઓએ મજૂરી કરવા માટે આજુબાજુના શહેરોમાં સ્થળાંતર કરે છે.

અહિંના મુસહર સમુદાયના મોટાભાગના પુરુષો જમીનવગરના મજૂરો તરીકે કામ કરે છે, જ્યારે અમુક પરિવારો અધિયા, તીસરીયા, અને ચૌથીયા (કોઈ અન્ય માણસના ખેતરમાં કરાર અનુસાર કામ કરીને અડધો, એક તૃતીયાંશ, કે પછી એક ચતુર્થાંશ ભાગ લેવો) તરીકે કામ કરે છે. સુદામાના પતિ પણ તીસરીયા તરીકે કામ કરે છે અને જે કંઈ પાક થાય છે તેમાંથી તેમને જે ભાગ મળે એમાંથી થોડોક ભાગ વેચીને પરિવાર માટે જરૂરી સામાન ખરીદે છે.

આજે સુદામાએ ભાત બનાવ્યા છે. ઝુંપડીમાં બનાવ્યો માટીનો ચૂલા પર ભાતનું વાસણ રાખેલું છે. તેમના પરિવારમાં ખાવાના નામે મોટેભાગે ભાત અને તેમાં અમુકવાર થોડું મીઠું કે તેલ જ હોય છે. જો કોઈ ખુબજ સારો દિવસ હોય તો થાળીમાં મીઠા અને તેલની જગ્યાએ દાળ, શાકભાજી કે ચિકન હોય છે. તેમને અઠવાડિયામાં ફક્ત એકાદ વાર જ રોટી નસીબ થાય છે.

એમની દીકરી સાધના પોતાના ભાઈ-બહેનોને સ્ટીલની પ્લેટોમાં ખાવાનું પીરસતાં કહે છે, “અમે કેરીના અથાણા સાથે ભાત ખાઈશું.” બાળકોમાં સૌથી નાનો અનુજ સાધનની પ્લેટમાંથી જ ખાય છે, જ્યારે રામ બાલક અને વિકાસ એક જ થાળીમાં ભેગા ખાય છે.

The caste system continues to have a hold on their lives, says Sudama.
PHOTO • Jigyasa Mishra
PHOTO • Jigyasa Mishra

ડાબે : સુદામા કહે છે કે એમના જીવન પર વર્ણવ્યવસ્થાનો પ્રભાવ હજુ પણ છે . જમણે : અનાઈ ગામની મુસહર વસ્તીમાં કામ કરનારા માનવાધિકાર કાર્યકર્તા સંધ્યા કહે છે કે અહીંયાંની દરેક મહિલામાં લોહીની ઊણપ છે

પાડોશની કેટલીક મહિલાઓ અમારી પાસે આવી ગઈ છે. તેમાંથી એક ૩૨ વર્ષીય સંધ્યા પણ હતા, જેઓ છેલ્લાં પાંચ વર્ષોથી માનવાધિકાર જન નિગરાની સમિતિના સભ્ય છે. સંધ્યા વાતચીતની શરૂઆત મહિલાઓમાં પ્રવર્તતી લોહીની ઊણપથી કરે છે. જો કે, ૨૦૧૫-૧૬ના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૪ ( એનએફએચએસ-૪ ) અનુસાર ઉત્તર પ્રદેશની ૫૨% મહિલાઓમાં લોહીની ઊણપની છે, સંધ્યા કહે છે કે અહીંયાંની બધી જ મહિલાઓ મધ્યમ કે તીવ્ર લોહીની ઊણપથી પીડાય છે.

સંધ્યા આગળ કહે છે, “અમે થોડાક સમય પહેલાં જ આ ગામની બધી મહિલાઓનું પોષણ-મેપિંગ [પોષણનું મૂલ્યાંકન] કર્યું અને જાણ્યું કે એમનામાંથી કોઈનું પણ હિમોગ્લોબીન ૧૦ ગ્રામ/ડીએલથી વધારે નથી. તે બધામાં લોહીની ઊણપ છે. આ સિવાય, મહિલાઓમાં લ્યુકોરિયા અને કેલ્શિયમની ઊણપ પણ જોવા મળે છે.”

સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દાઓ અને કમીઓ સાથે-સાથે લોકોને સાર્વજનિક સ્વાસ્થ્ય સિસ્ટમ પર ભરોસો નથી. સ્વાસ્થ્ય સંસ્થાઓમાં તેમની સાથે ખરાબ વર્તાવ કરવામાં આવે છે અને તેમની ઉપેક્ષા કરવામાં આવે છે. આથી જ્યાં સુધી કોઈ ઈમરજન્સી ન હોય, ત્યાં સુધી મહિલાઓ હોસ્પિટલમાં નથી જતી. સુદામા કલીનીક ન જવાના પોતાના ડર વિષે કહે છે, “મારા પહેલાં પાંચ બાળકોનો જન્મ ઘરે જ થયો હતો. પછી આશા કાર્યકર્તાએ મને હોસ્પિટલ લઇ જવાનું શરૂ કર્યું.”

સુદામાની ૪૭ વર્ષીય પડોશણ દુર્ગામતી આદિવાસી કહે છે, “ડોક્ટર અમારી સાથે ભેદભાવ કરે છે. પણ આ કંઈ નવી વાત નથી, અને અસલ પડકારનો સામનો તો અમારે ઘરોમાં કરવો પડે છે. અમને સરકાર, ડોક્ટર, અને અમારા પતિ એ બધાં જ નીચા દેખાડે છે. તેમને [પુરુષોને] ફક્ત શારીરિક સુખ જ જોઈએ છે, એના પછી એમને કંઈ પડી હોતી નથી. તેમને લાગે છે કે પરિવારનું પેટ ભરવું એ જ તેમની એકમાત્ર જવાબદારી છે. બાકી બધા કામ મહિલાઓની જવાબદારી છે.” આટલું કહેતાં-કહેતાં દુર્ગામતીના અવાજમાં ઉશ્કેરાટ જોવા મળે છે.

The lead illustration by Jigyasa Mishra is inspired by the Patachitra painting tradition.

સ્વાસ્થ્ય સાથે જોડાયેલા આ મુદ્દાઓ અને કમીઓ સાથે-સાથે લોકોને સાર્વજનિક સ્વાસ્થ્ય સિસ્ટમ પર ભરોસો નથી. સ્વાસ્થ્ય સંસ્થાઓમાં તેમની સાથે ખરાબ વર્તાવ કરવામાં આવે છે અને તેમની ઉપેક્ષા કરવામાં આવે છે. આથી જ્યાં સુધી કોઈ ઈમરજન્સી ન હોય, ત્યાં સુધી મહિલાઓ હોસ્પિટલમાં નથી જતી

૪૫ વર્ષીય મનોરમા સિંહ કહે છે, “દરેક સમુદાયમાં ફક્ત મહિલાઓ જ ઓપરેશન [નસબંધી] કરાવે છે.” મનોરમા એક આશા કાર્યકર્તા છે, જેઓ લોહતત્વની ગોળીઓ આપવા આવ્યા છે. તેઓ આગળ ઉમેરે છે, “આખા ગામનું ચક્કર લગાવો - તમને એવો એક પણ પુરુષ નહીં મળે જેણે નસબંધી કરાવી હોય. ભગવાન જાણે કે બાળકોને જન્મ આપવાનું અને ઓપરેશન કરાવવાનું કામ ફક્ત મહિલાઓના ભાગમાં જ કેમ છે.” ૨૦૧૯-૨૧ના એનએફએચએસ-૫ થી જાણવા મળે છે કે વારાણસીમાં ફક્ત ૦.૧% પુરુષોની જ નસબંધી થયેલી છે, જ્યારે મહિલાઓમાં આ આંકડો ૨૩.૯% છે.

એટલે સુધી કે એનએફએચએસ-૪માં પણ આ વાતની પુષ્ટિ થઇ હતી: “ઉત્તર પ્રદેશમાં ૧૫-૪૯ વયવર્ગની શ્રેણીમાં લગભગ ૩૮% પુરુષો એવું માને છે કે ગર્ભનિરોધનું કામ ફક્ત મહિલાઓનું જ છે, અને પુરુષોને આ વિષે ચિંતા કરવાની જરૂર નથી.”

સંધ્યા ગામમાં કામ કરવાના અનુભવના આધારે આ જ મતના છે. તેઓ કહે છે, “અમે એમને [પુરુષોને] કુટુંબનિયોજનના મહત્વ વિષે વારેઘડીએ કહીએ છીએ અને કોન્ડોમનું વિતરણ પણ કરીએ છીએ. મોટાભાગના કિસ્સાઓમાં પુરુષો તેમની પત્નીઓના કહેવા પછી પણ કોન્ડોમ પહેરવા તૈયાર થતા નથી. આ સિવાય મહિલાઓએ ત્યાં સુધી ગર્ભધારણ કરવું પડે છે જ્યાં સુધી તેમનો પરિવાર અને પતિ ઈચ્છે.”

એનએફએચએસ-૪ અનુસાર, ૧૫-૪૯ વયવર્ગની પરિણીત મહિલાઓમાં ગર્ભનિરોધક પ્રચલિતતા ડર (સીપીઆર) ૪૬ ટકા હતો, જે એનએફએચએસ-૩ના ૪૪% કરતાં થોડો વધારે હતો. સર્વે અનુસાર, ઉત્તર પ્રદેશમાં જો કોઈ પરિવારમાં પહેલાંથી જ એક દીકરો હોય, તો એ પરિવારની મહિલાઓ ગર્ભનિરોધકનો ઉપયોગ કરે એની શક્યતા વધુ હોય છે. મનોરમાની સાથે બાજુના ગામમાં કામ કરતા આશા કાર્યકર્તા તારા દેવી કહે છે, “તેમનામાંથી કોઈને પણ કુટુંબનિયોજનની કંઈ પડી નથી, ખાસ કરીને પુરુષોને. અહિંના પરિવારોમાં સરેરાશ છ બાળકો હોય છે. મોટાભાગના ગર્ભધારણ ઉંમર થાય ત્યારે જ બંધ થાય છે. અને જો તમે પુરુષોને નસબંધી વિષે પૂછો તો તેઓ કહે છે કે, નસબંધીના લીધે થતો દુઃખાવો અને ગૂંચવણો તેઓ સહન કરી શકશે નહીં.”

સુદામા કહે છે, “તેમણે ઘર ચલાવવા માટે કમાવવું પડે છે અને પરિવારની દેખભાળ પણ રાખવાની હોય છે. તેમનું ઓપરેશન કરાવવાનું હું કેવી રીતે વિચારી શકું? આ તો વિકલ્પ પણ નથી.”

ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.

આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો

જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણ કર્યું નથી.

આ વાર્તાનું મુખ્ય ચિત્ર જીજ્ઞાસા મિશ્રાએ બનાવ્યું છે, અને તે ચિત્રકલાની પટચિત્ર પરંપરાથી પ્રેરિત છે.

અનુવાદક: ફૈઝ મોહંમદ

Jigyasa Mishra

জিজ্ঞাসা মিশ্র উত্তরপ্রদেশের চিত্রকূট-ভিত্তিক একজন স্বতন্ত্র সাংবাদিক।

Other stories by Jigyasa Mishra
Editor : Pratishtha Pandya

কবি এবং অনুবাদক প্রতিষ্ঠা পান্ডিয়া গুজরাতি ও ইংরেজি ভাষায় লেখালেখি করেন। বর্তমানে তিনি লেখক এবং অনুবাদক হিসেবে পারি-র সঙ্গে যুক্ত।

Other stories by Pratishtha Pandya
Series Editor : Sharmila Joshi

শর্মিলা জোশী পিপলস আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার (পারি) পূর্বতন প্রধান সম্পাদক। তিনি লেখালিখি, গবেষণা এবং শিক্ষকতার সঙ্গে যুক্ত।

Other stories by শর্মিলা জোশী
Translator : Faiz Mohammad

Faiz Mohammad has done M. Tech in Power Electronics Engineering. He is interested in Technology and Languages.

Other stories by Faiz Mohammad