કોઈ દૂરથી બૂમ પાડે છે - વિરામનો સમય પૂરો થયો. એક નિરીક્ષક કામ સોંપવાનું શરૂ કરે છે, તેઓ અવધિ ભાષામાં વાત કરે છે - અને ફરીથી કામ શરૂ થાય છે. એક નાના તંબુના પાયા માટેનું કામ કરવા રામ મોહનને મેદાનના એક શાંત ખૂણા પર મોકલવામાં આવ્યા છે.
તેઓ આંદોલનકારી ખેડૂતો સાથે જોડાવા દક્ષિણ મુંબઈના આઝાદ મેદાન ખાતે રોકાવાનું વિચારે છે. તેઓ કહે છે, "હું જે કંઈ બની રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યો છું અને બીજા ખેડૂતો શું કહે છે તે સાંભળવા મારે આવવું છે - અને [તેમની માંગણીઓથી] અમને પણ કેવી રીતે ફાયદો થશે તે મારે જાણવું છે."
23 મી જાન્યુઆરી ને શનિવાર છે, અને હજારો, લાખો ખેડૂતો માટે પંડાલ (તંબુ) તૈયાર કરવા બે દિવસથી 10 - કલાકની પાળીમાં કામ કરતા 50 માણસોમાં રામ મોહન પણ છે. આ ખેડૂતો ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરવા અને એ કાયદાઓ રદ કરવાની માંગ દોહરાવવા 24 મી જાન્યુઆરીની સવારથી અહીં આવવાનું શરૂ કરશે. આ રેલી 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને સમાપ્ત થશે.
ઉત્તર પ્રદેશના ગોંડા જીલ્લાના ઉમરી બડગામગંજ ગામમાં રામનો પરિવાર, ઘઉં અને ડાંગરની ખેતી કરે છે. તેઓ કહે છે કે, “6--7 વીઘા [એકરથી થોડી વધારે] થી શું વળે? માંડ ગુજરાન ચલાવી શકાય, પણ એથી વધારે કંઈ નહિ.” તેઓ આશા રાખે છે કે જે રેલી માટે તેઓ તંબુ બનાવવામાં વ્યસ્ત છે, તે રેલી તેમની અને બીજા ખેત પરિવારોની પેદાશો માટે વધુ સારા ભાવ અપાવવામાં મદદરૂપ થશે.
હાલ આશરે 43 વર્ષના રામ મોહન 23 વર્ષથી મુંબઈમાં દાડિયા મજૂર તરીકે કામ કરે છે. ઉત્તર મુંબઈના મલાડ રેલ્વે સ્ટેશન નજીક મજૂર નાકા પર રાહ જોતા તેમને કામ મળી રહે છે - અને જ્યારે કામ મળે ત્યારે દિવસના 700 રુપિયા સુધી કમાય છે.
તેઓ અને તેમની ટીમ તંબુઓ તૈયાર કરી દેશે ત્યાં સુધીમાં - મોટા મેળાવડાઓમાં તંબુ અને સજાવટની વ્યવસ્થા કરતી કંપનીના ઠેકેદાર મારફત તેમને અહીં લાવવામાં આવ્યા છે - ખેડૂતો આઝાદ મેદાન આવવા માંડશે. તેમાંના મોટાભાગના લોકો 23 મી જાન્યુઆરીએ અહીંથી લગભગ 180 કિલોમીટર દૂર નાસિકથી શરૂ થયેલ એક વિરોધ કૂચમાં અહીં આવશે. આ કૂચ અને આઝાદ મેદાન રેલીનું આયોજન સંયુક્ત શેતકરી કામગાર મોરચા દ્વારા કરવામાં આવ્યું છે. સંયુક્ત શેતકરી કામગાર મોરચો એ 26 મી નવેમ્બરથી દિલ્હીની સરહદો પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં એક થઈને ઊભેલા ઓલ ઈન્ડિયા કિસાન સંઘર્ષ કોઓર્ડિનેશન કમિટી, ધી ટ્રેડ યુનિયન્સ જોઈન્ટ એક્શન કમિટી, નેશન ફોર ફાર્મર્સ, અને અન્ય સમૂહો સાથે સંકળાયેલા સંગઠનો વચ્ચે થયેલ સમજૂતી છે.
સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર કરાયેલા ત્રણ કાયદાઓ વિરુદ્ધ ખેડુતો આંદોલન કરી રહ્યા છે. આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં વિરોધ હોવા છતાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 .
મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણેય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. તેઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
વિરોધીઓ આઝાદ મેદાન પહોંચે ત્યાં સુધી, દેવેન્દ્ર સિંહ પણ - તે ડેકોરેટરની ટીમમાં છે જે તકતો ગોઠવે છે (શબ્દશ:) - ફરજ પર છે. તેમના અંદાજ પ્રમાણે રેલી માટે તંબુ તૈયાર કરવા 3000 વાંસ, 4000 મીટર કાપડ, અને કાથીના અસંખ્ય બંડલ જોઈશે.
મેદાનમાં તંબુ તૈયાર કરતા મોટાભાગના શ્રમિકોની જેમ 40 વર્ષના દેવેન્દ્ર પણ ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાના છે. તેઓ કહે છે કે, "પાછલા 1-2 વર્ષોથી, સરકારો [કેન્દ્ર અને રાજ્ય] પોતે કોરોનાને કારણે મુશ્કેલીમાં છે. તે ખેડૂતો માટે શું કરી શકે?"
દેવેન્દ્રનું કુટુંબ - માતાપિતા, પત્ની અને ત્રણ બાળકો - કરનાઈલગંજ બ્લોકના રાજાટોલા ગામમાં ત્રણ વીઘા જમીનમાં ઘઉં, ડાંગર અને મકાઈની ખેતી કરે છે. 2003 માં, તેઓ કામની શોધમાં મુંબઇ આવ્યા હતા. તેઓ કહે છે, “મેં બધા પ્રકારના કામ કર્યા, પરંતુ આ લાઇન સૌથી વધારે ગમી."
તેમને રોજિંદા વેતન તરીકે મળતી રોકડ રકમ - સામાન્ય રીતે 500 રુપિયા - નો ઉલ્લેખ કરી તેઓ ઉમેરે છે, “જો તમે બીજે ક્યાંક કામ કરો, તો તમને મહિના પછી પગાર મળે. પરંતુ જો ઘરમાં કોઈ તકલીફ હોય અને તેમને પૈસાની જરૂર હોય, તો આ રીતે હું બીજે જ દિવસે મોકલી શકું.”
23 મી જાન્યુઆરીએ બપોરે 1 થી 2 શ્રમિકોનો એક કલાકનો જમવા માટેનો વિરામ છે અને તેઓ કાળા અને લાલ કાપડના અડધા બનાવેલા તંબુ હેઠળ થોડા સમય માટે આરામ કરી રહ્યા છે. માણસો વિરામ પૂરો કરે પછી એ પંડાલની છત બની જશે. તેની બાજુમાં બેઠેલા 20 વર્ષના બ્રિજેશ કુમાર ગોંડાના લક્ષ્મણપુર ગામના છે. તેમણે 16 વર્ષની ઉંમરે મુંબઈમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તેઓ મહિનામાં લગભગ 20 દિવસ રોજના 500 રુપિયા કમાય છે. બ્રિજેશ કહે છે, “અમને જે કામ મળે તે અમે કરીએ" - રંગકામ, બાંધકામ અને બીજા કોઈ પણ કામ. આ વિશાળ પંડાલો કેવી રીતે ઉભા કરવા એ તેઓ ક્યાંથી શીખ્યા એ પ્રશ્નનો જવાબ આપતા તેઓ કહે છે, "જે અમારી પહેલા આવ્યા હતા તેમને શું કરવાનું છે તે આવડતું હતું. અમે તેમની સાથે કામ કર્યું, તેમણે અમને કેવી રીતે બાંધીને ચઢવાનું તે કહ્યું. એ રીતે અમે શીખ્યા. જો કોઈ ગામથી આવશે તો અમે તેમને પણ સાથે લઈ જઈશું."
તંબુઓ માટે વાંસની પાલખ 18-20 ફૂટ જેટલી ઊંચાઇએ જાય છે. નાના-મોટા બધા તંબુ સમયસર તૈયાર કરવા માટે છેલ્લા બે દિવસથી માણસો - કોઈપણ સલામતી ઉપકરણો વિના - સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી - પાલખ ઉપર ચઢે છે. 22 મી જાન્યુઆરીએ સૂર્યાસ્ત પછી તેમણે એક સ્ટ્રોબ લાઈટ હેઠળ કામ કર્યું હતું , દેવેન્દ્રએ ઝીણી આંખે જોઈ વાંસની દરેક હાર એકસરખી ઊંચાઈ પર બંધાઈ છે કે નહિ તેની ખાતરી કરી હતી.
તેઓ કહે છે કે તેઓ ફક્ત મુંબઈમાં જ કામ કરે છે. અને જ્યારે તેમને છપ્પરે કા કામ - વરસાદ પહેલા રેસ્ટોરન્ટ્સ, બહુમાળી મકાનો અને અન્ય મકાનો માટે છાપરું બાંધવાના કામ - માટે બોલાવવામાં આવે ત્યારે તેઓ 30 થી 80 ફૂટ ઊંચે પણ ચઢ્યા છે. દેવેન્દ્ર હસતાં હસતાં કહે છે, "નવા માણસને અમે વાંસ ઉપાડવાથી શરૂ કરાવીશું. પછી ધીમે ધીમે અમે તેની પાસે નીચલા વાંસ બંધાવીશું. અને પછી તેને ચઢાવીશું."
રામ મોહન ઉમેરે છે, 'જો અમે અહીં મઝદૂરી [વેતન મજૂરી] ન કરીએ, તો પછી અમે [અમારા ગામમાં] ખેતી ન કરી શકીએ. ખાતર, બીજ અને બીજી વસ્તુઓ ખરીદવા અમારે પૈસા જોઈએ - એ ખેતીમાંથી નથી મળતા. એટલે જ અમે અહીં [મુંબઈમાં] કામ કરીએ છીએ."
રામ મોહન 24 મી જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનથી શરૂ થનારી રેલી માટે રોકાવા ધારે છે, જ્યારે બીજા ઉત્તર મુંબઈમાં તેમના ભાડાના રૂમમાં પાછા ફરશે. ગોંડા જિલ્લાના પરસપુર ગામના 26 વર્ષના સંતરામા કહે છે “હું વિરોધમાં જોડાઈશ નહીં. અને હું [કૃષિ] કાયદા વિશે ખાસ કંઈ જાણતો નથી. હું તો બસ કામ કરુ છું અને કમાઉ છું એટલું જ.” તેમના પરિવાર પાસે ખેતીની કોઈ જમીન નથી.
બ્રિજેશ ઉમેરે છે, “કામ સે ફુર્સત નહીં હોતી [અમને કામમાંથી સમય જ મળતો નથી]. “એકવાર અહીં કામ પૂરું થઈ જશે પછી અમે બીજે ક્યાંક કામ પર જઈશું. ઘણા લોકો આ આંદોલનમાં જોડાયા છે. પરંતુ અમે જો કામ ન કરીએ તો ખાઈએ શું?"
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક