મીનાને તે રાત્રે ઊંઘ ન આવી. વરસાદનું પાણી તેમના ઘરમાં ઘુસી ગયું હતું. મામૂલી તાડપત્રી ધોધમાર વરસાદ સામે ટકી શકી નહીં અને થોડી જ ક્ષણોમાં કડડભૂસ કરતી નીચે પડી ગઈ. મીના અને તેમના કુટુંબીજનો બંધ દુકાનની આગળની બાજુ આશરો લેવા દોડી ગયા.
તે કહે છે કે, "વરસાદ બંધ ન થયો ત્યાં સુધી અમે [જુલાઈની શરૂઆતમાં] આખી રાત ત્યાં જ બેઠા." મીના બપોરે મુખ્ય રસ્તાની બાજુમાં છાપેલી સફેદ ચાદર પર આરામ કરતી હતી, તેની બે વર્ષની દીકરી શમા તેની બાજુમાં સૂતી હતી.
વરસાદ બંધ થયા પછી મીના પાછી આવી અને ફરી એકવાર પોતાનું 'ઘર' ઊભું કર્યું. ત્યાં સુધીમાં તેમનો ઘણો સામાન - વાસણો, અનાજ, શાળાનાં પુસ્તકો - તણાઈ ગયો હતો.
મીના કહે છે, "અમારી પાસે જે માસ્ક હતા - લોકડાઉનના શરૂઆતના તબક્કા દરમિયાન સ્વયંસેવકો દ્વારા આપવામાં આવેલા લીલા કાપડના માસ્ક - તે પણ તણાઈ ગયા." તે ઉમેરે છે, "અમે માસ્ક ન પહેરીએ તો પણ શું ફેર પડે છે? અમે તો પહેલેથી જ મરી પરવારેલા માણસો જેવા છીએ, એટલે કોરોના અમને શું કરે છે તેની કોને પરવા છે?"
મીના (જે ફક્ત તેના પ્રથમ નામનો ઉપયોગ કરે છે) અને તેનો પરિવાર - પતિ અને ચાર બાળકો - તેમના છૂટાછવાયા સામાનને તણાઈ જતો જોવા ટેવાયેલા છે. આ ચોમાસાની શરૂઆતથી આવું એક કરતા વધુ વખત બન્યું છે અને દર વર્ષે આવું ફરી ફરી થાય છે - ઉત્તર મુંબઈના કાંદિવલી પૂર્વ ઉપનગરમાં એક ફૂટપાથ પરનું તેમનું ઝૂંપડું ભારે વરસાદને કારણે તૂટી જાય છે.
ગયા વર્ષ સુધી તો જ્યારે ભારે વરસાદ પડતો ત્યારે તેના કુટુંબીજનો આશરો લેવા નજીકના બાંધકામના સ્થળોએ દોડી જઈ શકતા. હવે આ બંધ થઈ ગયું છે. આશરે 30 વર્ષની મીના કહે છે કે, “અમે આ વરસાદથી ટેવાયેલા છીએ, પરંતુ આ વખતે કોરોનાએ અમારે માટે મુશ્કેલી ઊભી કરી છે. અમે તે મકાનોમાં જઈને બેસી રહેતા. ચોકીદાર અમને ઓળખતા હતા. બપોર પછી દુકાનદારો પણ અમને તેમની દુકાનની બહાર બેસવા દેતા. પરંતુ હવે તો તેઓ અમને દુકાનની નજીક ફરકવા પણ દેતા નથી. ”તેથી હવે તેઓ મોટાભાગે વરસાદ બંધ ન થાય ત્યાં સુધી 'ઘેર' જ બેસે છે - અને તેમનું 'ઘર' એટલે બે ઝાડ અને દિવાલની વચ્ચે તાણેલી એક ઢીલી સફેદ તાડપત્રીની શીટની છત અને તેને વચ્ચેથી પકડી રાખતું જાડું વાંસનું લાકડું. થોડા પ્લાસ્ટિકની બોરીઓ અને કાપડના પોટલાં અને કાળા કેનવાસનું દફતર ઝાડ પરથી લટકે છે - જેમાં કપડાં, રમકડાં અને બીજો સામાન છે. પાણી નીતરતા કપડાં નજીકમાં દોરી પર લટકે છે અને ઝાંખું પડી ગયેલું ભૂખરા-લાલ રંગનું પાણીથી તરબોળ ગાદલું જમીન પર પડ્યું છે.
મીનાના જોડીદાર સિદ્ધાર્થ નરવડે મહારાષ્ટ્રના જલના જિલ્લાના સરવાડી ગામના છે. 48 વર્ષના સિદ્ધાર્થ કહે છે, "મારા પિતાએ તેમની જમીનનો નાનો ટુકડો વેચી દીધો અને કામ માટે મુંબઈ આવ્યા ત્યારે હું ખૂબ જ નાનો હતો. અને પછી હું મીના સાથે રહેવા લાગ્યો."
તેઓ બાંધકામના સ્થળે પર કામ કરતા હતા અને સિમેન્ટ પ્લાસ્ટરિંગ કરીને દિવસના 200 રુપિયા કમાતા હતા. તેઓ કહે છે, "જ્યારથી લોકડાઉન શરૂ થયું ત્યારથી તે બંધ થઈ ગયું." એ પછી ઠેકેદારે તેમને ફોન કર્યો નથી અને તેમના ફોન ઊઠાવ્યા પણ નથી.
આ વર્ષે જાન્યુઆરીમાં તેને નોકરીએ રાખનારે ઘર બદલ્યું ત્યાં સુધી મીના નજીકના મકાનમાં ઘર- નોકર તરીકે કામ કરતી હતી. ત્યારથી તે કામની શોધમાં હતી. તે કહે છે, “અહીંના લોકો જાણે છે કે હું બેઘર છું. કોઈ મને કામ આપશે નહીં કારણ કે હવે તેઓ [કોવિડ -19 ને કારણે] મને ઘરમાં આવવા દેતા પણ ડરે છે."
જ્યારે માર્ચના છેલ્લા અઠવાડિયામાં લોકડાઉન શરૂ થયું ત્યારે નજીકના મકાનોના લોકો નિયમિતપણે તેના કુટુંબને ખાવાનું આપવા આવતા. તેઓ તેના આધારે જ ટકી રહ્યા હતા. મીના કહે છે કે તેઓને રાજ્ય તરફથી રેશન કે કોઈ સલામતી કીટ કંઈ મળ્યું નથી. મેના અંતથી - જૂનની શરૂઆતમાં આ ખોરાકના પેકેટ ઓછા થતા ગયા, જો કે હજી તેના કુટુંબને ક્યારેક ખાવાનું મળે છે - ચોખા, ઘઉં અને તેલ, અથવા રાંધેલો ખોરાક.
મીના કહે છે, “ઉંદરો પણ અમારી સાથે ખાય છે. સવારે જોઈએ તો ચારે તરફ અનાજ વેરાયેલું હોય છે. ઉંદરો જે કંઈ આમતેમ પડેલું જુએ એ ફાડી નાખે છે. આ કાયમની તકલીફ છે, પછી ભલે ને હું વાસણની નીચે ખાવાનું સંતાડું કે પછી તેને કાપડમાં લપેટું… હું દૂધ, ડુંગળી બટાટા… કંઈ પણ ભરી રાખી શકતી નથી.
"ઓગસ્ટની શરૂઆતથી, મીના અને સિદ્ધાર્થે કાંદિવલીની ગલીઓમાંથી બિયર કે વાઈનની કાચની બાટલીઓ, તેમજ પ્લાસ્ટિકની બાટલીઓ ભેગી કરવાનું શરૂ કર્યું છે. તેઓ રાત્રે આ કામ કરવા માટે વારા રાખે છે, જેથી તે બેમાંથી એક બાળકો સાથે રહે. તેઓ આ વસ્તુઓ નજીકના ભંગારના વેપારીને - બાટલીઓ 12 રુપિયે કિલો અને કાગળ અને બીજો ભંગાર.8 રુપિયે કિલોના ભાવે - વેચે છે. આ રીતે અઠવાડિયામાં બે- ત્રણ વાર તેઓ 150 રુપિયા કમાઈ લે છે.
છોડ અને ઝાડને પાણી પીવડાવા આવતા BMC ના ટેન્કરમાંથી આ કુટુંબ પીવાનું પાણી ભરતું હતું - તે લોકડાઉન શરૂ થયા પછી કેટલાક અઠવાડિયા માટે બંધ થઈ ગયું હતું, અને ચોમાસા દરમિયાન ટેન્કર આવતું પણ નથી. ક્યારેક તેઓ નજીકના મંદિરમાંથી અથવા થોડે દૂર શાળાના નળમાંથી પાણી ભરે છે અને 20 લિટરની બરણીઓ અને પ્લાસ્ટિકના વાસણમાં ભરી રાખે છે.
મીના અને સંગીતા રાત્રે પગથીની દિવાલની બહાર કેટલીક ઝાડીઓની જોખમી એકાંત જગ્યામાં નહાય છે. તેઓ નજીકના જાહેર શૌચાલયનો પ્રતિ મુલાકાત 5 રુપિયા આપી ઉપયોગ કરે છે, તેમના બંનેના મળીને દિવસના ઓછામાં ઓછા 20 રુપિયા થાય છે. સિદ્ધાર્થ અને તેમના બે દીકરાઓ, 5 વર્ષનો અશાંત અને સાડાત્રણ વર્ષનો અક્ષય નજીકમાં ખુલ્લી જગ્યાઓનો ઉપયોગ કરે છે.
પરંતુ મીના પાસે ચિંતા કરવા માટે બીજી ઘણી બાબતો પણ છે. “હું નબળાઇ અનુભવતી હતી અને બરોબર ચાલી પણ નહોતી શકતી . મેં વિચાર્યું કે આ મોસમમાં ફેરફારને કારણે હશે, પરંતુ [કાંદિવલીમાં] ડોક્ટરે કહ્યું કે હું ગર્ભવતી છું. " તેને વધુ બાળકો જોઈતા નથી, ખાસ કરીને આવા સંજોગોમાં , પરંતુ તેને ગર્ભપાત ન કરાવવાની સલાહ આપવામાં આવી છે. તે કહે છે ડોક્ટરની મુલાકાતના 500 રુપિયા થયા હતા જે તેણે તેને અગાઉ નોકરીએ રાખનાર કુટુંબ પાસેથી લીધા હતી.મીનાના બાળકો કાંદિવલી પૂર્વના સમતા નગરની મરાઠી માધ્યમની મ્યુનિસિપલ શાળામાં ભણે છે. સૌથી મોટી સંગીતા ત્રીજા ધોરણમાં છે, અશાંત બીજા ધોરણમાં છે, અક્ષય બાલવાડીમાં છે, અને શમાએ હજી શાળામાં જવાનું શરૂ નથી કર્યું. મીના કહે છે, "બીજું કંઈ નહિ તો મિડ-ડે મીલને કારણે તેમનું ગાડું ગબડતું."
20મી માર્ચે શાળાએ વર્ગો લેવાનું બંધ કરી દીધું. ત્યારથી બાળકો આસપાસમાં રમતા હોય છે, જયારે પૂરતું બેલેન્સ હોય અને ફોન (નજીકની દુકાનમાંથી) ચાર્જ કરેલો હોય ત્યારે સિદ્ધાર્થના ફોન પર કાર્ટૂન જોતા હોય છે.
‘શાળા શબ્દ સાંભળીને, અશાંત અમે વાત કરતા ત્યાં આવીને વિમાનની માગણી કરે છે. તે કહે છે, "મારે વિમાનમાં બેસીને શાળાએ જવું છે." લોકડાઉનના મહિનાઓ દરમિયાન સંગીતા વરસાદથી બચાવેલી તેની ચોપડીઓમાંથી તેના પાઠનું પુનરાવર્તન કરતી હતી. તે પોતાનો સમય ઘરકામ કરવામાં - વાસણો ધોવામાં, નાના ભાઈ-બહેનોની સંભાળ લેવામાં, પાણી લાવવામાં, શાકભાજી કાપવામાં - પણ પસાર કરે છે.
તેને ડોક્ટર થવું છે. તે કહે છે, "જ્યારે અમે માંદા પડીએ ત્યારે ડોકટરો પાસે જઇ શકતા નથી, પરંતુ જ્યારે હું ડોક્ટર થઈશ ત્યારે અમારે કોઈ તકલીફ નહિ રહે." કાંદિવલી પશ્ચિમમાં મ્યુનિસિપલ હોસ્પિટલમાં જવા માટે અને દવાઓ ખરીદવા પૈસા ખરચવા પડે છે અને સંગીતાએ તબીબી સહાય મેળવવામાં વિલંબને કારણે તેની માતાને બે નાનાં બાળકો, જોડિયાં, ગુમાવતાં જોઈ છે.
મીના પોતે કાંદિવલી પૂર્વના દામુ નગરની મ્યુનિસિપલ શાળામાં ત્રીજા ધોરણ સુધી ભણી હતી. તે ત્યાં તેની માતા શાંતાબાઈ સાથે ઝૂંપડપટ્ટીમાં રહેતી હતી. જ્યારે મીનાનો જન્મ થયો ત્યારે તેના પિતાએ તેમને છોડીને જતા રહ્યા હતા; તે કહે છે કે તેમને છોકરી નહોતી જોઈતી. તેના માતાપિતા કર્ણાટકના બિદાર જિલ્લાના હતા. તેના પિતા શું કામ કરતા હતા તે મીનાને ખબર નથી, પરંતુ તેની માતા દાડિયા મજૂર તરીકે કામ કરતી હતી. તે મુખ્યત્વે સ્થાનિક ઠેકેદારો માટે ગટરો સાફ કરતી હતી.મીના યાદ કરે છે, “મારી માતા વિચિત્ર રીતે વર્તતી, પણ મારી સંભાળ પણ લેતી. તે ખૂબ ચિંતા કરતી હતી, અમને છોડીને જતા રહેવા માટે મારા પિતાને બદદુવા દેતી . હું 10 વર્ષની થઈ ત્યાં સુધીમાં તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ." તેની માતાએ એકલી એકલી બબડતી, ચીસો પાડતી , તેણે કામ કરવાનું બંધ કરી દીધું. "લોકો કહેતા હતા કે 'જુઓ આ ગાંડી', અને કહેતા કે તેને પાગલખાનામાં મોકલી દેવી જોઈએ." માની સંભાળ રાખવા માટે મીનાએ શાળા અધવચ્ચે છોડી દીધી હતી.
તે 11 વર્ષની હતી ત્યારે તેને કાંદીવલીમાં એક કુટુંબ સાથે રહીને નાના બાળકને સાંભળવાની નોકરી મળી. તેને મહિને 600 રુપિયા મળતા. “મારે માને છોડીને જવું પડ્યું, નહીં તો અમે બે ખાઈએ શું? હું દર અઠવાડિયે તેને મળવા જતી. "
મીના 12 વર્ષની થઈ ત્યાં સુધીમાં તેની મા ક્યાંક જતી રહી. “ભારે વરસાદને કારણે હું એક અઠવાડિયાથી તેને મળી નહોતી. જ્યારે હું ગઈ ત્યારે તે ત્યાં નહોતી. મેં આસપાસના લોકોને પૂછ્યું, કેટલાકે કહ્યું કે તેઓ તેને લઈ ગયા, પરંતુ કોઈને ખબર નહોતી કે તેને કોણ લઈ ગયું છે. ” મીના પોલીસ પાસે ન ગઈ, તે ડરતી હતી: "જો તેઓ મને કોઈ અનાથ આશ્રમમાં મોકલી દે તો?"
તે ઉમેરે છે: “હું આશા રાખું કે તે જીવતી હોય અને હવે શાંતિથી જીવતી હોય ...”
મીનાએ તે કુટુંબ સાથે રહીને 8-9 વર્ષ સુધી બાળકને સાંભળવાનું કામ ચાલુ રાખ્યું. પરંતુ રજાઓ દરમ્યાન, જ્યારે કુટુંબ શહેર છોડીને જતું , ત્યારે તે થોડો સમય શેરીઓમાં રસ્તા પર રહેતી. અને તેણે નોકરી છોડ્યા પછી, શેરીના રસ્તા જ તેનું કાયમી ઘર બની ગયા.
દામુ નગરમાં તેને અને તેની માતાને નિયમિત પજવણીનો સામનો કરવો પડતો. "હું પુરુષોના ગંદી નજરથી ડરતી, તેઓ મારી સાથે વાત કરવાનો પ્રયાસ કરતા, ખાસ કરીને નશામાં હોય તેવા. તેઓ કહેતા હતા કે તેઓ અમારી મદદ કરવા માંગે છે, પરંતુ હું તેમના ઈરાદા જાણતી હતી. ”મીના કહે છે કે આજે પણ તે સતત જાગૃત રહે છે. ક્યારેક, સિદ્ધાર્થના મિત્રો આવે છે અને પુરુષો ભેગા મળી તેના ‘ઘેર’ સાથે દારૂ પીએ છે. “હું તેમને દારૂ પીતા રોકી શકતી નથી, પરંતુ મારે સજાગ રહેવું પડે છે. હકીકતમાં હું [રાત્રે] ક્યારેય ઊંઘી નથી. ફક્ત મારા માટે જ નહીં, પણ મારા બાળકો, ખાસ કરીને સંગીતા અને શમા, માટે પણ….
વસ્તી ગણતરી ૨૦૧૧ પ્રમાણે મીના અને તેનું કુટુંબ મુંબઈના ઘણા - ઓછામાંઓછા 57,480 - બેઘર લોકોમાંથી છે. સમય જતાં, સરકારે ભારતમાં બેઘર લોકો માટે યોજનાઓ ઘડી છે. સપ્ટેમ્બર 2013 માં, ગૃહ નિર્માણ અને શહેરી ગરીબી નિવારણ મંત્રાલયે રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાન શરૂ કર્યું. તેમાં વીજળી અને પાણી જેવી આવશ્યક સેવાઓ સાથે શહેરી આશ્રય ઘરો માટેની યોજનાનો પણ સમાવેશ થયો હતો.
2016 માં સુપ્રીમ કોર્ટે આવી યોજનાઓની શરૂઆતથી બેઘર લોકોની સ્થિતિ અંગેની બે અરજીઓ નો જવાબ આપતા (નિવૃત્ત) ન્યાયાધીશ કૈલાસ ગંભીરની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની સમિતિની રચના કરી. 2017 ના અહેવાલમાં રાજ્ય સરકારો એનએલયુએમ અંતર્ગત ફાળવવામાં આવેલા ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરી રહી નથી તેનો નિર્દેશ કરવામાં આવ્યો. મહારાષ્ટ્રને લગભગ 100 કરોડ રુપિયા મળ્યા હતા જે ખર્ચાયા વિનાના હતા.
અમે 28 મી જુલાઈએ વાત કરી ત્યારે ડો.સંગીતા હસનાલે, સહાયક મ્યુનિસિપલ કમિશનર, આયોજન અને શહેરી ગરીબી નિવારણ જૂથ, એ કહ્યું, “બેઘર લોકો માટે મુંબઇમાં આશરે 22 આશ્રયસ્થાનો છે અને વધુ નવ આશ્રયસ્થાનો અંગે અમે યોજના કરી રહ્યા છીએ. કેટલાક નિર્માણાધીન છે. અમારું લક્ષ્ય આગામી વર્ષ સુધીમાં 40-45 આશ્રયસ્થાનો ઊભા કરવાનું છે. " (ડો. હસનાલેએ ઝૂંપડપટ્ટીમાં વસતા અને બેઘર લોકો માટે 2005 માં શરૂ થયેલી એક યોજના - મહાત્મા ગાંધી પથ ક્રાંતિ યોજના વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય રીતે આ યોજના હેઠળ પૂરા પાડવામાં આવતા ફ્લેટ્સ વેચીને એ કુટુંબો ફરી પાછા શેરીઓના રસ્તા પર જીવે છે. )જોકે, હોમલેસ કલેક્ટિવના સંયોજક બ્રિજેશ આર્ય કહે છે, "હાલમાં મુંબઈમાં ફક્ત નવ આશ્રયસ્થાનો છે, જે બેઘર લોકોની વસ્તીની તુલનામાં ખૂબ ઓછા છે, અને વર્ષોથી આશ્રયસ્થાનોની સંખ્યા તો આટલી જ રહી છે." આર્ય બેઘરોના હક્કો માટે કામ કરતી એક બિનસરકારી સંસ્થા પહેચાનના સ્થાપક પણ છે.
નવ આશ્રયસ્થાનોમાંથી કોઈ પણ મીનાના કુટુંબ જેવા આખાનેઆખા કુટુંબોને નહીં રાખે.
2019 ની શરૂઆતમાં, મુંબઈના બેઘર લોકોના એક NULM સર્વેક્ષણ માં દર્શાવ્યું હતું કે તેમની સંખ્યા ઘટીને માત્ર 11,915 થઈ ગઈ છે. આર્ય પૂછે છે, “આશ્રયસ્થાનોની સંખ્યામાં વધારો થયો નથી પરંતુ તેના બદલે બેઘર વ્યક્તિની સંખ્યામાં ઘટાડો થયો છે? તો તેઓ ગયા ક્યાં ? ”
માર્ચ 2004 માં મહારાષ્ટ્ર સરકારના એક પરિપત્રમાં બેઘર લોકો પાસે ઓળખ કે સરનામાના પુરાવા ન હોય તો પણ તેમને રેશનકાર્ડ મેળવવામાં મદદ કરવા અંગેનો સુપ્રીમ કોર્ટનો આદેશ પણ ટાંકવામાં આવ્યો.
મીનાને રાજ્ય તરફથી આપવામાં આવતા આવા કોઈ જ લાભની ખબર હોય તેમ લાગતું નથી. તેની પાસે આધારકાર્ડ, રેશનકાર્ડ અથવા બેંકમાં ખાતું નથી. તે કહે છે , “તેઓ અમારી પાસે ઓળખ અને સરનામાના પુરાવા માગે છે; એકવાર એક જણે મને ઓળખ-કાર્ડ બનાવવા માટે તેને પૈસા ચૂકવવાનું કહ્યું હતું.” તેના પતિ પાસે (તેના ગામના સરનામાના આધારે) આધારકાર્ડ છે, પરંતુ બેંકમાં ખાતું નથી.
મીનાની વિનંતી સરળ છે: "વરસાદમાં ટકી રહેવા માટે જો તમે મારા ઘરને મજબૂત બનાવી શકતા હો તો અમને ફક્ત બે તાડપત્રી લાવી આપો."
તે કહે છે, તેને બદલે આ મહિને બીએમસીના કર્મચારીઓ તેના કુટુંબને ફૂટપાથ છોડવાનું કહેતા આવ્યા છે. જ્યારે ભૂતકાળમાં આવું બન્યું છે ત્યારે તેઓ માત્ર બિસ્તરા-પોટલા બાંધીને બીજી ફૂટપાથ પર ગયા છે.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક