ચિતેમપલ્લી પરમેશ્વરીને ઘણીવાર ભાગી જવાનું મન થાય છે, પણ આ 30 વર્ષીય માતા કહે છે, “પણ, હું મારા બાળકોને છોડી શકતી નથી. મારા સિવાય તેમનું કોઈ નથી.”
પરમેશ્વરીના પતિ, ચિતેમપલ્લી કમલ ચંદ્રે જ્યારે નવેમ્બર 2010માં તેમના જીવનનો અંત આણ્યો ત્યારે તેઓ વીસેક વર્ષના હતા. હળવા સ્મિત સાથે તેઓ કહે છે, “તેઓ તેમના પાછળ એક પત્ર પણ છોડીને નહોતા ગયા. આવું કદાચ એટલા માટે હતું કારણ કે તેમને બરાબર લખતા નહોતું આવડતું.”
અને આ રીતે તેઓ તેમના બે બાળકો, શેષાદ્રી અને અન્નપૂર્ણાનાં એકમાત્ર વાલી બની ગયાં, જેઓ હવે સરકારી શાળામાં ભણે છે અને 30 કિલોમીટર દૂર હોસ્ટેલમાં રહે છે. તેમનાં મા કહે છે, “મને તેઓ બહુ જ યાદ આવે છે.” પરંતુ પછી પોતાની જાતને સાંત્વના આપતાં કહે છે, “મને ખબર છે કે ત્યાં તેમને સમયસર ખાવાનું મળી રહ્યું છે.”
તેઓ દર મહિને એકવાર તેમની મુલાકાત લેવા આતુર હોય છે. તેઓ કહે છે, “જો મારી પાસે પૈસા હોય, તો હું [બાળકોને] 500 [રૂપિયા] આપું છું, અને જો મારી પાસે ઓછા હોય, તો હું તેમને 200 [રૂપિયા] આપું છું.”
આ પરિવાર મદિગા સમુદાયનો છે, જે તેલંગાણામાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે અને પરમેશ્વરી ચિલ્તમપલ્લે ગામમાં તેમના એક ઓરડાના મકાનમાં રહે છે. તેમના ઘરની છત વજનથી નીચે નમી ગઈ છે અને બહાર એક ખુલ્લો શેડ છે. તેલંગાણાના વિકરાબાદ જિલ્લામાં આવેલું આ ઘર તેમના સ્વર્ગસ્થ પતિ કમલ ચંદ્રના પરિવારની માલિકીનું છે અને તેમની સાથે લગ્ન કર્યા પછી તેઓ અહીં રહેવા આવ્યાં હતાં.
તેમના પતિની આત્મહત્યા પછી, પરમેશ્વરીની આવકનો પ્રાથમિક સ્રોત આસરા પેન્શન યોજના હેઠળ વિધવાઓને મળતું પેન્શન છે. તેઓ કહે છે, “મને 2019 સુધી 1,000 [રૂપિયા] મળતા હતા, પરંતુ હવે મને દર મહિને 2,016 [રૂપિયા] મળે છે.”
આ પેન્શન સિવાય, તેઓ તેમના ગામમાં તેમના સાસરિયાઓની માલિકીના મકાઈના ખેતરોમાં કામ કરીને મહિને 2,500 રૂપિયા કમાય છે. પરમેશ્વરી બીજાઓના ખેતરોમાં દૈનિક મજૂરીનું કામ પણ કરે છે જેનાથી તેમને રોજની 150-200 રૂપિયા કમાણી થાય છે. પણ તેમને આવું કામ ક્યારેક જ મળે છે.
તેમની કમાણીમાંથી તેમના પરિવારના માસિક જીવનનિર્વાહ ખર્ચની ભરપાઈ થાય છે. તેમની સાડીના છેડાને સરખો કરતાં તેઓ કહે છે, “ઘણીવાર એવા મહિનાઓ આવે છે જેમાં પૈસા અપૂરતા હોય છે.”
તે પૂરતું નથી, કારણ કે તેમના પતિને ગુજરી ગયાના 13 વર્ષ પછી, તેઓ જે દેવું પાછળ છોડીને ગયા છે તેની ચૂકવણી કરવા માટે તેઓ સંઘર્ષ કરી રહ્યાં છે. ખાનગી શાહુકારોને (એપ્પુલોરસ) ચૂકવવા પડતા આ માસિક હપ્તા તેમના માટે સતત તણાવનું કારણ બની રહે છે. ચિંતાતુર અવાજે તેઓ કહે છે, “મારે કેટલું દેવું છે એ મનેય ખબર નથી.”
તેમના સ્વર્ગસ્થ પતિ, કમલ ચંદ્રાએ અમુક એકર જમીન પર લોન લીધી હતી, અને તેમના ખર્ચની પૂર્તિ કરવા માટે આ ચક્ર ચાલતું રહ્યું હતું. તેઓ મૃત્યુ પામ્યા તે પહેલાં, વિકરાબાદ જિલ્લામાં પાંચ અલગ-અલગ શાહુકારો પાસેથી 6 લાખ રૂપિયા ઉધાર લીધા હતા. તેમનાં વિધવા કહે છે, “હું ફક્ત ત્રણ લાખ [રૂપિયા] વિષે જાણતી હતી. મને ખબર નહોતી કે રકમ આટલી મોટી છે.”
જ્યારે તેમના મૃત્યુના થોડા અઠવાડિયા પછી શાહુકારોએ તેમનો સંપર્ક કર્યો, ત્યારે તેમને જાણવા મળ્યું કે કમલે બે શાહુકારો પાસેથી દોઢ−દોઢ લાખ અને અન્ય ત્રણ પાસેથી એક−એક લાખ ઉછીના લીધા હતા. બધી લોનો 36 ટકાના વાર્ષિક વ્યાજ દરે હતી. આ બાબતની કાગળ પર કોઈ સાબિતી નહોતી, તેથી પરમેશ્વરી પાસે તેમના દેવાનો કોઈ યોગ્ય હિસાબ નથી.
તેઓ કહે છે, “આમાં મારી પાસે એકમાત્ર વિકલ્પ એ જ છે કે હું તેમને પૈસા ચૂકવતી રહું અને તેની ભરપાઈ થઈ જાય એટલે તેઓ મને જાણ કરશે તેવી આશા રાખું.” ગયા મહિને જ્યારે તેમણે એક શાહુકારને પૂછવાનો પ્રયાસ કર્યો કે તેમણે હજું કેટલું દેવું ચૂકવવાનું છે, તો તેણે સ્પષ્ટ જવાબ ન આપ્યો, અને હજું તેઓ અંધારામાં રહે છે.
તેમણે દરેક શાહુકારને દર મહિને 2,000 રૂપિયા ચૂકવવા પડે છે. બોજને ઓછો કરવા માટે તેઓ પાંચે શાહુકારોને મહિનાના અલગ અલગ દિવસે ચૂકવણી કરે છે. તેઓ કહે છે, “મારી પાસે એક મહિનામાં પાંચેય લોકોને ચૂકવવા માટે પૈસા નથી.” અને તેથી તેઓ અમુક ધિરાણકર્તાઓને દર મહિને માત્ર 500 રૂપિયા જ ચૂકવે છે.
પરમેશ્વરી કહે છે, “હું મારા પતિને તેવું કરવા બદલ [આત્મહત્યા કરવા બદલ] દોષી નથી માનતી. હું તે સમજું છું.” અને ઉમેરે છે, “મને પણ અમુકવાર તેવું કરવાનું મન થઈ જાય છે; હું એકલી જ લડી રહી છું.”
ક્યારેક તણાવ ખૂબ વધી જાય છે, પરંતુ તેમના બાળકો વિષે વિચાર કરવાથી મદદ મળે છે. તેઓ ઉદાસ થઈને કહે છે, “[હું ન રહું તો] પછી શાહુકારો મારા બાળકોને લોનની ભરપાઈ કરવાનું કહેશે. આની ચૂકવણી તેઓ શા માટે કરશે? હું ઇચ્છું છું કે તેઓ ભણી ગણીને મોટા શહેરોમાં સારા હોદ્દા પર કામ કરે.”
*****
પરમેશ્વરીનો દિવસ સવારે 5 વાગે શરૂ થાય છે. તેઓ કહે છે, “જો ઘરમાં ચોખા હોય, તો હું તેને રાંધું છું. બાકી, હું ગંજી બનાવું છું.” જે દિવસોએ તેમણે કામ પર જવાનું હોય છે, ત્યારે તેઓ તેમનું બપોરનું ખાણું પેક કરે છે અને સવારે 8 વાગ્યા સુધીમાં ઘેરથી નીકળી જાય છે.
અન્ય દિવસોમાં, તેઓ ઘરનાં કામકાજ કરે છે, અને નાના ટેલિવિઝન સેટ પર જૂની, બ્લેક−એન્ડ−વ્હાઈટ તેલુગુ ફિલ્મો અને સિરિયલો જોઈને તેમનો ફુરસતનો સમય પસાર કરે છે. કેબલ કનેક્શનના 250 રૂપિયા ભાડાને ઉચિત ઠેરવતાં તેઓ કહે છે કે જ્યારે તેઓ બેચેની અનુભવતાં હોય ત્યારે આ તેમનું ધ્યાન ભટકાવવામાં મદદરૂપ થાય છે, “મને ફિલ્મો જોવી ગમે છે. પરંતુ ક્યારેક હું તેને બંધ કરવાનું વિચારું છું [કેબલ કનેક્શનને].”
ઓક્ટોબર 2022માં, તેમના એક સંબંધીએ તેમને સૂચવ્યું હતું કે તેમણે કિસાનમિત્ર નામની એક ગ્રામીણ સમસ્યા માટેની હેલ્પલાઇનનો સંપર્ક કરવો જોઈએ. પરમેશ્વરી યાદ કરીને કહે છે, “મને ફોનનો જવાબ આપનાર મહિલા સાથે વાત કરીને સારું લાગ્યું. તેમણે કહ્યું હતું કે પરિસ્થિતિમાં સુધારો આવશે.” આ હેલ્પલાઈન તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં કાર્યરત એનજીઓ ગ્રામીણ વિકાસ સેવા સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે. તેમને ફોન કર્યા પછી તરત જ, કિસાનમિત્રના ક્ષેત્ર સંયોજક, જે. નરસિમુલુએ તેમના ઘેર આવીને તેમની મુલાકાત લીધી હતી. તેઓ કહે છે, “તેમણે [નરસિમુલુ] મને મારા પતિ, બાળકો અને નાણાકીય મુશ્કેલીઓ વિષે પૂછ્યું હતું. તે સાંભળીને મને સારું લાગ્યું હતું.”
પોતાની આવકમાં વધારા માટે પરમેશ્વરી એક ગાય ખરીદી રહ્યાં હતાં. “ધીમે ધીમે [ગાય] ના લીધે મારી એકલતા ઓછી થશે.” તેમણે આ ખરીદી માટે 10,000 રૂપિયા ચૂકવી પણ દીધા છે. તેઓ ઉમેરે છે, “ગાય હજું ઘેર આવી નથી, પણ હું તેની રાહ જોઈ રહી છું.”
આ વાર્તાને રંગ દે ના અનુદાનનું સમર્થન મળેલ છે.
જો તમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય અથવા માનસિક તણાવમાં હોય તેવા બીજા કોઈની તમને જાણ હોય તો કૃપા કરીને રાષ્ટ્રીય હેલ્પલાઈન, કિરણ, 1800-599-0019 (24/7 ટોલ ફ્રી) પર અથવા આ હેલ્પલાઈનમાંથી તમારી નજીકની કોઈપણ હેલ્પલાઈન પર કૉલ કરો. માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને સેવાઓની મદદ મેળવવા તેમનો સંપર્ક સાધવા અંગેની માહિતી મેળવવા કૃપા કરીને એસઆઈપીએફ (SPIF) ની માનસિક સ્વાસ્થ્ય નિર્દેશિકાની મુલાકાત લો.
અનુવાદક: ફૈઝ મોહંમદ