૮૨ વર્ષના બાપુ સુતારને ૧૯૬૨નો એ દિવસ સ્પષ્ટપણે યાદ છે. તેમણે એ દિવસે પગથી ચાલતી લાકડાની હેન્ડલૂમ વેચી હતી. એ હેન્ડલૂમ સાત ફૂટ ઊંચી હતી, જેને તેમણે કારખાનામાં પોતાના હાથોથી બનાવી હતી અને કોલ્હાપુરના સાંગાંવ ગામના એક વણકરને ૪૧૫ રૂપિયામાં વેચી હતી.
જો આ તેમણે વેચેલી છેલ્લી હેન્ડલૂમ ન હોત, તો આ એક સુખદ સ્મૃતિ હોત. તે પછી ઓર્ડર આવતા બંધ થઈ ગયા; તેમણે હાથે બનાવેલી પગથી ચાલતી લાકડાની હેન્ડલૂમનો કોઈ ખરીદનાર ન હતો. તેઓ યાદ કરીને કહે છે, “ત્યાવેલી સાગલા મોડલા [તે પછી બધું સમાપ્ત થઈ ગયું].”
આજે, છ દાયકા પછી, મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રેન્દલમાં ખૂબ ઓછા લોકો જાણે છે કે બાપુ ગામમાં પગથી ચાલતી હેન્ડલૂમ બનાવનારા છેલ્લા બાકી રહેલા કારીગર છે અને એ પણ કે એક જમાનામાં તેમની ખૂબ માંગ હતી. ગામના સૌથી વૃદ્ધ વણકર ૮૫ વર્ષીય વસંત તાંબે કહે છે, “રેન્દલ અને આસપાસના ગામોના અન્ય હેન્ડલૂમ બનાવનારા કારીગરો મૃત્યુ પામ્યા છે.”
લાકડામાંથી હેન્ડલૂમ બનાવવું એ રેન્દલની એક ખોવાયેલી પરંપરા છે. તેમના સાધારણ ઘરની આજુબાજુના કારખાનાઓમાંથી આવતા અવાજ વચ્ચે બાપુનો અવાજ દબાઈ જાય છે, તેઓ કહે છે, “તે [છેલ્લી] હેન્ડલૂમ પણ હવે અસ્તિત્વમાં નથી.”
એક રૂમમાં પથરાયેલું બાપુનું કારખાનું એક વીતેલા યુગનું સાક્ષી રહ્યું છે. કારખાનામાં કથ્થાઈ રંગની વિવિધ જાતો – ઘેરો, કથ્થઈ, બદામી, રાખોડી, લક્કડિયો, મહોગની, ભૂખરો લાલ અને અન્ય - સમય પસાર થવાની સાથે ધીમે ધીમે વિલીન થઈ રહી છે, અને તેમની ચમક ઝાંખી થઈ રહી છે.
*****
રેન્દલ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં આવેલ ટેક્સટાઇલ ટાઉન ઇચલકરંજીથી ૧૩ કિલોમીટરના અંતરે આવેલું છે. ૨૦મી સદીના શરૂઆતના દાયકાઓમાં, ઇચલકરંજીમાં ઘણી હેન્ડલૂમોનો પ્રવેશ થયો, જેથી તે રાજ્યમાં અને છેવટે તો ભારતભરમાં કાપડ ઉદ્યોગના સૌથી પ્રખ્યાત શહેરોમાંનું એક બન્યું. ઇચલકરંજીથી નજીક હોવાને લીધે રેન્દલ પણ કાપડ ઉત્પાદનનું એક નાનું કેન્દ્ર બન્યું.
૧૯૨૮માં બાપુના પિતા, સ્વર્ગસ્થ કૃષ્ણ સુતાર, પહેલી વાર ૨૦૦ કિલોથી પણ વધારે વજનની મોટી લૂમ બનાવતા શીખ્યા. બાપુ કહે છે કે ઇચલકરંજીના નિષ્ણાંત કારીગર, સ્વર્ગસ્થ દાતે ધુલપ્પા સુતારે કૃષ્ણને આ લૂમ કેવી રીતે બનાવવી તે શીખવ્યું હતું .
વણાયેલા બારીક દોરા જેટલી તીક્ષ્ણ યાદશક્તિ ધરાવતા બાપુ કહે છે, “૧૯૩૦ના દાયકાની શરૂઆતમાં ઇચલકરંજીમાં ત્રણ પરિવારો હતા જેઓ હેન્ડલૂમ બનાવતા હતા. તે સમયે હેન્ડલૂમો તેજીમાં હતી, આથી મારા પિતાએ તેને બનાવવાની રીત શીખવાનું નક્કી કર્યું.” તેમના દાદા, સ્વર્ગસ્થ કલ્લાપ્પા સુતાર, પરંપરાગત રીતે સિંચાઈ માટે મોટ (ગરગડી સિસ્ટમ) બનાવવા ઉપરાંત દાતરડું, કોદાળી અને કુલાવ (એક પ્રકારનું હળ) જેવા ખેતી માટેના ઓજારો બનાવતા હતા.
બાળપણમાં, બાપુને તેમના પિતાના કારખાનામાં સમય પસાર કરવો ગમતો હતો. તેમણે ૧૯૫૪માં, ૧૫ વર્ષની વયે તેમની પહેલી લૂમ બનાવી હતી. તેઓ હસીને કહે છે, “અમે ત્રણ જણે મળીને છ દિવસો સુધી કૂલ ૭૨ કલાક તેના પર કામ કર્યું હતું. અમે તેને રેન્દલમાં એક વણકરને ૧૧૫ રૂપિયામાં વેચી હતી.” તેઓ કહે છે કે એ સમયે આ એક મોટી રકમ હતી, એ વખતે એક કિલો ચોખાની કિંમત ૫૦ પૈસા હતી.
૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં હાથથી બનાવેલી લૂમની કિંમત વધીને ૪૧૫ રૂપિયા પહોંચી ગઈ હતી. તેઓ સમજાવે છે, “અમે મહિનામાં ઓછામાં ઓછી ચાર હેન્ડલૂમ બનાવતા હતા. તે ક્યારેય એક આખા એકમ તરીકે વેચાતી ન હતી. અમે તેના વિવિધ ભાગોને બળદગાડામાં લઈ જતા અને વણકરના કારખાનામાં જઈને તેને જોડી આપતા.”
ટૂંક સમયમાં, બાપુએ ડૉબી (મરાઠીમાં ડાબી) બનાવતા શીખી લીધું, જેને લૂમની ટોચ પર બહારથી જોડવામાં આવતી હતી. આ ડાબી કાપડ જ્યારે વણાઈ રહ્યું હોય ત્યારે તેના પર જટિલ ડિઝાઈન અને પેટર્ન બનાવવામાં ઉપયોગી સાબિત થતી. તેમને તેમની પ્રથમ સાગવાન (સાગનું લાકડું) ની ડાબી બનાવવામાં ત્રણ દિવસમાં ૩૦ કલાક કરતા પણ વધુ સમય લાગ્યો હતો. તેઓ યાદ કરીને કહે છે, “મેં તેની ગુણવત્તા તપાસવા માટે તેને રેન્દલના એક વણકર, લિંગપ્પા મહાજનને મફતમાં આપી દીધી હતી.”
૧૦ કિલો વજન ધરાવતી અને એકાદ ફૂટ જેટલી ઉંચાઈ વાળી આવી એક ડાબી બનાવવા માટે બે કારીગરોએ બે દિવસ સુધી કામ કરવું પડતું હતું; બાપુએ એક દાયકામાં આવી ૮૦૦ ડાબીઓ બનાવી હતી. તેઓ કહે છે, “૧૯૫૦ના દાયકામાં જે ડાબી ૧૮ રૂપિયામાં વેચાતી હતી, તે ૧૯૬૦માં ૩૫ રૂપિયામાં વેચાવા લાગી.”
વસંત નામના એક વણકર કહે છે કે ૧૯૫૦ના દાયકાના અંતમાં રેન્દલમાં લગભગ ૫,૦૦૦ જેટલા હેન્ડલૂમ હતા. તેઓ ૧૯૬૦ના દાયકામાં એક અઠવાડિયામાં ૧૫ થી વધુ સાડીઓ વણતા હતા એ સમયને યાદ કરીને કહે છે, “નૌવારી [નવ ગજની] સાડીઓ આ લૂમ પર બનાવવામાં આવતી હતી.”
હેન્ડલૂમ મુખ્યત્વે સાગવાન (સાગનું લાકડું) માંથી બનાવવામાં આવતાં હતાં. વેપારીઓ કર્ણાટકના દાંડેલી શહેરમાંથી લાકડું લાવીને ઇચલકરંજીમાં વેચતા હતા. એક તરફી મુસાફરીમાં ત્રણ કલાક થતા હતા, બાપુ કહે છે, “મહિનામાં બે વાર અમે બળદગાડું લઈને જતા અને તેને ઇચલકરંજી [રેન્દલ] માં લાવતા.”
બાપુ એક ઘનફૂટના ૭ રૂપિયા લેખે એક કિલો સાગવાન ખરીદતા, જેનો ભાવ ૧૯૬૦ના દાયકામાં વધીને ૧૮ રૂપિયા થઇ ગયો હતો અને અત્યારે તેની કિંમત ૩,૦૦૦ રૂપિયા છે. આ ઉપરાંત, સળી (લોખંડની પટ્ટી), પટ્યા (લાકડાની પ્લેટ), નટ બોલ્ટ અને સ્ક્રૂનો પણ ઉપયોગ થતો હતો. તેઓ કહે છે, “દરેક હેન્ડલૂમમાં લગભગ ૬ કિલો લોખંડ અને ૭ ઘનફૂટ સાગના લાકડાની જરૂર પડતી હતી.” ૧૯૪૦ના દાયકામાં લોખંડની કિંમત કિલો દીઠ ૭૫ પૈસા હતી.
બાપુના પરિવારે કોલ્હાપુરના હટકણંગલે તાલુકામાં અને પડોશમાં આવેલા કર્ણાટકના બેલગવી જિલ્લાના ચિકોડી તાલુકાના કરાડાગા, કોગનોલી, બોરાગાંવ ગામોમાં આવેલી તેમની હેન્ડલૂમ વેચી દીધી. આ હસ્તકલા એટલી ઝીણવટભરી હતી કે ૧૯૪૦ના દાયકાની શરૂઆતમાં આખા રેન્દલમાં ફક્ત ત્રણ જ કારીગરો - રામુ સુતાર, બાપુ બાલિસો સુતાર અને કૃષ્ણા સુતાર [બધા સંબંધીઓ] હેન્ડલૂમ બનાવતા હતા.
હેન્ડલૂમ બનાવવું એ જ્ઞાતિ આધારિત વ્યવસાય હતો જે મોટાભાગે મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે સૂચિબદ્ધ સુતાર જાતિના સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. બાપુ કહે છે, “માત્ર પંચાલ સુતાર [પેટા-જ્ઞાતિ] લોકો જ તેને બનાવતા હતા.”
તે પુરુષ પ્રધાન વ્યવસાય પણ હતો. બાપુના માતા, સ્વર્ગસ્થ સોનાબાઈ એક ખેડૂત અને ગૃહિણી હતા. તેમનાં ૬૦ વર્ષીય પત્ની લલિતા સુતાર પણ ગૃહિણી છે. વસંતનાં ૭૭ વર્ષીય પત્ની વિમલ કહે છે, “રેન્દલમાં સ્ત્રીઓ ચરખા પર દોરો ફેરવતી અને તેને સોય પર બાંધતી. પછી પુરુષો તેનો વણાટ કરતા.” ચોથી અખિલ-ભારતીય હેન્ડલૂમ ગણતરી (૨૦૧૯-૨૦) મુજબ, ભારતમાં હેન્ડલૂમ કામદારોમાં કૂલ ૨,૫૪૬,૨૮૫ સ્ત્રીઓ છે, જે કૂલ કામદારોના ૭૨.૩% થાય.
આજ દિન સુધી, બાપુ ૧૯૫૦ના દાયકાના નિષ્ણાંત કારીગરો ઉપર મોહિત છે. તેઓ કહે છે, “કોલ્હાપુર જિલ્લાના કબનુર ગામના કલ્લાપ્પા સુતારને હૈદરાબાદ અને સોલાપુરથી લૂમ બનાવવાના ઓર્ડર મળતા. તેમના ત્યાં ૯ મજૂરો કામ કરતા હતા.” એવા સમયે, કે જ્યારે આ કામમાં ફક્ત પરિવારના સભ્યો જ મદદ કરતા હતા, અને ભાગ્યે જ કોઈને ભાડેથી મજૂરો રાખવું પોસાય તેમ હતું, ત્યારે કલ્લાપ્પાના નવ મજૂરો રાખવા એ કંઈ મામૂલી વાત નથી.
બાપુ ૨*૨.૫ ફૂટના સાગના લાકડાના બોક્સ તરફ ઈશારો કરે છે, જે તેમને ખૂબ ગમે છે, જેને તેઓ તેમના કારખાનામાં લોક જ રાખે છે. તેઓ ગળગળા થઈને કહે છે, “તેમાં ૩૦ થી પણ વધારે પ્રકારના સ્પાનર્સ અને બીજા ધાતુના સાધનો છે. અન્ય લોકોને તે સામાન્ય સાધનો જેવા લાગશે, પણ મારે માટે તો તે મારી કળાની યાદગીરી છે.” બાપુ અને તેમના મોટા ભાઈ, વસંત સુતારને તેમના પિતા પાસેથી ૯૦ સ્પાનર્સ વારસમાં મળ્યા હતા.
બાપુએ તેમના જેટલા જ જૂના લાકડાના બે કબાટમાં, ફરશી ટાંકણું જેવા સાધનો, હેન્ડ પ્લેન, ઓરણી અને બ્રેસિસ, કરવત, વાઇસ અને ક્લેમ્પ્સ, મોર્ટાઇઝ છીણી, ટ્રાય સ્ક્વેર, પરંપરાગત ધાતુનું ડિવાઇડર અને હોકાયંત્ર, નિશાન લેવાનું ગેજ, નિશાન લેવાની છરી, અને અન્ય સાધનો સાચવેલા છે. તેઓ ગર્વથી કહે છે, “મને આ સાધનો મારા દાદા અને પિતા પાસેથી વારસામાં મળ્યા છે.”
બાપુને તે સમય યાદ છે જ્યારે ૧૯૫૦ના દાયકામાં રેન્દલમાં કોઈ ફોટોગ્રાફર ન હોવાથી તેઓ તેમની હસ્તકલાની યાદોને સાચવવામાં મદદ કરવા માટે કોલ્હાપુર માંથી કોઈ ફોટોગ્રાફરને આમંત્રિત કરતા. શ્યામ પાટિલ છ છબીઓ અને મુસાફરી ખર્ચ પેટે ૧૦ રૂપિયા વસુલતા. તેઓ કહે છે, “રેન્દલમાં આજે ઘણા ફોટોગ્રાફરો છે, પણ પરંપરાગત કલાકારોમાંથી એક પણ કલાકાર ફોટો પડાવવા માટે જીવિત નથી.”
*****
બાપુએ તેમની છેલ્લી હેન્ડલૂમ ૧૯૬૨માં વેચી હતી. ત્યારપછીના વર્ષો બધા લોકો માટે પડકારજનક હતા.
તે દાયકા દરમિયાન રેન્દલ પોતે પણ મોટા ફેરફારોનું સાક્ષી રહ્યું છે. સુતરાઉ સાડીઓની માંગમાં તીવ્ર ઘટાડો થયો, જેના કારણે વણકરોને શર્ટના કાપડનું વણાટ કરવાની શરૂઆત કરવાની ફરજ પડી. વસંત તાંબે કહે છે, “અમે બનાવેલી સાડીઓ સાદી હતી. સમય સાથે, આ સાડીઓમાં કંઈ નવીનતા આવી નહીં, અને છેવટે, તેની માંગ ઘટી ગઈ.”
એટલું જ નહીં. પાવરલૂમ્સ ઝડપી ઉત્પાદન, વધુ નફો અને ઓછી મજૂરીના કારણે, હેન્ડલૂમ્સની જગ્યાએ આવવા લાગ્યા. રેન્દલની લગભગ બધા હેન્ડલૂમ્સ બંધ થઇ ગઈ . આજે, માત્ર બે વણકરો, ૭૫ વર્ષીય સિરાજ મોમિન અને ૭૩ વર્ષીય બાબુલાલ મોમિન, હેન્ડલૂમનો ઉપયોગ કરે છે; તેઓ પણ તેને ટૂંક સમયમાં છોડી દેવાનું વિચારી રહ્યા છે.
બાપુ ખુશીથી કહે છે, “મને હેન્ડલૂમ બનાવવી ગમતી હતી.” અને ઉમેરે છે કે તેમણે એ દાયકા કરતા ઓછા સમયમાં ૪૦૦ થી વધુ ફ્રેમ લૂમ્સ બનાવ્યા હતા. તે બધા લૂમ્સ તેમણે હાથેથી બનાવ્યા હતા, અને અનુસરવા માટે કોઈ લેખિત સૂચનાઓ પણ ન હતી; અને તેમણે કે તેમના પિતાએ ક્યારેય પણ લૂમ્સ માટે માપ અથવા ડિઝાઇન લખી નથી. તેઓ કહે છે, “માપ દોક્યાત બસલેલી. ટોંડપથ ઝાલા હોતા [બધી ડિઝાઇન મારા મગજમાં હતી. હું દિલથી બધા માપ જાણતો હતો].”
પાવરલૂમ્સે બજાર પર કબજો જમાવ્યો ત્યારે પણ, કેટલાક વણકરો, કે જેમને પાવરલૂમ ખરીદવું પોસાય તેમ ન હતું, તેઓ સેકન્ડ હેન્ડ હેન્ડલૂમ્સ ખરીદવા લાગ્યા. ૧૯૭૦ના દાયકામાં વાપરેલા હેન્ડલૂમની કિંમત વધીને ૮૦૦ રૂપિયા પહોંચી ગઈ હતી.
બાપુ સમજાવે છે, “એ વખતે હેન્ડલૂમ બનાવનારું કોઈ ન હતું. કાચા માલના ભાવ પણ વધી ગયા હતા, તેથી [હેન્ડલૂમ બનાવવાનો] ખર્ચ વધી ગયો. તેમજ, ઘણા વણકરોએ સોલાપુર જિલ્લામાં [કાપડ ઉદ્યોગનું એક મહત્ત્વનું કેન્દ્ર] કામ કરતા વણકરોને તેમની હેન્ડલૂમ વેચી દીધી હતી.” કાચા માલનો અને પરિવહનનો ખર્ચ વધતાં, હવે હેન્ડલૂમ બનાવવું વ્યવહારુ ન હતું.
આજે હેન્ડલૂમ બનાવવા માટે કેટલો ખર્ચ થશે એમ પૂછતાં બાપુ હસી પડ્યા. ગણતરી કરતા પહેલા તેઓ દલીલ કરે છે, “હવે કોઈને હેન્ડલૂમની શું કામ જરૂર પડશે? ઓછામાં ઓછા ૫૦,૦૦૦ રૂપિયા.”
૧૯૬૦ના દાયકાની શરૂઆત સુધી, બાપુ હેન્ડલૂમ બનાવીને થતી આવકની સાથે સાથે અન્ય હેન્ડલૂમનું સમારકામ કરીને પણ રોજીરોટી કમાતા હતા, અને એક વિઝીટના ૫ રૂપિયા લેતા હતા. તેઓ યાદ કરીને કહે છે, “નુકસાન કેવું છે તેના આધારે ભાવમાં વધારો થતો.” ૧૯૬૦ના દાયકાના મધ્ય ભાગમાં જ્યારે નવા હેન્ડલૂમ બનાવવા માટેના ઓર્ડર આવવાનું બંધ થઈ ગયું, એટલે બાપુ અને તેમના ભાઈ વસંતે અન્ય રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું.
તેઓ કહે છે, “અમે કોલ્હાપુર ગયા, જ્યાં એક મિકેનિક મિત્રએ અમને ચાર દિવસમાં મોટર રિવાઇન્ડ અને રિપેર કરવાનું શીખવ્યું.” તેઓ પાવરલૂમ કેવી રીતે રિપેર કરવા તે પણ શીખ્યા. જ્યારે મોટર બળી જાય પછી તેના આર્મેચરને ફરીથી બાંધવામાં આવે છે તે પ્રક્રિયાને મોટર રિવાઇન્ડીંગ કહે છે. ૧૯૭૦ના દાયકામાં, બાપુ કર્ણાટકના બેલગવી જિલ્લાના મંગુર, જંગમવાડી અને બોરાગાંવ ગામો અને મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના રંગોલી, ઇચલકરંજી અને હુપરી સુધી મોટરો, સબમર્સિબલ પંપ અને અન્ય મશીનો રિવાઇન્ડ કરવા માટે જતા હતા. “રેન્દલમાં આ કામ ફક્ત મને અને મારા ભાઈને જ આવડતું હતું, તેથી અમને એ સમયે ઘણું કામ મળી રહેતું હતું.”
૬૦ એક વર્ષ પછી કામ મળવું મુશ્કેલ થયું હોવાથી, નબળા પડી ગયેલા બાપુ મોટરો રિપેર કરવા માટે ઇચલકરંજી અને રંગોલી ગામ (રેન્દલથી ૫.૨ કિલોમીટર દૂર) સુધી સાઇકલ લઈને જાય છે. તેમને એક મોટર રિવાઇન્ડ કરવામાં ઓછામાં ઓછા બે દિવસ લાગે છે આ કામ કરીને તેઓ મહીને ૫,૦૦૦ રૂપિયા કમાય છે. તેઓ હસીને કહે છે, “હું આઈટીઆઈ [ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો સ્નાતક] નથી. પરંતુ હું મોટરોને રિવાઇન્ડ કરી શકું છું.”
તેઓ તેમની ૨૨ ગુંઠા (૦.૫ એકર) જમીન પર શેરડી, જોંધળાની (જુવારની એક વિવિધતા), ભૂમિમુગ (મગફળી) વાવીને વધારાના પૈસા કમાતા હતા. પરંતુ તેમની વધતી ઉંમરને જોતા, તેઓ તેમના ખેતરમાં વધારે મહેનત કરી શકતા નથી. વારંવાર પૂર આવવાથી તેમની જમીનમાંથી ઊપજ અને આવક વધારે નથી થતી.
કોવિડ-૧૯ મહામારી અને લોકડાઉનના કારણે તેમના કામ અને આવક પર અસર થવાને લીધે, છેલ્લા બે વર્ષ બાપુ માટે ખાસ કરીને મુશ્કેલ રહ્યા છે. તેઓ કહે છે, “મહિનાઓ સુધી, મને એકેય ઓર્ડર મળ્યો ન હતો.” તેમના ગામમાં આઈટીઆઈ સ્નાતકો અને મિકેનિકોની વધતી જતી સંખ્યાથી પણ તેમણે સ્પર્ધાનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, “હવે મોટરોની ગુણવત્તા સારી હોય છે અને તેમને વધારે રિવાઇન્ડિંગની જરૂર રહેતી નથી.”
હેન્ડલૂમ સેક્ટરમાં પણ પરિસ્થિતિ સારી નથી દેખાતી. હેન્ડલૂમ ગણતરી ૨૦૧૯-૨૦ અનુસાર, મહારાષ્ટ્રમાં હેન્ડલૂમ કામદારોની સંખ્યા ઘટીને ૩,૫૦૯ થઇ ગઈ છે. ૧૯૮૭-૮૮ માં જ્યારે પહેલી વખત હેન્ડલૂમ ગણતરી હાથ ધરવામાં અવી હતી, ત્યારે ભારતમાં ૬૭.૩૯ લાખ હેન્ડલૂમ કામદારો હતા. ૨૦૧૯-૨૦૨૦ સુધીમાં, આ આંકડો ઘટીને ૩૫.૨૨ લાખ થઇ ગયો. ભારતમાં ડર વર્ષે સરેરાશ ૧,૦૦,૦૦૦ કરતા પણ વધારે હેન્ડલૂમ કામદારો ઘટી રહ્યા છે.
વણકરોને એકંદરે ઓછું વેતન મળે છે, હેન્ડલૂમ ગણતરીમાં જાણવા મળ્યું છે કે ભારતના ૩૧.૪૫ લાખ હેન્ડલૂમ કામદારોના પરિવારોમાંથી ૯૪,૨૦૧ પરિવારો દેવામાં દબાયેલા છે. હેન્ડલૂમ કામદારો પાસે વર્ષમાં સરેરાશ ૨૦૭ દિવસનું જ કામ હોય છે.
પાવરલૂમ્સના પ્રસાર અને હેન્ડલૂમ સેક્ટરની સતત ઉપેક્ષાએ હાથ વણાટ અને લૂમ ક્રાફ્ટિંગ બંનેને માઠી અસર કરી છે. બાપુ આ સ્થિતિ જોઈને દુઃખી છે.
તેઓ પૂછે છે, “કોઈ હાથ વણાટ શીખવા માગતું નથી. તો આ કળા કેવી રીતે ટકી શકશે? સરકારે નાના વિદ્યાર્થીઓ માટે [હેન્ડલૂમ] તાલીમ કેન્દ્રો શરૂ કરવા જોઈએ.” કમનસીબે, રેન્દલમાં કોઈએ બાપુ પાસેથી લાકડાના હેન્ડલૂમ બનાવવાની કળા શીખી નથી. ૮૨ વર્ષની વયે છ દાયકા પહેલા નાશ પામેલી હસ્તકલા સંબંધિત બધા જ જ્ઞાનના તેઓ એકમાત્ર રક્ષક છે.
હું તેમને પૂછું છું કે શું તેમને હવે કોઈ દિવસ હેન્ડલૂમ બનાવવાનું ગમશે. તેઓ કહે છે, “હેન્ડલૂમ હવે ઓછા થઇ ગયા છે, પણ પરંપરાગત લાકડાના સાધનો અને મારા હાથમાં હજુ પણ જીવ છે.” તેઓ કથ્થાઈ રંગના ડબ્બા તરફ જુએ છે અને ઉત્સાહપૂર્વક હસે છે, તેમની નજર અને યાદો તે કથ્થાઈ રંગની છાયામાં વિલીન થઈ રહી છે.
આ કથા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરોના જીવનને કંડારતી એક શ્રેણીનો ભાગ છે, અને તેને મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ