પોતાની ઓફિસમાં કર્મચારીઓના નાના બાળકો માટે આયોજિત ચિત્ર સ્પર્ધા માટે પેઈન્ટિંગ પૂરું કરવામાં તે નાનકડી સોનુને મદદ કરી રહી હતી. (સ્પર્ધાના વિષયવસ્તુ) "ધ ઈન્ડિયા ઓફ માય ડ્રીમ્સ" ("મારા સપનાનું ભારત") માટે એન્ટ્રી સબમિટ કરવાનો (પેઈન્ટિંગ મોકલવાનો) આજે છેલ્લો દિવસ હતો. સોનુનું પેઈન્ટિંગ લગભગ પૂરું થવા આવ્યું હતું. જો તેની દીકરીએ "મા, અહીં આવ ને, મારી સાથે બેસ ને, પ્લીઝ." એમ સતત વિનંતીઓ ન કરી હોત તો…આજે સવારે તે રંગો ભરવાની મનોસ્થિતિમાં નહોતી. તે કામ કરવાનો દેખાવ કરતી હતી પણ હકીકતમાં તેનું બધું ય ધ્યાન સમાચારોમાં જ હતું. તેમ છતાં આખરે અનિચ્છાએ તે તેની નાની દીકરી પાસે જઈને બેઠી.
તેણે દીકરીને ખોળામાં લીધી તે સાથે જ એ માસૂમ બાળકીના ચહેરા પર વ્હાલસોયું સ્મિત છવાઈ ગયું. સોનુએ ઉત્સાહથી પોતાના ચિત્ર તરફ ઈશારો કરતા (માને) કહ્યું, "જો!" દરમિયાન ટેલિવિઝન પર ભગવા પોશાકમાં સજ્જ એક મહિલા તેના કાનમાં નફરતનું ઝેર ઓકતી હતી. ધર્મ સંસદની એ ક્લિપ (સોશિયલ મીડિયા પર) વાયરલ થઈ હતી. તેને ખબર ન હતી કે તે બેધ્યાનપણે બેમાંથી કયું કામ કરી રહી હતી - એ મહિલાની વાત સાંભળવાનું કે પોતાની દીકરીનું પેઈન્ટિંગ જોવાનું. દીકરીના પેઈન્ટિંગમાં છ કે સાત માનવ આકૃતિઓ એક સુંદર પૃષ્ઠભૂમિ સામે ઊભી હતી. પુરૂષો, સ્ત્રીઓ અને બાળકો સાંજના ઓગળતા કેસરી આકાશ નીચે નીલમણિ શા લીલછમ ખેતરો વચ્ચે ઊભા હતા.
તેને સમજાતું નહોતું કે રંગો વધુ સંવેદનશીલ હતા કે (એ મહિલાના) શબ્દો વધુ હિંસક. પરંતુ પોતાની ભીની આંખો આ નાની, સફેદ માનવ આકૃતિઓ પર કેન્દ્રિત રાખવા તેણે ભારે જહેમત ઉઠાવી. માથે ટોપી, હિજાબ, ગળામાં ચળકતો ક્રોસ, સિંદૂરથી ભરેલી પાંથી, પાઘડી...સાથેની - એ તમામ માનવ આકૃતિઓ સ્પષ્ટપણે તેમની સંબંધિત ધાર્મિક ઓળખ છતી કરે તે રીતે ચિતરાયેલી હતી. દરેકના ચહેરા પર સાવ નિર્દોષ સ્મિત ફરકતું હતું અને દરેકે પોતાના લંબાયેલા હાથ વડે બંને બાજુએ ઊભેલી કોઈ સાવ અજાણી વ્યક્તિઓના હાથ પકડેલા હતા. આ જોઈને તેની આંખો આંસુથી ભરાઈ આવી અને આંખમાંથી આંસુ સારી પડ્યા ત્યારે કેસરી ને લીલો ને સફેદ બધા ય રંગો ધૂંધળા થઈ ગયા હોય તેવું લાગ્યું...
લડીશું, ચૂપ નહીં રહીએ અમે
હું હિંદુ છું, હિંદુ છું હું,
હા, હિંદુ છું હું, હિંસ્ર નથી હું
દેશના મોટાભાગના હિંદુઓની જેમ જ
હું પણ આતંકવાદથી ટેવાયેલી નથી.
હિંદુ છું હું,
મુસલમાન છું હું,
શીખ છું હું અને ખ્રિસ્તી પણ હું.
ભારતના બંધારણનો આધારસ્તંભ હું -
હું રાખીશ જીવંત તેને,
રાખીશ ધબકતું.
હિન્દુત્વના નામે
કટ્ટરતાવાદી સૂત્રો પોકારશો તમે
"મારો, કાપો" ની બૂમો પાડશો તમે,
એકમેકના હાથ ઝાલીશું અમે -
હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી
ગોડસેના પડછાયા પહેરી
શેરીઓમાં ફરશો
હજારોનીમાં સંખ્યા તમે,
ગાંધીની જેમ ચાલશું લાખોની સંખ્યામાં અમે.
રોકિશું તમને ત્યાં જ.
લગાવો ભલે નારા નફરતના, હિંસાના તમે
ગાઈશું બુલંદ ગીતો પ્રેમના અમે, અમે ભારતીય,
અમાનવીય, પાશવી જુસ્સાના ગુલામ તમે,
ભગવા છદ્મવેશમાં
હિંસ્ર વિચારોને ભરતા સલામ તમે.
આ દેશના હિંદુઓ, અમે
નથી ડરપોક કે નથી અણસમજુ
અમે ભગતસિંહ. અમે અશફાક.
અમે સરોજિની. અમે કસ્તુરબા.
અમે ભારતનું બંધારણ
અમે ગીતા, અમે કુરાન, અમે બાઈબલ
અને હા, અમે જ ગુરુ ગ્રંથ સાહિબ પણ.
અમે ધર્મનિરપેક્ષ.
સત્તાધીશોના પાલતુ ચમચા તમે.
રામનામની બૂમો પાડવાને
ધર્મ સમજતા હશો તમે.
માનવતાના તારણહાર અમે
લહેરાતો રાખીશું ત્રિરંગો
શાંતિના ધ્વજસ્તંભની ટોચ પર અમે.
લડીશું, એક-એક ગોડસે સામે, કરશું હરેકને મ્હાત અમે.
લડીશું, નહીં વધવા દઈએ આગળ તમને.
લડીશું. ચૂપ નહીં રહીએ અમે,
લડીશું, જીતીશું અમે.
લડીશું. ચૂપ નહીં રહીએ અમે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક