એ ચળકતા લાલ રંગથી રંગેલું છે અને એનું નામ છે: કેએફસી.
અહીંનું સ્વાદિષ્ટ ભોજન 'કેન્ટુકી'ના સ્વર્ગસ્થ કર્નલ સેન્ડર્સને આભારી નથી. એનું શ્રેય જાય છે આ એક માળનું રેસ્ટોરાં ચલાવતા કુલમોરાના 32 વર્ષના બિમન દાસને.
સત્તાવાર રીતે નટુન કુલમોરા ચાપોરી તરીકે ઓળખાતું આ ગામ આસામની માજુલી નદીના ટાપુ પર આવેલું એક ગામ છે. કુલમોરાના માત્ર 480 લોકો, જેઓ મુખ્યત્વે ખેડૂતો અને કૃષિ કામદારો છે (વસ્તીગણતરી 2011) તેઓ જ નહિ, પણ ટાપુની મુલાકાતે આવનારા પણ ઝડપી ભોજન માટે કેએફસી જ જાય છે. અહીં મળતા ભોજનને તમામ મુસાફરી માર્ગદર્શિકાઓ પર સારી ગુણવત્તાવાળું ગણાવવામાં આવ્યું છે.
2022 માં મેની ધોમધખતી બપોરે જમનારાઓ માટે પોતાનું રેસ્ટોરાં ખોલતા ખોલતા બિમન કહે છે, "મેં 2017 માં કેએફસી શરૂ કર્યું, તે વખતે હું એક લારીમાંથી એ ચલાવતો." ભોજનાલયની દિવાલો બહારથી અને અંદરથી બંને તરફ ચળકતા લાલ રંગથી રંગેલી છે. બકરીઓ, બતક અને ઢોર બહાર ભર તડકામાં આમતેમ રખડે છે.
બિમને લારીમાંથી ચાઉ મિન (સ્ટર-ફ્રાઈડ નૂડલ્સ) અને થોડી વાનગીઓ વેચવાનું શરૂ કર્યું હતું. બે વર્ષ પછી 2019માં તેમણે 10 લોકો બેસીને ખાઈ શકે તેવું રેસ્ટોરાં ખોલ્યું, જેમાં ફ્રાઈસ, બર્ગર, પિઝા, પાસ્તા, મિલ્કશેક વિગેરે પીરસવામાં આવતું હતું.
કેએફસી એ માત્ર કુલમોરાના સ્થાનિક લોકોમાં જ નહીં પરંતુ નદી પરના આ ટાપુની મુલાકાત લેતા દુનિયાભરના પ્રવાસીઓમાં પણ લોકપ્રિય છે. ગુગલ સમીક્ષાઓ પર આ કેએફસીના 4.3 સ્ટાર રેટિંગ માટે એ પ્રવાસીઓ જવાબદાર છે, આ સમીક્ષાઓમાં ત્યાંના ભોજનનો સ્વાદ કેટલો સરસ હોય છે અને એ ભોજન કેટલું તાજું હોય છે એના ભરપૂર વખાણ કરવામાં આવે છે.
તો એને ક્રિષ્ના ફ્રાઈડ ચિકન કેમ કહેવામાં આવે છે? બિમન તેનો ફોન કાઢે છે અને તેમના, તેમની પત્ની દેબજાની દાસના અને 7-8 વર્ષના એક નાનકડા છોકરાના ફોટા તરફ આંગળી ચીંધે છે. પિતા અભિમાનથી હસતાં હસતાં કહે છે, “મેં એનું નામ મારા દીકરા ક્રિષ્નાના નામ પરથી રાખ્યું છે." બિમન કહે છે એનો નાનકડો દીકરો શાળાએથી છૂટીને દરરોજ કેએફસી આવે છે અને તેના માબાપ ભૂખ્યા ગ્રાહકોને જમવાનું પીરસતા હોય ત્યારે તે એક ખૂણામાં બેસીને તેનું ઘરકામ કરે છે.
બપોરના ભોજનનો સમય છે અને બિમન ફ્રાઈસની સાથે ક્રિસ્પી ફ્રાઈડ ચિકન બર્ગર ખાવાની ભલામણ કરે છે. એ કેવી રીતે બનાવવામાં આવે છે એ પણ તેઓ અમને બતાવે છે. ત્રણ કાઉન્ટર, એક ફ્રિજ, ઓવન અને ડીપ ફ્રાયર ધરાવતી નાની જગ્યાની આસપાસ ચાલતા તેઓ કહે છે, “આખા માજુલીમાં મારું રસોડું સૌથી ચોખ્ખું હોય છે, એ રીતે લોકો મને જાણે છે." કાપેલા શાકભાજીને સરસ રીતે એકની ઉપર એક ગોઠવેલા છે, જ્યારે કેચઅપની બોટલ અને બીજી ચટણીઓ રસોડાની છાજલીઓ પર હારબંધ ગોઠવેલી છે.
બિમન ફ્રિજમાંથી મેરીનેટેડ ચિકનનું બોક્સ કાઢે છે, તેને ખીરામાં ડૂબાડે છે અને તેને તળે છે. એક તરફ કડકડતા તેલમાં એ તળાવા લાગે છે તો બીજી તરફ બિમન બનને ટોસ્ટ કરવાનું શરૂ કરે છે. તેઓ રસોઈ બનાવતા જાય છે અને વાતો કરતા જાય છે. 10 વર્ષની નાની ઉંમરે તેમણે રસોઈ બનાવવાનું શી રીતે શરૂ કર્યું તેની વાત કરતા તેઓ કહે છે: "મારી માતા સવારે કામ પર જવા નીકળી જતી હતી, તેથી મારું ખાવાનું મારે જાતે જ બનાવવું પડતું." તેમની માતા ઈલા દાસ માજુલીમાં ખેતમજૂર હતી; તેમના પિતા દિઘાલા દાસ માછલી વેચતા હતા.
બિમન કહે છે, "મા જ્યારે રાંધતી ત્યારે જોઈને જ હું દાળ, ચિકન અને માછલી કેવી રીતે બનાવવી તે શીખી ગયો હતો. મારા પડોશીઓ અને મિત્રો મારે ઘેર આવીને જમતા કારણ કે તેઓને મારી રસોઈ ખૂબ ભાવતી હતી. આનાથી મને વધુ રસોઈ કરવા માટેનું પ્રોત્સાહન મળતું."
18 વર્ષની ઉંમરે બિમને આજીવિકાની શોધમાં ઘર છોડી દીધું હતું. તેઓ એક મિત્ર સાથે ખિસ્સામાં માત્ર 1500 રુપિયા લઈને મુંબઈ પહોંચ્યા હતા. એક સંબંધીએ તેમને શહેરના એક એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં ચોકીદાર તરીકેનું કામ શોધવામાં મદદ કરી, પરંતુ તેઓ તેમાં લાંબો સમય ટકી શક્યા નહીં. “હું નોકરી પરથી ભાગી ગયો. મને આવું કરવાનું ખૂબ જ ખરાબ લાગ્યું તેથી જે સંબંધીએ મને નોકરી અપાવી હતી તેમને મેં પત્ર લખ્યો, ‘મહેરબાની કરીને મારે માટે ખોટું ન વિચારશો. મારે આ નોકરી છોડવી પડે એમ છે કારણ કે તે મારે માટે એ બરોબર નથી. મને આ નોકરીમાં કામ કર્યાનો સંતોષ મળતો નથી.''
તે પછી તેમણે મુંબઈની એક પછી એક જુદી જુદી રેસ્ટોરાંમાં થોડા થોડા વખત માટે કામ કર્યું જ્યાં તેઓ પંજાબી, ગુજરાતી, ઈન્ડો-ચાઈનીઝ અને કોન્ટિનેન્ટલ ફૂડ જેવી અનેક વાનગીઓ રાંધતા શીખ્યા. શરૂઆતનું કામ રસોઈનું મુખ્ય કામ નહોતું પણ આજુબાજુનું નાનુંમોટું કામ હતું. તેઓ કહે છે, "શરૂઆતમાં હું વાસણ માંજતો હતો અને ટેબલ તૈયાર કરતો હતો." 2010 માં બિમનને હૈદરાબાદમાં એટિકો નામની ફૂડ કોર્ટમાં કામ કરવાની તક મળી; નોકરીમાં બઢતી મળતી ગઈ અને છેવટે તેઓ અહીં મેનેજર બન્યા.
દરમિયાન તેઓ પ્રેમમાં પણ પડ્યા અને દેબાજાની સાથે લગ્ન કર્યા - જે હવે કેએફસીમાં ધંધામાં તેમની ભાગીદાર છે. તેમના નાના પિતરાઈઓ, શિવાની અને તેની બહેન, જેનું નામ પણ દેબાજાની છે, તેઓ તેમને ભોજનાલયમાં મદદ કરે છે.
હૈદરાબાદ પછી બિમને માજુલી પાછા ફરવાનું નક્કી કર્યું અને શરૂઆતમાં આસામના શિવસાગર જિલ્લામાં ડેમો બ્લોકમાં એક રેસ્ટોરાંમાં કામ કર્યું. આ બધા સમય દરમિયાન તેઓ પોતાનું એક રેસ્ટોરાં ખોલવાનું તેમનું સપનું સેવતા રહ્યા. અને તેમણે તે સપનું સાચું કરી બતાવ્યું - આજે તેઓ હકીકતમાં એક ભોજનાલય ચલાવે છે. બિમન કહે છે, "મેં [રેસ્ટોરાંની પાછળ] રસોડું બનાવ્યું છે, પરંતુ બેઠક માટેની જગ્યા મહિને 2500 રુપિયામાં ભાડે આપું છું," વિમાન કહે છે.
હું 120 રુપિયા આપીને સરસ બર્ગર અને ફ્રાઈસ ઝાપટતાં તેમની વાર્તા સાંભળું છું. તેઓ કહે છે કે ગ્રાહકોને જી કોઈ વાનગી બહુ ભાવતી હોય તો તે છે તેમના પિઝા, જેનો ભાવ છે 270 રુપિયા. સમીક્ષાઓમાં તાજગીદાયક લીંબુપાણી, મિલ્ક શેક અને વેજિટેબલ રોલનો પણ ઉલ્લેખ છે.
બિમન અને તેમનો પરિવાર કુલમોરાથી દસ કિલોમીટર દૂર સેન્સોવામાં રહે છે. તેઓ દરરોજ તેમની સ્વિફ્ટ ડિઝાયરમાં બેસીને પોતાની રેસ્ટોરાંમાં જાય છે. બિમન કહે છે, "સવારે 9 વાગે બધું સમારીને અને શાકભાજી અને ચિકન માટેની તૈયારી કરીને હું મારા દિવસની શરૂઆત કરું છું."
નસીબ સારું હોય તો તે દિવસે તેઓ 10000 રુપિયા કમાઈ શકે છે. સામાન્ય રીતે ઓક્ટોબર-ડિસેમ્બર મહિનામાં પ્રવાસી મોસમ દરમિયાન આવું બને છે. તેઓ કહે છે કે બાકીના દિવસોમાં તેઓ લગભગ 5000 રુપિયા કમાઈ લે છે.
તે જ વખતે તેમના એક નિયમિત ગ્રાહક નિકિતા ચેટર્જી તેમનો ઓર્ડર આપવા આવે છે. તેઓ એક સામાજિક કાર્યકર છે, તેઓ હજી એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા મુંબઈથી માજુલી આવ્યા છે. તેઓ કહે છે, "કેએફસી વગર મારો ઉદ્ધાર નથી. જ્યારે મેં પહેલીવાર ક્રિષ્ના ફ્રાઈડ ચિકન વિશે સાંભળ્યું ત્યારે લોકોએ કહ્યું કે માજુલીના ધોરણો પ્રમાણે એ ખૂબ સારું છે. પરંતુ જ્યારે મેં અહીં ખાધું ત્યારે મને સમજાયું કે કોઈપણ ધોરણ પ્રમાણે એ ખૂબ સારું છે.”
બિમનને જોઈને તેઓ ઉમેરે છે, “જોકે મારે કેટલીક ફરિયાદો છે. તમે બે દિવસ કેમ બંધ હતા?" તેઓ આસામના મુખ્ય તહેવાર બિહુ માટે ટાપુ ઉપર બધું જ બંધ હતું તેનો ઉલ્લેખ કરી રહ્યા છે.
બિમન મજાકમાં પૂછે છે, "છેલ્લા બે દિવસ તમે કંઈ ખાધું ખરું?"
જો તમે ક્યારેય નટુન કુલમોરા ચાપોરી ગામમાં જઈ પહોંચો તો ક્રિષ્ના ફ્રાઈડ ચિકનની મુલાકાત તો લેવી જ રહી. એ 'આંગળા ચાટતા રહી જઈએ' એટલું સરસ છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક