25 માર્ચ, 2020ના રોજ લાદવામાં આવેલ પ્રથમ કોવિડ−19 લોકડાઉન, લાખો સામાન્ય ભારતીયો માટે તકલીફનું કારણ બન્યું હતું.
“અમારી પાસે જે મુઠ્ઠીભર હતું તે પણ જતું રહ્યું.” જમ્મુમાં બાંધકામ મજૂર તરીકે કામ કરતા મોહન લાલ અને તેમનાં પત્ની નર્મદાબાઈએ લોકડાઉનની શરૂઆતમાં તેમની બચત ઘટીને 2,000 રૂપિયા થતી જોઈ. રાશન અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે તેમણે તેમના કોન્ટ્રાક્ટર પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા હતા.
ભારતના ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રની હાલતનો અહેવાલ 2020 માં નોંધવામાં આવ્યું હતું કે, એકંદરે, 2020માં એપ્રિલ અને મે મહિનામાં ભારતમાં બેરોજગારીનો દર વધીને 23 ટકા સુધી પહોંચી ગયો હતો − જે ફેબ્રુઆરી 2020ના દર કરતાં ત્રણ ગણા (7.3 ટકા) કરતાં વધુ હતો. મહામારી પહેલાં (2018−19), તે લગભગ 8.8 ટકા હતો.
લોકડાઉનના પરિણામે લાખો કામદારોએ રાતોરાત તેમની નોકરી ગુમાવી હતી; અને પરપ્રાંતિય મજૂરોએ વતન પરત ફરવાની ફરજ પડી હતી.
મહારાષ્ટ્રના બીડનાં અર્ચના માંડવે યાદ કરે છે, “અમે લોકડાઉનના એક મહિના પછી ઘરે પાછાં ફર્યાં હતાં.” આવક બંધ થઈ ગઈ હતી અને બચત પણ પૂરી થવા આવી હોવાથી , પાંચ જણના આ પરિવાર પાસે તેમના ગામમાં પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. મુસાફરી પર પ્રતિબંધ હોવાથી, તેઓ માત્ર રાત્રે જ આગળ વધી શકતાં હતાં – અને એક મોટરસાઇકલ પર ઔરંગાબાદથી 200 કિલોમીટરની મુસાફરી કરી હતી.
પારીએ ભારતમાં કામદારો પર કોવિડ−19ની અસર વિશે 200થી વધુ વાર્તાઓ બહાર પાડી છે. પારી લાઇબ્રેરી , કોવિડ−19 અને શ્રમ પરના તેના વિભાગોમાં, ભારતમાં કામદારોની સ્થિતિ અને તેઓ જે સંઘર્ષનો સામનો કરે છે તેની તપાસ કરતા સંશોધન અને અહેવાલો સાથે આ વાર્તાઓની પૂર્તિ કરે છે. આમાં સરકાર, સ્વતંત્ર સંસ્થાઓ અને યુએન એજન્સીઓના પ્રકાશનોનો સમાવેશ થાય છે.
વિશ્વ શ્રમ સંગઠન (આઈએલઓ)ના ગ્લોબલ વેજ રિપોર્ટ 2020−21માં સમગ્ર વિશ્વમાં બેરોજગારીનું અપ્રતિમ સ્તર નોંધાયું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ−19ના લીધે થયેલ કામકાજના કલાકોમાં ઘટાડો અધધ 345 મિલિયન લોકોની આખા સમયની નોકરીઓ ભરખી જવા માટે જવાબદાર હતો. આના પરિણામે વિશ્વભરમાં મજૂરોની આવકમાં 10.7 ટકાનો ઘટાડો થયો હતો.
આ દરમિયાન, ઓક્સફેમના 2021ના ધ ઇનઇક્વાલિટી વાયરસ નામના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે તેમ, વિશ્વભરના અબજોપતિઓ માટે તો જીવન ખૂબ જ સરસ રીતે પસાર થઈ રહ્યું હતું, જેમણે માર્ચ અને ડિસેમ્બર વચ્ચે તેમની સંપત્તિમાં કુલ 3.9 ટ્રિલિયન ડોલરનો વધારો જોયો હતો. વિશ્વ શ્રમ સંગઠનનો અહેવાલ આના બીજા છેડે રહેલા લોકો એટલે કે અનૌપચારિક કામદારોની દુર્દશા તરફ નિર્દેશ કરે છે, 2020માં જેમની કમાણીમાં પાંચમા ભાગનો (22.6 ટકા) ઘટાડો જોવા મળ્યો હતો.
દિલ્હીનાં એક કુંભાર શીલા દેવીએ જોયું કે તેમના પરિવારને તહેવારો દરમિયાન જે 10,000−20,000 ની કમાણી થતી હતી, તે મહામારીના શરૂઆતના મહિનાઓ દરમિયાન ઘટીને માંડ 3,000 થી 4,000 રૂપિયા થઈ ગઈ હતી. વળી ગુજરાતમાં કચ્છના કુંભાર ઈસ્માઈલ હુસૈન તો 2020માં એપ્રિલ−જૂન દરમિયાન એક ઘડો પણ વેચી શક્યા ન હતા.
મહામારી દરમિયાન તેમના કામ અને આવક પર પ્રતિકૂળ અસરના ચશ્મદીદ ગવાહ એવા તમિલનાડુના મદુરાઈના કારાગટ્ટમ કલાકાર , એમ. નલ્લુતાઈ કહે છે, “હાલ તો, હું અને મારા બે બાળકો રાશનના ચોખા અને દાળ ખાઈને જીવી રહ્યા છીએ. પરંતુ હું નથી જાણતો કે આવું કેટલા સમય સુધી ચાલશે.”
દિલ્હીમાં મહિલા ઘરેલું કામદારો પર કોવિડ−19 રાષ્ટ્રીય લોકડાઉનની અસર માં બહાર આવ્યું છે કે મે 2020માં સર્વેક્ષણ કરાયેલા 83 ટકા ઘરેલું કામદારોએ લોકડાઉન દરમિયાન આર્થિક મુશ્કેલીઓનો અનુભવ કર્યો હતો. લગભગ 14 ટકા લોકો તેમના ઘરખર્ચને પહોંચી વળવામાં અસમર્થ હતા અને તેમણે સંબંધીઓ અને પડોશીઓ પાસેથી ઉછીના પૈસા લેવા પડ્યા હતા.
પુણેમાં ઘરેલું કામદારોની પણ એવી જ હાલત હતી. અબોલી કાંબલે કહે છે, “અમે બધા માંડ માંડ અમારો ગુજારો કરી શકીએ છીએ અને ઘરેલું કામ કરીને પેટનો ખાડો ભરીએ છીએ. પણ હવે કોઈ કામ જ નથી, તો પૈસા ક્યાંથી લાવીશું?”
પાવર, પ્રોફિટ એન્ડ ધ પેન્ડેમિક નામના ઓક્સફેમના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, કોવિડ−19 પહેલાં ભારતમાં કામમાં રોકાયેલા માણસોમાં મહિલાઓનો હિસ્સો 20 ટકા હતો અને મહામારી દરમિયાન તેમની ભાગીદારીમાં 23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. તેઓ મહામારી દરમિયાન પણ ‘આવશ્યક’ કાર્યબળનો અમૂલ્ય ભાગ હતાં.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર્તા અથવા આશા એવાં શાહબાઈ ઘરત, લોકોના ઘરે ઘરે જઈને તેમની સામાન્ય ફરજ બજાવવા ઉપરાંત કોવિડ−19ના કેસો પર નજર પણ રાખતાં હતાં. જ્યારે તેમના પરિવારના સભ્યોનું વાયરસ માટેનું પરીક્ષણ સકારાત્મક આવ્યું, ત્યારે તેમણે તેમની સારવાર માટે પૈસા ચૂકવવા માટે તેમની ખેતીની જમીન અને તેમનાં ઘરેણાં સુધ્ધા વેચવાં પડ્યાં હતાં. તેમણે સતત સખત મહેનતભર્યા કામ માટે (માર્ચ 2020 અને ઓગસ્ટ 2021 વચ્ચે) માત્ર 22 ડિસ્પોઝેબલ માસ્ક અને પાંચ N95 માસ્ક જ મેળવ્યા હતા. “અમારી નોકરીમાં સંકળાયેલા જોખમને ધ્યાનમાં લઈએ, તો શું તમને લાગે છે કે અમારી નોકરીમાં અમને મળતું વળતર વાજબી છે?”
મહામારીની શરૂઆતના એક વર્ષ પછી પણ કામદારોની સ્થિતિ સંવેદનશીલ જ રહી હતી. અદ્રશ્ય નાગરિકોના અવાજ ભાગ 2: કોવિડ−19ના એક વર્ષનો અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, મહામારી પછી 73 ટકા કામદારોને સુરક્ષિત નોકરીઓ શોધવામાં મુશ્કેલી પડી રહી છે, અને 36 ટકા કામદારોના વેતનમાં ઘટાડો થયો છે.
ભારતીય સંસદે સામાજિક સુરક્ષા સંહિતા, 2020 પસાર કર્યો છે, જેનો ઉદ્દેશ્ય છે “સંગઠિત કે અસંગઠિત અથવા અન્ય કોઈપણ ક્ષેત્રોમાંના તમામ કર્મચારીઓ અને કામદારો સુધી સામાજિક સુરક્ષાનો વ્યાપ વધારવાના ધ્યેય સાથે સામાજિક સુરક્ષા સંબંધિત કાયદાઓમાં સુધારો અને મજબૂતીકરણ.” જો કે, સમગ્ર ભારતમાં કામદારો પ્રાથમિક સુવિધાઓ સુધી પહોંચ ધરાવતા નથી.
પારી લાઇબ્રેરી એ જમીન પરની પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવા અને સરકારી નીતિઓના અમલીકરણમાં રહેલી ખામીઓનું પરીક્ષણ કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા છે.
કવર અનાવરણ: સ્વદેશ શર્મા
અનુવાદક: ફૈઝ મોહંમદ