કોવિડ -૧૯ રસીનો પ્રથમ ખોરાક લેવા મહેન્દ્ર ફુટાને ૫ મેની સવારે ઘરેથી નીકળ્યો હતો ત્યારે થોડી ક્ષણો ની સફર ૧૨ દિવસ લાંબી ચાલશે એવો વિચાર પણ નહતો આવ્યો. “હું ખૂબ ઉત્સાહિત હતો” મહેન્દ્રએ કહ્યું.” પણ એ દિવસ ની ઘટના એક દુઃસ્વપ્ન માં પરિવર્તિત થઈ ગઈ.”
રસીકરણ કેન્દ્ર પર મહેન્દ્ર પોતાનો ખોરાક લે તે પહેલાં પોલીસે તેમને તાબે કરી લીધો.
મહારાષ્ટ્રના બીડ જિલ્લાના નેકનૂર ગામના રહેવાસી, મહેન્દ્ર (૪૩) સતત પ્રયત્નો કર્યા પછી કોવિન પ્લેટફોર્મ પર સમય નિશ્ચિત કરાવી શક્યા હતા. તેઓ કહે છે, “મને એક એસએમએસ મળ્યો જે સવારે ૯ થી૧૧ ની વચ્ચે [૫ મેના રોજ] નિશ્ચિત સમયની પુષ્ટિ કરતો હતો. તેને પોતાને અને કુટુંબના કેટલાક સભ્યો માટે એક સમય મળ્યો- બધાં ૪૫ વર્ષથી ઓછી ઉંમરના. “અમે અમારી પ્રથમ માત્રા મેળવવા માટે ખૂબ આતુર હતા કોવિડ -૧૯ ની બીજી લહેર ભયાવહ છે, ”મહેન્દ્ર કહે છે.
જ્યારે પરિવાર નેકનૂરથી ૨૫ કિલોમીટર દૂર બીડ શહેરના કેન્દ્રમાં પહોંચ્યો ત્યારે તેમની આશાઓ પડી ભાંગી.. કેન્દ્રમાં રસીની અછતને કારણે ૧૮-૪૪ વયના લોકોનું રસીકરણ બંધ થઈ ગયું હતું. "પોલીસ ત્યાં તૈનાત હતી," મહેન્દ્ર કહે છે. “અમે તેમને અમારી રસીકરણ ના સમય નિર્ધારિત ની પુષ્ટિ આપતો સંદેશ બતાવ્યો. પરંતુ તેઓએ ઉદ્ધાત્તાઈથી જવાબ આપ્યો.
પોલીસ અને ત્યાં હાજર લોકો વચ્ચે દલીલ થઈ જેનો જવાબ લાઠીચાર્જ થી મળ્યો અને છ લોકોને તાબે કરવામાં આવ્યા, જેમાં મહેન્દ્ર, તેનો પુત્ર પાર્થ, ભાઈ નીતિન અને એક ભાયત વિવેકનો સમાવેશ થાય છે.
કેન્દ્રમાં આવેલી કોન્સ્ટેબલ અનુરાધા ગવાણેએ નોંધાવેલ ઘટના વિષેના પ્રથમ માહિતી અહેવાલમાં (એફઆઇઆર), છ લોકો પર કતાર વિક્ષેપિત કરવાનો અને પોલીસ કર્મચારીઓ ઉપર હાથાપાઈ કરવાનો આરોપ મૂક્યો છે. એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે તેઓએ કોન્સ્ટેબલોને અપમાનિત કરીને અપશબ્દ કહ્યા અને તેમના પર હુમલો કર્યો હતો. ગેરકાયદેસર ભીડ જમા કરવી, હુલ્લડ કરાવવા, સરકારી કર્મચારીને નુકસાન પહોંચાડવા અને શાંતિનો ભંગ કરવા સહિતના અગિયાર આરોપોની સૂચિ તૈયાર કરવામાં કરવામાં આવી છે.
પરંતુ મહેન્દ્ર આ આરોપોને નકારે છે. “ત્યાં થોડી તકરાર થઈ હતી, પરંતુ પોલીસે પહેલા બળનો ઉપયોગ કર્યો હતો. તેઓએ પોલીસ ચોકીમાં પણ માર માર્યો,” તે કહે છે. તેઓ( સ્કિઝોફ્રેનિઆથી) એક માનસિક બીમારીથી પીડિત ૩૯ વર્ષીય નીતિનને પણ છોડતા ન હતા, એમ મહેન્દ્રએ ઉમેર્યું હતું. “તેઓએ તેને પણ ઢોર માર માર્યો હતો. આ ઘટના બાદથી તેવધુ હતાશા માં અટવાયો છે. અમારે તેના પર નજર રાખવી પડે છે. તેમણે જેલમાં પોતાની કાંડાની નસ કાપવાનો પ્રયાસ કર્યો હતો. "
૧૭ મેના રોજ, તેઓને જામીન પર મુક્ત કરાયા પછી, મહેન્દ્રએ મને તેની ઇજાઓની છબી બતાવી. તેઓ કહે છે કે કાળા અને વાદળી રંગના નિશાન ૫ મેના લાઠીચાર્જના હતા . "તે કહે છે," આ બધું ખૂબ જ બિનજરૂરી હતું. " "જો તેમની પાસે પૂરતી રસી ન હતી, તો શા માટે રસીકેન્દ્ર ખોલવામાં આવ્યું
૧૬મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ તબક્કાવાર રીતે શરૂ થયેલી ભારતમાં રસીકરણની પ્રક્રિયાએ કોવિડ -19 રસીકરણ જુંબેશ ને વેગમાન બનાવ્યું છે. સ્વાસ્થ્ય કર્મચારી અને સેવાકર્મી કામદારો પ્રથમ રસીકરણ કરાયા હતા.
1 માર્ચથી, 60 કે તેથી વધુ વયના દરેક રસી માટે પાત્ર બન્યા. પરંતુ સમસ્યા એપ્રિલમાં શરૂ થઈ હતી જ્યારે ૪૫ થી ૫૯ વર્ષની વયના લોકોએ રસી લેવાનું શરૂ કર્યું – રસી ની સઅછત ઊભી થઈ.
કેન્દ્ર દ્વારા રસીના આસમાન વિતરણને અછત માટે દોષિત ઠેરવતા મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન, રાજેશ ટોપે, ભારતની પ્રેસ ટ્રસ્ટ ને કહ્યું, “મહારાષ્ટ્રને ગુરુવારે [૧૮એપ્રિલ] ના રોજ ૭.૫ લાખ રસી આપવામાં આવી છે. જ્યારે ઉત્તરપ્રદેશને ૪૮ લાખ, મધ્યપ્રદેશને ૪૦ લાખ, ગુજરાતને ૩૦ લાખ અને હરિયાણાને ૨૪ લાખ ડોઝ આપવામાં આવ્યા હતા. જયારે મહારાષ્ટ્રમાં દેશના બીજા બધા રાજ્યો કરતાં સૌથી વધુ સક્રિય કેસ નોંધાયા છે અને રસીકરના કામમાં પણ એ દેશમાં મોખરે છે.
રાજ્યમાં રસીની અછત એપ્રિલ અને મે મહિના દરમિયાન યથાવત જળવાઈ રહી છે. ૧૮-૪૪ વર્ષની વયના લોકોમાટે 1 મેથી રસીઓ ઉપલબ્ધ થયાના દિવસોમાં, પ્રક્રિયા થોભાવવામાં આવી હતી. વૃદ્ધ વયના લોકોનું રસીકરણ ચાલુ રાખવા માટે, રાજ્ય સરકારે ઉપલબ્ધ રસીના જથ્થાનો ઉપયોગ કરવાનો નિર્ણય લીધો હતો.
રસીકરણની અછતને કારણે અંતરિયાળ વિસ્તારમાં રસીકરણની ગતિ સુસ્ત રહી છે.
૩૧મે સુધીમાં, લગભગ ૧૪.૪% - લગભગ ૨.૯૪ લાખ લોકોએ પોતાનો પ્રથમ ખોરાક મેળવ્યો હતો. માત્ર ૪.૫%, ૯૧૭૦૦ લોકોએ, બંને ડોઝ મેળવ્યા હતા.
બીડનો હેતુ તમામ વયના ૨૦.૪ લાખ લોકોને રસી આપવાનું છે, તેમ જિલ્લા રસીકરણ અધિકારી સંજય કદમે જણાવ્યું છે. ૩૧મે સુધીમાં, લગભગ ૧૪.૪% - લગભગ ૨.૯૪ લાખ લોકોએ પોતાનો પ્રથમ ખોરાક મેળવ્યો હતો. માત્ર ૪.૫%, ૯૧૭૦૦ લોકોએ, બંને ડોઝ મેળવ્યા હતા.
૪૫ કે તેથી વધુ વયના ૯.૧ લાખ લોકોમાંથી ૨૫.૭ % એ પ્રથમ ડોઝ મેળવ્યો છે, પરંતુ માત્ર ૭% લોકોએ જ બીજો ડોઝ મેળવ્યો છે. બીડમાં ૧૮-૪૪ વર્ષની વયના ૧૧ લાખ લોકોમાં, ફક્ત ૧૧૭૦૦ - લગભગ ૧% - 31 મે સુધીમાં તેમની પ્રથમ માત્રા મેળવી હતી.
આમ તો કોવિશિલ્ડ અને કોવાક્સિન રસી બંને મહારાષ્ટ્રમાં આપવામાં આવી રહી છે, પણ મોટાભાગના ડોઝ કોવિશિલ્ડના છે. બીડના રસીકરણ કેન્દ્રો, જે સરકાર સંચાલિત છે, રાજ્યના ક્વોટામાંથી રસી મેળવે છે અને લાભાર્થીઓને મફત આપે છે.
પરંતુ ૪૦૦ કિ.મી દૂર મુંબઈની ખાનગી હોસ્પિટલો એક માત્રા માટે ₹૮૦૦-૧૫૦૦ માંગે છે. શ્રીમંત અને શહેરી મધ્યમ વર્ગ રસી માટે તગડી રકમ ચૂકવશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે તેઓ કોવિશિલ્ડની પ્રાપ્તિ મૂળ કિંમત કરતા ૧૬-૬૬ % વધુ અને કોવાક્સિન માટે ૪ % વધુ ચૂકવે છે .
દેશમાં ઉત્પાદિત રસીઓમાં ૨૫ % ખાનગી હોસ્પિટલોને ખરીદવાની મંજૂરી આપવી એ કેન્દ્ર સરકારની નવી રાષ્ટ્રીય રસીકરણ વ્યૂહરચનાનો એક ભાગ છે , જે ૧ મેથી અમલમાં આવી હતી. ખાનગી હોસ્પિટલો દ્વારા લેવામાં આવેલા જથ્થા નો ઉપયોગ મુખ્યત્વે ૧૮-૪૪ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે.
જો કે, ભારતની સર્વોચ્ અદાલતે કેન્દ્રની રસીકરણની વ્યૂહરચના પર ભારે ટીકા કરી છે. ૨ જૂનના રોજ કોર્ટે ટિપ્પણી કરી હતી કે ખાનગી હોસ્પિટલો જેવો રાજ્યસરકાર ને મળતો ૨૫% ક્વોટા, , “અત્યંત અપ્રમાણસર છે અને અનૈતિક છે. જો રાજ્યોએ તેના મોટાભાગના લોકોને રસી આપવાનો ભાર સહન કરવો હોય તો કોર્ટે કહ્યું હતું કે, "ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ ક્વોટા ઘટાડવો પડશે."
શહેરી અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે અસમાન ઇન્ટરનેટ વપરાશને લીધે, ૧૮-૪૪ વયના લોકોનું અસમાન રસીકરણ થાય છે, જે માટે લોકો ફક્ત કોવિન પ્લેટફોર્મ દ્વારા જ નોંધાવી શકે છે. સર્વોચ્ચ અદાલતે ટકોર કરી કે: "ફક્ત ડિજિટલ પોર્ટલ પર નિર્ભર રસીકરણ નીતિ જે દેશની નોંધપાત્ર વસ્તી ગણાય એવા ૧૮-૪૪ વર્ષની વયના લોકોના; સંપૂર્ણ રસીકરણના, લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં અસમર્થ હશે."
૨૦૧૭ - ૧૮ના એક સર્વેક્ષણ અનુસાર મહારાષ્ટ્રના ફક્ત ૧૮.૫ % ગ્રામીણ ઘરોમાં કોઈ ઇન્ટરનેટ સુવિધા છે,. અને ગ્રામીણ મહારાષ્ટ્રમાં ફક્ત ૬ માંથી ૧ વ્યક્તિ "ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની ક્ષમતા "ધરાવતા હતા. સ્ત્રીઓમાં તો તે ૧૧ માં ૧ હતી.
જ્યાં ત્રીજી લહેરના વાયકા સંભળાય છે ત્યારે જો આ દરે જો રસીકરણ થાય તો માત્ર શહેરી શ્રીમંત અને મધ્યમ વર્ગના ભારતીયો સુરક્ષિત રહેશે . "પરંતુ બીડ જેવા સ્થળોએ લોકો રોગચાળાના શિકાર બની રહે એવી સંભાવના વધી જાય .” ઉસ્માનબાદ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના પૂર્વ સિવિલ સર્જન ડો. રાજકુમાર ગલાંદે જણાવ્યું છે.
ગલાન્ડેનું માનવું છે કે જો રસીકરણની પ્રક્રિયા વેગ ન પકડે તો ઘણાને જોખમ રહે. "તે ગ્રામીણ વિસ્તારોમાં વધુ આક્રમક રહી સકે કારણ કે ગ્રામીણ વિભાગમાં આરોગ્ય સુવિધા શહેરી વિસ્તારો જેટલી સારી નથી." "કોવિડ -19 ના ફેલાવાને રોકવા માટે, આપણે આપણા ગામોને રસીથી સંતુષ્ઠ કરવું જોઈએ."
સરકારી ખાતાઆની તાકીદ નથી સમજતા, જ્યારે બીડના લોકો તેને સમજી રહ્યા છે. “લોકો શરૂઆતમાં અચકાતા અને અસ્પષ્ટ હતા. “હું પણ હતો,” નેકનૂરમાં 18 એકર જમીનનો ખેડૂત 48 વર્ષીય પ્રસાદ સર્વદ્ન્યા કહે છે. "જ્યારે તમે સાંભળો છો કે તાવ અને શરીરનો દુખાવો કેવી રીતે કોવિડનું ચિહ્ન હોઈ શકે છે, અને પછી તમને ખબર પડે છે કે તમને રસી અપાવ્યા પછી તાવ આવે છે, ત્યારે તમે તે બિલકુલ ઇચ્છતા નથી."
પરંતુ જ્યારે માર્ચના અંતમાં કેસ વધવા માંડ્યા, ત્યારે લોકો ગભરાઈ ગયા, પ્રસાદ કહે છે. "હવે દરેક જણ રસી લગાવવા આતુર છે."
માર્ચના અંતમાં, જ્યારે તે તેના ગામથી પાંચ કિલોમીટર દૂર, રસીકરણ કેન્દ્ર પરગયા , ત્યારે પ્રસાદે તેમનો ડોઝ મેળવવા માટે આતુર લોકોનું ટોળું જોયું. લોકોમાં અંતર રાખવાનું તો સદંતર ભૂલાય ગયું. “કોઈ અહીં કોવિનનો ઉપયોગ જ નથી કરતું. સ્માર્ટફોનવાળા લોકોને પણ સમય નક્કી કરાવવામાં મુશ્કેલી પડે છે, ”તે કહે છે. "અમે અમારા આધાર કાર્ડ્સ સાથે કેન્દ્રમાં જઇએ છીએ અને સમય મેળવીએ છીએ."
કેટલાક કલાકોની રાહ જોયા પછી પ્રસાદને પહેલો ડોઝ મળ્યો. થોડા દિવસો પછી, તેમણે જાણ્યું કે તેમની સાથે કેન્દ્રમાં રહેલા કેટલાક લોકોને કોવિડ -19 નું સંક્રમણ થયું હતું. "મને ચિંતા થઈ," તે કહે છે. “મને તાવ હતો, પરંતુ તે રસીને કારણે થઈ શકે એવું મે વિચાર્યું અને ત્રણ દિવસ પછી ઓછો ન થયો, ત્યારે મેં મારી જાતે પરીક્ષણ કરાવ્યું. પરિણામ સકારાત્મક આવ્યું હતું. સારી વાત છે કે , હું કોઈ મુશ્કેલી વિના સ્વસ્થ થઈ ગયો. " તેમને મે મહિનાના બીજા અઠવાડિયામાં તેની બીજી રસીની માત્રા મળી.
ભીડ ન થાય તે માટે બીડના રસીકરણ કેન્દ્રો હવે દિવસમાં લગભગ ૧૦૦ - ટોકન આપી રહ્યા છે પણ એ વ્યવસ્થા ભાગ્યે જ સહાય કરે છે. ૫૫ વર્ષીય સંગીતા કાલે, જે નેખનુર ગામની પોતાની ૫ એકર જમીન માં સોયાબીન અને તુવેર ની ખેતી કરે છે કહે છે; “પહેલાં, રસીઓ માટે ભીડ એકઠી થઈ હતી. હવે તેઓ ટોકન્સ માટે થાય છે . ”તે કહે છે. “તે માત્ર એટલું જ છે કે એકવાર ટોકન વિતરિત થયા પછી લોકો વિખેરાય જાય છે. તેથી ભીડ આખો દિવસને બદલે સવારે થોડા કલાકો સુધી મર્યાદિત રહે છે. ”
સંગીતાને તેની પહેલી માત્રા લેવાની બાકી છે કારણ કે તે ડરી ગયા છે. ટોકન મેળવવા માટે તેમણે સવારે ૬ વાગ્યે કેન્દ્રમાં જવું પડશે. “ઘણા લોકો વહેલી સવારથી કતારોમાં લાગી પ્રતીક્ષા કરે છે, તે જોખમાભર્યું છે. મેં હજી સુધી મારી પ્રથમ રસી લીધી નથી કારણ પાછળથી આડઅસર ના કારણે આવતા જ્વરનો મને ભય લાગે છે.”
સંગીતાની પાડોશણ રુક્મણી શિંદે તેને કહે છે, “કંઈ નહીં થાય.” “તમને થોડો શરીરનો દુખાવો વર્તાય . પરંતુ તે પણ બધાને નથી અનુભવાતો. મને તે પણ નહોતું થયું. ”
૯૪ વર્ષના રુક્મિની સદી પૂર્ણ કરવામાં છે. જ્યારે તેણીની ઉંમર કેટલી છે એમ હું જ્યારે પૂછું ત્યારે તે મને કહે છે, “૧૦૦ માં ૬ બાકી,” તે મને કહે છે. એપ્રિલના મધ્યમાં તેણીને એમની પ્રથમ રસીની માત્રા મળી. “હવે હું મારો બીજો ડોઝ મેળવવાની રાહ જોઈ રહી છું. તેઓએ હવે બંને રસી વચ્ચેનું અંતર વધાર્યું છે,” તે મને કહે છે.
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચેનું અંતર મેના બીજા અઠવાડિયામાં ૬-૮ અઠવાડિયાથી વધારીને ૧૨-૧૬ અઠવાડિયા સુધી કરવામાં આવ્યું. કેન્દ્ર સરકારે નવા સંશોધનના આધારે નિર્ણય લીધો હતો જેમાં રસીઓ વચ્ચે લાંબા અંતરાલથી સારી અસરકારકતા જોવા મળી હતી. તે ઉત્પાદકોને અને સરકારોને રસી ઉત્પાદનમાં અને વિતરણ કરવા માટે વધુ સમય આપે છે.
પરંતુ રસીકરણની પ્રક્રિયાને વેગ આપવો જરૂરી છે, અને તે પણ જલ્દી.
બીડ જીલ્લામાં ૩૫૦ રસીકરણ કેન્દ્રો સ્થાપિત છે. એક સહાયક નર્સ દાયી, (ઑક્સિલરી નર્સ મિડવાઇફ – એએનએમ) દરેક કેન્દ્ર પર દરરોજ 300 લોકોને રસી આપે છે, એમ નામ જાહેર ન કરવાની શરતે જિલ્લા અધિકારીએ જણાવ્યું છે. તેઓ કહે છે, "જો આપણે દરેક રસીકરણ સ્થળે એક એએનએમની નિમણૂક કરીએ, તો આપણે દિવસમાં ૧.૦૫ લાખ લોકોને રસી આપી શકીએ છીએ." "પરંતુ ત્યાં પૂરતી રસીઓ નથી, તેથી અમે દરરોજ સરેરાશ ૧૦૦૦૦ નું રસીકરણ કરીએ છીએ."
અધિકારી કહે છે, '' જો આ જ રીતે ચાલુ રહેશે તો જિલ્લાની વસ્તી આવરી લેવામાં આખું વર્ષ નીકળી જશે. ' "અને ત્રીજી લહેર જાણે બારણે આવી ઊભી છે”
તા. ક: જૂન ૭ ના સંધ્યાના ૫ વાગ્યે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય રસીકરણ વ્યૂહરચનામાં ફેરફારની જાહેરાત કરી. કેન્દ્ર રાજ્યોના રસી પ્રાપ્તિનો જથ્થો સંભાળી લેશે અને હવે દેશમાં ઉત્પન્ન થતી રસીઓમાંનો ૭૫% માલ ખરીદી કરશે. ખાનગી હોસ્પિટલોને તેમાંનો ૨૫% જથ્થો આપવાનું ચાલુ રાખશે. રાજ્યો કેન્દ્ર પાસેથી રસી મેળવશે, પરંતુ વડા પ્રધાને સ્પષ્ટતા કરી ન હતી કે શું હાલના વિતરણના માપદંડ બદલાશે. બધા વયસ્કો (૧૮વર્ષ અથવા તેથી વધુ) સરકાર દ્વારા સંચાલિત કેન્દ્રો પર વિના મૂલ્યે રસી મેળવશે.જ્યારે ખાનગી હોસ્પિટલોને ફક્ત રૂ.૧૫૦ સર્વિસ ચાર્જ ઉમેરીને રસી આપવાનો આદેશ છે. નવી નિતી ૨૧ જૂનથી અમલમાં આવશે એમ વડા પ્રધાને જણાવ્યું હતું. "કોવિન પ્લેટફોર્મની પ્રશંસા થઈ રહી છે," તેમણે ઉમેર્યું.
અનુવાદ: શિલ્પા શેઠ