“જબ પ્યાર કિયા તો ડરના ક્યા… પ્યાર કિયા કોઈ ચોરી નહી… ઘૂટ ઘૂટ કર યું મરના ક્યા…”
પ્રેમમાં
વળી ડર તે
શેનો... પ્રેમ છે
કાંઈ ગુનો નથી
આ... પછી આમ
ગૂંગળાઈ મરવું
શું?
વિધી છેલ્લા કેટલાક સમયથી 60ના દાયકાની ક્લાસિક ફિલ્મ મુગલ-એ-આઝમના આ ગીતને ગણગણી રહી છે. તેઓ મધ્ય મુંબઈમાં તેમના નવા લીધેલા ભાડાના મકાનમાં છે, અને ગાતાં ગાતાં વચ્ચે અટકીને પૂછે છે, “અમે પણ કોઈ ગુનો નથી કર્યો. તો પછી અમારે શું કામ ડરીને રહેવું જોઈએ?”
તેમનો આ પ્રશ્ન પૂછવા ખાતર પૂછાયેલો પ્રશ્ન નથી, પણ એક પજવતો પ્રશ્ન છે. તેમના માટે મોતનો ડર વાસ્તવિકતા છે. જ્યારે તેઓ તે પરિવાર સામે બળવો કરીને તેઓ જેમને પ્રેમ કરતાં હતાં તે તેમની શાળાની સહપાઠી આરુષિ સાથે નાસી છૂટ્યાં ત્યારથી તેઓ તે ડરની સાથે જીવી રહ્યાં છે. તેઓ બંને એકમેકને ચાહે છે ને લગ્ન કરવા માંગે છે. પરંતુ તેમના સહજીવનનો માર્ગ લાંબો, કંટાળાજનક અને કઠોર પડકારોથી ભરપૂર છે. તેમને ડર છે કે તેમના પરિવારો, તેમના સંબંધને નહીં તો મંજૂરી આપે ન તો તેઓ આરુષિની જન્મથી આપયેલી સ્ત્રી લિંગની ઓળખ સાથેના સંઘર્ષને સમજી શકશે. આરુષિ પોતાને એક કિન્નર પુરુષ તરીકે ઓળખાવે છે, અને હવે તેઓ આરુષ નામથી ઓળખાવાનું પસંદ કરે છે.
તેઓએ વિચાર્યું હતું કે મહાનગરમાં જવાથી, તેમને તેમના પરિવારોથી આઝાદી મળશે. વિધીનો પરિવાર થાણે જિલ્લાના એક ગામમાં રહે છે, જે પડોશના પાલઘર જિલ્લામાં આવેલ આરુષના ગામથી લગભગ 20 કિલોમીટર દૂર છે. 22 વર્ષીય વિધી, મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ (ઓબીસી) તરીકે સૂચિબદ્ધ અગ્રી સમુદાયનાં છે. 23 વર્ષીય આરુષ, કણબી સમુદાયના છે, તેઓ પણ એક ઓબીસી સમાજના જ સભ્ય છે, પરંતુ તેમના ગામોના કડક જ્ઞાતિ પદાનુક્રમમાં સામાજિક રીતે તેઓ અગ્રીથી 'નીચે' છે.
તે બન્નેને મુંબઈ આવ્યાને એક વર્ષ થઈ ગયું છે; અને પરત ફરવાની તેમની કોઈ યોજના નથી. આરુષ ગામમાં તેમના પરિવાર વિષે ભાગ્યેજ વાત કરે છે, પરંતુ તેઓ કહે છે, “હું એક કાચા મકાનમાં રહેતો હતો, અને મને તે બાબતે હંમેશાં શરમ આવતી હતી. હું આને લઈને આઈ [મા] સાથે લડતો ઝઘડતો રહેતો હતો.”
આરુષનાં માતા ઇંડાની એક ફેક્ટરીમાં કામ કરે છે અને મહિને 6,000 રૂપિયા કમાય છે. આરુષ કહે છે, “બાબા [પિતા] વિષે પૂછશો જ નહીં. તેમને જે કંઈ કામ મળતું તે તેઓ કરતા હતા: સુથારીકામ, ખેતમજૂરી, વગેરે. તેઓ જેટલા પણ પૈસા કમાતા તે પીવામાં ખર્ચી નાખતા અને પછી ઘેર આવીને મમ્મીને અને મને માર મારતા હતા.” પાછળથી તેમના પિતા બીમાર પડ્યા હતા અને તેમણે કામ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમનાં માતાની કમાણી પર ગુજરાન ચલાવતા હતા. આ સમયની આસપાસ જ આરુષે શાળાના વેકેશન દરમિયાન, ઈંટોના ભઠ્ઠામાં, કારખાનાઓમાં અને મેડિકલ સ્ટોરમાં વિવિધ નોકરીઓ કરવાનું શરૂ કર્યું હતું.
*****
2014 જ્યારે તેઓ નવી શાળામાં વિધીને મળ્યા ત્યારે આરુષ આઠમા ધોરણમાં હતા. આ માધ્યમિક શાળા સુધી પહોંચવા માટે તેમણે ઘરથી ચાર કિલોમીટર ચાલીને જવું પડતું હતું. તેઓ કહે છે, “મારા ગામમાં જિલ્લા પરિષદની શાળા સાતમા ધોરણ સુધીની જ હતી, અને પછી અમારે બહાર જવું પડતું હતું.” નવી શાળામાં તેમના પ્રથમ વર્ષ દરમિયાન, તેઓ બન્નેએ એકબીજા સાથે વધુ વાતચીત નહોતી કરી. આરુષ કહે છે, “અમારે અગ્રી લોકો સાથે મેળ નહોતો. તેઓનું એક અલગ જૂથ હતું અને વિધી તેનો એક ભાગ હતી.”
જ્યારે તેઓ નવામા ધોરણમાં હતા ત્યારે તેમની મિત્રતા ખીલી ઉઠી હતી. આરુષને વિધી ગમવા લાગી હતી.
એક દિવસ, જ્યારે તેઓ રમી રહ્યાં હતાં, ત્યારે આરુષ વિધી પાસે ગયા અને તેમના કાનમાં તેમની લાગણીઓ જણાવી. તેમણે ખચકાટ સાથે વિધીને કહ્યું કે તેમને તેઓ પસંદ છે. વિધીને શું કહેવું તે ખબર ન હતી. તેઓ મૂંઝવણમાં હતાં. વિધી કહે છે, “આરુષે મને એક છોકરી સાથેના તેના ભૂતકાળના સંબંધ વિષે પણ જણાવ્યું. તે ખોટું નહોતું પરંતુ મને તે અજુગતું લાગ્યું કે તેઓ [બે છોકરીઓ] એક સાથે હતી.”
વિધી કહે છે, “પહેલાં તો મેં ‘ના’ જ કહી દીધી, પણ પછી લાંબા સમય પછી હું આખરે સહમત થઈ. મને ખબર નથી કે મેં શા માટે ‘હા’ કહ્યું હતું. તે આપોઆપ જ થઈ ગયું હતું. મને તે ગમવા લાગ્યો હતો. મારું મન સાચા કે ખોટાની ગણતરી નહોતું કરી રહ્યું.” તેઓ રાહતનો શ્વાસ લઈને આગળ કહે છે, “અમારા વર્ગમાં કોઈએ અમારા વિષે નહોતું જાણ્યું.” આરુષ ઉમેરે છે, “બાકીની દુનિયા અમને બે છોકરીઓને ખૂબ સારી સહેલીઓ તરીકે જ જોતી હતી.”
ટૂંક સમયમાં, સંબંધીઓએ તેમની મિત્રતા અને જાતિના તફાવત પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કરી દીધું. આરુષ સમજાવે છે, “અમારા લોકો [કણબી ] એક સમયે અગ્રી લોકોના ઘરોમાં કામ કરતા હતા અને તેમને નીચલી જાતિના ગણવામાં આવતા હતા. આ લાંબા સમય પહેલાંની વાત છે, પરંતુ કેટલાક લોકોના મગજમાં હજી પણ આ પ્રથા ઘર કરેલી છે.” તેઓ થોડા વર્ષો પહેલાંની એક ભયાનક ઘટના યાદ કરે છે જ્યારે તેમના ગામનું એક વિષમલૈંગિક યુગલ ભાગી ગયું હતું. તે એક કણબી અને અગ્રી સમુદાયના હતો; તેમના પરિવારજનોએ તેમનો પીછો કર્યો હતો અને તેમને માર માર્યો હતો.
શરૂઆતમાં આરુષની માતાને તેમની મિત્રતામાં કોઈ સમસ્યા હોય તેવું લાગતું ન હતું. તેઓ તે બે છોકરીઓને ગાઢ સહેલીઓ તરીકે જોતાં હતાં, પરંતુ આરુષ વારંવાર વિધીના જતો હોવાથી તેમને તેની ચિંતા હતી અને તેમણે આ મુલાકાતોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.
વિધીના પિતા ઘરના બાંધકામ માટેનો કાચો માલ પૂરો પાડનાર વેપારી તરીકે કામ કરતા હતા. વિધીની વય 13 વર્ષની હતી ત્યારે તેમનાં માતા-પિતા અલગ થઈ ગયાં હતાં અને તેમના પિતાએ ફરીથી લગ્ન કર્યું હતું. તેઓ તેમના પિતા, સાવકી મા અને ચાર ભાઈ-બહેનો – એક મોટો ભાઈ, બે બહેનો અને નાનો સાવકો ભાઈ – સાથે રહેતાં હતાં. તેમનાં સાવકી માતાને આરુષ પસંદ ન હતો અને તેમની સાથે ઘણીવાર વાદવિવાદ થતો રહેતો હતો. વિધીનો મોટો ભાઈ, જે હવે 30 વર્ષનો છે, તે ઘણીવાર તેના પિતા સાથે કામ કરતો હતો અને તેના પરિવાર પર તેનો પ્રભાવ પણ હતો. તે તેની બહેનોને માર મારતો હતો અને તેમને અપમાનિત કરતો હતો.
એ જ ભાઈ ક્યારેક જ્યારે વિધી આરુષને મળવા જાય ત્યારે વિધીને તેના ઘેર મૂકવા જતો હતો. વિધી યાદ કરીને કહે છે, “મારો ભાઈ ટીપ્પણીઓ કરતો કે તેને આરુષ ગમે છે. તે કંટાળાજનક હતું. અમને ખબર નહોતી કે શું કરવું. આરુષ ચૂપ રહ્યો અને એના પ્રયત્નોને અવગણતો રહ્યો, કે જેથી અમે મળી શકીએ.”
આખરે, વિધીના ભાઈએ પણ આરુષના ઘેર વિધીના જવા બાબતે વિરોધ કરવાનું શરૂ કર્યું. વિધી કહે છે, “મને ખબર નથી કે આરુષના સકારાત્મક પ્રતિભાવ ન આપવાના કારણે તે ગુસ્સો ભરાયો હતો કે અમારી વધતી જતી નિકટતાના કારણે.” તેની બહેન પણ તેને પૂછતી કે આરુષ આટલી બધી વાર ઘેર કેમ આવે છે અને દિવસમાં આટલી બધી વાર ફોન અને મેસેજ કેમ કરે છે.
આ સમયની આસપાસ, આરુષ તેમની લૈંગિક પસંદગી વિષે વધુ સ્પષ્ટતાથી વાત કરી અને પુરુષ શરીર ધારણ કરવાની તેમની ઈચ્છા વ્યક્ત કરવા લાગ્યા. વિધી એકમાત્ર એવી વ્યક્તિ હતી કે જેની સાથે તેઓ પોતાના વિચારો જણાવી શકતા હતા. આરુષ કહે છે, “એ વખતે મને ખબર નહોતી કે ‘કિન્નર પુરુષ’નો અર્થ શું થાય. મને મારી અંદરથી લાગવા લાગ્યું કે હું પુરુષ શરીરમાં રહેવા માંગુ છું.”
તેમને ટ્રેક પેન્ટ, કાર્ગો પેન્ટ અને ટી-શર્ટ પહેરવાનું પસંદ હતું. પુરુષો જેવા વસ્ત્રો પહેરવાના તેમના દેખીતા પ્રયાસો તેમની માતાને પરેશાન કરતા હતા અને તેઓ તેમનાં કપડાં છુપાવવા કે ફાડવાનો પ્રયાસ કરતાં હતાં. જ્યારે આરુષ એક છોકરાનો પોશાક પહેરતો હતો ત્યારે તેમનાં માતાએ તેમને માર મારવાનો અને ઠપકો આપવાનું પણ શરૂ કર્યું હતું. તેમણે આરુષને છોકરીઓનાં કપડાં આપ્યાં. આરુષ કહે છે, “મને સલવાર કમીઝ પહેરવાનું પસંદ ન હતું.” શાળા એકમાત્ર એવી જગ્યા હતી જ્યાં તે તેવાં કપડાં પહેરતા હતા, કારણ કે તે છોકરીઓ માટેનો ગણવેશ હતો. તેઓ કબૂલ કરે છે કે તેનાથી તેમને "ગૂંગળામણ" થતી હતી.
દસમા ધોરણમાં જ્યારે આરુષને માસિક સ્રાવ થયો ત્યારે તેમનાં માતાએ થોડી રાહત અનુભવી હતી, પરંતુ લાંબા સમય સુધી ટકી નહીં. લગભગ એક વર્ષ પછી, આરુષનું માસિક ચક્ર અનિયમિત થઈ ગયું હતું અને આખરે બંધ થઈ ગયું હતું. તેમનાં માતા તેમને ડૉકટરો અને ઉપચારકો પાસે લઈ ગયાં. દરેકે જુદી જુદી ગોળીઓ અને ઔષધીઓ આપી, પણ કંઈ ફેર પડ્યો નહીં.
પડોશીઓ, શિક્ષકો અને શાળાના મિત્રો તેમને ટોણા મારવા લાગ્યા. આરુષ કહે છે, “તેઓ કહેતા, ‘છોકરી જેવી બન... મર્યાદામાં રહે.’ મને પણ કહેવામાં આવ્યું કે હું હવે લગ્નની ઉંમરનો છું.” તેમને અલગ હોવાની અનુભૂતિ કરાવાતાં લોકોના વર્તનને કારણે, આરુષ હંમેશાં પોતાની જાત પર શંકા કરવા લાગ્યા. તેઓ પોતાની જાતથી હતાશ જ રહેતા. તેઓ કહે છે, “મને લાગ્યું કે મેં કંઈક ખોટું કર્યું છે.”
અગિયારમા ધોરણમાં, જ્યારે આરુષને મોબાઈલ ફોન મળ્યો, ત્યારે તેમણે લિંગપરિવર્તન શસ્ત્રક્રિયા દ્વારા સ્ત્રીમાંથી પુરુષમાં સંક્રમણ થવાની શક્યતા તપાસવામાં ઓનલાઈન કલાકો ગાળ્યા હતા. વિધી પહેલાં તો તેનાથી અચકાતી હતી. તેઓ કહે છે, “મને તે જેવો છે તેવો જ પસંદ હતો; તે શરૂઆતથી જ તેના વિષે પ્રમાણિક હતો. તે શારીરિક રીતે બદલાવા ઇચ્છતો હતો પરંતુ તેનો અર્થ એ નથી કે તેનો સ્વભાવ બદલાઈ જશે.”
*****
વિધીએ 2019માં બારમા ધોરણ પછી શાળા છોડી દીધી હતી. આરુષ, કે જેઓ પોલીસ અધિકારી બનવા માંગતા હતા, તેમણે પોલીસ ભરતી પરીક્ષાની તૈયારી કરવા માટે પાલઘરના એક કોચિંગ કેન્દ્રમાં પોતાની નોંધણી કરાવી હતી. તેમણે આરુષિ તરીકે મહિલા ઉમેદવાર તરીકે અરજી કરવાની હતી. પરંતુ 2020માં યોજાનારી પરીક્ષાઓ દેશવ્યાપી કોવિડ-19 લોકડાઉનના પગલે રદ કરવામાં આવી હતી. તેથી તેમણે પત્રવ્યવહાર અભ્યાસક્રમ દ્વારા બેચલર ઓફ આર્ટસની ડિગ્રી માટે અભ્યાસ કરવાનું નક્કી કર્યું.
આરુષ અને વિધી માટે લોકડાઉન અઘરું હતું. વિધીના ઘેર તેના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. પણ તેઓ જાણતાં હતાં કે તેઓ આરુષ સાથે રહેવા માંગે છે. ઘેરથી ભાગી જવું એ એક માત્ર વિકલ્પ દેખાતો હતો. ભૂતકાળમાં જ્યારે આરુષે વિધીને તેની સાથે ભાગી જવાનું કહ્યું હતું, ત્યારે તે સહમત નહોતી થઈ. તેઓ કહે છે, "તે બીક લાગે એવું હતું… આવી રીતે જતા રહેવું સરળ ન હતું."
લોકડાઉન પછી, આરુષે ઓગસ્ટ 2020માં એક દવાના ઉત્પાદન એકમમાં કામ કરવાનું શરૂ કર્યું અને મહિને 5,000 રૂપિયા કમાણી કરવા લાગ્યા. તેઓ કહે છે, “હું કઈ રીતે જીવવા માંગતો હતો તે કોઈ સમજી શક્યું ન હતું. તે ગૂંગળાવનારું હતું. હું જાણતો હતો કે ભાગી જવું એ જ એકમાત્ર વિકલ્પ છે.” તેમણે વિધી અને પોતાને માટે આશ્રય મેળવવા માટે ઘરેલું હિંસાનો ભોગ બનેલા લોકો સાથે કામ કરતા જૂથો અને બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ)નો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું.
કલંક અને ઉત્પીડન ઘણા કિન્નર લોકોને, ખાસ કરીને ગ્રામીણ ભારતમાં, ઘર છોડીને સુરક્ષિત જગ્યા શોધવા મજબૂર કરે છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચને 2021માં પશ્ચિમ બંગાળના કિન્નર લોકો પર કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે “પરિવારો તેમની લિંગ અભિવ્યક્તિને ઢાંકવા માટે તેમના પર દબાણ કરે છે.” અને લગભગ અડધો અડધ લોકોએ તેમના પરિવાર, મિત્રો અને સમાજના ભેદભાવપૂર્ણ વર્તનને કારણે તેમનો પરિવાર છોડી દીધો હતો.
આરુષ અને વિધીને મુંબઈ સુલભ લાગતું હતું. આરુષ ત્યાં તેની સર્જરી પણ કરાવી શકતો હતો. તેથી, માર્ચ 2021માં એક બપોરે, વિધી હોસ્પિટલ જવાના બહાને ઘેરથી નીકળી ગઈ, અને આરુષ કામ પર જવાના નામે. આ દંપતી બસ પકડવા માટે એક સામાન્ય જગ્યાએ મળ્યું હતું. આરુષ તેની કમાણીમાંથી બચાવેલા 15,000 રૂપિયા રોકડા લઈને ગયો હતો. તેની પાસે તેમનાં માની એકમાત્ર સોનાની ચેન અને તેમની કાનની બુટ્ટીઓની જોડી પણ હતી. તેમણે સોનું વેચીને 13,000 રૂપિયા મેળવ્યા હતા. તેઓ સમજાવે છે, “મને તે વેચવું સારું નહોતું લાગ્યું પરંતુ હું ચિંતિત હતો અને સલામતી માટે રોકડને હાથવગી રાખવી જરૂરી હતી. હું કોઈ જોખમ લઈ શકું તેમ ન હતો, કારણ કે અમે ઘેર પાછા ફરી શકીએ તેમ ન હતા.”
*****
મુંબઈમાં એક એનજીઓના સ્વયંસેવકો યુગલને શહેરમાં ઊર્જા ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહિલાઓ માટેના આશ્રયમાં લઈ ગયા. સ્થાનિક પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. માનવ-અધિકાર કાર્યકર્તા અને ઊર્જા ટ્રસ્ટનાં પ્રોગ્રામ મેનેજર અંકિતા કોહિરકર કહે છે, “તેઓ પુખ્ત વયના હોવાથી, પોલીસને જાણ કરવાની કોઈ કાનૂની જરૂરિયાત ન હતી. પરંતુ, કેટલીકવાર, અમુક જટિલ કેસોમાં, જેમ કે એલજીબીટીક્યુએ+, તેમનો પરિવાર તેમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી શકે છે, તેથી અમે તેમની સુરક્ષા માટે સ્થાનિક પોલીસને જાણ કરીને તેમને સાથે રાખવાનો પ્રયાસ કરીએ છીએ.”
જો કે, આ પગલાનું પરિણામ વિપરીત આવ્યું. પોલીસ મથકમાં અધિકારીઓએ તેમની પૂછપરછ શરૂ કરી દીધી. આરુષ જણાવે છે, “તેઓ અમને ગામમાં પાછા જવાનું કહેતા હતા, અને કહેતા કે આવો સંબંધ નહીં ચાલે. અને એ કે તે ખોટું હતું.” પોલીસે બંને પાત્રોના માતા-પિતાને જાણ કરી દીધી, જેઓ હજુ પણ તેમના જવાથી નારાજ હતા. ત્યાં સુધીમાં, આરુષનાં માતાએ નજીકના પોલીસ મથકમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, અને વિધીનો પરિવાર ધમકી આપવા માટે આરુષના ઘેર પણ ગયો હતો.
તે બન્ને ક્યાં છે તેની બાતમી મળતાં જ બન્નેના પરિવારો તે જ દિવસે મુંબઈ આવી પહોંચ્યા. વિધી કહે છે, “ભાઈ [મોટા ભાઈ] એ મને શાંતિથી પાછા ફરવાનું કહ્યું. મેં તેને આવો પહેલાં ક્યારેય જોયો ન હતો. આવું એટલા માટે હતું કારણ કે પોલીસ ત્યાં હાજર હતી.”
આરુષનાં માતાએ પણ તેમને પાછા ફરવા સમજાવ્યાં. આરુષ યાદ કરે છે, “પોલીસે તો તે આશ્રય કેન્દ્ર મહિલાઓ માટે યોગ્ય સ્થળ નથી તેમ કહીને મમ્મીને અમને તેમની સાથે લઈ જવા કહ્યું હતું.” સદ્દભાગ્યે, ઊર્જાના કાર્યકરોએ દરમિયાનગીરી કરી અને માતા-પિતાને દંપતીને બળજબરીથી લઈ જતાં અટકાવ્યાં. આરુષે તેની માતાનું સોનું વેચીને મેળવેલા પૈસા પણ પરત કર્યા. તેઓ કહે છે, “મને તે રાખવામાં સારું નહોતું લાગતું.”
અહીં ગામમાં, વિધીના પરિવારે આરુષ પર દેહવ્યાપારમાં સામેલ થવાનો અને વિધીને બળજબરીથી પોતાની સાથે લઈ જવાનો આરોપ લગાવ્યો. તેમના ભાઈ અને સંબંધીઓએ આરુષના પરિવારને ગંભીર પરિણામોની ધમકી આપવાનું ચાલુ રાખ્યું છે. આરુષ જણાવે છે, “તે [વિધીનો ભાઈ] પરિસ્થિતિ ઉકેલવાના બહાને મારા ભાઈને એકલા મળવાનું કહી રહ્યો છે. પણ તે નહીં જાય; કારણ કે તેઓ તેની સાથે કંઈપણ કરી શકે છે.”
*****
મધ્ય મુંબઈમાં આશ્રયસ્થાનમાં રહેતા હોવા છતાં, આરુષ અને વિધીને અસુરક્ષા અનુભવાવા લાગી. આરુષ કહે છે, “અમે કોઈના પર વિશ્વાસ કરી શકતા નથી. કોણ જાણે ગામમાંથી કોઈ ક્યારે પાછું આવી જાય.” તેથી તેઓ 10,000 રૂપિયાની ડિપોઝીટ ભરીને ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. તેઓ તેમના મકાન માટે માસિક 5,000 રૂપિયા ભાડું ચૂકવે છે. તેઓ કહે છે, “મકાનમાલિકને અમારા સંબંધોની જાણ નથી. અમારે તે છુપાવવું પડશે. અમે મકાન ખાલી કરવા નથી ઈચ્છતા.”
આરુષ હવે લિંગપરિવર્તન પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે, જેમાં શસ્ત્રક્રિયા અને તબીબી સારવારનો સમાવેશ થાય છે. આ પ્રક્રિયા, ડૉકટરો અને તેના ખર્ચ વિષેની માહિતીના તેમના એકમાત્ર સ્ત્રોત ગૂગલ અને વૉટ્સએપ પરના જૂથો છે.
તેમણે એકવાર મુંબઈની એક સરકારી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો પરંતુ તેઓ ત્યાં પાછા ગયા ન હતા. આરુષ કહે છે, “મારી મદદ કરવાને બદલે, ડૉક્ટર મને શસ્ત્રક્રિયા ન કરવા માટે સમજાવતા હતા. તેઓ સમજી શકતા ન હતા. તેમણે મારા માતા-પિતાની મંજૂરી લેવા માટે મને તેમને ફોન કરવાનું પણ કહ્યું. મને સખત ગુસ્સો આવ્યો. તેઓ મારા માટે વધુ મુશ્કેલીઓ સર્જી રહ્યા હતા.”
આરુષે હાલમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું છે. કાઉન્સેલિંગમાંથી પસાર થયા પછી, તેમને લિંગ ઉત્સાહદોષ હોવાનું નિદાન થયું - જે વ્યક્તિના જૈવિક લિંગ અને લિંગ ઓળખ વચ્ચેના મેળના અભાવના લીધે થતી તકલીફ અને અગવડતા છે. ડૉક્ટરોએ આરુષને હોર્મોન થેરાપી માટે મંજૂરી આપી. જો કે, લિંગ બદલવાની પ્રક્રિયા લાંબી અને ખર્ચાળ રહી છે.
તેમને દર 21 દિવસે અપાતાં ટેસ્ટોસ્ટેરોન ઈન્જેક્શનની કિંમત કીટ દીઠ 420 રૂપિયા છે, અને ઈન્જેક્શન આપવા માટે ડૉક્ટરનો ચાર્જ 350 રૂપિયા છે. દર પખવાડિયે લેવાની દવાઓ પાછળ 200 રૂપિયા ખર્ચ થાય છે. દર 2-3 મહિને, આરુષે હોર્મોન થેરાપીની આડ અસરોની તપાસ કરવા માટે રક્ત પરીક્ષણ કરાવવું પડે છે; આ પરીક્ષણો માટેનો કુલ ખર્ચ આશરે 5,000 રૂપિયા છે. કાઉન્સેલરનો ચાર્જ 1,500 રૂપિયા અને દરેક મુલાકાત માટે ડૉક્ટરની કન્સલ્ટેશન ફી 800-1,000 રૂપિયા જેટલી હોય છે.
જો કે, થેરાપીએ હવે પરિણામો બતાવવાનું શરૂ કર્યું છે. તેઓ કહે છે, “હું મારી અંદર બદલાવ અનુભવી શકું છું. હવે મારો અવાજ ભારે થઈ ગયો છે. હું ખુશી અનુભવું છું.” તેઓ દવાની આડઅસર સમજાવતાં કહે છે, “હું ચિડાઈ જાઉં છું અને અમુક સમયે મારો મિજાજ ગુમાવી બેસું છું.”
આરુષને ડર છે કે વિધીને તેની સાથે ભાગી આવવાનો પસ્તાવો થશે અથવા તે તેને પસંદ કરવાનું બંધ કરી દેશે. આરુષ કહે છે, “તે વધુ સારા [ઉચ્ચ જાતિના] પરિવારમાંથી આવે છે, પરંતુ તે મને ક્યારેય નીચો નથી ગણતી. તે અમારા માટે [કમાવા માટે] કામ પણ કરી રહી છે.”
આરુષમાં થયેલા વર્તણૂકીય ફેરફારોને ધ્યાનમાં લેતા, વિધી કહે છે, “ઝઘડા થયા છે, પરંતુ અમે મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠાં પણ છીએ. તેનાથી મને પણ અસર થાય છે, પણ હું તેમની સાથે છું.” તેમણે કોમ્પ્યુટર અથવા નર્સિંગમાં વ્યવસાયિક અભ્યાસક્રમ કરવાનો વિચાર છોડી દીધો છે અને તેના બદલે ઘર ચલાવવામાં મદદ કરવા માટે વિવિધ નોકરીઓ હાથ ધરી છે. તેઓ હવે દક્ષિણ ભારતીય ભોજનાલયોમાં વાસણ માંજે છે અને મહિને 10,000 રૂપિયા કમાણી કરે છે. આ આવકનો એક ભાગ આરુષની સારવારમાં જાય છે.
આરુષ એક બિલ્ડીંગમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરીને દર મહિને 11,000 રૂપિયા કમાય છે તેમાંથી બચત કરે છે. તેમના સાથીદારો તેમને એક પુરુષ તરીકે ઓળખાવે છે. તેઓ છાતી સંકોચવા માટે બાઈન્ડર પહેરે છે, જેનાથી દુ:ખાવો થાય છે.
વિધી કહે છે, “અમે બન્ને હવે સાથે ઓછો સમય વિતાવીએ છીએ, કારણ કે અમે કામે જવા માટે વહેલાં નીકળીએ છીએ. અમે કામથી થાકીને પાછાં આવીએ છીએ, અને વાવવિવાદ પણ કરીએ છીએ.”
સપ્ટેમ્બર 2022 થી ડિસેમ્બર 2022 ની વચ્ચે, આરુષે તેમની સારવાર પાછળ લગભગ 25,000 રૂપિયા ખર્ચ કર્યો છે. હોર્મોન થેરાપી સારવાર પછી, તેઓ લિંગ પરિવર્તન શસ્ત્રક્રિયા (જેને જાતિ પરિવર્તન શસ્ત્રક્રિયા અથવા એસઆરએસ તરીકે પણ ઓળખવામાં આવે છે) કરાવવા માંગે છે, જેમાં છાતી અને જનનાંગના પુનઃનિર્માણનો સમાવેશ થાય છે અને તેનો ખર્ચ 5 લાખથી 8 લાખ રૂપિયા જેટલો થશે. તેમને તે પરવડી શકે તેમ નથી, કારણ કે તેમના અને વિધી માટે અત્યારે તેમની વર્તમાન આવકમાંથી બચત કરવી મુશ્કેલ છે.
આરુષ નથી ઈચ્છતા કે શસ્ત્રક્રિયા થાય ત્યાં સુધી તેમના પરિવારને તેમની સારવાર વિષે ખબર પડે. તેમને તેમની માતા સાથે ફોન પર થયેલી લાંબી દલીલબાજી યાદ છે, જ્યારે તેમણે તેમના વાળ ટૂંકા કરાવ્યા હતા. આરુષ કહે છે, “તેમણે વિચાર્યું કે મુંબઈના લોકો મારા મગજમાં ખોટા વિચારો મૂકે છે.” તેમણે તેમને ફોસલાવીને તેમના ગામની નજીકના સ્થળની મુલાકાત લેવડાવી અને તેમને એક તાંત્રિકને મળવા લઈ ગયાં. આરુષ કહે છે, “તે માણસે મને મારવાનું શરૂ કર્યું, મારું માથું કૂટવા લાગ્યો, અને વારેઘડીએ કહેવા લાગ્યો કે, ‘તું છોકરી છે, છોકરો નથી.’”ગભરાયેલ આરુષ ભાગવામાં સફળ થયા હતા.
*****
આરુષ કહે છે, “જો સરકારી ડૉક્ટર સારા હોત, તો મારે મોંઘી સારવાર કરાવવાની જરૂર ન પડી હોત.” કિન્નર લોકો (અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 2019 સરકારને લિંગ પરિવર્તન શસ્ત્રક્રિયા અને હોર્મોનલ થેરાપી માટે તે પહેલાંના અને પછીના કાઉન્સેલિંગ સહિત તબીબી સંભાળની સુવિધાઓ પૂરી પાડવાનો નિર્દેશ કરે છે. આ કાયદો જણાવે છે કે તે માટેના ખર્ચને એક આરોગ્ય વીમા યોજના દ્વારા આવરી લેવો. તે સારવાર અને શસ્ત્રક્રિયા અટકી ના જાય માટે તેમના અધિકારનું પણ રક્ષણ કરે છે.
આ કાયદો પસાર કર્યાના થોડા સમય પછીથી, કેન્દ્રીય સામાજિક ન્યાય અને કલ્યાણ મંત્રાલયે 2022માં કિન્નર લોકો માટે ઘણી કલ્યાણકારી યોજનાઓ રજૂ કરી છે. તેમણે 2020માં કિન્નર લોકો માટે એક રાષ્ટ્રીય પોર્ટલ શરૂ કર્યું છે, જે થકી કિન્નર લોકો કોઈપણ કાર્યાલયના ધક્કા ખાધા વિના ઓળખનું પ્રમાણપત્ર અને ઓળખ કાર્ડ મેળવી શકે છે.
આરુષ, કે જેઓ ઘણી બધી યોજનાઓથી વાકેફ નથી, તેમણે ઓળખ દસ્તાવેજો માટે અરજી કરી છે. પરંતુ તેમને અત્યાર સુધી તે મળ્યા નથી. જો કે, પોર્ટલ જણાવે છે કે “જિલ્લા સત્તાવાળાઓ માટે અરજી પ્રાપ્ત થયાના 30 દિવસની અંદર કિન્નર પ્રમાણપત્રો અને આઈડી કાર્ડ જારી કરવાં ફરજિયાત છે.” 2 જાન્યુઆરી, 2023 સુધીમાં, મહારાષ્ટ્ર રાજ્યને દસ્તાવેજો માટે 2,080 અરજીઓ મળી હતી, જેમાંથી 452નો ઉકેલ બાકી છે.
આરુષને ચિંતા છે કે તેમના ઓળખ પ્રમાણપત્ર વિના તેમની બી.એ.ની પદવી આરુષિના નામથી આપવામાં આવશે અને પછી તેમણે કાગળોથી લદાયેલી એક જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. તેઓ હજુ પણ પોલીસ દળમાં જોડાવાની ઈચ્છા ધરાવે છે, પરંતુ એક પુરુષ તરીકે અને તેમની લિંગ પરિવર્તનની શસ્ત્રક્રિયા પછી. બિહારમાં પ્રથમવાર એક કિન્નર માણસને રાજ્ય પોલીસમાં ભરતી થયાના સમાચારથી તેમની આશા જાગી છે. તેમની શસ્ત્રક્રિયા માટે કામ કરતા અને બચત કરતા આરુષ કહે છે, “આ જોઈને સારું લાગે છે. હું અંદરથી આશાવાદ અનુભવું છું.”
તેઓ ઈચ્છે છે કે લોકોને સ્વીકારવાનું શીખવવામાં આવે. પછી લોકોએ અમારી જેમ પોતાનું ઘર અને ગામ છોડીને આ રીતે છુપાવાની જરૂર નહીં રહે. આરુષ કહે છે, “હું ખૂબ રડ્યો છું અને જીવવા પણ માંગતો ન હતો. અમારે શા માટે ડરમાં જીવન વિતાવવું જોઈએ? કોઈ દિવસ અમે અમારાં નામ છુપાવ્યા વિના અમારી વાર્તા કહેવા માંગીએ છીએ.”
સ્મિત સાથે વિધી કહે છે, “મુગલ-એ-આઝમનો અંત દુઃખદ હતો. અમારી સાથે એવું નહીં થાય.”
તેમની ગોપનીયતા જાળવવા માટે આરુષ અને વિધીનાં નામ બદલવામાં આવ્યાં છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ