૧૬ જૂન, ૨૦૨૨ની રાત્રે, લબા દાસ, આસામના નગાંવ ગામના અન્ય લોકોની જેમ, નનોઈ નદીના કિનારે રેતીની બોરીઓથી પાળ બાંધી રહ્યા હતા. તેમને ૪૮ કલાક પહેલા જ કહેવામાં આવ્યું હતું કે, બ્રહ્મપુત્રાની ઉપનદીનો કિનારો તૂટવાની અણી પર છે. નદીના કાંઠે વસેલા દારંગ જિલ્લાના આ ગામોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેતીની બોરીઓ પૂરી પાડવામાં આવી હતી.
બાંધના તૂટવા વિષે સિપાઝર બ્લોકમાં આવેલા નગાંવ ગામના હીરા સુબુરી નેસના રહેવાસી, લાબા કહે છે, “બાંધ [૧૭ જૂનની] સવારે ૧ વાગ્યાની આસપાસ તૂટી ગયો હતો. અમે લાચાર હતા કારણ કે તે અલગ અલગ જગ્યાઓથી તૂટી રહ્યો હતો.” એ વખતે ત્યાં છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, પણ રાજ્ય તો મહિનાની શરૂઆતથી જ દક્ષિણપશ્ચિમી ચોમાસાનો સામનો કરી રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે ૧૬-૧૮ જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં ‘અત્યંત ભારે વરસાદ’ (એક દિવસમાં ૨૪૪.૫ મીમીથી વધુ અથવા તેનાથી વધુ) ની આગાહી કરતા રેડ એલર્ટ જારી કર્યું હતું.
૧૬ જૂનની રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે, નગાંવથી એક કિલોમીટર દક્ષિણમાં આવેલા ખાસદિપિલા ગામના કાલિતાપરા નેસમાં પણ નનોઈ ઉપનદી જબરદસ્ત પ્રવાહ સાથે ધસી આવી. જયમતિ કલિતા અને તેમના પરિવારે પૂરમાં બધું ગુમાવી દીધું. તાડપત્રીથી બનાવેલા અને ટીનની છત વાળા કામચલાઉ આશ્રયની બહાર બેસીને તેઓ કહે છે, “એક ચમચી પણ બચી ન હતી. અમારું ઘર, અનાજનો ભંડાર અને ગૌશાળા જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયા.”
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પૂર અહેવાલ મુજબ, ૧૬ જૂનના વરસાદથી રાજ્યના ૨૮ જિલ્લાઓમાં લગભગ ૧૯ લાખ (૧.૯ મિલિયન) લોકો પ્રભાવિત થયા હતા. દરંગ જિલ્લો, કે જ્યાં લગભગ ૩ લાખ લોકો પ્રભાવિત થયા હતા, તે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા ત્રણ જિલ્લાઓ માંહેનો એક હતો. જ્યારે નનોઈ ઉપનદી તેના કાંઠે વહેતી થઈ ત્યારે રાજ્યની અન્ય છ નદીઓ - બેકી, માનસ, પાગલાડિયા, પુથિમરી, જિયા-ભારાલી અને બ્રહ્મપુત્રા - જોખમના નિશાનથી ઉપર વહી રહી હતી. તે પછી એક અઠવાડિયા કરતાં પણ વધુ સમય સુધી વરસાદે રાજ્યમાં તબાહી મચાવી હતી.
ટંકેશ્વર ડેકા કહે છે, “અમે ૨૦૦૨, ૨૦૦૪, અને ૨૦૧૪માં આવેલા પૂર પણ જોયા હતા, પણ આ વખતે તે વધારે ભયાનક હતું.” ટંકેશ્વર નગાંવથી ઘૂંટણ સુધીના પાણીમાં બે કિલોમીટર ચાલીને ભેરુઆદલગાંવ નજીકના હાથીમારામાં આવેલા જાહેર આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચ્યા હતા. પાલતૂ બિલાડીએ તેમને કરડ્યા બાદ તેઓ ૧૮ જૂને હડકવાની રસી લેવા માટે ત્યાં ગયા હતા.
ટંકેશ્વર સમજાવે છે, “બિલાડી ભૂખે મરી રહી હતી. કાં તે ભૂખી હતી કાં તે વરસાદના પાણીથી ડરી ગઈ હતી. તેના માલિકે તેને બે દિવસથી ખવડાવ્યું ન હતું. તેના માટે [માલિક માટે] શક્ય નહોતું કારણ કે ચારે બાજુ પાણી હતું. રસોડું, ઘર, આખું ગામ પાણીમાં હતું.” ૨૩ જૂને જ્યારે અમે તેમને મળ્યા ત્યારે ટંકેશ્વરે રસીના પાંચ ડોઝમાંથી બે ડોઝ લઇ લીધા હતા. અને ત્યારથી પૂરના પાણી નીચાણવાળા મંગલદોઈ વિસ્તાર તરફ વળ્યા છે.
ટંકેશ્વર કહે છે કે ત્યાંના બાંધને ઝાડના વધુ પડતા ફેલાયેલા મૂળ, સફેદ કીડીઓ અને ઉંદરોએ ખોખલો કરી દીધા હતા. તેઓ કહે છે, “ત્યાં એક દાયકાથી સમારકામ કરવામાં આવ્યું ન હતું. ડાંગરના ખેતરો ૨-૩ ફૂટ ઊંડા કાદવમાં ગરકાવ થઇ ગયા છે. અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને દ્હાડી પર નિર્ભર છે. તેઓ તેમના પરિવારનું ગુજરાન કઈ રીતે ચલાવશે?”
આ જ પ્રશ્નનો જવાબ આપવામાં લક્ષ્યપતિ દાસ પણ સંઘર્ષ કરી રહ્યા છે. તેમની ત્રણ વીઘા જમીન (એક એકરની નજીક) ડૂબી ગઈ છે. તેઓ ચિંતાતુર અવાજમાં કહે છે, “મારા ડાંગરના બે કાંઠા [પાંચ કાંઠા એટલે એક વીઘા] માં વાવેલા રોપા હવે માટી હેઠળ દબાઈ ગયા છે. હું ફરીથી રોપાઓ વાવી શકતો નથી.”
લક્ષ્યપતિની દીકરી અને દીકરો નગાંવથી ૧૫ કિલોમીટર દૂર આવેલી સિપાઝર કોલેજમાં ભણે છે. બાંધનું ટૂંક સમયમાં સમારકામ કરવામાં આવશે એવી આશા સાથે તેઓ કહે છે, “તેમને કૉલેજ જવા માટે દરરોજ ૨૦૦ રૂપિયાની જરૂર પડે છે. મને ખબર નથી કે અમે તે પૈસાનો બંદોબસ્ત કઈ રીતે કરી શકીશું. [પૂર] પાણી જતું રહ્યું છે, પણ જો તે ફરીથી આવશે તો શું થશે? અમે ભયભીત અને વ્યથિત છીએ.”
હીરા સુબુરીમાં સુમિત્રા દાસ કહે છે, “સફેદ દૂધીના વેલા સુકાઈ ગયા છે, અને પપૈયાના ઝાડ ઉખડી ગયા છે. અમે દૂધી અને પપૈયા ગામના અન્ય લોકોમાં વહેંચી દીધા.” તેમના પરિવારના માછલીના તળાવો પણ તળિયે ગયા છે. પૂરના પાણીમાં સડી ગયેલા ડુંગળી અને બટાકાને અલગ કરતા સૂમિત્રાના પતિ લલિત ચંદ્ર ઉમેરે છે, “મેં તળાવને વસાવવા માટે મત્સ્યબીજ પાછળ ૨,૫૦૦ રૂપિયા ખર્ચ્યા હતા. તળાવ હવે જમીનની સપાટી પર આવી ગયું છે. બધી મોટી માછલીઓ જતી રહી છે.”
સુમિત્રા અને લલિત ચંદ્ર ‘બંધક’ પદ્ધતિ હેઠળ જમીનની ખેતી કરે છે, જેમાં લણણીનો ચોથો ભાગ ભાડાના બદલામાં જમીન માલિકને આપવામાં આવે છે. તેઓ પોતાના ઉપયોગ માટે પાક ઉગાડે છે અને લલિત ક્યારેક નજીકના ખેતરોમાં મજૂરી પણ કરે છે. સુમિત્રા કહે છે, “ખેતરોને ફરીથી ખેતી માટે તૈયાર થવામાં એક દાયકાનો સમય લાગશે. પૂર પછી પરિવારની આઠ બકરીઓ અને ૨૬ બતક માટે ચારો શોધવો એ પણ એક સમસ્યા હતી.”
હવે આ પરિવારે તેમના પુત્ર લબાકુશ દાસ કે જેઓ નગાંવથી ૭-૮ કિલોમીટરના અંતરે આવેલા નામખોલા અને લોથાપરાના બજારોમાં આવશ્યક ચીજવસ્તુઓ અને ડુંગળી અને બટાટા જેવી શાકભાજી વેચીને કમાય છે તેમની આવક પર આધાર રાખવો પડશે.
પરંતુ નુકસાન અને તકલીફો વચ્ચે, ૨૭ જૂને, સુમિત્રા અને લલિતની પુત્રી અંકિતાને ખુશીના સમાચાર મળ્યા કે તેણીએ ઉચ્ચતર માધ્યમિક (વર્ગ ૧૨) ની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો છે. જો કે તેણી આગળ અભ્યાસ કરવા ઉત્સુક છે, પરંતુ તેની માતા હવે પરિવારની આર્થિક પરિસ્થિતિને જોતા અનિશ્ચિત છે.
અંકિતાની જેમ ૧૮ વર્ષીય જુબલી ડેકા પણ આગળ ભણવા માંગે છે. જુબલી નગાંવમાં તેણીના ઘરથી લગભગ ત્રણ કિલોમીટર દૂર દિપિલા ચોકમાં આવેલ એનઆરડીએસ જુનિયર કૉલેજમાં ભણે છે, અને તેણીએ પણ ઉચ્ચતર માધ્યમિકની પરીક્ષામાં ૭૫% મેળવ્યા હતા. આસપાસના વિનાશને જોતા, તેણીને ભવિષ્યની ખાતરી નથી.
નગાંવમાં પૂરથી તબાહ થયેલા તેમના ઘરની બારીમાંથી અમારી સાથે વાત કરતાં તે કહે છે, “મને કેમ્પમાં રહેવું ગમતું નથી, તેથી હું આજે અહીં આવી છું.” તેમના ચાર જણના પરિવારના બાકીના સભ્યો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત રાહત શિબિરમાં છે. જુબલી કહે છે, “તે રાત્રે, અમે નક્કી કરી શક્યા નહોતા કે ક્યાં જવું, શું લેવું.” તેમનું ઘર પૂરમાં ડૂબી જાય એ પહેલાં તેઓએ કૉલેજ બેગ પેક કરી દીધી હતી.
વરસાદ વરસ્યો તે ૧૦ દિવસ દરમિયાન, ૨૩ વર્ષીય દીપાંકર દાસ નગાંવમાં તેમની ચાની લારી ખોલી શક્યા ન હતા. તેઓ સામાન્ય રીતે દિવસના ૩૦૦ રૂપિયા કમાતા હતા, પણ પૂર પછી ધંધો હજુ પહેલાં જેવો નથી થયો. જ્યારે અમે ૨૩ જૂને તેમને મળવા ગયા, ત્યારે તેમની દુકાનમાં ફક્ત એક જ ગ્રાહક હતો જે પલાળેલી મગની દાળ અને સિગારેટ લેવા આવ્યો હતો.
દિપાંકરના પરિવાર પાસે કોઈ જમીનની માલિકી નથી. તેઓ રોજીરોટી માટે તેમના સ્ટોલમાંથી થતી કમાણી અને તેમના ૪૯ વર્ષીય પિતા સતરામ દાસને પ્રસંગોપાત મળતી મજૂરી પર આધાર રાખે છે. દીપાંકર કહે છે, “અમારું ઘર હજી રહેવા લાયક નથી, તે ઘૂંટણ સુધી કાદવમાં છે. તેઓ કહે છે કે તેમના અડધા પાકા મકાનને મોટા સમારકામની જરૂર છે, જેના માટે પરિવારને ૧ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.
ગૌહાટી થી કોવિડ લોકડાઉન દરમિયાન નગાંવ પાછા ફરેલા દીપાંકર કહે છે, “જો સરકારે પૂર પહેલાં પગલાં લીધાં હોત તો આ આપત્તિને ટાળવી શક્ય બની હોત.” દીપાંકર ગૌહાટી માં એક લોકપ્રિય બેકરી ચેઇન માટે કામ કરતા હતા. “તેઓ [જિલ્લા વહીવટીતંત્ર] જ્યારે બાંધ તૂટવાનો હતો ત્યારે શા માટે આવ્યા? તેમણે વરસાદની મોસમ શરૂ થઇ એ પહેલા આવવું જોઈતું હતું.”
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ૧૬ જૂનના વરસાદથી ૨૮ જિલ્લાઓમાં લગભગ ૧૯ લાખ લોકો પ્રભાવિત થયા હતા
આ દરમિયાન, જાહેર આરોગ્ય ઈજનેરી વિભાગના ખલાસી કર્મચારી દિલીપ કુમાર ડેકા અમને એક યાદી બતાવે છે જેમાં દર્શાવ્યું છે કે તેમનો વિભાગ હવે ગામમાં ક્યાં ટ્યુબવેલ લગાવશે. પૂર દરમિયાન લોકોને બચાવવાના એક માપદંડ તરીકે ઊંચી જમીન પર બાંધવામાં આવેલા ટ્યુબવેલ પૂર દરમિયાન લોકોને પીવાનું પાણી સુલભ બનાવે છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પૂર પછી તેમના વિભાગે પ્રક્રિયામાં વિલંબ કેમ કર્યો, તો તેમણે સીધેસીધું કહ્યું, “અમે ફક્ત ઉપરના આદેશોનું પાલન કરીએ છીએ.” દારંગ જિલ્લાના બ્યાસપારા ગામમાં દિલીપનું ઘર પણ પાણીમાં ગરકાવ થયું હતું. ૨૨ જૂન સુધીમાં, જિલ્લામાં મહિનાની શરૂઆતથી સામાન્ય કરતાં ૭૯% વધુ વરસાદ થયો હતો.
જયમતિ કહે છે, “ગઈકાલે [૨૨ જૂનના રોજ] વહીવટીતંત્રએ પાણીના પૅકેટ્સનું વિતરણ કર્યું હતું, પરંતુ આજે અમારી પાસે [પીવા માટે] પાણીનું ટીપું ય નથી.” જયમતિના પતિ અને મોટા પુત્રને કૂતરું કરડ્યું હતું અને તે બંને હડકવાની રસી લેવા માટે ગયા હતા.
જ્યારે અમે નગાંવથી નીકળી રહ્યા હતા, ત્યારે લલિત ચંદ્ર અને સુમિત્રા અમને વિદાય કરવા માટે તેમના પૂરગ્રસ્ત ઘરની બહાર આવ્યા. અને લલિત ચંદ્રાએ કહ્યું: “લોકો આવે છે, અમને રાહત પેકેટો આપે છે અને જતા રહે છે. કોઈ અમારી સાથે બેસીને વાત કરતું નથી.”
અનુવાદક: ફૈઝ મોહંમદ