દેખતી રીતે જ પરેશાન સંજય પેન્ડે કહે છે, “[1994ના] પ્લેગ દરમિયાન, [2006માં] ચિકનગુનિયાનો રોગચાળો ફાટી નીકળ્યો તે દરમિયાન કે પછી [1993ના] ભૂકંપ દરમિયાન ક્યારે ય પણ આ મંદિર બંધ રહ્યું ન હતું. ઇતિહાસમાં આ પહેલી જ વાર આપણે આવી ઘટનાના સાક્ષી થઈ રહ્યા છીએ. તેઓ દક્ષિણ મહારાષ્ટ્રના તુળજાપુર શહેરમાં તુળજા ભવાની દેવીના મંદિરના મુખ્ય પૂજારીઓમાંના એક છે.
કોવિડ -19ના ફેલાવાને રોકવા માટે રાજ્યના લોકડાઉન ભાગ રૂપે, મંદિરે 17મી માર્ચ, મંગળવારે ભક્તો માટે તેના દ્વાર બંધ કર્યા. અહીંના લોકોને હજી આ વાત માન્યામાં આવતી નથી. 38 વર્ષના પેન્ડે કહે છે, “આ તે કેવો રોગ છે? પરપ્રાંતના ભક્તો અહીં આવી રહ્યા છે, પરંતુ તેઓએ મંદિરની બહારથી જ દર્શન કરી સંતોષ માનવો પડે છે. તે પણ પોલીસ સાથે સંઘર્ષમાં ઉતર્યા પછી.” તેમની આ ચિંતાનું એક કારણ રોજની 10-15 વિશેષ પૂજા કરાવવાથી તેમને થતી કમાણી હાલ ગુમાવવી પડે છે તે છે. પેન્ડેનો અંદાજ પ્રમાણે તુલજાપુરમાં 5,000થી વધુ પુજારીઓ છે જેઓ મંદિરને લગતી પ્રવૃત્તિઓથી થતી કમાણી પર આધાર રાખે છે.
12મી સદીનું હોવાનું મનાતું એક ટેકરી પર આવેલું મંદિર મરાઠાવાડા ક્ષેત્રના ઓસ્માનાબાદ જિલ્લાના 34,000ની વસ્તી (2011ની વસ્તીગણતરી મુજબ) ધરાવતા આ શહેરની અર્થવ્યવસ્થાના કેન્દ્રમાં છે. દેવી તુળજા ભવાનીને મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોના ઘણા પરિવારોની કુળદેવી ગણાય છે અને રાજ્યના તીર્થસ્થાનોની યાત્રાના માર્ગમાં આવતા દેવીઓને સમર્પિત/દેવીઓના મુખ્ય મંદિરોમાંનું એક છે.
પરંતુ શહેર 17મી માર્ચથી લગભગ થંભી ગયું છે. મંદિર તરફ જતી બધી સાંકડી ગલીઓ સાવ ઉજ્જડ છે. મંદિરની સામેના રસ્તા પરનું ચંપલસ્ટેન્ડ અને સામાનઘર પણ ખાલી છે.
સમગ્ર મહારાષ્ટ્રમાંથી અને પરપ્રાંતોમાંથી ભક્તોને લાવતી અને લઈ જતી ખાનગી ગાડીઓ, સહયારી ટેક્સીઓ, 'કલ્ઝર્સ’ [લેન્ડ ક્રુઝર્સ] અને ઓટોરિક્ષાઓની રોજિંદી ચહલપહલને બદલે એક ભયાવહ સ્તબ્ધતા પ્રવર્તે છે.
લગભગ બે કિલોમીટર દૂર આવેલું બસસ્ટેન્ડ પણ લગભગ શાંત છે - જ્યારે અન્ય સમયે ભક્તો અને મુલાકાતીઓના એકધાર્યા પ્રવાહને લાવવા અને લઈ જવા દર થોડી મિનિટે અંદર આવતી અને બહાર નીકળતી બસોનો ઘોંઘાટ ચાલુ જ હોય છે છે. રાજ્યના તમામ મોટા શહેરો અને નગરો તેમજ પડોશી રાજ્યો કર્ણાટક અને આંધ્રપ્રદેશ સાથે જોડાયેલું તુળજાપુર રાજ્ય પરિવહનની બસો માટે મુખ્ય બસસ્ટેન્ડ છે.
આ શહેરની 'મંદિર આધારિત અર્થવ્યવસ્થા' અને ભક્તો, પર્યટકો, પરિવહન એજન્સીઓ, વીશી ને પૂજાની વસ્તુઓ, પ્રસાદ, દેવીને અર્પણ કરેલી સાડીઓ, હલ્દી-કુમકુમ, કોડી-છીપલાં, ફોટો ફ્રેમ, ભક્તિ ગીતોની સીડી, બંગડીઓ વિગેરે વેચતી અસંખ્ય નાની દુકાનો અરસપરસ એકમેક દ્વારા ટકી રહે છે અને બદલામાં એકમેકને ટકાવે છે. અહીંના દુકાનદારોનો અંદાજ પ્રમાણે મંદિરના બે-કિલોમીટરના દાયરામાં ઓછામાં ઓછી 550 થી 600 દુકાનો આવેલી છે. વળી એવા પણ ફેરિયાઓ છે જેમનું જીવન તેમના દ્વારા ભક્તોને કરાતા દૈનિક વેચાણ પર જ ટકે છે.
આશરે અડધી દુકાનોએ 20મી માર્ચે બપોર સુધીમાં તેમના શટર પાડી દીધા હતા. બાકીના તે દિવસ માટે દુકાન બંધ કરવાની તૈયારીમાં હતી. બધા ફેરિયાઓ જતા રહયા હતા.
એક બંધ દુકાનની સામે બેઠેલી સાઈઠેક વર્ષની એક સ્ત્રી પૂછે છે, "આ કેવા પ્રકારની બીમારી છે? બધું જ બંધ છે. મંગળવારથી અહીં ખૂબ ઓછા લોકો આવ્યાં છે. તેઓ [મંદિર ટ્રસ્ટના કાર્યકરો અને પોલીસ પણ] અમને અહીં બેસવા પણ દેતા નથી. પરંતુ શું અમારે અમારા પેટ માટે કંઈ ન જોઈએ? ” (તે એટલી તો ગુસ્સામાં હતી કે તે મને પોતાનું નામ કહેવાની ના પાડે છે અને મને તેનો ફોટોગ્રાફ લેવાની મંજૂરી પણ આપતી નથી. મેં તેની પાસેથી એક ડઝન કાચની બંગડીઓ ખરીદી. તેણે બપોર પછી ઘરે જવાનું નક્કી કર્યું તે પહેલાં એ 20 રૂપિયા જ તેની આખા દિવસની કમાણી હતી.)
તે જ્યાં બેસે છે ત્યાંથી થોડે જ દૂર બેઠેલો 60 વર્ષનો સુરેશ સૂર્યવંશી કહે છે, “અમે માર્ચથી મે મહિના સુધીના ઉનાળાના મહિનાઓની રાહ જોતા હતા. પડવા [ગુડી પડવો,, હિન્દુ ચંદ્ર કેલેન્ડરનો પ્રથમ દિવસ] પછી રોજના સરેરાશ 30000 થી 40000 શ્રદ્ધાળુઓ આવે છે અને ચૈત્રી પૂર્ણિમા [8મી એપ્રિલ] થી ચૈત્રી યાત્રા શરૂ થાય છે. " સૂર્યવંશીની દુકાન મંદિરના મુખ્ય પ્રવેશદ્વારની બાજુમાં છે, અને તે પેંડા અને પ્રસાદની અન્ય વસ્તુઓ જેવી કે મમરા અને શેકેલા ચણા વેચે છે. તે કહે છે, “[યાત્રા દરમિયાન] શનિ-રવિમાં [ભક્તો અને મુલાકાતીઓની] સંખ્યા એક લાખની ઉપર જાય છે. હવે અમે સાંભળ્યું છે કે યાત્રા રદ થઈ છે. ઈતિહાસમાં પહેલી જ વખત.”
તેની દુકાનની બાજુમાં, અનિલ સોલાપુરેની દુકાન છે. તે ધાતુની મૂર્તિઓ, ફ્રેમ અને સુશોભનની અન્ય વસ્તુઓ વેચે છે. અને તેમાંથી આખી રાત અને સમગ દિવસ દરમ્યાન મંદિરમાં આવતા ગ્રાહકો પાસેથી તેને લાંબા સમયથી 30,000 થી 40,000 રુપિયા જેટલી સ્થિર આવક મળી રહે છે. પરંતુ તે દિવસે, બપોર સુધીમાં, તેણે એક પણ વસ્તુ વેચી નહોતી. આંખમાં આંસુ સાથે તે કહે છે, “હું આ દુકાનમાં 38 વર્ષથી કામ કરું છું. હું દરરોજ અહીં આવું છું. હું કંઈ કર્યા વિના સાવ ઘેર શી રીતે બેસી શકું? ”લોકડાઉનની અસર સાઈઠેક વર્ષના નાગુરબાઈ ગાયકવાડને પણ પહોંચી છે. તે હજી જોગવા (એક પરંપરા છે જેના દ્વારા ઉપાસકો, મોટે ભાગે સ્ત્રીઓ દર મંગળવારે અને શુક્રવારે ભિક્ષા માંગે છે અને તેમનું જીવન સંપૂર્ણપણે જે કંઈ મળે છે તેના પર જ આધારિત છે - તેઓ લોટ અને મીઠું માગે છે અને પૈસા પણ માગે છે) માગીને જ થોડુંઘણું કમાવાનો પ્રયત્ન કરે છે. ઇલેક્ટ્રિક શૉક લાગવાને કારણે વર્ષો પહેલા નાગુરબાઈની ડાબી હથેળી નકામી થઈ ગઈ અને તે દૈનિક વેતન મજૂર તરીકે કામ કરી શકતા નથી. તે કહે છે “ચૈત્રી યાત્રાએ મને ટકાવી રાખી હોત. પરંતુ હવે તો જો કોઈ મને એક કપ ચા પણ આપે તો ય હું મારી જાતને નસીબદાર માનું છું છે. ”
મંદિરની નજીકનું તુલજાપુર શહેરમાં ભરાતું સાપ્તાહિક મંગળવારનું બજાર નજીકના ગામોના 450-500થી ય વધુ ખેડુતોની આજીવિકાનું સાધન છે. બજાર હવે બંધ છે, અને ખેડૂતો, જેમાં ઘણી મહિલાઓ પણ છે તેઓ, તેમની તાજી અને જલ્દી બગડી જાય તેવી પેદાશો વેચી શકતા નથી. તેઓ તેમાંનું કેટલુંક તેમના પોતાના ગામોમાં વેચી શકશે, પરંતુ તે તેમને ટકાવી શકશે નહીં.
એક ખેડૂત અને એક શૈક્ષણિક સંસ્થામાં ડ્રાઈવર તરીકે કામ કરતો સુરેશ રોકડે કહે છે કે મરાઠાવાડામાં દ્રાક્ષની મોસમ છે, પરંતુ બજારો બંધ હોવાથી બે દિવસથી દ્રાક્ષ ચૂંટાવાનું અટકી ગયું છે. તે કહે છે, "હું આશા રાખું છું કે તેસોમવારે [23મી માર્ચે ] ખુલશે." (જો કે તે દિવસે રાજ્ય સરકાર દ્વારા વધુ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.) માર્ચ 17-18ના કલમ્બ જેવા પડોશી બ્લોકો અને મરાઠાવાડાના અન્ય જિલ્લાઓમાં વાવાઝોડા સાથે કરા પડવાથી ચિંતામાં વધારો થયો છે.
તુળજાપુરમાં હજી સુધી કોઈ કોવિડ -19ના પરીક્ષણની સુવિધા નથી, તેથી અહીં પોઝિટિવ કેસો છે કે નહિ તે અથવા તેના સંભવિત વ્યાપ વિષે વધુ જાણી શકાયું નથી. મળતા સમાચાર મુજબ રાજ્યના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સંચાલિત એક છાત્રાલયને 80 ઓરડાઓવાળી એકાન્તવાસની સુવિધામાં ફેરવી દેવામાં આવ્યું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક