વર્ગમાં બધા શાંત છે અને જીવવિજ્ઞાનના શિક્ષક રંગસૂત્રો મનુષ્યમાં જાતિ કેવી રીતે નક્કી કરે છે એ સમજાવે છે તે દરેક જણ ધ્યાનથી સાંભળે છે. શિક્ષક કહે છે, "મહિલાઓમાં બે X રંગસૂત્રો હોય છે જ્યારે પુરુષોમાં એક X અને એક Y રંગસૂત્ર હોય છે. જો XX રંગસૂત્રો Y રંગસૂત્ર સાથે જોડાય તો જન્મનારું બાળક ત્યાં બેઠેલા વિદ્યાર્થી જેવું હોય." અને તેઓ એક વિદ્યાર્થી તરફ આંગળી ચીંધે છે. એ વિદ્યાર્થી થોડા ખચકાટ સાથે ઊભો થાય છે અને આખો વર્ગ ખડખડાટ હસી પડે છે.
ટ્રાન્સ સમુદાય વિશેના નાટક સંદકારંગ (સંઘર્ષ કરવા માટે કૃતસંકલ્પ) નું આ છે પહેલું દ્રશ્ય. નાટકનો પ્રથમ ભાગ સમાજ દ્વારા માન્ય લૈંગિક ચોકઠામાં ગોઠવાઈ ન શકવા બદલ વર્ગખંડમાં બાળકનું અપમાન કરવામાં આવે છે અને તેની ઠેકડી ઉડાવવામાં આવે છે, ઉપહાસ કરવામાં આવે છે એ વિશે વાત કરે છે, જ્યારે બીજો ભાગ હિંસાનો ભોગ બનેલી ટ્રાન્સ મહિલાઓ અને ટ્રાન્સ પુરુષોના જીવનની વાત કરે છે.
ધ ટ્રાન્સ રાઇટ્સ નાઉ કલેક્ટિવ (ટીઆરએનસી) સમગ્ર ભારતમાં દલિત, બહુજન અને આદિવાસી ટ્રાન્સ લોકોનો અવાજ ઊઠાવવાનું કામ કરે છે. તેઓએ 23 મી નવેમ્બર, 2022 ના રોજ ચેન્નાઈ, તમિળનાડુમાં સંદકારંગ નાટકના પહેલા પ્રયોગની રજૂઆત કરી હતી. કલાક-લાંબા આ નાટકનું દિગ્દર્શન, નિર્માણ અને મંચન નવ ટ્રાન્સ વ્યક્તિઓના જૂથ દ્વારા કરવામાં આવે છે.
ટીઆરએનસીના સ્થાપક ગ્રેસ બાનુ કહે છે, “20 મી નવેમ્બરને મૃત્યુ પામેલ ટ્રાન્સ વ્યક્તિઓની યાદમાં ઈન્ટરનેશનલ ટ્રાન્સ ડે ઓફ રિમેમ્બરન્સ તરીકે મનાવવામાં આવે છે. ટ્રાન્સ વ્યક્તિઓનું જીવન સરળ હોતું નથી કારણ કે ઘણીવાર તેમના પરિવારો દ્વારા તેમની ઉપેક્ષા કરવામાં આવે છે અને સમાજ દ્વારા તેમને બહિષ્કૃત કરવામાં આવે છે અને કેટલાયની હત્યા કરી દેવાય છે તો કેટલાય આત્મહત્યા કરી લે છે."
એક કલાકાર અને (સામાજિક) કાર્યકર બાનુ કહે છે, “દર વર્ષે આ સંખ્યા વધી રહી છે. ટ્રાન્સ સમુદાય પર હિંસક હુમલા થાય છે ત્યારે તેની સામે કોઈ અવાજ ઉઠાવતું નથી. આપણો સમાજ આ બાબતે સંપૂર્ણ મૌન છે. આ મુદ્દે ચર્ચા શરૂ કરવાની જરૂર હતી. [નાટકનું નામ] સંદકારંગ રાખવા પાછળનું કારણ આ જ છે.”
2017 માં 'સંદકારાઈ' તરીકે આ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું અને પછીથી 2022 માં તેનું શીર્ષક બદલીને 'સંદકારંગ' રાખવામાં આવ્યું હતું. ગ્રેસ બાનુ સમજાવે છે કે, "અમે તમામ ટ્રાન્સ વ્યક્તિઓનો સમાવેશ કરવા માટે તેમાં ફેરફાર કર્યો છે." આ નાટકના નવ કલાકારો ટ્રાન્સ સમુદાયના દર્દ અને વેદના વર્ણવે છે અને એ સમુદાય પરત્વેની મૌખિક અને શારીરિક હિંસા પ્રત્યે સમાજની અજ્ઞાનતા અને મૌન અંગે સવાલ ઉઠાવે છે. સંદકારંગના લેખક અને દિગ્દર્શક નેઘા કહે છે, " ટ્રાન્સ પુરુષો અને ટ્રાન્સ મહિલાઓ એક મંચ પર એક સાથે આવ્યા હોય એવું આ પહેલી જ વાર બન્યું છે."
નેઘા ઉમેરે છે, “અમારો સંઘર્ષ હંમેશ અસ્તિત્વ માટેનો સંઘર્ષ રહ્યો છે. અમે અમારા માસિક બિલ ચૂકવવા અથવા આવશ્યક વસ્તુઓ ખરીદવા માટે સતત કામ કરીએ છીએ. આ નાટકની પટકથા પર કામ કરતી વખતે મને ખૂબ ઉત્સાહ હતો પણ સાથે સાથે ટ્રાન્સ પુરુષો અને ટ્રાન્સ મહિલાઓને ક્યારેય રંગમંચ પર કે સિનેમામાં અભિનય કરવાની તક મળતી નથી એ વિચારથી મને ગુસ્સો પણ આવતો હતો. મેં વિચાર્યું કે અમે ટકી રહેવા માટે જીવને જોખમમાં મૂકીએ છીએ, તો પછી એક નાટક બનાવવા માટે જોખમ ઉઠાવવામાં શો વાંધો છે?"
આ ફોટો સ્ટોરી ટ્રાન્સ સમુદાયના ભૂંસાઈ ગયેલા ઈતિહાસને જીવંત બનાવતી ક્ષણોને ઝીલી તેમના જીવવાના અધિકાર અને તેમના શરીર પરત્વે સન્માનનો ફરીથી દાવો કરે છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક