કમલ બરારે કહ્યું કે, "ટિકરી બોર્ડર પર રસ્તાની બંને બાજુ 50 કિલોમીટર સુધી ટ્રેકટરોની કતાર છે." તેઓ હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના તેમના ગામના 20 અન્ય ખેડૂતો સાથે 24 મી જાન્યુઆરીએ પાંચ ટ્રેક્ટર અને બે ટ્રોલી લઈને ટિકરી પહોંચ્યા હતા.
હરિયાણા-દિલ્હી સરહદ પર સ્થિત ટિકરી એ રાષ્ટ્રીય રાજધાનીની બહારના ત્રણ મુખ્ય સ્થળોમાંનું એક છે, જ્યાં 26 મી નવેમ્બર 2020 થી હજારો, લાખો ખેડૂતો સપ્ટેમ્બર 2020 માં સંસદમાં પસાર કરાયેલા કૃષિ કાયદાને રદ કરવા આંદોલન કરી રહ્યા છે.
વિરોધ પ્રદર્શનના ભાગ રૂપે ખેડૂતોએ 26 મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિને રાજધાનીમાં અભૂતપૂર્વ ટ્રેક્ટર રેલીનું આયોજન કર્યું છે.
આ રેલીમાં ભાગ લેવાનું વિચારી રહેલાઓમાં નિર્મલ સિંહ પણ છે. પંજાબના ફાઝિલ્કા જિલ્લાના અબોહર બ્લોકના તેમના ગામ વહાબવાલાથી ચાર ટ્રેકટર સાથે આવેલા નિર્મલ સિંહને ટિકરીમાં પાર્કિંગની જગ્યા શોધવા માટે ઘણા કલાકો લાગ્યા હતા. તેઓ કિસાન મઝદુર એકતા સંઘના બેનર હેઠળ વહાબવાલાના 25 લોકો સાથે આવ્યા છે. તેમણે કહ્યું કે, “હજી ઘણા લોકો આવી રહ્યા છે. તમે જોજો તો ખરા, ટ્રેક્ટરોની સંખ્યા અનેકગણી વધી જશે.કમલ બરારે ઉમેર્યું, "પરેડના દિવસે ટ્રેક્ટર દીઠ 10 લોકો ફાળવવામાં આવશે. તે એક શાંતિપૂર્ણ રેલી હશે અને અમે પોલીસ દ્વારા અપાયેલા માર્ગને અનુસરીશું. પરેડ દરમિયાન કોઈપણ દુર્ઘટના અથવા ગેરશિસ્તની ઘટના પર નજર રાખવા ખેડૂત નેતાઓના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકોની ટુકડીઓને તાલીમ અપાઈ રહી છે.
ટ્રેક્ટર પરેડ શરૂ થાય તે પહેલાં લંગરો (સામુદાયિક રસોડા) ખેડૂતોને ચા અને નાસ્તો આપશે, અને રસ્તા પર કોઈ ભોજન પીરસવામાં આવશે નહીં.
મહિલા ખેડૂતો રેલીનું નેતૃત્વ કરશે. તેઓ પરેડની તૈયારી કરી રહ્યા છે - મહિલા જૂથો ટિકરીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવી 26 મી જાન્યુઆરીની રેલી માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.
રેલીની આગેવાની કરતી મહિલાઓમાં હરિયાણાના ફતેહાબાદ જિલ્લાના જાખલ બ્લોકના એક ગામના ખેડૂત 65 વર્ષના રાજ કૌર બીબી પણ છે. તેમણે કહ્યું હતું કે, "સરકાર 26 મી [જાન્યુઆરી] એ મહિલાઓની તાકાત જોશે."
ભારતીય કિસાન યુનિયન (એકતા ઉગ્રહાન) ની આગેવાની હેઠળ આશરે 20000 ટ્રેકટરોનો કાફલો 24 મી જાન્યુઆરીની મોડી રાત્રે ટિકરી બોર્ડર પર પહોંચ્યો હતો. તેઓ પંજાબના બઠિંડા જિલ્લાની ડબવાલી અને સંગરુર જિલ્લાની ખનૌરી સીમા થઈને અહીં આવ્યા હતા.પોતાના ટ્રેક્ટર સાથે રાહ જોનારાઓમાં 60 વર્ષના જસકરન સિંહ પણ છે. તેઓ પંજાબના મનસા જિલ્લાના શેર ખાનવાલા ગામમાંથી પાંચ ટ્રેકટર પર આવેલા ખેડૂતોના જૂથ સાથે 27 મી નવેમ્બરે પહેલી વાર ટિકરી આવ્યા હતા. તેમણે કહ્યું કે, "ત્યારથી અમે અહીં બેઠા છીએ - ગેરવર્તન, ચોરી અથવા ગેરશિસ્તની કોઈ ફરિયાદ વિના."
તેઓ પંજાબના મનસા જિલ્લામાં આવેલા તેમના ગામ અને ટિકરી વિરોધ સ્થળ વચ્ચે આવ-જા કરે છે. 23 મી જાન્યુઆરીએ 10 ટ્રેક્ટર પર બીજા 25 ખેડૂતો સાથે તેઓ પાછા આવ્યા હતા. તેમણે કહ્યું કે, “26 મી જાન્યુઆરી એ ઐતિહાસિક દિવસ હશે જ્યારે દેશના અન્નદાતાઓ વિશાળ પરેડ કાઢશે. આ 'લોક આંદોલન' બની ગયું છે.”
ટિકરી ખાતે પ્રજાસત્તાક દિનની રાહ જોનારામાં 40 વર્ષના કલાકાર દેવરાજન રોય પણ છે. તેઓ ગયા અઠવાડિયે ત્રણ જણાની ટુકડી સાથે પશ્ચિમ બંગાળના હલ્દિયાથી ટ્રેનમાં મુસાફરી કરી વિરોધ સ્થળે પહોંચ્યા હતા. દેવરાજન અન્ય એક કલાકાર બીજુ થાપર સાથે સર છોટુ રામ જેવી આદરણીય ઐતિહાસિક વ્યક્તિઓના કટ-આઉટ બનાવવામાં વ્યસ્ત છે. તેમણે કહ્યું કે, “અમે ખેડૂતોને ટેકો આપવા આવ્યા છીએ. અમે અમારા પોતાના ખર્ચે આ કટ-આઉટ બનાવીએ છીએ. હું માનું છું કે કળાએ સમાજ માટે અવાજ ઊઠાવવો જોઈએ." કટ-આઉટ્સ પૈકી એક બાબા રામસિંહનું છે. તેઓ ઉપદેશક હતા. તેમણે કુંડલી બોર્ડર પર 16 મી ડિસેમ્બરે પોતાની જાતને ગોળી મારી દીધી હતી.ટિકરી ખાતેના સમર્થકોમાં પશ્ચિમ બંગાળના હલ્દિયાના અનુસ્નાતક વિદ્યાર્થીની ઈશિતા પણ છે. તેઓ ટ્રેક્ટર પર લગાવવા માટે બેનર બનાવી રહયા છે. તેમાં આ કાયદાઓ ખેડુતો અને અન્યને કેવી અસર કરશે તે દર્શાવતા ચિત્રો છે.
આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 .
મોટા નિગમોને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. તેઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે. આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
21 જાન્યુઆરીએ લુધિયાણા જિલ્લાના ભૈની સાહિબથી ટિકરી પહોંચેલા જસપ્રીત કહે છે, "કેટલા ખેડુતો પરેડમાં જોડાવા આવે છે તે મહત્વનું નથી." તેઓ કહે છે કે અહીં તેમના ગામમાંથી તેઓ એકમાત્ર વ્યક્તિ છે. "મહત્ત્વની વાત એ છે કે પરેડને સફળ બનાવવા એકેએક શહેર અને ગામડાએ સહકાર આપવો જોઈએ."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક