લોકપ્રિય ગરબાની ધૂન પર સ્વરબદ્ધ આ એક ખાસ ગીત છે. આઝાદી, અવજ્ઞા અને અડગ અવાજ લઈને આવતા આ ગીતમાં ગ્રામીણ મહિલાઓના સાચા અવાજનો પડઘો છે. આ મહિલાઓ હવે સંસ્કૃતિના વારસામાં મળેલા માળખાંઓ અને આદેશોને મૂંગામોઢે સ્વીકારવા તૈયાર નથી.
કચ્છમાં બોલાતી ઘણી ભાષાઓમાંની એક ગુજરાતીમાં લખાયેલ, આ ગીત ગામડાની મહિલાઓ દ્વારા સહ-લેખિત કરવામાં આવ્યું હતું, જે કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા મહિલાઓના અધિકારો વિશે જાગૃતિ લાવવા માટે આયોજિત એક વર્કશોપમાં ભાગ લઇ રહી હતી.
ગીત ક્યા વર્ષમાં રચાયું હતું અથવા એના લેખકો કોણ હતા તે ચોક્કસ નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ સંપત્તિ પર સમાન અધિકારની માંગ કરતી મહિલાનો મજબૂત અવાજ આ ગીતમાં સાંભળી શકાય છે. આ ગીતનું નિર્માણ કયા વાસ્તવિક સંદર્ભમાં થયું હતું તે આપણે કદાચ જાણતા નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં, ખાસ કરીને કચ્છમાં, વર્ષ 2003 ની આસપાસ મહિલાઓની જમીન માલિકી અને આજીવિકાના મુદ્દાઓ વિશે આયોજિત ચર્ચાઓ અને વર્કશોપના રેકોર્ડ્સથી આપણે માહિતગાર છીએ. મહિલાઓના અધિકારો જાગૃતિ લાવવાની ઝુંબેશે પછી કૃષિ ઉત્પાદનમાં મહિલાઓનું યોગદાન અને જમીન પરના તેમની હકના અભાવ વચ્ચેની તીવ્ર વિસંગતતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કદાચ આ ગીતની રચનાની પૂર્વભૂમિકા એ ચર્ચાઓ દરમ્યાન બંધાઈ હોય તો કોણે જાણ્યું!
જો કે, આ ગીત ઘડાયું ત્યારથી સમગ્ર પ્રદેશમાં અને તેની બહાર ફરી વળ્યું છે. અને તેની મુસાફરી દરમ્યાન, જેવું લોકગીત સાથે ઘણીવાર થાય છે એમ ગાયકો દ્વારા તેમના તાત્કાલિક પ્રેક્ષકોને આકર્ષવા માટે લીટીઓ ઉમેરાતી, બદલાતી, ગોઠવાતી રહી. અહીં રજુ થઇ રહેલી આવૃત્તિ નખાત્રા તાલુકાના નંદુબા જાડેજા ના અવાજમાં છે.
તે 2008 માં શરૂ થયેલ સમુદાય સંચાલિત રેડિયો સોરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતોમાંનું એક છે. એક સંગ્રહ જે KMVS દ્વારા PARIમાં આવ્યો છે, અને જે આ ગીતો થકી આ પ્રદેશની વિશાળ સાંસ્કૃતિક, ભાષાકીય અને સંગીતની વિવિધતાને રજુ કરે છે. આ સંગ્રહ કચ્છી લોકસંગીત વિસરાતી જતી પરંપરાને, રણની રેતીમાં વિલીન થઇ જઈ રહેલા સૂરોને જાળવવામાં મદદ કરે છે.
ગુજરાતી
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા મુને સરખાપણાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા તારી સાથે ખેતીનું કામ હું કરું
સાયબા જમીન તમારે નામે ઓ સાયબા
જમીન બધીજ તમારે નામે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા મુને સરખાપણાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા હવે ઘરમાં ચૂપ નહી રહું
સાયબા હવે ઘરમાં ચૂપ નહી રહું
સાયબા જમીન કરાવું મારે નામે રે ઓ સાયબા
સાયબાહવે મિલકતમા લઈશ મારો ભાગ રે ઓ સાયબા
સાયબા હવે હું શોષણ હું નહી સહુ
સાયબા હવે હું શોષણ હું નહી સહુ
સાયબા મુને આગળ વધવાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
સાયબા મુને સરખાપણાની ઘણી હામ રે ઓ સાયબા
સાયબા એકલી હું વૈતરું નહી કરું
ગીતનો પ્રકાર : વિકાસલક્ષી લોકગીત
ગીતગુચ્છ : ગીતો આઝાદીના
ગીત : 3
ગીતનું શીર્ષક : સાયબા એકલી હું વૈતરું નહીં કરું
સંગીતકારઃ દેવલ મહેતા
ગાયક : નખતરા તાલુકાના નંદુબેન જાડેજા
વાજીંત્રો : હાર્મોનિયમ, ઢોલ, ખંજરી
રેકોર્ડિંગનું વર્ષ : 2016, KMVS સ્ટુડિયો
આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, અમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.