શુભાન્દ્રા સાહુ કહે છે કે, “અમે કોરોના વિષે જાણીએ છીએ, પરંતુ અમે કામ બંધ કરી શકતા નથી. અમારે ખેડૂતો માટે કામ કરવું પડે છે. ખેતી એ અમારા માટે અને ખેડૂત માટે એકમાત્ર આશા છે. જો અમે કામ નહીં કરીએ તો અમે કઈ રીતે જીવી શકીશું?”
શુભાન્દ્રા સાહુ એક ઠેકેદારીન (કોન્ટ્રાક્ટર) છે કે જેઓ છતીસગઢમાં ધમતરી શહેરથી પાંચેક કિલોમીટર દૂર આવેલ બલીયારા ગામની ૩૦ મહિલા મજૂરોની ટુકડીનાં સરદાર છે.
અમે તેમને ૨૦ જુલાઈ આસપાસ બપોરના સમયે ડાંગરના ખેતરોની વચ્ચે રસ્તા પર મળ્યા હતા, જ્યાં તેઓ એક ટ્રેક્ટર પર આવ્યાં હતાં. તેઓ એક ખેતરમાંથી બીજા ખેતરમાં કામ કરવા જઈ રહ્યાં હતાં અને ઉતાવળમાં હતાં કેમ કે ડાંગરની રોપણી સૂર્યાસ્ત પહેલાં પૂરી કરવાની હતી.
શુભાન્દ્રા કહે છે કે, “અમે એકર દીઠ ૪,૦૦૦ રૂપિયા કમાઈએ છીએ અને ભેગા મળીને દિવસમાં બે એકર જમીનમાં રોપણી કરી શકીએ છીએ.” એટલે કે ટુકડીમાં માણસ દીઠ ૨૬૦ રૂપિયા રોજની કમાણી.
ખરીફની મોસમમાં ડાંગરની રોપણી થઇ રહી હતી, અને જ્યારે અમે તેમને મળ્યા ત્યારે તેમણે લગભગ ૨૦-૨૫ એકરમાં રોપણી કરી દીધી હતી. આ કામ થોડાક દિવસો સુધી ચાલુ રહેશે.
મધ્ય જુલાઈમાં એક દિવસે, ધમતરી શહેરથી લગભગ ૧૫ કિલોમીટર દૂર, કોલીયરી-ખરેંગા ગામના રસ્તા પર, અમે ખેત મજૂરોની એક ટુકડીને મળ્યા. ધમતરી બ્લોકના ખરેંગા ગામના ભૂખીન સાહુ કે જેઓ ૨૪ સભ્યોની ટુકડીનાં સરદાર અને કોન્ટ્રાક્ટર છે તેઓ કહે છે કે, “જો અમે કામ નહીં કરીએ તો ભૂખ્યા મરી જઈશું. અમે [કોવિડ-૧૯ ના જોખમોને લીધે] ઘેર સુરક્ષિત રહેવાનું સુખ માણી શકતા નથી. અમે મજૂર છીએ અને અમારી પાસે ફક્ત અમારા હાથ પગ છે. પરંતુ, કામ કરતી વેળા અમે શારીરિક દૂરી બનાવી રાખીએ છીએ...”
તેઓ અન્ય સ્ત્રીઓ સાથે રસ્તાની બંને બાજુએ બેઠાં હતાં અને બપોરના ભોજનમાં તેઓ ઘેરથી લાવેલ ભાત, દાળ અને શાક ખાતાં હતાં. તેઓ સવારે ૪ વાગે ઉઠે છે, ખાવાનું બનાવે છે, ઘરનાં બધા કામ પૂરાં કરે છે, સવારનું ભોજન કરે છે અને સવારે ૬ વાગે ખેતરમાં પહોંચી જાય છે. તેઓ ૧૨ કલાક પછી સાંજે ૬ વાગે ઘેર આવે છે. ફરીથી ખાવાનું બનાવે છે અને બીજા કામ કરે છે, ભૂખીન તેમના અને બીજી સ્ત્રીઓના દિવસના કામ વિષે કહે છે.
ભૂખીન કહે છે કે, “અમે દરરોજ લગભગ બે એકરમાં રોપણી કરીએ છીએ, અને પ્રતિ એકર ૩૫૦૦ રૂપિયા કમાઈએ છીએ.” આ પ્રતિ એકરનો ભાવ ૩૫૦૦ રૂપિયાથી ૪૦૦૦ રૂપિયા (ધમતરીમાં, આ મોસમમાં) છે એ ટુકડી દીઠ બદલાતો રહે છે, અને આ ભાવતાલ અને ટુકડીમાં સભ્યોની સંખ્યા પર આધારિત હોય છે.
ભૂખીનના પતિ થોડાક વર્ષો પહેલા એક મજૂર તરીકે કામ કરવા ભોપાલ ગયા હતા અને પછી પરત આવ્યા જ નથી. તેઓ કહે છે કે, “તેઓ અમને આ ગામમાં છોડીને જતા રહ્યા છે. તેઓ અમારા સંપર્કમાં નથી.” તેમનો દીકરો કોલેજમાં છે અને તે બે જણનો પરિવાર ભૂખીનની આવક પર આધારિત છે.
એ જ રસ્તા પર અમે ખેતમજૂરોના એક સમુહને મળ્યા – જેમાં મોટે ભાગે સ્ત્રીઓ હતી અને થોડાક પુરુષો પણ હતા – જેઓ રોપણી માટે ડાંગરના છોડ ખેતરમાં લઇ જઈ રહ્યાં હતાં. ધમતરી બ્લોકના દર્રી ગામની ઠેકેદારીન સબિતા સાહુ કહે છે કે, “આ અમારી આવકનો સ્ત્રોત છે માટે અમારે કરવું પડે છે. જો અમે આ કામ નહીં કરીએ તો ખેતી કોણ કરશે? દરેક ને ખોરાક માટે ભોજનની જરૂરિયાત હોય છે. જો અમે કોરોનાથી ડરી જઈશું, તો અમે જરા પણ કામ નહીં કરી શકીએ. પછી અમારા બાળકોને કોણ ખવડાવશે? અને અમારું કામ એવું છે કે અમે આમ પણ [ડાંગરના ખેતરમાં] દૂરી બનાવી રાખીએ છીએ.” જુલાઈના મધ્યમાં જ્યારે હું એમને મળ્યો હતો ત્યારે સબિતા અને એમની ટુકડીની ૩૦ મહિલાઓએ ૩૬૦૦ રૂપિયા પ્રતિ એકર દીઠ ૨૫ એકરમાં રોપણી કરી દીધી હતી.
ખરેંગા ગામના એક ખેતમજૂર હિરોંડી સાહુ કહે છે કે, “[લોકડાઉન જ્યારે ચરમસીમાએ હતું] ત્યારે કંઈ કામ નહોતું. એ સમયે બધું જ બંધ હતું. પછી ખરીફ પાકની મોસમ આવી અને અમે પરત આવી ગયાં.”
ધમતરીના શ્રમ વિભાગના એક અધિકારીએ મને કહ્યું કે લોકડાઉન દરમિયાન, ૨૦ જુલાઈ સુધી, લગભગ ૧૭૦૦ લોકો દેશના વિભિન્ન ભાગોમાંથી ધમતરી જીલ્લામાં પરત ફર્યા હતા. આમાં વિદ્યાર્થીઓ, નોકરિયાત લોકો અને લગભગ ૭૦૦ પ્રવાસી મજૂરો છે. છત્તીસગઢમાં અત્યાર સુધી કોવિડ-૧૯ના લગભગ ૧૦,૫૦૦ મામલાઓની પુષ્ટિ થઇ છે. ધમતરીના મુખ્ય ચિકિત્સા અને સ્વાસ્થ્ય અધિકારી ડૉ. ડી. કે. ટુરે એ મને કહ્યું કે જીલ્લામાં કોવિડ-૧૯ના ૪૮ કેસ જાણીતા છે.
હિરોંડીની ટુકડીમાં દર્રી ગામમાંથી ચંદ્રિકા સાહુ પણ હતા. એમને બે દીકરીઓ અને એક દીકરો છે; બે દસમા ધોરણમાં અને એક બારમા ધોરણમાં છે. તેઓ કહે છે કે, “મારા પતિ એક મજૂર હતા પણ એક દિવસ અકસ્માતમાં તેમનો એક પગ ભાંગી ગયો. ત્યારબાદ તેઓ કામ નહોતા કરી શકતા અને ત્રણ વર્ષ પહેલાં તેમણે આપઘાત કરી લીધો.” ચંદ્રિકા અને તેમના બાળકો પૂરી રીતે તેમની કમાણીથી ઘર ચલાવે છે; એમને વિધવા પેન્શનના રૂપમાં માસિક ૩૫૦ રૂપિયા મળે છે, અને પરિવાર પાસે બીપીએલ રાશન કાર્ડ છે.
અમે જેટલાં મજૂરો સાથે વાત કરી, એ બધાં કોવિડ-૧૯ વિષે જાણતાં હતાં; અમુકે કહ્યું કે તેઓ પરવા નથી કરતાં, બીજાઓએ કહ્યું કે આમ પણ તેઓ કામ કરતી વેળા એકબીજાથી દૂરી બનાવી રાખે છે એટલે આ બરાબર છે. સબિતાની ટુકડીના એક પુરુષ મજૂર, ભુજબલ સાહુ કહે છે કે, “અમે સીધા સૂરજના તાપમાં કામ કરીએ છીએ, આથી અમને કોરોના થવાની સંભાવના ઓછી છે. જો તે એક વાર થઇ ગયો તો એ તમને મારી નાખશે. પરંતુ, અમે એનાથી ડરતા નથી કારણ કે અમે મજૂરો છીએ.”
એમણે કહ્યું કે ડાંગરની વાવણી અને રોપણી લગભગ ૧૫ દિવસ સુધી ચાલુ રહેશે. ભુજબલ કહે છે કે, “ત્યારબાદ કોઈ કામ હશે નહીં. અમારે વધુ કામની જરૂરિયાત છે.” ધમતરી અને કુરુદ જીલ્લા જ એકમાત્ર એવા જીલ્લાઓ છે જ્યાં સિંચાઈની થોડીક સુવિધા છે, માટે અહીંયાં ખેડૂતો બે વાર ડાંગર ઉગાવે છે અને ખેતીનું કામ પણ ફક્ત બે મોસમ સુધી જ ઉપલબ્ધ હોય છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ