"મારી બાંધેલી એકેએક ઝોપડી ઓછામાં ઓછા 70 વર્ષ ટકે છે."
વિષ્ણુ ભોસલે પાસે એક અનોખું કૌશલ્ય છે - તેઓ કોલ્હાપુર જિલ્લાના જાંભલી ગામમાં રહેતા એક ઝોપડી (પરંપરાગત ઝૂંપડી) બનાવનાર છે.
68 વર્ષના આ વૃદ્ધ લાકડાના માળખા અને સૂકા ઘાસથી ઝૂંપડી બાંધવાની કળા તેમના પિતા સ્વર્ગસ્થ ગુંડુ પાસેથી શીખ્યા હતા. તેમણે 10 થી વધુ ઝોપડીઓ એકલે હાથે બાંધી છે અને લગભગ એટલી જ ઝોપડીઓ બાંધવામાં મદદ કરી છે. તેઓ યાદ કરે છે, "અમે [સામાન્ય રીતે] ઉનાળામાં જ ઝોપડીઓ બનાવતા હતા કારણ કે [તે વખતે] અમારી પાસે ખેતરોમાં ઝાઝું કામ રહેતું નહોતું." તેઓ ઉમેરે છે, "પહેલા લોકોમાં ઝોપડી બાંધવા માટે ખૂબ ઉત્સાહ રહેતો."
જાંભલીમાં આવી સો કરતાં વધુ ઝૂંપડીઓ હતી ત્યારનો, 1960 ના દાયકાની આસપાસનો સમય યાદ કરતા વિષ્ણુ કહે છે કે મિત્રો એકબીજાને મદદ કરતા અને આસપાસમાં મળી રહેતી સામગ્રીનો ઉપયોગ કરતા. તેઓ કહે છે, "અમે ઝોપડી બનાવવામાં એક રુપિયોય ખર્ચ્યો નથી. કોઈનેય એ પોસાય તેમ જ ક્યાં હતું?" અને ઉમેરે છે, "લોકો ત્રણ-ત્રણ મહિના સુધી રાહ જોવા માટે તૈયાર હતા, પરંતુ જ્યારે તેમની પાસે [બધું] જરૂરી સાહિત્ય [સામગ્રી] ભેગું થાય એ પછી જ તેઓ બાંધવાનું શરૂ કરતા."
સદીના અંત સુધીમાં 4963 લોકોની વસ્તીવાળા (વસ્તીગણતરી 2011) આ ગામમાં લાકડાના અને સૂકા ઘાસ છાયેલા છાપરાવાળી ઝોપડીઓનું સ્થાન ઈંટ, સિમેન્ટ અને પતરાના બનેલા ઘરોએ લઈ લીધું હતું. પહેલા સ્થાનિક કુંભારોએ બનાવેલા ખાપરી કૌલુ (નળિયાં) અથવા કુંભારી કૌલુ અને પછી મશીનથી બનાવેલા વધુ મજબૂત અને ટકાઉ બેંગલોર કૌલુ આવતા ઝોપડીઓએ પોતાનું સ્થાન ગુમાવ્યું.
જ્યારે ઝોપડીનું છાપરું સૂકા ઘાસથી છાવામાં પડતી મહેનતની સરખામણીમાં નળિયાની છત લગાવવાનું સરળ અને ઝડપી હતું અને તેમાં જાળવણીની ખાસ જરૂર નહોતી રહેતી. છેવટે પાકાં મકાનો બનાવવા માટે સિમેન્ટ અને ઈંટો આવ્યા પછી ઝોપડીનો અંત નિશ્ચિત બન્યો અને ઝોપડી બાંધવાનું સાવ પડી ભાંગ્યું. જાંભલીના લોકો તેમની ઝોપડીઓ છોડી દેવા માંડ્યા અને આજે ગામમાં માંડ આંગળીને વેઢે ગણી શકાય એટલી જ ઝોંપડીઓ બચી છે.
વિષ્ણુ કહે છે, "હવે ગામમાં કોઈ ઝોપડી ભાગ્યે જ જોવા મળે છે. થોડા વર્ષોમાં આપણી પાસે એકેય પરંપરાગત ઝોપડી નહીં રહે કારણ કોઈને એની સંભાળ રાખવી નથી."
*****
નારાયણ ગાયકવાડને ઝૂંપડી બાંધવી હતી ત્યારે તેમના મિત્ર અને પાડોશી વિષ્ણુ ભોંસલે તેમની વહારે ધાયા હતા. તેઓ બંને ખેડૂતો છે અને ખેડૂતોના અનેક વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા ભારતભરમાં સાથે પ્રવાસ કરી ચૂક્યા છે. વાંચો: Jambhali farmer: Broken arm, unbroken spirit
જાંભલીમાં વિષ્ણુ પાસે એક એકર અને નારાયણ પાસે લગભગ 3.25 એકર જમીન છે. તેઓ બંને જુવાર, એમર ઘઉં, સોયાબીન, સામાન્ય કઠોળ અને પાલક, મેથી અને કોથમીર જેવા પાંદડાવાળા શાકભાજીની સાથોસાથ શેરડીની ખેતી કરે છે.
દસ વર્ષ પહેલા નારાયણ ઔરંગાબાદ જિલ્લામાં ગયા હતા અને ખેતમજૂરો સાથે તેમની કામ કરવાની જગ્યાની પરિસ્થિતિઓ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે તમને ઝૂંપડી બાંધવાનો વિચાર આવ્યો હતો. અહીં જ તેમણે ગોળાકાર ઝોપડી જોઈને વિચાર્યું હતું, “અગદી પ્રેક્ષણી [ખૂબ સરસ છે આ]." તેઓ કહે છે, "ત્યાચા ગુરુત્વાકર્ષણ કેન્દ્ર અગદી બરોબર હોતા [ગુરુત્વાકર્ષણ કેન્દ્ર ખૂબ જ સારી રીતે સંતુલિત હતું]."
નારાયણ યાદ કરે છે કે એ ઝૂંપડી ડાંગરના સૂકા ઘાસથી બનેલી હતી અને ઝૂંપડીનો એકેએક ભાગ વ્યવસ્થિત અને કાળજીપૂર્વક બનાવેલો હતો. તેમણે વધુ પૂછપરછ કરી અને તેમને જાણવા મળ્યું કે એ ઝૂંપડી એક ખેતમજૂરે બાંધી હતી, તેઓ એ ખેતમજૂરને મળી શક્યા નહોતા. 76 વર્ષના આ વૃદ્ધે આ ઝૂંપડીની (વિગતો) બરોબર નોંધી લીધી હતી. છેલ્લા કેટલાય દાયકાઓથી તેઓ રોજિંદા જીવનની રસપ્રદ માહિતી વિગતવાર નોંધી રહ્યા છે. તેમની પાસે ખિસ્સામાં સમાઈ જાય તેવી નાનકડી ડાયરીથી માંડીને A4 સાઈઝની ડાયરીઓમાં બધું મળીને કુલ 40 ડાયરીઓમાં પ્રાદેશિક મરાઠીમાં હજારો પાનાની હસ્તલિખિત નોંધો છે.
દસ વર્ષ પછી તેમને પોતાના 3.25 એકરના ખેતરમાં એ ઝૂંપડીની પ્રતિકૃતિ ઊભી કરવી હતી, પરંતુ પડકારો ઘણા હતા, તેમાંથી મુખ્ય પડકાર હતો એવી ઝૂંપડી બનાવનાર કારીગર શોધવાનો.
ત્યારપછી તેમણે ઝૂંપડી બાંધવામાં નિષ્ણાત વિષ્ણુ ભોસલે સાથે વાત કરી. એ બંનેની ભાગીદારીના સ્વરૂપ ઊભી છે આ લાકડાના માળખાની, સૂકા ઘાસથી છાયેલ છાપરાવાળી આ ઝોપડી, હાથ-કારીગરી અને સ્થાપત્ય કલાનો એક અનોખો નમૂનો.
નારાયણ કહે છે, "જ્યાં સુધી આ ઝોપડી છે ત્યાં સુધી તે યુવા પેઢીને હજારો વર્ષ જૂની કલાની યાદ અપાવતી રહેશે." ઝોપડી બાંધવામાં તેમના સાથીદાર વિષ્ણુ ઉમેરે છે, "નહીં તો લોકો મારા કામ વિશે જાણશે શી રીતે?"
*****
ઝૂંપડી બનાવવા માટે સૌથી પહેલા એ નક્કી કરવું જરૂરી છે કે તે શેના માટે બાંધવામાં આવે છે. વિષ્ણુ કહે છે, "તે પ્રમાણે ઝૂંપડીનું કદ અને માળખું બદલાય છે." દાખલા તરીકે ઘાસચારાનો સંગ્રહ કરતી ઝૂંપડીઓ સામાન્ય રીતે ત્રિકોણાકાર હોય છે, જ્યારે નાના પરિવારને રહેવા માટે નાનો ઓરડો જોઈતો હોય તો 12 x 10 ફૂટનું લંબચોરસ માળખું આદર્શ છે.
નારાયણને વાંચવાનો ખૂબ શોખ છે, અને તેમને વાંચન ખંડ તરીકે વાપરી શકાય એવા એક નાનકડા ઓરડાના કદની એક ઝૂંપડી જોઈતી હતી. તેમણે કહ્યું હતું કે ત્યાં તેઓ તેમના પુસ્તકો, સામયિકો અને અખબારો મૂકશે.
ઝૂંપડીનો ઉપયોગ શા માટે થવાનો છે એ વિશે જાણ્યા પછી વિષ્ણુએ થોડી લાકડીઓ વડે ઝોપડીની એક નાનકડી પ્રતિકૃતિ બનાવી. ત્યારપછી તેમણે અને નારાયણે 45 મિનિટ સુધી ચર્ચા કરીને ઝોપડીની વિગતો અને આકાર નક્કી કર્યા. અનેક વાર નારાયણના ખેતરની મુલાકાત લીધા પછી તેઓએ (ઝૂંપડી બનાવવા માટે ખેતરમાં) પવનનું દબાણ જ્યાં ઓછું હોય તેવી એક જગ્યા નક્કી કરી.
નારાયણ કહે છે, "તમે માત્ર ઉનાળા કે શિયાળાનો વિચાર કરીને ઝોપડી ન બનાવી શકો. એ ઝોપડી ઘણા દાયકાઓ સુધી ટકી રહેવી જોઈએ, તેથી અમે ઘણા પરિબળો વિશે વિચારીએ."
જ્યાં ઝોપડી બાંધવાની હતી તે જમીનના પ્લોટની ફરતે ચારે બાજુ 1.5 ફૂટના અંતરે માટીમાં બે-ફૂટ ઊંડા ખાડા ખોદીને બાંધકામ શરૂ થયું. 12 x 9 ફૂટની ઝોપડી માટે આવા પંદર ખાડા ખોદવાની જરૂર હતી અને એ ખોદવામાં લગભગ એક કલાકનો સમય લાગ્યો. આ ખાડા પોલિથીન અથવા પ્લાસ્ટિકની કોથળીથી ઢાંકવામાં આવ્યા. વિષ્ણુ કહે છે, "પછીથી જે લાકડા (થાંભલાઓ) અહીં મૂકવામાં આવે છે તેને પાણી ન લાગે અને ઝોપડીનું માળખું વોટરપ્રૂફ બની રહે એ માટે આવું કરવામાં આવે છે." જો આ લાકડાને (થાંભલાઓને) કંઈપણ થાય તો આખી ઝૂંપડી સડી જવાનું જોખમ હોય છે.
સૌથી દૂરના બે ખાડામાં અને વચ્ચેના એક ખાડામાં વિષ્ણુ અને અશોક ભોસલે કાળજીપૂર્વક મેડકા ગોઠવે છે. અશોક ભોંસલે વિષ્ણુના મિત્ર છે અને તેઓ કડિયાકામ કરે છે. મેડકા એ ચંદન (સેન્ટલમ આલ્બમ), બાબુલ (વચેલિયા નિલોટિકા), અથવા કડુ લિમ્બ (આઝાદિરચતા ઈન્ડિકા) ના લાકડાની આશરે 12-ફીટની Y-આકારની શાખા છે.
'Y' ના પાતળા છેડાનો ઉપયોગ લાકડાની આડી દાંડીઓ મૂકવા માટે થાય છે. નારાયણ કહે છે, "બે મેડકા અથવા આડ તરીકે ઓળખાતા વચ્ચેના સૌથી ઊંચા બે થાંભલા ઓછામાં ઓછા 12 ફૂટ ઊંચા હોય છે અને બાકીના 10 ફૂટ ઊંચા હોય છે."
પાછળથી આ લાકડાના માળખા ઉપર સૂકું ઘાસ છાયેલું છાપરું આવશે; આ ઘાસ છાયેલા છાપરા પરથી વરસાદ જમીન પર સરકી જાય અને વરસાદનું પાણી ઘરમાં ન આવે એ માટે (વચ્ચેના) બે ફુટ ઊંચા મેડકા કામમાં લાગશે.
જ્યારે આવા આઠ મેડકા સીધા ઊભા કરવામાં આવે ત્યારે ઝોપડીનો આધાર તૈયાર થાય. મેડકા ઊભા કરવામાં લગભગ બે કલાક લાગે. ઝોપડીના બંને છેડાને જોડવા માટે એક પ્રકારના સ્થાનિક વાંસમાંથી બનાવેલ વિલુ નામનું નીચેનું દોરડું આ મેડકા પરથી બાંધવામાં આવે છે.
વિષ્ણુ કહે છે, “આજકાલ ચંદન અને બાવળનાં વૃક્ષો શોધવા મુશ્કેલ બની રહ્યાં છે. આ તમામ મહત્વના [દેશી] વૃક્ષોની જગ્યાએ હવે કાં તો શેરડી ઉગાડવામાં આવે છે અથવા ઈમારતો ચણાઈ ગઈ છે."
માળખું તૈયાર થયા પછી આગળનું પગલું છે મોભ બેસાડવાનું, આ ઝૂંપડીના છાપરાની અંદરની બાજુની રચના છે. આ ઝૂંપડી માટે વિષ્ણુએ 44 મોભ બેસાડવાનું નક્કી કર્યું છે, છાપરાની કેંચીની બંને બાજુએ 22-22. આ મોભ રામબાણની દાંડીમાંથી બનાવવામાં આવે છે, પ્રાદેશિક મરાઠીમાં તેને ફડ્યાચા વાસા કહેવાય છે. રામબાણની દાંડી 25-30 ફૂટ જેટલી ઊંચી ઊગી શકે છે અને તે ખૂબ મજબૂત અને ટકાઉ હોય છે.
વિષ્ણુ સમજાવે છે, “આ દાંડી મજબૂત હોય છે અને તે ઝોપડીને વધુ લાંબો સમય ટકાવી રાખે છે.જેટલા મોભ વધુ એટલી ઝોપડી વધુ મજબૂત.” પરંતુ તેઓ ચેતવણી આપતા કહે છે, 'ફડ્યાચા વાસા [રામબાણની દાંડી] કાપવાનું ખૂબ મુશ્કેલ છે'
પછી લાકડાના આડા માળખાને રામબાણના રેસાઓથી સજ્જડ બાંધવામાં આવે છે - તે રેસા ખૂબ ટકાઉ હોય છે. રામબાણના પાંદડામાંથી રેસા કાઢવાનું કામ ખૂબ મુશ્કેલ છે. એ કામમાં નારાયણની હથોટી છે, દાતરડા વડે રેસા કાઢવામાં તેમને 20 સેકન્ડથી પણ ઓછો સમય લાગે છે. તેઓ હસીને કહે છે કે, "લોકોને તો ખબર પણ નથી હોતી કે રામબાણના પાંદડામાં રેસા હોય છે."
આ રેસાઓનો ઉપયોગ પર્યાવરણને અનુકૂળ બાયોડિગ્રેડેબલ દોરડાઓ બનાવવા માટે પણ થાય છે. (વાંચો: The great Indian vanishing rope .)
એકવાર લાકડાના ચોકઠાં ગોઠવાઈ ગયા પછી નાળિયેરના લાંબા પાંદડા અને શેરડીના દાંડાથી દીવાલો બનાવવામાં આવે છે, દીવાલોની રચના એવી હોય છે કે ધારો તો દાતરડું પણ તેમાં સરળતાથી ભેરવી શકાય.
માળખું તૈયાર થઈ ગયા પછી હવે છતનો વારો આવે છે. શેરડીના છોડના ઉપરના ભાગથી - કાચી શેરડી અને પાંદડાઓથી છાપરું છાવામાં આવે છે. નારાયણ કહે છે, "તે વખતે અમે જે ખેડૂતો પાસે પશુધન નહોતા તેવા ખેડૂતો પાસેથી એ બધું ભેગું કર્યું હતું." શેરડીની આ આડપેદાશ પશુઓ માટે એક મહત્વપૂર્ણ ખોરાક છે તેથી ખેડૂતો હવે એ મફતમાં આપતા નથી.
છાપરું છાવા માટે - ખુલ્લી જગ્યાઓ ભરવા અને ઝોપડીને સુંદર બનાવવા માટે જુવાર અને એમર ઘઉંની સૂકી દાંડીઓનો ઉપયોગ થાય છે. નારાયણ કહે છે, “એક ઝોપડી માટે ઓછામાં ઓછા આઠ બિંડા [અંદાજે 200-250 કિલોગ્રામ શેરડીના ઉપરના છેડા] ની જરૂર પડે છે.
છાપરું છાવું એ એક કપરું કામ છે, ત્રણ લોકો રોજના છ થી સાત કલાક તેના પર કામ કરે ત્યારે લગભગ ત્રણ દિવસે કામ પૂરું થાય છે. વિષ્ણુ કહે છે, “દરેક દાંડીને કાળજીપૂર્વક ગોઠવવી પડે, નહીં તો વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી ચૂવે. છાપરું લાંબો સમય ટકી રહે તે માટે દર 3 થી 4 વર્ષે તેની મરામત કરવામાં આવે છે - મરાઠીમાં એને છાપર શાકારણે કહે છે.
વિષ્ણુની પત્ની 60-62 વર્ષના અંજના કહે છે, "પરંપરાગત રીતે જાંભલીમાં માત્ર પુરુષો જ ઝોપડીઓ બનાવે છે, પરંતુ તે માટે જરૂરી કાચો માલ શોધવામાં અને જમીનને સમતળ કરવામાં મદદ કરવામાં મહિલાઓ મહત્વની ભૂમિકા ભજવે છે."
હવે માળખું પૂરું થતાં, નીચેની જમીનને પુષ્કળ પાણી છોડીને ખેડવામાં આવે છે અને પછીના ત્રણ દિવસ તેને સૂકાવા માટે છોડી દેવામાં આવે છે. નારાયણ સમજાવે છે, "પરિણામે જમીનની ચીકાશનો ગુણધર્મ બહાર લાવવવામાં મદદ મળે છે." એકવાર એ થઈ જાય પછી તેની ઉપર પાંઢરી માટી (સફેદ માટી) ફેલાવી દેવામાં છે, આ માટી નારાયણ તેમના ખેડૂત મિત્રો પાસેથી લાવ્યા છે. આયર્ન અને મેંગેનીઝ કાઢી લેવામાં આવ્યા હોઈ 'સફેદ' માટીનો રંગ હળવો હોય છે.
આ સફેદ માટીની તાકાત વધારવા માટે તેમાં ઘોડાની લાદ, ગાયનું છાણ અને બીજા પશુધનની લીંડી ભેળવવામાં આવે છે. તેને જમીન પર ફેલાવવામાં આવે છે અને ધુમ્મસ નામના લાકડાના સાધનથી ઠોકીને પુરુષો તેને નીચે દબાવે છે. આ સાધનનું વજન ઓછામાં ઓછું 10 કિલો હોય છે અને તે અનુભવી સુથારોએ બનાવેલ હોય છે.
પુરૂષો માટીને ઠોકી લે એ પછી મહિલાઓ તેને બડવણાથી સમતળ બનાવે છે - ત્રણ કિલોગ્રામ વજનનું બાવળના લાકડાનું આ ઓજાર ક્રિકેટના બેટ જેવું લાગે છે પરંતુ તેનો હાથો ઘણો નાનો હોય છે. વખત જતા નારાયણનું બડવાણા ખોવાઈ ગયું છે, પરંતુ સદભાગ્યે તેમના મોટા ભાઈ 88 વર્ષના સખારામે તે સારી રીતે સાચવી રાખ્યું છે.
કુસુમ નારાયણની પત્ની છે અને તેમની ઝોપડી બાંધવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. 68 વર્ષના કુસુમ કહે છે, "જ્યારે પણ અમને અમારી ખેતીમાંથી સમય મળ્યો, ત્યારે અમે જમીન સમતળ કરતા હતા." તેઓ કહે છે કે આ ખૂબ મુશ્કેલ કામ હતું તેથી પરિવારના બધા સભ્યો અને મિત્રો વારાફરતી એ કામમાં મદદ કરતા હતા.
એકવાર ખેતર સમતળ થઈ જાય પછી મહિલાઓ ગાયના છાણનું થર લગાવવામાં વ્યસ્ત થઈ જાય છે - ગાયનું છાણ માટીને ચુસ્ત રીતે પકડી રાખે છે, તેમાં તિરાડો પડવા દેતું નથી અને મચ્છરોને દૂર રાખવામાં પણ મદદ કરે છે.
દરવાજા વગરના ઘરમાં કંઈક ખૂટતું જણાય છે અને સામાન્ય રીતે દેશી જુવારની દાંડીઓ, શેરડીના સાંઠાઓ અથવા તો સૂકા નારિયેળના પાનનો ઉપયોગ કરીને દરવાજો બનાવવામાં આવે છે. જો કે જાંભલીમાં કોઈ પણ ખેડૂતો દેશી જાતોની ખેતી કરતા ન હોવાથી ઝોપડી બાંધનારાઓ માટે આ સામગ્રી મેળવવી એ એક પડકાર છે.
નારાયણ કહે છે, “બધા સંકર જાતિ તરફ વળ્યા છે, ન તો એનો ચારો એટલો પૌષ્ટિક છે કે ન તો એ દેશી જાતિ જેટલો લાંબો સમય ટકે છે."
જેમ જેમ ખેતીની પદ્ધતિ બદલાતી ગઈ તેમ તેમ તેની સાથે ઝોપડી બનાવવાની ગતિમાં પણ ફેરફાર કરવા પડ્યા છે. અગાઉ ઉનાળામાં જ્યારે ખેતીનું કામ ઓછું હોય ત્યારે ઝોપડી બનાવવામાં આવતી હતી. પરંતુ ખેડૂતો વિષ્ણુ અને નારાયણ કહે છે કે હવે ભાગ્યે જ કોઈ એવો સમય હોય છે જ્યારે ખેતરોમાં કોઈ જ પાકનું વાવેતર કરેલું ન હોય. વિષ્ણુ કહે છે, “પહેલાં અમે વર્ષમાં માત્ર એક જ વાર પાક લેતા હતા. હવે ભલેને અમે વર્ષમાં બે કે ત્રણ વાર પાક લઈએ તો પણ બે છેડા માંડ ભેગા કરી શકીએ છીએ."
નારાયણ, વિષ્ણુ, અશોક અને કુસુમે સાથે મળીને પાંચ મહિના કામ કર્યું ત્યારે 300 કલાકથી વધુ સમયની મહેનત પછી આ ઝોપડી બાંધી શકાઈ છે, અને આ બધું તેમના ખેતરના કામ સંભાળવાની સાથેસાથે. નારાયણ જણાવે છે, "આ એક ખૂબ કંટાળાજનક પ્રક્રિયા છે, અને હવે કાચો માલ શોધવો મુશ્કેલ છે." જાંભલીમાં અલગ અલગ જગ્યાએથી તમામ કાચો માલ ભેગો કરવામાં નારાયણને એક અઠવાડિયાથીય વધુ સમય લાગ્યો હતો.
ઝોપડી બનાવતી વખતે કાંટા વાગવાથી અનેલાકડાની ફાંસ પેસી જવાથી પીડાદાયક ઈજાઓ થઈ હતી. નારાયણ પોતાની આંગળીનો ઘા બતાવતા કહે છે, "જો તમને આવી પીડાની પણ આદત ન હોય તો તમે ખેડૂત શી રીતે કહેવાઓ?"
છેવટે ઝોપડી તૈયાર થઈ ગઈ છે અને ઝોપડી બાંધવામાં ભાગ લેનાર બધા જ થાકી ગયા છે પણ છતાં તૈયાર થઈ ગયેલી ઝોપડી જોઈને ખૂબ જ ખુશ પણ છે. જાંભલી ગામની કદાચ આ છેલ્લામાં છેલ્લી ઝૂંપડી પણ હોય કારણ કે વિષ્ણુ જણાવે છે તેમ (આ કળા) શીખવા ખાસ કોઈ આવ્યું નહોતું. પરંતુ નારાયણ તેમને આશ્વાસન આપતાં કહે છે કે, "કોન યેઉ દે કિંવા નાહિ યેઉ દે, આપલ્યાલા કાહીહી ફરક પડત નહીં [લોકો આવે કે ન આવે આપણને કોઈ ફરક પડતો નથી]." તેઓ કહે છે કે તેમણે જે ઝોપડી બનાવવામાં મદદ કરી હતી તેમાં તેમને નિરાંતની ઊંઘ આવે છે અને તેઓ તેને પુસ્તકાલય બનાવવા ધારે છે.
નારાયણ ગાયકવાડ કહે છે, "કોઈ મિત્રો કે મહેમાનો મારા ઘરે આવે છે ત્યારે હું ગર્વથી તેમને આ ઝોપડી બતાવું છું, અને આ પરંપરાગત કળાને જીવંત રાખવા બદલ બધા અમારા વખાણ કરે છે."
આ વાર્તા સંકેત જૈન દ્વારા ગ્રામીણ કારીગરો પરની શ્રેણીનો એક ભાગ છે, અને તે મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક