આ ૧૯૯૮ની હીટ ફિલ્મ, અ બગ્સ લાઈફ ની સિક્વલ જેવું છે. હોલિવૂડની મૂળ ફિલ્મમાં ફ્લીક નામની કીડી પોતાના ટાપુની અન્ય હજારો કીડીઓને દુશ્મન તીડથી બચાવવા માટે બહાદુર યોદ્ધાઓની સેના તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે.
ભારતમાં હકીકતમાં ઘટી રહેલી આ સિક્વલમાં અભિનેતાઓની સંખ્યા ખર્વોમાં છે, જેમાંથી ૧૩૦ કરોડ માણસો છે. ટૂંકા શિંગડાવાળા તીડના ટોળા આ વર્ષે મે મહિનામાં તૂટી પડ્યા અને દરેક ટોળામાં લાખો તીડ હતા. ભારતના કૃષિ કમિશનરના કહેવા પ્રમાણે આ ટોળાએ બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લગભગ બે થી ત્રણ લાખ એકર જમીનમાં ઊભો પાક નષ્ટ કરી દીધો હતી.
આ હવાઈ આક્રમણ રાજ્યની સીમાઓને મામૂલી બનાવી દે છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફ.એ.ઓ.) મુજબ, પશ્ચિમ આફ્રિકાથી ભારત સુધીમાં ૧ કરોડ ૬૦ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં લગભગ ૩૦ દેશોમાં તીડ રહે છે. અને આ તીડનું એક નાનું ઝુંડ – ૧ ચોરસ કિલોમીટરમાં લગભગ ૪ કરોડ તીડ સમાઈ જાય – એક દિવસમાં ૩૫,૦૦૦ માણસો, ૨૦ ઊંટ કે પછી છ હાથી જેટલું ભોજન આરોગી જાય છે.
આ કારણે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે રાષ્ટ્રીય તીડ ચેતવણી સંગઠનના સદસ્યોમાં રક્ષા, કૃષિ, ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન અને સંચાર મંત્રાલયનો સમાવેશ થાય છે.
જો કે આ ઉભરતી સ્ક્રિપ્ટમાં તીડ એકમાત્ર વિલન નથી, કેમ કે લાખો જંતુઓ વચ્ચેનું સંતુલન ખતરામાં પડી ગયું છે. ભારતમાં જંતુવિજ્ઞાની અને આદિવાસી તથા અન્ય ખેડૂતો ઘણીવાર વિદેશી પ્રજાતિના આ દુશ્મન જંતુઓને સૂચિબદ્ધ વર્ગીકૃત કરી રહ્યા છે. ખાદ્ય ઉત્પાદન માટે અનુકૂળ ‘લાભદાયી જંતુઓ’ પણ અમુકવાર નુકસાનદાયી બની શકે છે, જ્યારે જળવાયું પરિવર્તન એમના નિવાસસ્થાન નષ્ટ કરી રહ્યું હોય.
કીડીઓની ડઝન પ્રજાતિઓ ખતરનાક જંતુઓમાં તબદીલ થઇ ગઈ છે, ઘોંઘાટ કરનારી સીકાડા [તીડની એક પ્રજાતિ] પણ હવે નવા વિસ્તારોમાં આક્રમણ કરી રહી છે, તીક્ષ્ણ મોઢા વાળી ઊધઈ જંગલોમાંથી નીકળીને સ્વસ્થ લાકડીઓને ખાઈ રહી છે, અને મધમાખીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે અને ડ્રેગન ફ્લાય ગેર મોસમમાં પણ જોવા મળવાને લીધે બધા સજીવ પ્રાણીઓની ખાદ્ય સુરક્ષા ઘટવા લાગી છે. એટલે સુધી કે કોમળ લાલ-ધબ્બાવાળાં જેજેબલ પતંગિયાં પણ પૂર્વ હિમાલયથી પશ્ચિમ હિમાલય સુધી કેલિડોસ્કોપિક ગોઠવણીમાં ઉડતાં જતાં પતંગિયાંઓ એક નવી હિલચાલ ઉભી કરે છે અને અને નવા વિસ્તારો પર પોતાનો કબજો જમાવે છે જેથી સારી મૂળ પ્રજાતિઓ ઘટવા લાગી છે. આ પ્રકારે યુદ્ધના મેદાનો અને લડવૈયાઓ આખા ભારતમાં ફેલાયેલા છે.
સ્વદેશી જંતુઓની સંખ્યામાં ઘટાડો મધ્ય ભારતના મધ એકઠું કરનારાઓને નુકસાન પહોંચાડી રહ્યો છે. મધ્ય પ્રદેશના છિંદવાડા જીલ્લાના ૪૦ વર્ષીય ભારીયા આદિવાસી, બ્રીજ કિશન ભારતી કહે છે કે, “એક સમય એવો હતો કે અમે ભેખડની કિનારી પર હજારો મધપૂડા જોઇ શકતા હતા. આજે એમને શોધવા પણ મુશ્કેલ છે.”
શ્રિજ્હોટ ગામમાં તેઓ અને મધ એકઠું કરનારા અન્ય લોકો – બધા ગરીબી રેખાની નીચે જીવતા પરિવાર છે – મધ એકઠું કરવા માટે નજીકની ભેખડો પર ચઢે છે, જેને તેઓ ૨૦ કિલોમીટર દૂર તામિયા વિસ્તારના મુખ્ય મથકના અઠવાડિક બજારમાં વેચે છે. તેઓ આ માટે વર્ષમાં બે વખત દરેક સિઝન (નવેમ્બર-ડિસેમ્બર અને મે-જૂન) માં ઘેરથી નીકળે છે અને ઘણા દિવસો ખેતરોમાં વિતાવે છે.
એમના મધની કિંમત એક દાયકામાં ૬૦ રૂપિયા પ્રતિ કિલોથી વધીને ૪૦૦ રૂપિયા પ્રતિ કિલો થઇ ગઈ છે, પણ બ્રીજ કિશનના ૩૫ વર્ષીય ભાઈ જય કિશન કહે છે કે, “પહેલા અમને બધાને એક યાત્રામાં ૨૫-૩૦ કિલો મધ મળતું હતું, હવે જો અમે ભાગ્યશાળી હોઇએ તો માંડ ૧૦ કિલો મધ મળે છે. જંગલમાં જાંબુ, બહેડા, કેરી અને સાલ જેવા ઝાડ ઓછા થઇ ગયા છે. ઝાડ ઓછા થવાનો મતલબ છે કે ફૂલ ઓછાં થશે અને પરિણામે મધમાખીઓ અને અન્ય જંતુઓ માટે ખોરાકમાં ઘટાડો થશે.” અને મધ એકઠું કરનારાઓ માટે આવક પણ ઘટશે.
ફક્ત ફૂલની કમી ચિંતાનો વિષય નથી. નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સીસ, બેંગલુરુના ડૉક્ટર જયશ્રી રત્નમ, કે જેઓ એન.સી.બી.એસ. ના વન્યજીવ જીવવિજ્ઞાન અને સંરક્ષણ કાર્યક્રમના સહાયક નિર્દેશક છે કહે છે કે, “અમે જંતુઓ અને ફૂલોના સમયકાળમાં અસંતુલન – ફેનોલોજીકલ અસીન્ક્રોનસી – જોઈ રહ્યા છીએ. ઘણાં છોડ માટે, સમશીતોષ્ણ વિસ્તારોમાં વસંત ઋતુની શરૂઆત વહેલા થાય છે જેથી પરાગ રજક જંતુઓનો ઉદ્ભવ હંમેશાં એ જ તારીખોમાં નથી થતો. આનો અર્થ થાય છે કે જંતુઓને ખોરાક નથી મળતો, જે તેમને સમયસર જોઈએ છે. આ બધું જળવાયું પરિવર્તન સાથે જોડાયેલું છે.”
અને જેવું કે ડૉ. રત્નમ કહે છે, જો કે તેની સીધી અસર આપણી ખાદ્ય સુરક્ષા પર પડે છે, “જેટલો પ્રેમ આપણે સસ્તન પ્રાણીઓને કરીએ છીએ તેટલો જંતુઓને નથી કરતા.”
*****
મધ્ય પ્રદેશના હોશંગાબાદ જીલ્લાના કટીયાદાના નેસના રહેવાસી ૫૨ વર્ષીય રણજીતસિંહ મર્શકોલે અમને કહે છે કે, “ફક્ત મારા જામફળના ઝાડ પર જ નહીં, પણ આંબળા અને મહુઆના ઝાડ પર પણ ફળો ઓછા થઇ ગયા છે. આચાર (કે ચીરોન્જી) નું ઝાડ વર્ષોથી ફળ નથી આપી રહ્યું.” અહીં, ગોંડ આદિવાસી ખેડૂત રણજીત પિપરીયા તાલુકાના મટકુલી ગામ પાસે પોતાના પરિવારની નવ એકર જમીન પર ઘઉં અને ચણાની ખેતી કરે છે.
રણજીતસિંહ કહે છે કે, ‘જ્યારે મધમાખીઓ ઓછી થશે, તો ફૂલ અને ફળ પણ ઓછા થશે’
આપણી ખાદ્ય સુરક્ષા એક હદે કીડીઓ, મધમાખીઓ, માખીઓ, પતંગિયા, ભમરા જેવા પરાગરજક સ્વદેશી જંતુઓની પાંખો અને પગ, સૂંઢ અને એન્ટેના પર નિર્ભર કરે છે. જેમ કે એફ.એ.ઓ.ના બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે, દુનિયાભરમાં ફક્ત જંગલી મધમાખીઓની ૨૦,૦૦૦થી પણ વધારે પ્રજાતિઓ છે, સાથે જ ઘણી અન્ય પ્રજાતિઓ પણ છે – પક્ષીઓ, ચામાચિડિયા અને અન્ય પ્રાણીઓ – પરાગરજના વહનમાં મદદ કરે છે. કૂલ ખાદ્ય પાકનો ૭૫ ટકા ભાગ અને બધા જંગલી છોડનો ૯૦ ટકા ભાગ આ જ પરાગાધન પર આધાર રાખે છે. અને વૈશ્વિક સ્તરે આનાથી પ્રભાવિત થતી ઉપજનું મૂલ્ય ૨૩૫થી ૫૭૭ બિલિયન ડોલર વચ્ચે આંકવામાં આવ્યું છે.
આપણી ખાદ્ય સુરક્ષા એક હદે કીડીઓ, મધમાખીઓ, માખીઓ, પતંગિયા, ભમરા જેવા પરાગરજક સ્વદેશી જંતુઓના પાંખો અને પગ, સૂંઢ અને એન્ટેના પર નિર્ભર કરે છે
ખાદ્ય ઉપજના પરાગાધાનમાં મુખ્ય ભૂમિકા ભજવવા સિવાય, જંતુઓ જંગલના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે કારણ કે તેઓ લાકડાં અને મડદાંને તોડે છે, માટીને ફેરવે છે અને બીજને અલગ કરે છે. ભારતમાં લાખો આદિવાસી અને અન્ય લોકો જંગલ નજીકના ૧૭૦,૦૦૦ ગામોમાં રહે છે, જ્યાંથી તેઓ બળતણ માટે લાકડાં અને લાકડાં સિવાયની જંગલની અન્ય વસ્તુઓ કે જે તેઓ ઉપયોગમાં લઇ શકે કે પછી તેને વેચી શકે તે પ્રાપ્ત કરે છે. આ સિવાય, દેશમાં પશુધનની વસ્તી ૫૩૬ મીલીયન છે, જેમાંથી મોટાભાગના પશુઓ ચારા માટે જંગલ પર જ નિર્ભર કરે છે.
“જંગલ મરી રહ્યું છે,” એક ઝાડના છાંયડામાં બેસેલા વિજયસિંહ અમને કહે છે. એમની ભેંસો એમની આસપાસ ચરી રહી છે. ૭૦ વર્ષીય ગોંડ ખેડૂત પાસે પિપરીયા તાલુકાના સિંગનમા ગામમાં ૩૦ એકર જમીન છે, જ્યાં તેઓ ચણા અને ઘઉં ઉગાવતા હતા. થોડાક વર્ષો સુધી તેમણે જમીનને પડતર રહેવા દીધી છે. “વરસાદ અથવા કાં ખૂબ જ વધારે આવે છે અને જલદી બંધ થઇ જાય છે, કાં તો માંડ જમીન પલળે તેટલો જ આવે છે.” અને તેમણે જંતુઓની સમસ્યાનું પણ અવલોકન કર્યું છે. “પાણી જ નથી તો કીડીઓ એમના ઘર ક્યાં બનાવશે?”
પિપરીયા તાલુકાના પંચમઢી છાવણી ક્ષેત્રમાં, ૪૫ વર્ષીય નંદુ લાલ ધુર્બે અમને ગોળાકાર બામી [કીડીઓ અને ઊધઈ બંનેના ઘરો માટેનું સ્થાનિક નામ] બતાવે છે. “બામીને નરમ માટી અને ઠંડા ભેજની જરૂર પડે છે. પરંતુ હવે લગાતાર વરસાદ નથી પડતો અને મોસમ ગરમ થઇ ગયું છે, જેથી તમે કદાચ જ તે જોશો.”
ધુર્બે કે જેઓ એક ગોંડ આદિવાસી અને માળી છે અને જેઓ પોતાના ક્ષેત્રની પરિસ્થિતિ વિષે ઘણી જાણકારી ધરાવે છે, તેઓ કહે છે કે, “આજકાલ બિનમોસમમાં ઠંડી કે વરસાદ – ખૂબ જ વધારે કે ખૂબ જ ઓછો – થવાને કારણે ફૂલો મુરઝાય જાય છે, જેથી ફળદ્રુપ ઝાડ ઓછા ફળ આપે છે અને જંતુઓને ખોરાક ઓછો મળે છે.”
સાતપુરા રેન્જમાં ૧,૧૦૦ મીટરની ઉંચાઈ પર સ્થિત પંચમઢી, રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્યવાળું યુનેસ્કો સંરક્ષિત જીવાવરણ છે. મેદાની વિસ્તારની ગરમીથી બચવા માટે મોટી સંખ્યામાં લોકો દર વર્ષે મધ્ય ભારતના આ હિલ સ્ટેશન તરફ ખેંચાઈ આવે છે. પરંતુ ધુર્બે અને વિજયસિંહનું કહેવું છે કે હવે આ વિસ્તાર પણ ગરમ થવા લાગ્યો છે – અને એમની આ માન્યતાની ખાતરી આપવા માટેની હકીકત મોજૂદ છે.
ગ્લોબલ વોર્મિંગ ઉપર ન્યુયોર્ક ટાઇમ્સના એક ઈંટરેકટીવ પોર્ટલના ડેટાથી જાણવા મળે છે કે ૧૯૬૦માં, પિપરીયામાં એક વર્ષમાં તાપમાન ૧૫૭ દિવસો સુધી ૩૨ ડિગ્રી કે તેથી પણ વધારે હતું. આજે, એ ગરમીના દિવસોની સંખ્યા વધીને ૨૦૧ થઇ ગઈ છે.
ખેડૂતો અને વૈજ્ઞાનિકો બંનેનું કહેવું છે કે આ પરિવર્તનોના લીધે ઘણી પ્રજાતિઓને નુકસાન થઇ રહ્યું છે અને તેઓ લુપ્ત થઇ રહી છે. એફ.એ.ઓ.ના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી છે કે: “દુનિયાભરમાં પ્રજાતિઓના લુપ્ત થવાનો દર વર્તમાનમાં માનવ હસ્તક્ષેપના કારણે સામાન્ય કરતાં ૧૦૦ થી ૧,૦૦૦ ઘણો વધારે છે.”
*****
ગોંડ આદિવાસી મુન્નીબાઈ કચલન, છતીસગઢના નારાયણપુર જીલ્લાના છોટેડોંગર અઠવાડિક હાટમાં અમને કહે છે કે, “મારી પાસે વેચવા માટે આજે કીડીઓ જ નથી.” ૫૦ વર્ષીય મુન્નીબાઈ નાની ઉંમરથી જ બસ્તરના જંગલોમાં ઘાસ અને કીડીઓ એકઠી કરી રહ્યાં છે. તેઓ એક વિધવા છે અને એમની ચાર દીકરીઓ છે. એમની પાસે અહીંથી નવ કિલોમીટર દૂર, રોહ્તાદ ગામમાં બે એકર જમીન છે, જેના પર આ પરિવાર તેમના જીવન જરૂરિયાતની વસ્તુઓ વાવે છે.
બજારમાં, તેઓ સાવરણીનું ઘાસ, કીડીઓ અને કોઈ વાર અમુક કિલો ચાવલ વેચીને ૫૦-૬૦ રૂપિયા કમાવવાની કોશિશ કરે છે, જેથી આવશ્યક વસ્તુઓ ખરીદી શકે. તેઓ કહે છે કે થોડીક કીડીઓ વેચીને એમને ૨૦ રૂપિયા મળી જાય છે. પરંતુ જે દિવસે અમે એમને મળ્યા એ દિવસે એમની પાસે વેચવા માટે એક પણ કીડી નહોતી, ફક્ત ઘાસનું એક નાનું બંડલ હતું.
મુન્ની કહે છે કે, “અમે હલૈન્ગી [લાલ કીડીઓ] ને ખાઈએ છીએ. એક સમય હતો કે જ્યારે અમને સ્ત્રીઓને આ કીડીઓ જંગલમાં સરળતાથી મળી જતી હતી. હવે એમાંથી ખુબજ ઓછી બચવા પામી છે અને ફક્ત ઊંચા ઝાડ પર જ જોવા મળે છે – જેથી તેમને પકડવી કઠીન થઇ પડે છે. અમને ચિંતા છે કે એ કીડીઓ સુધી પહોંચવામાં પુરુષોને ઈજા થઇ શકે છે.”
ભારત જંતુઓના સર્વનાશને નજર સમક્ષ નિહાળી રહ્યું છે. એન.સી.બી.એસ.ના એસોસિએટ પ્રોફેસર ડૉક્ટર સંજય સાને કહે છે કે, “જંતુઓ એક મહત્વપૂર્ણ પ્રજાતિ છે. એમના લુપ્ત થવાથી આખી પ્રણાલી ભાંગી પડશે.” ડૉ. સંજય વન્યજીવ ક્ષેત્રના બે સ્ટેશનો પર – એક મધ્ય પ્રદેશના પંચમઢીમાં અને બીજું કર્ણાટકના અગુમ્બેમાં – ઊધઈ વિષે અભ્યાસ કરે છે. “વનસ્પતિમાં, કૃષિ પદ્ધતિઓમાં અને તાપમાનમાં ફેરફાર થવાથી બધી પ્રજાતિઓના જંતુઓમાં ઘટાડો થઇ રહ્યો છે. આખીને આખી વસ્તી લુપ્ત થઇ રહી છે.”
ઝૂલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (ઝેડ.એસ.આઈ.) ના નિયામક ડૉક્ટર કૈલાસ ચંદ્ર કહે છે કે, “જંતુઓ તાપમાનને અમુક હદ સુધી જ સહન કરી શકે છે. એટલે સુધી કે ૦.૫ ડિગ્રી સેલ્સિયસનો મામૂલી વધારો પણ એમની ઇકોસીસ્ટમને હંમેશ માટે અસંતુલિત કરી શકે છે અને બદલી શકે છે.” ગત ત્રણ દાયકાઓમાં, આ જંતુવિજ્ઞાનીએ ભમરાની સંખ્યામાં ૭૦ ટકાનો ઘટાડો નોંધ્યો છે, જે પતંગિયા અને ડ્રેગન ફ્લાઈ સાથે પ્રકૃતિ સંરક્ષણ માટે આંતરરાષ્ટ્રીય સંઘ (આઈ.યુ.સી.એન.) ની રેડ લીસ્ટમાં ‘લુપ્ત થવાને આરે’ તરીકે અંકિત થયેલ છે. ડૉક્ટર ચંદ્ર કહે છે કે, “જંતુનાશકોનો બહોળો ઉપયોગ જે આપણી માટી અને પાણીમાં મળી ગયા છે, એનાથી સ્વદેશી જંતુઓ, જળચર જંતુઓ અને નવીન પ્રજાતિઓનો નાશ થઇ ગયો છે અને આપણી જંતુઓની જૈવવિવિધતા લુપ્ત થઇ ગઇ છે.”
મવાસી સમુદાયના આદિવાસી ખેડૂત, ૩૫ વર્ષીય લોટન રાજભોપા મધ્યપ્રદેશના તામીયા તાલુકાના ઘાતિયા વિસ્તારમાં અમને કહે છે કે, “જૂના જંતુઓ ગાયબ થઇ ગયા છે, પણ અમે નવા જોઈ રહ્યા છીએ. તેઓ એટલી સંખ્યામાં આવે છે કે આખી ઉપજને નષ્ટ કરી શકે છે. અમે એમનું નામ પણ પાડ્યું છે – ‘ભિન ભીની’ [ઘણીબધી],” એમણે વ્યંગમાં કહ્યું. “આ નવા જંતુઓ ખૂબ જ ખરાબ છે, જંતુનાશક છાંટવા છતાંય તેઓની સંખ્યામાં વધારો થાય છે.”
ઉત્તરાખંડના ભીમ્તાલમાં પતંગિયા સંશોધન કેન્દ્રના સ્થાપક, ૫૫ વર્ષીય પીટર સ્મેટાચેક લાંબા સમયથી માને છે કે હિમાલયમાં ગ્લોબલ વોર્મિંગના લીધે એના પશ્ચિમી ભાગમાં ભેજ અને તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. આ કારણે શિયાળો જે પહેલા શુષ્ક અને ઠંડો રહેતો હતો એ હવે ગરમ અને ભેજવાળો થઇ ગયો છે. અને આ કારણે પૂર્વ હિમાલયમાંથી પતંગિયાની પ્રજાતિઓ (જેઓ ગરમ અને ભેજવાળા મોસમથી ટેવાયેલી છે) પશ્ચિમી હિમાલય તરફ આવી રહી છે.
પૃથ્વીની ૨.૪ ટકા જમીન અને ૭ થી ૮ ટકા પ્રજાતિઓ હોવાને કારણે ભારત જૈવવિવિધતાનું પ્રમુખ કેન્દ્ર છે. ઝેડ.એસ.આઈ.ના ડૉ. ચંદ્ર કહે છે કે ડિસેમ્બર ૨૦૧૯ સુધી ભારતમાં જંતુઓની પ્રજાતિઓની સંખ્યા ૬૫,૪૬૬ હતી. જો કે, “આ એક રૂઢીવાદી અનુમાન છે. અસંભવિત આંકડા ઓછામાં ઓછા ૪-૫ ઘણા વધારે છે. પણ અમુક પ્રજાતિઓ તો રેકોર્ડ કરવા પહેલા જ લુપ્ત થઇ જાય છે.”
*****
પંજાબી વિશ્વવિદ્યાલય, પટિયાલાના ઉત્ક્રાંતિવાદી જીવવિજ્ઞાની ડૉક્ટર હિમેન્દર ભારતી કે જેઓ ભારતના ‘એન્ટ મેન’ તરીકે જાણીતા છે તેઓ કહે છે કે, “જંગલની કાપણી અને વિખંડન સાથે સાથે જળવાયું પરિવર્તનના લીધે રહેઠાણો બરબાદ થઇ રહ્યા છે. કીડીઓ અન્ય કરોડરજ્જુવાળા જીવોની સરખામણીમાં વધારે સૂક્ષ્મતાની સાથે તણાવ સામે પ્રતિસાદ આપે છે અને આ કારણે તેઓ પ્રજાતિઓની વિવિધતામાં બદલાવ માપવા માટે મોટે પાયે ઉપયોગમાં લેવાય છે.”
ડૉ. ભારતી વિશ્વવિદ્યાલયમાં પ્રાણી વિજ્ઞાન અને પર્યાવરણ વિજ્ઞાન વિભાગના પ્રમુખ છે. ભારતમાં કીડીઓની ૮૨૮ માન્ય પ્રજાતિઓ અને ઉપ-પ્રજાતિઓની સૂચી તૈયાર કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે. તેઓ ચેતવણી આપે છે કે, “આક્રમક પ્રજાતિઓ ઝડપથી પરિવર્તનને અનુકુળ થઇ જાય છે અને દેશી પ્રજાતિઓને વિસ્થાપિત કરી દે છે. તેઓ બધા વિસ્તારોમાં પોતાની પકડ જમાવી લેશે.”
૫૦ વર્ષીય મવાસી આદિવાસી પાર્વતી બાઈ કહે છે કે એવું લાગે છે કે દુષ્ય લોકોની જીત થઇ રહી છે. હોશંગાબાદ જીલ્લાના પગારા ગામમાં તેઓ કહે છે કે, “ગયા વર્ષે, આ ફૂંદી કીડા એક એકરમાં પથરાયેલો મારો ડાંગરનો બધો પાક ખાઈ ગયા હતા.” એમનો અંદાજો છે કે આ સિઝનમાં એમને લગભગ ૯,૦૦૦ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું.
પાર્વતી બાઈથી એક હજાર કિલોમીટર દૂર, દક્ષિણ ભારતના નીલગીરી પર્વતમાળામાં, વનસ્પતિશાસ્ત્રી ડૉક્ટર અનીતા વર્ગીસનું અનુમાન લગાવે છે: “સ્વદેશી સમુદાય આ બદલાવો સૌથી પહેલા અનુભવે છે.” નીલગીરીમાં કીસ્ટોન ફાઉન્ડેશનનાં ઉપ-નિયામક અનીતા કહે છે કે, “કેરળમાં મધ એકઠું કરવાવાળા નોંધે છે કે એશીયાઇ મધમાખીઓ (apis cerana) જમીન પર નહીં પણ ઝાડની બખોલમાં મધપુડા બનાવે છે. તેમનું માનવું છે કે આ પાછળ શિકારી રીંછ અને વધતું તાપમાન જવાબદાર હોઈ શકે છે. પરંપરાગત જ્ઞાન રાખવાવાળા સમુદાયો અને વૈજ્ઞાનિકોએ એક બીજા સાથે ચર્ચા કરવા માટે કોઈ રસ્તો શોધવો પડશે.”
નીલગીરીમાં કટુનાયકન આદિવાસી સમુદાયનાં ૬૨ વર્ષીય કાંચી કોઈલ, પોતાના બચપણની રાતોને અજવાળવાવાળા આગિયા વિષે ખુશીથી કહે છે. “મીનમીની પુચી (આગિયા) ઝાડ ઉપર રથ જેવા લાગે છે. જ્યારે હું નાની હતી, તો તે મોટી સંખ્યામાં આવતા હતા અને તેમના લીધે ઝાડ ખૂબ સુંદર લાગતા હતા. હવે તેઓ વધારે નથી દેખાતા.”
ત્યાં, છતીસગઢના ધમતરી જીલ્લામાં આવેલા જબરા જંગલમાં, ૫૦ વર્ષીય ગોંડ આદિવાસી ખેડૂત વિશાલ રામ મરખમ જંગલના મોત પર શોક વ્યક્ત કરે છે: “જમીન અને જંગલ હવે માણસોના હાથમાં છે. આપણે આગ સળગાવીએ છીએ, આપણે ખેતરોમાં અને પાણીમાં ડી.એ.પી. [ડાય એમોનિયમ ફોસ્ફેટ] છાંટીએ છીએ. ઝેરીલા પાણીને લીધે દર વર્ષે મારા ૭-૧૦ મોટા જાનવરો મૃત્યુ પામે છે. માછલીઓ અને પક્ષીઓ પણ જીવિત નથી રહી શકતા, તો નાના જંતુઓ કઈ રીતે બચી શકશે?”
કવર છબી: છબી: યેશ્વંથ એચ.એમ.
પત્રકાર આ સ્ટોરીમાં અમુલ્ય યોગદાન આપવા બદલ મોહંમદ આરીફ ખાન , રાજેન્દ્ર કુમાર મહાવીર , અનુપ પ્રકાશ , ડૉક્ટર સવિતા ચીબ અને ભારત મેરુગુનો આભાર માને છે. ઉદારતાપૂર્વક એમની જાણકારી અમારી સાથે શેર કરવા બદલ જંતુવિજ્ઞાની ડૉક્ટર મીનાક્ષી ભારતીનો પણ આભાર.
જળવાયું પરિવર્તન વિષે પારીની દેશવ્યાપી રીપોર્ટીંગ એ સામાન્ય લોકોનો અવાજ અને જીવનના અનુભવના માધ્યમથી એ ઘટનાને રજુ કરવાના UNDP દ્વારા આધારભૂત પહેલનો એક હિસ્સો છે.
આ લેખને પ્રકાશિત કરવા માંગો છો? મહેરબાની કરીને [email protected] ને જણાવશો અને એની એક નકલ [email protected] ને મોકલી આપો.
કામ કરી રહયાં છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ