જ્યારે ડી. અમરનાથ રેડ્ડીનો ત્રીજો બોરવેલ પણ સુકાઈ ગયો ત્યારે પોતાના ખેતરમાં સિંચાઈ કરવા તેમને વરસાદી પાણી પર આધાર રાખ્યા વિના છૂટકો નહોતો. પરંતુ 51 વર્ષના આ ખેડૂત જ્યાં ટામેટાંની ખેતી કરતા હતા ત્યાં આંધ્ર પ્રદેશના દુષ્કાળગ્રસ્ત રાયલસીમા પ્રદેશમાં વરસાદ અનિશ્ચિત છે. તેથી ચિત્તૂર જિલ્લાના મુદિવેડુ ગામમાં તેમણે પોતાના ત્રણ એકરના ખેતર માટે બોરવેલ પર 5 લાખ રુપિયા ખર્ચ્યા. ડ્રિલિંગના ખર્ચને પહોંચી વળવા તેમણે ખાનગી ધિરાણકર્તાઓ પાસેથી પૈસા ઉધાર લીધા. પહેલો બોરવેલ નિષ્ફળ ગયા પછી તેમણે ફરીથી પ્રયાસ કર્યો. ત્રીજી વખત સુધીમાં તેમનું દેવું વધી ગયું પણ પાણી હાથ ન લાગ્યું.
અમરનાથ એપ્રિલ-મે 2020માં પોતાનો પાક લણવાની અને પોતે લીધેલી લોન થોડીઘણી ચૂકતે કરવાની આતુરતાથી રાહ જોતા હતા. તેમને માથે - બોરવેલ પરના તેમના ખર્ચાનું, તેમની મોટી દીકરીના લગ્ન માટે લેવી પડેલી લોનનું અને પાક માટેની લોનનું મળીને કુલ - 10 લાખ રુપિયાનું દેવું હતું. પરંતુ ગયા વર્ષે 24 મી માર્ચે વડાપ્રધાન દ્વારા અચાનક જાહેર કરાયેલ લોકડાઉનને કારણે તેમની યોજનાઓ પર પાણી ફરી વળ્યું. પોતાના (ઉગાડેલા) ટામેટાં તોડીને વેચી ન શકાતા તેમણે પોતાની નજર સામે એ ટામેટાં પાકતા અને સડતા જોવા વારો આવ્યો.
અમરનાથે 17 મી સપ્ટેમ્બર, 2020 ના રોજ ઝેર કેમ પીધું તે સમજાવવાનો પ્રયાસ કરતા તેમના પત્ની ડી. વિમલા કહે છે, “તેમને લાગ્યું હશે કે આ (કોવિડ) મહામારી દરમિયાન હાલત સુધરશે નહીં અને તેઓ હતાશ થઈ ગયા હશે." વિમલા કહે છે, “તેમણે 10 દિવસ પહેલા પણ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમનો જીવ બચાવવા અમે તેમને [180 કિલોમીટર દૂર] બેંગલુરુના એક મોટા દવાખાનામાં લઈ ગયા હતા. તે વખતે અમારે 1 લાખ રુપિયાનો ખર્ચો થયો હતો." તેમણે (વિમલાએ) અમરનાથને ફરીથી આવું ન કરવા વિનંતી કરી હતી.
ચિત્તૂરમાં ખેડૂતોની આત્મહત્યાના પોલીસ અહેવાલોમાં ટાંકવામાં આવેલા મુખ્ય કારણોમાંનું એક બોરવેલની નિષ્ફળતા છે. (આત્મહત્યાના) બીજા કારણોમાં ટામેટાંના પાકની નિષ્ફળતા અને કૃષિ દેવું છે. (પીડિત) પરિવારોને વળતર આપવા અંગેનો રાજ્ય સરકારનો આદેશ (આત્મહત્યા પાછળના) વધુ કારણો છતા કરે છે : “આવી આત્મહત્યા પાછળ બોરવેલની નિષ્ફળતા, જેને ઉગાડવા પાછળ ભારે ખર્ચ આવતો હોય એવા રોકડિયા પાકની ખેતી, બિન-લાભકારી કિંમતો, મૌખિક ગણોતપટા અને બેંક લોન મેળવવા માટે અયોગ્યતા, ઊંચા વ્યાજ દરો સાથેના ખાનગી ધિરાણ, પ્રતિકૂળ મોસમી પરિસ્થિતિઓ, બાળકોના શિક્ષણ, માંદગી અને લગ્નો પાછળ કરવામાં આવેલ ભારે ખર્ચ જેવા વિવિધ કારણો હોઈ શકે છે."
ગયા વર્ષે અણધાર્યા લોકડાઉનને કારણે ઘણા લોકોની પરિસ્થિતિ વધુ વણસી હતી. માત્ર 2020 માં જ ચિત્તૂર જિલ્લામાં 34 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી - 2014 પછીની આ સૌથી વધુ સંખ્યા છે. તેમાંથી 27 (ખેડૂતો) એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે મૃત્યુ પામ્યા હતા.
આ (કોવિડ) મહામારી પહેલાની પરિસ્થિતિ પણ કંઈ બહુ વખાણવા લાયક ન હતી. 2019 માં આંધ્ર પ્રદેશના ખેડૂત પરિવારોનું સરેરાશ દેવું – 2.45 લાખ રુપિયા - દેશમાં સૌથી વધુ હતું. તાજેતરમાં પ્રકાશિત થયેલ સિચ્યુએશન એસેસમેન્ટ ઓફ એગ્રીકલ્ચર હાઉસહોલ્ડ્સ એન્ડ લેન્ડ એન્ડ લાઈવસ્ટોક હોલ્ડિંગ્સ ઓફ રૂરલ ઈન્ડિયા, 2019 ( 2019 નું ગ્રામીણ ભારતમાં ખેડૂત પરિવારોની માલિકીની જમીન અને પશુધનની સ્થિતિનું મૂલ્યાંકન ) નોંધે છે કે તે વર્ષે આ રાજ્યમાં (આંધ્રપ્રદેશમાં) 93 ટકા ખેડૂત પરિવારો દેવા હેઠળ હતા.
અમરનાથ અને વિમલાની બાજુની શેરીમાં 27 વર્ષના પી. મંજુલા તેમના સ્વર્ગસ્થ પતિની માનસિક સ્થિતિ શું હશે તેનો તાગ પામવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહે છે કે તેમને માનસિક તણાવના કોઈ ચિહ્નો જણાતા નહોતા. તેઓના લગ્ન થયાને આઠ વર્ષ થયા તે દરમિયાન તેઓ અવારનવાર પોતાની 10 એકર જમીન પર ખેતીની તેમની યોજના વિશે ચર્ચા કરતા હતા. “પરંતુ તેમણે ક્યારેય તેમની આટલી હદ સુધીની આર્થિક મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો નથી. [8.35 લાખ રુપિયાનું] આ દેવું મારા માટે આઘાતજનક હતું." તેમના પતિ 33 વર્ષના પી. મધુસુદન રેડ્ડીએ ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી અને 26 મી જુલાઈ, 2020 ના રોજ મૃત્યુ પામ્યા.
મધુસુધને અડધો એકર જમીનમાં ઉગાડેલાં ટામેટાં તોડ્યા વિનાના રહી ગયાં. તેમના પિતા પી. જયરામી રેડ્ડી કહે છે કે મોટા ભાગનું દેવું તેમની ખેતીની જમીનમાં લગાવેલા ચાર બોરવેલની પાછળ થયેલ ખર્ચને કારણે થયું હતું. આઠ વર્ષના સમયગાળામાં 700-800 ફૂટના બોરહોલ ખોદવામાં આવ્યા અને તે દરમિયાન ઉધાર લીધેલી રકમ પર વ્યાજ ચડતું જ ગયું.
કેટલીક લોન ચૂકવવા મધુસુદનના પરિવારે તેમના મૃત્યુ પછી બે એકર જમીન વેચી દીધી. તેઓ હવે માત્ર અડધા એકરમાં ડાંગરની ખેતી કરી રહ્યા છે, અને તે માટે આ વિસ્તારના સાત પરિવારો દ્વારા સંયુક્ત રીતે ઉપયોગમાં લેવાતા બોરવેલમાંથી પાણી ખેંચી રહ્યા છે. જયરામી રેડ્ડી કહે છે, “આ વર્ષે [2021 માં] ભારે વરસાદને કારણે અમે વાવેલ મગફળીના પાકની સારી ઉપજ થઈ નથી. અમે જેટલું રોકાણ કર્યું છે તે ય પાછું નહીં મળે. બાકીની જમીન પડતર પડી છે."
ચિત્તૂરના બાગાયત વિભાગના નાયબ નિયામક બી. શ્રીનિવાસુલુ કહે છે કે 2019 થી ભારે વરસાદને કારણે જિલ્લાના ખેડૂતો ટામેટાંની ખેતીને બદલે ડાંગરની ખેતી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જો કે મંડલના મદદનીશ આંકડાકીય અધિકારી (અસિસ્ટન્ટ સ્ટેટિસ્ટિકલ ઓફિસર) એન. રાઘવ રેડ્ડી કહે છે કે 2009-10 અને 2018-19 વચ્ચેના દાયકામાં સાત વર્ષ સુધી જિલ્લાના કેટલાક ભાગો - જેમ કે કુરાબાલાકોટા મંડલ જ્યાં મુદિવેડુ આવેલું છે - ને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા.
2019 થી ચિત્તૂરમાં આત્મહત્યાને કારણે થયેલા ખેડૂતોના મૃત્યુની સંખ્યામાં વધારો થયો છે. ડિસ્ટ્રિક્ટ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા સંકલિત આંકડા અનુસાર 2018 માં આ સંખ્યા 7 હતી પરંતુ 2019 માં તે વધીને 27 થઈ ગઈ. 2020 માં ખેડૂતોની આત્મહત્યાના મામલે આંધ્ર પ્રદેશ દેશમાં ત્રીજા ક્રમે હતું ત્યારે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB - એનસીઆરબી) અનુસાર આંધ્ર પ્રદેશમાં 140 ગણોતિયાઓ સહિત 564 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી - જેમાં 34 ખેડૂતો ચિત્તૂરના હતા.
તેમાંના એક તે દલિત ગણોતિયા એમ. ચિન્ના રેડ્ડપ્પા. તેમણે પેડ્ડા તિપ્પાસમુદ્રમ મંડલમાં આવેલા તેમના ગામ સંપતિકોટામાં ગણોતપટે લીધેલી 1.5 એકર જમીન પર ટામેટાંની ખેતી કરી હતી, આ જમીન તેમણે 20000 રુપિયામાં છ મહિના માટે ગણોતપટે લીધી હતી. તેમના પત્ની એમ. ઇશ્વરમ્મા કહે છે કે કોવિડ-19 લોકડાઉનને કારણે તેમને (એ ટામેટાં) વેચવાની તક ન મળી. "બધો ય પાક ખેતરોમાં જ સુકાઈ ગયો ત્યારે અમારે માથે ત્રણ લાખ રુપિયાનું દેવું ખડકાયેલું હતું." આવકનું આ નુકસાન ભરપાઈ કરવા આ દંપતી પાસે ન તો મિલકત હતી કે ન કોઈ બચત. 45 વર્ષના ચિન્ના રેડ્ડપ્પાએ 30 મી ડિસેમ્બરે આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો.
ઈશ્વરમ્મા અને તેમની દીકરી, ધોરણ 5 માં ભણતી પૂજા બી. કોઠાકોટા મંડલના દેગનીપલ્લી ગામમાં તેમના (ઈશ્વરમ્માના) માતાપિતાના ઘેર રહેવા જતા રહ્યા. ઈશ્વરમ્મા કહે છે, "હવે હું ખેતરોમાં રોજના 200 રુપિયાની દાડિયા મજૂરી કરીને જેમતેમ ગુજરાન ચલાવું છું, અને દેવું ચૂકવવા માટે મારી પાસે કોઈ સગવડ નથી." તેઓ ઉમેરે છે, "હું મારું જ માંડ માંડ નભાવું છું અને છતાં લેણદારો સતત મને ફોન કરી કરીને પરેશાન કરે છે."
રૈતુ સ્વરાજ્ય વેદિકા (RSV - આરએસવી) દ્વારા ફેબ્રુઆરી 2019 માં કરવામાં આવેલ માહિતી અધિકાર અરજીમાં બહાર આવ્યું હતું કે 2014 થી 2018 ની વચ્ચે આંધ્ર પ્રદેશમાં 1513 ખેડૂતોના મોત આત્મહત્યાને કારણે થયા હતા. પરંતુ માત્ર 391 પરિવારોને જ રાજ્ય સરકાર તરફથી 5 લાખ રુપિયાનું વળતર મળ્યું હતું. પ્રસાર માધ્યમોમાં આ માહિતી પ્રસિદ્ધ થયા બાદ રાજ્ય સરકારે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. વળતર નકારવામાં આવ્યું હોય તેવા પરિવારોને મદદ કરવા આગળ આવનાર ખેડૂતોના સંગઠન આરએસવીના સચિવ બી. કોંડલ રેડ્ડી કહે છે, "સરકાર માત્ર બીજા 640 પરિવારોને વળતર ચૂકવવા સંમત થઈ હતી, અને બાકીના 482 ખેડૂતોના પરિવારોને કંઈ મળ્યું નથી." રાજ્ય સરકારે ઓક્ટોબર 2019માં મૃતક ખેડૂતોના પરિવારોને ચૂકવવામાં આવતા વળતરમાં 2 લાખ રુપિયાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. પરંતુ હજી સુધી વિમલા, મંજુલા કે ઈશ્વરમ્મામાંથી કોઈને ય તેમાંનું કંઈ મળ્યું નથી.
2019-20માં રાજ્યના ટામેટાંના ઉત્પાદનમાં ચિત્તૂર જિલ્લાએ 37 ટકા ફાળો આપ્યો હતો - તે વર્ષે આંધ્રપ્રદેશ દેશનું બીજું સૌથી મોટું ટામેટા ઉત્પાદક રાજ્ય હતું. અહીં આખા વર્ષ દરમિયાન સંકર અને દેશી બંને જાતો ઉગાડવામાં આવે છે. ચિત્તૂર અને રાયલસીમાના બીજા જિલ્લાઓ (વાયએસઆર કડપા, અનંતપુર, કુર્નૂલ) અને પડોશી કર્ણાટકના ઘણા ટામેટા ઉત્પાદકો, દેશના સૌથી મોટા માર્કેટ યાર્ડ પૈકીના એક, ચિત્તૂરના મદનપલ્લી ટામેટા બજારમાં તેમની ઉપજ વેચે છે, જે દેશના સૌથી મોટા માર્કેટ યાર્ડ પૈકીનું એક છે.
મદનપલ્લી ખાતે જથ્થાબંધ ભાવ હરાજી દ્વારા નક્કી કરવામાં આવે છે અને આ દર ઘણા પરિબળો પર આધારિત છે. દાખલ તરીકે આગલી રાત્રે વરસાદ પડે તો બીજે દિવસે સવારે ભાવ ઘટી જાય. જ્યારે ભાવ સારો હોય ત્યારે બજારમાં વધુ ઉપજ આવે તો તે દિવસે હરાજીનો દર ઘટી શકે છે. આ 29 મી ઓગસ્ટના રોજ આ ખબરપત્રી અનંતપુર જિલ્લાના તનાકલ મંડલના માલરેડ્ડીપલ્લી ગામના ખેડૂત એસ. શ્રીનિવાસુલુને મળ્યા હતા ત્યારે આવું જ બન્યું હતું. મદનપલ્લી યાર્ડમાં પોતાની ઉપજ વેચતા એસ. શ્રીનિવાસુલુએ કહ્યું “સારા ભાવને કારણે ખેડૂતો યાર્ડમાં વધુ ટામેટાં લાવ્યા પછી 30 કિલો ક્રેટનો દર ગઈકાલના 500 રુપિયાથી ઘટીને (આજે) 390 રુપિયા પર આવી ગયો."
અનંતપુરના નલ્લાચેરુવુ મંડલના અલ્લુગુન્ડુ ગામના ખેડૂત આર. રામાસ્વામી રેડ્ડી કહે છે, “ટામેટાંની ખેતીમાં પ્રતિ એકર 100000 રુપિયાથી 200000 રુપિયા સુધીનું રોકાણ કરવાની જરૂર પડી શકે છે." તેઓ ઉમેરે છે, "કુદરત [વરસાદ] પાકને નુકસાન ન પહોંચાડે તો વધારે રોકાણ કરવાથી વધારે ઉપજ મળી શકે." 2-3 વર્ષમાં થયેલું નુકસાન ચોથા વર્ષમાં જ ભરપાઈ થઈ શકે.
મદનપલ્લીના વકીલ એન. સહદેવ નાયડુ કહે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં ટામેટાંની ખેતી જોખમી બની છે. તેમનો પરિવાર ગણોતપટે આપેલી 10-15 એકર જમીન પર ટામેટાંની ખેતી કરે છે. તેઓ કહે છે, "મારા 20-વર્ષના અનુભવમાં (ટામેટાંના) દરો એક અઠવાડિયા માટે પણ એકસરખા રહ્યા નથી." તેઓ ઉમેરે છે કે છેલ્લા બે દાયકામાં (ટામેટાંની ખેતી પાછળ) રોકાણનો ખર્ચ 7-10 ગણો વધ્યો છે, પરંતુ ટામેટાંનો દર 1 રુપિયાથી 60 રુપિયાની વચ્ચે રહ્યો છે. જો કે પાક પર ઊંચા વળતરની સંભાવના જોખમ લઈ શકે તેવા ખેડૂતોને (ટામેટાંની ખેતી તરફ) આકર્ષે છે. ઊંચા ઉત્પાદનને કારણે નાયડુના પરિવારને ભાવની વધઘટને પહોંચી વળવામાં મદદ મળી છે. તેઓ સમજાવે છે, "અમે જમીન ગણોતપટે આપીને પાકની ખેતી કરી અને આખું વર્ષ ટામેટાં વેચ્યા, અને તેથી અમે નુકસાન ટાળી શક્યા."
આ વર્ષે સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ચોમાસાના ભારે વરસાદ અને મધ્ય નવેમ્બરથી 255 ટકાથી વધારે બિનમોસમી વરસાદને કારણે સમગ્ર રાયલસીમામાં હજારો એકરના પાકને નુકસાન થયું છે . ટામેટાંના ઘટેલા પુરવઠાના કારણે ઓક્ટોબરથી મદનપલ્લીમાં (ટામેટાંના) ભાવમાં વધારો થયો છે. ઉચ્ચ ગુણવત્તાવાળા સંકર ટામેટાં જે ગયા મહિને 42 રુપિયાથી 48 રુપિયે કિલો વેચાતા હતા તે જ 16 મી નવેમ્બરે 92 રૂપિયે કિલો વેચાયા. અને આ ભાવ 23 મી નવેમ્બરે 130 રુપિયે કિલોની વિક્રમી ઊંચાઈને આંબી ગયા ત્યાં સુધી સતત વધતા જ રહ્યા.
જો કે તે દિવસે કેટલાક ખેડૂતો રાહતનો શ્વાસ લઈ ઘેર ગયા, પણ ઘણા લોકો માટે તે દિવસ ફરી એક વાર તેમની અનિશ્ચિત આજીવિકાની યાદ અપાવનાર બની રહ્યો.
જો તમને આત્મહત્યા કરવાના વિચારો આવતા હોય અથવા માનસિક તણાવમાં હોય તેવા બીજા કોઈની તમને જાણ હોય તો કૃપા કરીને રાષ્ટ્રીય હેલ્પલાઈન, કિરણ, 1800-599-0019 (24/7 ટોલ ફ્રી) પર અથવા આ હેલ્પલાઈનમાંથી તમારી નજીકની કોઈપણ હેલ્પલાઈન પર કૉલ કરો. માનસિક સ્વાસ્થ્ય વ્યાવસાયિકો અને સેવાઓની મદદ મેળવવા તેમનો સંપર્ક સાધવા અંગેની માહિતી મેળવવા કૃપા કરીને એસઆઈપીએફ (SPIF) ની માનસિક સ્વાસ્થ્ય નિર્દેશિકા ની મુલાકાત લો.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક