એક સ્વચ્છ ને ઉજળા દિવસે 39 વર્ષીય સુનિતા રાની આશરે 30 સ્ત્રીઓના સમૂહને સંબોધી રહ્યાં છે અને તેમને મોટી સંખ્યામાં બહાર આવીને પોતાના અધિકારો માટે અચોક્કસ મુદતની હડતાલ પાડવાને પ્રોત્સાહન આપી રહ્યા છે. “કામ પક્કા, નૌકરી કચ્ચી [કામ પાકું, કાચી નોકરી],” સુનિતા બૂમ પાડે છે. “નહીં ચલેગી, નહીં ચલેગી [નહિ ચાલે, ભાઈ, નહિ ચાલે]!” બીજી સ્ત્રીઓ એકસાથે નારો લગાવે છે.
દિલ્હી-હરિયાણા હાઇવે પાસે આવેલ સોનીપત શહેરની સિવિલ હૉસ્પિટલની બહાર એક અવ્યવસ્થિત લૉનમાં લાલ રંગના વસ્ત્રો પહેરેલી સ્ત્રીઓ – આ હરિયાણામાં તેમનો ગણવેશ છે – દરી પર બેસીને સુનિતાની વાતો સાંભળે છે. તે તેમની રામકહાણી સંભળાવે છે, જે તેઓ બધાંજ ખૂબ સારી રીતે જાણે છે.
આ સ્ત્રીઓ આશા (ASHA- Accredited Social Health Activists) બહેનો છે, એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ્સ, દેશના રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન (NRHM) ના પદસેવકો, ભારતની ગ્રામીણ વસ્તીને દેશની સાર્વજનિક આરોગ્ય સંભાળ પ્રણાલી સાથે જોડતી અત્યંત મહત્ત્વની કડી. આખા દેશમાં દસ લાખથી વધુ આશા બહેનો કામ કરે છે અને ઘણીવાર કોઈપણ આરોગ્ય સંભાળ સંબધી જરૂરિયાત કે સંકટની સ્થિતિ દરમિયાન ઉપલબ્ધ પહેલા આરોગ્ય સંભાળ કર્મચારી હોય છે.
તેઓ ગૂંચવી નાખે તેવા 12 મુખ્ય કાર્યો અને 60થી વધુ ઉપકાર્યો કરવાના હોય છે જેમાં પોષણ, સ્વચ્છતા અને ચેપી રોગો વિશે માહિતી આપવાથી લઈને ક્ષય રોગના દર્દીઓની સારવારનું ધ્યાન રાખવું અને આરોગ્યના સૂચકોનો રેકૉર્ડ રાખવા જેટલા વિવિધ કાર્યોનો સમાવેશ થાય છે.
તેઓ આ બધુંજ કરે છે, અને આનાથી વધુ પણ. પણ, સુનિતા કહે છે, “આમાં અમને ખરેખર જેના માટે તાલીમ આપવામાં આવે છે તેજ રહી જાય છે – માતા અને નવજાત બાળકના આરોગ્ય સંબધી આંકડા.” સુનિતા સોનીપત જિલ્લાના નાથુપુર ગામમાં કામ કરે છે અને 2,593 લોકોની વસ્તી ધરાવતા ગામની સંભાળ રાખતી ત્રણ આશા બહેનોમાંથી એક છે.
પ્રસૂતિ પૂર્વે અને પછીની સંભાળ ઉપરાંત, આશા બહેનો સામુદાયિક આરોગ્ય કામદારો હોય છે જે સરકારની કુટુંબ નિયોજન સંબંધી નીતિઓ, ગર્ભ નિરોધ અને સગર્ભાવસ્થાઓ વચ્ચે અંતર જાળવવાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવે છે. તેઓ 2006માં જ્યારે આશા કાર્યક્રમની શરુઆત થઈ હતી ત્યારના 1,000 જીવિત જન્મો પર 57 બાળ મરણોમાંથી શિશુ મૃત્યુ દરને 2017માં 33 મૃત્યુ સુધી નીચે લાવવામાં કેન્દ્ર સ્થાને રહ્યા છે 2005-06 અને 2015-16ની વચ્ચે, ચાર અથવા વધુ પ્રસૂતિ પૂર્વની મુલાકાતો 37 ટકાથી વધીને 51 ટકા થઈ અને સંસ્થાઓમાં પ્રસૂતિ 39 ટકાથી વધીને 79 ટકા થઈ ગઈ છે.
“અમે કર્યું છે અને કરી શકીએ છીએ તે સારા કામ છતાં, છેવટે તો અમે બસ એક પછી એક સર્વેજ પૂરા કરતા રહી જઈએ છીએ,” સુનિતા ઉમેરે છે.
“અમારે રોજ એક નવો રિપોર્ટ જમા કરાવવાનો હોય છે," જખૌલી ગામમાં સ્થિત 42 વર્ષના આશા બહેન નીતુ (નામ બદલ્યું છે) કહે છે. "એક દિવસ ANM [ઑક્ઝિલરી નર્સ મિડવાઇફ, જેને આશાબહેન જવાબદેહ હોય છે] અને પ્રસૂતિ પૂર્વેની સંભાળની જરૂર હોય તેવી સ્ત્રીઓનો સર્વે કરવાનો કહે છે, અને બીજા દિવસે અમે સંસ્થાઓમાં થયેલ પ્રસૂતિઓના આંકડા ભેગા કરીએ છીએ, અને ત્યાર પછીના દિવસે અમારે બધાનું બ્લડપ્રેશર નોંધવાનું હોય છે [કેન્સર, ડાયાબિટીસ અને કાર્ડિયોવાસ્ક્યુલર (હૃદય સંબંધી) રોગોના નિયંત્રણ માટેના એક રાષ્ટ્રીય કાર્યક્રમના ભાગ રૂપે]. એની પછીના દિવસે અમને ચૂંટણી કમિશન માટે બૂથ લેવલ અધિકારીનો સર્વે કરવાનું કહેવામાં આવે છે. આ ક્યારેય પૂરું થતુંજ નથી.”
નીતુ અંદાજો લગાવે છે કે 2006માં તેમને દાખલ કરવામાં આવ્યા ત્યારથી અત્યાર સુધીમાં તેમણે આ કામમાં ઓછામાં ઓછા 700 અઠવાડિયાં કાઢ્યા છે, રજા માત્ર બીમારી કે તહેવારનીજ મળે છે. 8,259 લોકોના ગામમાં નવ આશા બહેનો હોવા છતાં, તેઓ દેખીતી રીતે થાકેલા દેખાય છે. તેઓ હડતાલના સ્થળે એક કલાક મોડા પહોંચ્યા, એક રક્તક્ષીણતા જાગૃતિ કાર્યક્રમ પૂરો કરીને. આશાઓને કોઈપણ સમયે જે દરેક ઘેર જઈને કરવાના કામ માટે બોલાવી શકાય છે તેની યાદી કોઈ ગામમાં પાકા મકાનોની સંખ્યા ગણવાથી લઈને સમુદાયમાં ગાયો અને ભેંસો ગણવા સુધી વિસ્તારેલી છે..
“હું 2017માં આશા બની ત્યારથી અત્યાર સુધીના ફક્ત ત્રણ વર્ષમાં, મારું કામ ત્રણગણું થઈ ગયું છે – અને એમાંથી મોટા ભાગનું કાગળિયા કરવાનું હોય છે,” 39 વર્ષના આશા બહેન છવિ કશ્યપ. જે સિવિલ હોસ્પિટલથી આઠ કિલોમીટર દૂર આવેલા પોતાના ગામ બહાલગઢથી હડતાલમાં ભાગ લેવા આવ્યા છે. “જ્યારે સરકારે અમારા માથે મારેલ દરેક નવો સર્વે પૂરો કરી લઈએ, ત્યારે અમારે અમારું વાસ્તવિક કામ કરવાનું હોય છે.”
તેમના લગ્ન પછીના 15 વર્ષ સુધી છવિએ ક્યારેય એકલા ઘરની બહાર પગ મૂક્યો ન હતો, હૉસ્પિટલ સુધી પણ નહીં. જ્યારે 2016માં તેમના ગામમાં એક આશા પ્રશિક્ષક આવ્યા અને તેમણે આશા બહેનો શું કરે છે તેના વિશે એક કાર્યશાળા કરી, ત્યારે છવિને નામ નોંધાવવાની ઇચ્છા થઈ. આ કાર્યશાળાઓ પછી પ્રશિક્ષકો 18 અને 45 વર્ષની વચ્ચેની ઉંમરની ત્રણ પરિણીત સ્ત્રીઓના નામ નક્કી કરે છે જે કમસે કમ ધોરણ 8 સુધી ભણી હોય અને જેમને સામુદાયિક આરોગ્ય સ્વયંસેવક તરીકે કામ કરવામાં રસ હોય.
છવિને રસ હતો અને તે પાત્ર પણ હતાં, પણ તેમના પતિએ ના પાડી. તે બહાલગઢમાં ઇંદિરા કોલોનીમાં એક ખાનગી હૉસ્પિટલમાં નર્સિંગ સ્ટાફમાં છે. અને અઠવાડિયામાં બે દિવસ રાતની શિફ્ટમાં કામ કરે છે. “અમારે બે દીકરાઓ છે. મારા પતિને ચિંતા હતી કે અમે બંને સાથે બહાર હોઈએ તો તેમની સંભાળ કોણ રાખશે,” છવિ કહે છે. કેટલાંક મહિના પછી, જ્યારે પૈસાની તંગી પડવા માંડી ત્યારે તેમણે છવિને નામ નોંધાવવા કહ્યું. છવિએ ત્યાર પછીની ભરતીની પ્રક્રિયા દરમિયાન અરજી કરી અને ટૂંક સમયમાં ગામની ગ્રામ સભાએ તેમને બહાલગઢના 4,196 નિવાસીઓ માટેની પાંચ આશા બહેનોમાંથી એક તરીકે કાયમી કર્યાં.
“અમારી પતિ-પત્નીની વચ્ચે એક જ નિયમ છે. જો તે (પતિ) રાતની શિફ્ટ પર હોય, અને મને ફોન આવે કે કોઈ સ્ત્રીને પ્રસૂતિની પીડા ઉપડી છે અને તેને હૉસ્પિટલ લઈ જવાની છે, તો મારાથી બાળકોને મૂકીને જઈ ન શકાય. હું એમ્બ્યુલન્સ બોલાવું અથવા કોઈ બીજી આશા બહેનને મારી જગ્યાએ જવાનું કહું,” છવિ ઉમેરે છે.
પ્રસૂતિની પીડા ઉપડી હોય તેવી સગર્ભા સ્ત્રીઓને હૉસ્પિટલ લઈ જવી આશા બહેનો દર અઠવાડિયે જે અનેક કામો કરે છે તેનોં એક ભાગ છે. “ગયા અઠવાડિયે મને જેનો પ્રસૂતિનો સમય નજીક આવી ગયો હતો તેવી એક સ્ત્રીનો ફોન આવ્યો અને તેણે મને જણાવ્યું કે તેને પ્રસવ પીડા ઉપડી છે અને તે ઇચ્છતી હતી કે હું તેને હૉસ્પિટલ લઈ જાઉં. પણ હું જઈ ન શકી,” શીતલ (નામ બદલ્યું છે) સોનીપતની રાઇ તહેસીના બઢ ખાલસા ગામના એક આશા બહેન ઉમેરે છે. “એજ અઠવાડિયે મને એક આયુષ્માન કેમ્પ કરવાનું કહેવામાં આવ્યું હતું,” આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ઉલ્લેખ કરતા 32 વર્ષના શીતલ ઉમેરે છે. થેલો ભરીને ફૉર્મ અને તેમના ગામના એવા દરેક વ્યક્તિનો રેકૉર્ડ જે સરકારની આરોગ્ય યોજનાને માટે પાત્ર હતા સાથે કેમ્પમાં ફસાયેલ, તેમને તેઓ જેમને રિપોર્ટ કરે છે તે ANM દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તેમણે આયુષ્માન યોજનાના કામ ને બીજા બધાં કામ કરતા વધુ મહત્ત્વ આપવાનું છે.
“મેં આ [સગર્ભા] સ્ત્રી બે વર્ષ અગાઉ તેનું લગ્ન થયું અને ગામમાં આવી ત્યારથી તેની સાથે તેનો વિશ્વાસ જીતવા માટે કામ કર્યું હતું. હું તેની સાથે હતી – તેના સાસુને તેને કુટુંબ નિયોજન માટે સલાહ આપવા દેવા રાજી કરવાથી લઈને તેને અને તેના પતિને બાળક થતા પહેલા બે વર્ષ રાહ જોવા માટે રાજી કરવા સુધી અને તેની આખીય સગર્ભાવસ્થા દરમિયાન. મારે ત્યાં હોવું જોઇતું હતું,” શીતલ ઉમેરે છે.
તેના બદલે તેમણે ફોન પર અડધો કલાક ચિંતિત કુટુંબને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો જે તેમના વિના ડૉક્ટર પાસે જવા માંગતા ન હતા. છેવટે, એ લોકો તેમણે તેઓના માટે જે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી તેમાં ગયા “અમે જે વિશ્વાસનું ચક્ર બનાવીએ છીએ, તેમાં ખલેલ પડે છે,” સુનિતા રાની કહે છે.
જ્યારે આશા કાર્યકર્તાઓ છેવટે પોતાનું કામ કરવા સુધી પહોંચે છે, ત્યારે ઘણીવાર તેમણે બાંધેલા હાથે કામ કરવું પડે છે. સામાન્ય રીતે દવાઓની કિટ ઉપલબ્ધ નથી હોતી, અને પેરાસિટામૉલની ગોળી, સગર્ભા મહિલાઓ માટે આયર્ન અને કેલ્શિયમની ગોળીઓ, ઓરલ રિહાઇડ્રેશન સૉલ્ટ્સ, કૉન્ડોમ, મોઢા વાટે લેવાની ગર્ભ નિરોધક ગોળીઓ, અને સગર્ભાવસ્થા પરીક્ષણ કિટ જેવી અનિવાર્ય વસ્તુઓ પણ ઉપલબ્ધ નથી હોતી. “અમને કંઈજ આપવામાં નથી આવતું. માથાના દુખાવાની દવા પણ નહીં. અમે દરેક ઘરમાં જરૂરિયાતોની નોંધણી કરીએ છીએ, જેમાં કોણ કયા પ્રકારનું ગર્ભનિરોધક વાપરે છે, અને પછી ANMને અમને તે આપવાને કહીએ છીએ,” સુનિતા કહે છે. ઑનલાઇન સરકારી રૅકૉર્ડ આ વાતની પુષ્ટિ કરે છે – સોનીપત જિલ્લામાં 1,045 આશા બહેને વચ્ચે માત્ર 485 દવાની કિટો આપવામાં આવી હતી.
ઘણી વાર આશા બહેનો ખાલી હાથે પોતાના સમુદાયના સભ્યો પાસે જાય છે. “કેટલીક વાર તેઓ અમે આયર્નની ગોળીઓ આપે છે પણ કેલ્શિયમ નહીં, જે સગર્ભા મહિલાઓ આમ તો એક સાથે લેવી જેઈએ. કેટલીક વાર તેઓ અમને દરેક સગર્ભા સ્ત્રી દીઠ 10 જ ગોળીઓ આપે છે, જે 10 દિવસમાં પૂરી થઈ જાય છે. જ્યારે તે સ્ત્રી અમારી પાસે આવે છે, ત્યારે અમારી પાસે તેને આપવા માટે કશુંજ હોતું નથી,” છવિ સમજાવે છે.
કેટલીક વાર તેમને ખરાબ ગુણવત્તાની વસ્તુઓ આપવામાં આવે છે. “મહિનાઓ સુધી એકપણ દવા ન હોય પછી અમને માલા-એનના આખાને આખા બૉક્સ મળે (સંયોજન હૉર્મોન મોઢા વાટે લેવાની ગર્ભનિરોધક ગોળી) , જેના ઉપયોગનો સમય પૂરો થવાને એકજ મહિનો બાકી હોય અને હુકમ મળે કે આ શક્ય એટલી ઝડપથી વહેંચી દો,” સુનિતા કહે છે. માલા-એનનો ઉપયોગ કરતી સ્ત્રીઓ પાસેથી મળતો આ ફીડબૅક જે આશા બહેનો ધ્યાનપૂર્વક નોંધે છે, ક્યારેક જ ધ્યાનમાં લેવામાં આવે છે.
હડતાલના દિવસે બપોર સુધીમાં વિરોધ નોંધાવવા માટે 50 આશા બહેનો એકઠી થઈ છે. હૉસ્પિટલના આઉટપેશંટ વિભાગની બાજુમાં આવેલ એક કિટલીએથી ચા મંગાવવામાં આવે છે. જ્યારે કોઈ પૂછે છે કે પૈસા કોણ ચુકવશે, ત્યારે મજાક કરતા નીતુ કહે છે, એ તો નહીં જ કારણકે તેમને છ મહિનાથી પગાર મળ્યો નથી. NRHMની 2005ની નીતિ મુજબ આશા બહેને સ્વયંસેવકો છે અને તેમને થતી ચુકવણી તેઓ પૂરાં કરે તે કામોની સંખ્યા પર આધારિત હોય છે. આશા બહેનોને સોંપાતા અનેક કામોમાંથી ફક્ત પાંચને જ 'નિયમિત અને ફરી-ફરી કરાતાં' કામોના વર્ગમાં મુકવામાં આવ્યા છે. આના માટે ઑક્ટોબર 2018માં કેન્દ્ર સરકારે કુલ મહિને ₹ 2,000 ચુકવવા સંમતિ આપી હતી – પણ ચુકવણી સમયસર ભાગ્યેજ થાય છે.
તેનાથી આગળ, આશા બહેનોને તેઓ જે કામ પૂરા કરે તે દરેક કામ કરવા માટે ચુકવણી કરવામાં આવે છે. દવા લેવાનો વિરોધ કરતા હોય તેવા ક્ષયના દરદીને છથી નવ મહિનાના સમયગાળા સુધી દવા આપવા માટે તેઓ વધુમાં વધુ ₹ 5,000 મેળવી શકે, અથવા ઓઆરએસનું એક પેકેટ આપવા માટે બસ ₹ 1. કુટુંબનિયોજન માટેના ઇનસેન્ટિવ બે બાળકો વચ્ચે અંતર રાખવાની પદ્ધતિના બદલે સ્ત્રી વંધ્યીકરણના પક્ષે હોય છે. ટ્યૂબેક્ટૉમી અથવા વાસેક્ટૉમી (નસબંધી) માટે કોઈ સ્ત્રીને રાજી કરવાથી આશા બહેનોને ₹ 200 થી 300નો ઇનસેન્ટિવ મળે છે, જ્યારે કૉન્ડોમનું પેકેટ, અથવા મોઢા વાટે લેવાની ગર્ભનિરોધક ગોળીઓ અથવા સંકટ સ્થિતિમાં ગર્ભનિરોધક આપવા બદલ દરેક પેકેટે ₹1. કુટુંબનિયોજન માટેના કાઉન્સેલિંગ માટે કોઈ ચુકવણી કરવામાં આવતી નથી, જ્યારે કે આ આશા બહેનો માટે જરૂરી, લાંબુ અને સમય લેતું કામ છે.
અનેક રાષ્ટ્રવ્યાપી અને પ્રાદેશિક હડતાલો પછી, જુદાં-જુદાં રાજ્યોએ તેમના આશા કાર્યકર્તાઓને એક નિશ્ચિત માસિક સ્ટાઇપન્ડ ચુકવવાનું પણ શરૂ કર્યું છે. દેશભરમાં આ રકમ જુદી-જુદી છે – કર્ણાટકમાં ₹ 4,000 થી લઈને આંધ્રપ્રદેશમાં ₹ 10,000 સુધી. હરિયાણામાં, જાન્યુઆરી 2018થી દરેક આશા બહેનને રાજ્ય સરકાર તરફથી સ્ટાઇપંડ રૂપે ₹ 4,000 મળે છે.
“NRHMની નીતિ મુજબ, આશા બહેનોએ દિવસના ત્રણથી ચાર કલાક, અઠવાડિયાના ચારથી પાંચ દિવસ કામ કરવાનું હોય છે. પણ કોઈને યાદ નથી કે છેલ્લે તેમણે રજા ક્યારે લીધેલી. અને અમને આર્થિક મદદ કેવી રીતે આપવામાં આવે છે?” સુનિતા જોરથી પૂછે છે, અને ચર્ચાની શરૂઆત કરે છે. અનેક સ્ત્રીઓ પોતની વાત કહે છે. કેટલીકને રાજ્ય સરકાર તરફથી મળવા પાત્ર તેમનું માસિક સ્ટાઇપન્ડ સપ્ટેમ્બર 2019થી ચુકવવામાં આવ્યું નથી, અન્યોને આઠ મહિનાથી તેમના કાર્ય આધારિત સ્ટાઇપન્ડ માટે ચુકવણી કરવામાં નથી આવી.
જોકે, મોટાભાગનાઓને યાદ નથી, કે તેમની કેટલી રકમ લેણી છે. “પૈસા બે જુદા-જુદા સ્ત્રોતો પાસેથી આવે છે – રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર – એક પછી એક અપાતી રકમમાં, જુદા-જુદા સમયે. ભૂલી જવાય છે કે ક્યારે કઈ ચુકવણી થવી જોઈએ,” નીતુ કહે છે. આ લેણી રકમ મોડી અને નાની-નાની રકમોમાં ચુકવાવાના અંગત પ્રત્યાઘાતો હોય છે. અનેકને ઘરે ટોણાં મારવામાં આવે છે કે તેઓ એક એવી નોકરી કરે છે જેમાં ગમે તે સમયે અને લાંબા કલાકો કામ કરવું પડે છે, પણ પૂરતી ચુકવણી કરવામાં આવતી નથી; કેટલાંકે કુટુંબના દબાવમાં આવીને કાર્યક્રમ છોડી દીધો છે.
ઉપરાંત, આશાઓ દરરોજ તેમની પોતાની પાસેથી ઓછામાં ઓછા ₹150 થી 250 વાપરે છે, આવવા જવામાં, જેથી તેઓ ડેટા એકઠો કરવા જુદા-જુદા સબ સેન્ટરોમાં જઈ શકે અથવા દરદીઓને હૉસ્પિટલ લઈ જઈ શકે. “જ્યારે અમે ગામડાઓમાં કુટુંબ નિયોજન વિશેની મીટિંગોમાં જઈએ છીએ ત્યારે ગરમી અને તાપ હોય છે અને સ્ત્રીઓ એવી અપેક્ષા રાકે છે કે અમે ખાવાપીવા માટે કોઈ ઠંડી વસ્તુની વ્યવસ્થા કરીએ. તેથી અમે પોતાના ખર્ચે ₹400-500 કાઢીને નાસ્તાની વ્યવસ્થા કરીએ છીએ. જો અમે તેવું ન કરીએ, તો સ્ત્રીઓ ન આવે,” શીતલ કહે છે.
હડતાલના અઢી કલાકમાં, તેમની માંગણીઓ સ્પષ્ટ થઈ જાય છે: આશા બહેને માટે અને તેમના પરિવારો માટે હેલ્થ કાર્ડ જેથી તેઓ સરકારમાં પેનલમાં હોય તેવી ખાનગી હૉસ્પિટલોમાં સેવા મેળવવાને પાત્ર થઈ જાય; સુનિશ્ચિત થઈ જાય કે તેઓ પેન્શન મેળવવાને પાત્ર છે; તેમના કામો માટે અલગ-અલગ પ્રોફર્મા, એક બે પાનાંની ગુંચવાડાવાળી યાદીના બદલે જેમાં સાવ નાનકડા કૉલમો હોય; અને સબસેન્ટરમાં કબાટ, જેથી તેમણે કૉન્ડોમ અને સેનિટરી નેપકિન ઘરમાં ન રાખવા પડે. હોળીના ત્રણ દિવસ પહેલા નીતુના દીકરાએ તેમને તેમના કબાટમાં હતા તે ફુગ્ગા વિશે પૂછ્યું, તે તેમણે ત્યાં રાખેલા કૉન્ડોમની વાત કરતો હતો.
અને મુખ્યત્વે, આશા બહેનોનું માનવું છે કે તેમના કામને આદર અને સ્વીકૃતિ મળવા જોઈએ.
“જિલ્લાની અનેક હૉસ્પિટલોના ડિલીવરી રૂમની બહાર પાટિયું મારેલું હોય છે જેમાં લખેલું હોય છે, 'આશા બહેનો માટે પ્રવેશ નિષિદ્ધ," છવિ કહે છે. “અમે અડધી રાત્રે સ્ત્રીઓ સાથે પ્રસૂતિ માટે જઈએ છીએ, અને તેઓ અમને રોકાવાનું કહે છે કારણ કે એમને વિશ્વાસ નથી હોતો અને તેમને અમારા પર ભરોસો હોય છે. પણ અમને અંદર જવા દેવામાં આવતા નથી. હૉસ્પિટલના કર્મચારીઓ કહે છે, 'ચલો અબ નિકલો યહાં સે [જાવ અહિંયાથી]'. કર્મચારીઓ અમારી સાથે એવું વર્તન કરે છે જાણે અમે તેમનાથી ઓછા હોઈ,” તેઓ ઉમેરે છે. અનેક આશા કાર્યકર્તાઓ યુગલ અથવા કુટુંબ સાથે આખી રાત જાગે છે, ઘણાં પ્રાથમિક અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં વેઇટિંગ રૂમ નથી હોતો તેમ છતાં.
વિરોધ સ્થળે બપોરના લગભગ 3 વાગ્યા છે, અને સ્ત્રીઓ બેચેન થવા માંડે છે. તેમણે કામ પર પાછા ફરવાનું છે. સુનિતા પોતાની વાતને સમેટવાને ઉતાવળ કરે છે: “સરકારે ઔપચારિક રીતે અમને કર્મચારીઓ તરીકે સ્વીકૃતિ આપવી જોઈએ, સ્વયંસેવકો તરીકે નહીં. તેણે સર્વેનો ભાર લઈ લેવો જોઈએ જેથી અમે અમારું કામ કરી શકીએ. તેમણે અમને બાકી નાણાં ચુકવી દેવા જોઈએ.”
આ સમય સુધીમાં અનેક આશાઓ ઉઠવાની તૈયારી કરે છે. “કામ પક્કા, નૌકરી કચ્ચી,” સુનિતા એક છેલ્લી બૂમ મારે છે. "નહીં ચલેગી, નહીં ચલેગી," જવાબ પડઘાય છે, પહેલી વારથી પણ વધુ જોરથી. “અમારી પાસે અમારા અધિકારો માટે હડતાલ પર બેસવાનોય સમય નથી. અમારે હડતાલ પણ કેમ્પ અને સર્વેની વચ્ચે કરવી પડે છે!” ઘરોની મુલાકાતના પોતાના દૈનિક રાઉંડ પર નિકળવા માટેપોતાનું માથું દુપટ્ટાથી ઢાંકતા હસતા-હસતા શીતલ કહે છે.
કવર ચિત્ર: પ્રિયંકા બોરાડ ન્યુ મીડિયા કલાકાર છે જે ટેક્નોલૉજીના પ્રયોગો કરીને અર્થ અને અભિવ્યક્તિના નવા રૂપો શોધે છે. તેઓ શીખવા અને રમવા માટેના અનુભવો ડિઝાઇન કરે છે, ઇંટરએક્ટિવ મીડિયામાં પણ કામ કરે છે અને પરંપરાગત કાગળ અને પેન સાથે પણ એટલાજ આરામથી કામ કરી શકે છે.
PARI અને કાઉન્ટરમીડિયા ટ્રસ્ટનો ગ્રામીણ ભારતમાં કિશોરીઓ અને યુવતિઓ વિશેનો રિપ્રોટ કરવાનો પ્રોજેક્ટ પૉપ્યુલેશન ફાઉંડેશન ઑફ ઇંડિયા દ્વારા સમર્થિત એક પહેલનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય સામાન્ય લોકોના અવાજ અને તેમણે જીવેલા અનુભવોના માધ્યમથી આ અતિમહત્ત્વપૂર્ણ પણ અધિકારહીન સમૂહોની સ્થિતિ વિશે વિગતવાર માહિતી એકઠી કરવાનો છે.
આ લેખનું પુનર્પ્રકાશન કરવા ઇચ્છો છો? કૃપા કરીને [email protected] ને ઈમેલ લખો અને [email protected] ને નકલ મોકલો.
ભાષાંતર: ધરા જોષી