બિહારના વૈશાલી જિલ્લા મુખ્યાલયમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી-પ્રાયમરી હેલ્થ સેન્ટર-PHC) માં સુખિયા દેવી અને તેમના દીકરાની વહુ કુસુમ સાથે કેવું વર્તન કરવામાં આવ્યું તે યાદ કરતા સુખિયા દેવી કહે છે કે, “તેઓએ કહ્યું કે અમારું બાળક ગર્ભાશયમાં મરી ગયું હતું. અમે ખૂબ ગભરાઈ ગયા. પછી તેઓએ અમને ત્યાંથી વગે કરી દીધા અને જ્યાં જવું હોય ત્યાં જવાનું કહ્યું. એટલે પછી મેં મારી વહુને તાત્કાલિક શહેરમાં ખાનગી ડોક્ટર પાસે લઇ જવાનું નક્કી કર્યું."
62 વર્ષના ખેતમજૂર એક સવારે 10 વાગ્યાની આસપાસ તેમની એક દિવસની જીવતીજાગતી પૌત્રીને હાથમાં ઊંચકીને પીએચસી ખાતે તેને રસી અપાવવા માટે એક કતારમાં રાહ જોતા ઊભા છે.
જ્યારે તેમની 28 વર્ષની દીકરાની વહુને પ્રસવપીડા થઈ હતી ત્યારે સુખિયા તેને વૈશાલી પીએચસીમાં લઈ ગયા હતા. ત્યાં જ એક પરિચરે તેમને કહ્યું કે બાળક મરી ગયું છે. ગભરાયેલ સુખિયા અને કુસુમ ઓટોરિક્ષામાં લગભગ 15 કિલોમીટર દૂર ગામમાં (જેનું નામ ન આપવાની તેઓએ અમને વિનંતી કરી હતી) તેમના ઘેર પાછા ફર્યા. સુખિયા કહે છે, “અમે પાછા અમારે ઘેર ગયા, અને મહિલા ડોક્ટર [સ્ત્રીરોગચિકિત્સક] પાસે જવા એક ખાનગી વાહન, બોલેરો ભાડે લીધી. મને પ્રસૂતિની એટલી ચિંતા હતી કે ભાડું કેટલું થશે એ પૂછવાનોય મને વિચાર ન આવ્યો. પડોશીઓની મદદથી મેં મારી વહુને વાહનમાં ચડાવી. પછી અમે દવાખાને જવા નીકળ્યા.”
જ્યારે તેઓ ડોક્ટરના દવાખાના તરફ જવા વળ્યા ત્યારે જ જે બાળક 'ગર્ભાશયમાં મરી ગયું હતું' તે ગાડીમાં જીવતુંજાગતું જન્મ્યું.
સુખિયા કહે છે, "તેનો જન્મ ત્યાં વાહનમાં જ થયો હતો." તેઓ કહે છે જન્મ સાવ સરળતાથી થયો હતો. તેમની પાસે પહેલેથી જ એક સાડી હતી જેનો તેમણે ચાદર તરીકે ઉપયોગ કર્યો, સ્થાનિક દવાની દુકાનના માલિકે (જેઓ તેમની સાથે હતા) વાહનમાં થોડું પાણી રાખ્યું હતું. સુખિયા ઉમેરે છે, “પણ આ બધામાં એટલો બધો સમય લાગ્યો…”
અને પૈસા થયા. પ્રમાણમાં ટૂંકુ અંતર હોવા છતાં, ગાડીના માલિકે પરિવાર પાસેથી મુસાફરીના 3000 રુપિયા લીધા - અને વાહન સાફ કરવા માટે કોઈ માણસ બોલાવવાના બીજા વધારાના 1000 રુપિયા .
પરંતુ પીએચસીમાં ખરેખર બન્યું શું હતું? કેન્દ્રની અમારી મુલાકાતથી અમને જ ખબર હતી કે ત્યાં ન તો અલ્ટ્રાસાઉન્ડ મશીન અથવા ન તો કોઈ અન્ય મશીન કાર્યરત છે. તો પછી તેમને શેને આધારે કહેવામાં આવ્યું કે બાળક ગર્ભાશયમાં મરી ગયું છે? તે આધારહીન નિર્ણય હોય તેવું લાગે છે.
સુખિયા કહે છે, “અમે જ્યારે હોસ્પિટલ [પીએચસી] પહોંચ્યા ત્યારે મોડી રાત થઈ ગઈ હતી. તેઓ તેને પ્રસવ ઓરડામાં લઈ ગયા અને પાંચ જ મિનિટમાં તેમાંથી એક પાછી આવી અને મને કહ્યું કે આ ખૂબ જ ગંભીર કેસ છે. તેણે કહ્યું કે અમે ખાનગી હોસ્પિટલમાં જઈએ એ જ વધારે સારું રહેશે. મને લાગે છે કે તે દાઇ [જન્મ પરિચર] હતી જેણે પછીથી બહાર આવીને કહ્યું કે બાળક ગર્ભાશયની અંદર જ મરી ગયું છે. રાતના 11 વાગ્યા હતા એટલે અમે અમારા સ્થાનિક આશા કાર્યકર સાથે આવ્યા ન હતા. તેથી હું ઘેર પાછી ગઈ અને મારા પડોશીઓની મદદથી બોલેરો ભાડે લીધી. ગામમાંથી જ કોઈકનું વાહન હતું એટલે અમને 15 મિનિટમાં જ મળી ગયું. નહિ તો શું થયું હોત ભગવાન જાણે”
સુખિયાએ સપનામાં ય વિચાર્યું નહોતું કે ફક્ત વાહન ભાડે લેવાના (અને તેની સફાઈના) તેણે 4000 રુપિયા ખરચવા પડશે. “એકવાર અમને વાહન મળી ગયું પછી ડોક્ટરને ત્યાં અમારી સાથે આવવા અમે ગામની નજીક રહેતા દવાની દુકાનના માલિકને સાથે લીધા. તેણે કુસુમને ‘એક બોટલ’ આપી દીધી [એક ઈંજેક્શન અને ડ્રિપ] અને મારી વહુને ત્યાં અને ત્યાં જ [વાહનમાં] પ્રસૂતિ થઈ ગઈ. પછી અમે બધા ઘેર પાછા ગયા.” ત્યાં સુધીમાં તો મધરાત પણ થઈ ગઈ હતી.
બીજા જ દિવસે હું પીએચસીમાં સુખિયાને મળી. તેઓ બાળકને રસી અપાવવા અને તેના જન્મનું પ્રમાણપત્ર કઢાવવા ત્યાં આવ્યા હતા. તેમણે કહ્યું, "આ લોકો કહે છે કે જો તેમને પૈસા નહીં મળે તો તેઓ (જન્મના પ્રમાણપત્રના) કાગળો નહીં કાઢી આપે."
ટૂંકમાં ગઈકાલે પીએચસીના કર્મચારીઓએ જે બાળકને ગર્ભાશયમાં મૃત જાહેર કર્યું હતું તેના જન્મનું પ્રમાણપત્ર આપવા માટે તેઓ પૈસા માગતા હતા.
તેઓ તેને પ્રસવ ઓરડામાં લઈ ગયા અને પાંચ જ મિનિટમાં તેમાંથી એક પાછી આવી અને મને કહ્યું કે આ ખૂબ જ ગંભીર કેસ છે. તેણે કહ્યું કે અમે ખાનગી હોસ્પિટલમાં જઈએ એ જ વધારે સારું રહેશે.
તેઓ કહે છે, “દરેકેદરેક જણ પૈસા માગે છે, મનફાવે તેટલા. મેં કાગળ [જન્મનું પ્રમાણપત્ર] કઢાવવા એક જણને 100 રુપિયા આપ્યા, એ પછી બીજાને 300 આપ્યા. એ પછી મારે બીજી એક મહિલાને બીજા 350 રુપિયા આપવા પડ્યા. તેઓ નજીકમાં ઊભેલ સહાયક પરિચારિકા દાઈ (એએનએમ-ઓક્ઝીલરી નર્સ મિડવાઈફ) તરફ આંગળી ચીંધે છે, "તે પહેલા આ પરિચારિકા, લાલ સાડી પહેરી છે ને એ, એણે 500 રુપિયા માગ્યા અને કહ્યું કે નહિ તો મને કાગળ નહીં મળે. " જો કે છેવટે સુખિયાએ બીજાઓને પૈસા ચૂકવ્યા.
સુખિયા કહે છે, “જુઓ, મને આ કાગળો વિષે ખાસ કંઈ ખબર નથી. મારે ત્રણ છોકરાં છે પણ તેમાંથી કોઈને ય માટે મેં આ [જન્મનું પ્રમાણપત્ર] કઢાવ્યું નથી. પણ આજકાલ એ લોકો મને કહે છે કે તે અગત્યનું છે."
“મારે બે દીકરા ને એક દીકરી છે. સૌથી મોટો આ બાળકનો બાપ છે. મારા નાના દીકરાના લગન પણ નક્કી થઈ ગયા છે અને મારી દીકરી બધામાં સૌથી નાની છે. તે કુંવારી છે અને તે મારી સાથે રહે છે. જ્યારે તેઓ બધા આટલા નાના-નાના બાળકો હતા ત્યારે જ તેમના પિતા [એક ખેતમજૂર] મૃત્યુ પામ્યા હતા." તેના પતિનું મૃત્યુ થયું ત્યારે બાળકો કેટલા નાના હતા તે મને બતાવવા સુખિયા નીચી વળે છે અને તેના હાથ તેના ઢીંચણ તરફ નીચા કરે છે.
સુખિયા કહે છે, “મેં મારા બાળકોને ખવડાવવા અને ઉછેરવા ઘણા વર્ષો બીજાના ખેતરોમાં કામ કર્યું. હવે તેમના દીકરાઓ ઘેર પૈસા મોકલે છે, અને તે બે પૌત્ર-પૌત્રીઓ (તાજેતરમાં જન્મેલ નવજાત બાળકી સહિત) ની, તેમની માતા કુસુમ, જે ગૃહિણી છે તેની, અને તેમની પોતાની દીકરીની સંભાળ રાખે છે.
તેઓ કહે છે, "મારા બંને છોકરાઓ ખાનગી ઠેકેદાર માટે 'કંપની'માં કામ કરે છે. નાનો મુંબઈમાં રહે છે અને વીજળીના બોર્ડ બનાવે છે. અને આ બાળકના [34 વર્ષના] પિતા પંજાબમાં મકાનની આંતરિક સજાવટ માટે પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ કરતા કારીગર તરીકે કામ કરે છે. લોકડાઉન દરમિયાન મારો એક પણ છોકરો ઘેર આવી શક્યો નહોતો.” સુખિયાનો અવાજ ભારે થઈ જાય છે. તે થોડી વાર માટે અટકે છે.
તેઓ કહે છે, “પાંચ વર્ષ પહેલા મેં મારા મોટા દીકરાના લગ્ન કરાવ્યા હતા. આ તેમનું બીજું બાળક છે." કુસુમના પહેલા બાળક પ્રભાતનો ઉલ્લેખ કરતા તેઓ ઉમેરે છે, "મારો મોટો પૌત્ર હાલ સાડા ત્રણ વર્ષનો છે." તેનો જન્મ એ જ પીએચસીમાં થયો હતો. સુખિયા પીએચસી પરિસરમાં ઊભા હતા જ્યારે કુસુમ પોસ્ટ-નેટલ કેર રૂમમાં સૂતી હતી. કુસુમની ડાબી બાજુ - લોકોએ વર્ષોથી તેના પર થૂંકેલા પાનથી અડધી લાલ થઈ ગયેલી - એક સફેદ દીવાલ છે. વોર્ડમાં ફોટોગ્રાફી કરવાની સખત મનાઈ છે. કુસુમની ચાદર વગરની પથારીની જમણી બાજુ એક અલ્ટ્રાસાઉન્ડ મશીન છે જેના પર હવે કરોળિયાના જાળા બાઝ્યા છે. ફરજ પરના એએનએમ કહે છે, " ગયા અઠવાડિયે એ કામ કરતું બંધ થઈ ગયું હતું અને સફાઈ કામદારે તેને સાફ પણ નથી કર્યું."
તેની ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં કુસુમ - પીએચસીના સ્ટાફની સલાહ મુજબ - અલ્ટ્રાસાઉન્ડ તપાસ માટે ખાનગી હોસ્પિટલમાં ગઈ હતી. સુખિયા કહે છે કે, “પછીથી અમે જ્યારે અહીં પ્રસૂતિ માટે આવ્યા ત્યારે તેઓએ અમને કાઢી મૂક્યા, અમારે ભારે મુશ્કેલી વેઠવી પડી." અમારી વાતચીતમાં કુસુમ ક્યારેય ભાગ ન લઈ શકી. તે માનસિક આઘાતમાં અને શામક દવાઓની અસર હેઠળ હતી, તે અમારી સાથે વાત કરવાની સ્થિતિમાં જ નહોતી.
હાથીપગાથી પીડાતી સુખિયા (તેમનો એક પગ બીજા પગ કરતાં લગભગ બમણો થઈ ગયો છે) કહે છે: “એ (પગ) હંમેશાં આવો જ રહે છે. લાંબા સમય સુધી ઉભા રહેવું મારા માટે ભારે મુશ્કેલ કામ છે. હું ખાસ ચાલી શકતી નથી. દવા લીધી હોય ત્યાં સુધી જ દુખાવો થતો નથી. પરંતુ મારે આ પગથી બધું ય કરવું પડે છે. હવે હું અહીં આવી જ છું તો મારે માટે પણ થોડી દવા લઈ લેવી જોઈએ. મારી દવા ખલાસ થવા આવી છે.”
હાથમાં મોટા પૌત્રને ઊંચકીને તેઓ ખોડંગાતા ખોડંગાતા પીએચસીના દવા વિતરણ કેન્દ્ર તરફ જાય છે.
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
જીજ્ઞાસા મિશ્રા ઠાકુર ફેમિલી ફાઉન્ડેશન તરફથી પ્રાપ્ત થયેલ સ્વતંત્ર પત્રકારત્વ અનુદાન દ્વારા જાહેર આરોગ્ય અને નાગરિક સ્વાતંત્ર્ય અંગેના અહેવાલ આપે છે. ઠાકુર ફેમિલી ફાઉન્ડેશને આ અહેવાલની સામગ્રી પર કોઈ સંપાદકીય નિયંત્રણનો ઉપયોગ કર્યો નથી.
અનુવાદ - મૈત્રેયી યાજ્ઞિક