હરિયાણાના સોનીપત જિલ્લામાં સિંઘુ-દિલ્હી સરહદે આંદોલનકારી ખેડૂતોના મહેરામણને જોતા બેઠેલા હરજીતસિંઘના ચહેરા પરથી શિયાળાનો ધૂંધળો પ્રકાશ પસાર થાય છે.
નજીકમાં અનેક વૃદ્ધો અને યુવાનો - સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વિવિધ કામોમાં વ્યસ્ત છે. બે પુરુષો લાકડીથી પીટી પીટીને/ ફટકા મારીને (?) ગાદલાં સાફ કરે છે, રાતની તૈયારી કરે છે. કેટલાક લોકો પસાર થતા લોકોને ચા અને બિસ્કીટનું વિતરણ કરી રહ્યા છે. ઘણા લોકો તેમના નેતાઓનાં ભાષણો સાંભળવા આ વિશાળ જનમેદનીની આગળ જઇ રહ્યા છે.. કેટલાક રાત્રિભોજનતૈયારીઓમાં પડ્યા છે. થોડા અમસ્તા આમતેમ ફરવાવાળા ય છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર કરી દેવાયેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા દિલ્હીના દરવાજે ભેગા મળેલા હજારો ખેડૂતોમાંના એક હરજીત પણ છે.
પોતાની માતા સાથે રહેતા 50 વર્ષના અપરિણીત હરજીત કહે છે કે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના માજરી સોધિયાં ગામમાં પોતાની ચાર એકર જમીન માં તેઓ ડાંગર અને ઘઉંના પાક લે છે.’
2017માં હરજીતને એક અકસ્માત થયો અને પરિણામે તેઓ ચાલી શકતા નથી. પરંતુ આ તકલીફ તેમને તેમના સાથી ખેડૂતો સાથે વિશાળ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા અટકાવી શકી નથી. અકસ્માતની વાત કરતા તેઓ કહે છે, "હું મારા ઘરના છાપરા પર કામ કરતો હતો અને પડી ગયો.. મારું કૂલાનું હાડકું તૂટી ગયું."
પણ તેઓ આમાં ખાસ કંઈ કરી શકે તેમ નહોતા. "થોડી પ્રાથમિક સારવાર લીધી. એ સિવાય હું કોઈ યોગ્ય સારવાર કરાવી શક્યો નહિ કારણ હોસ્પિટલોએ તો સારવાર કરવાના બે ત્રણ લાખ રૂપિયા માગ્યા. મારી પાસે આટલા બધા પૈસા ક્યાંથી હોય?"
તો તેઓ અહીં ભાગ કેવી રીતે લે છે? રેલીઓ અને ભાષણો દરમિયાન તેઓ ઊભા કેવી રીતે રહે છે?
હરજીત કહે છે, "જુઓ આ ટ્રેક્ટરનું પૈડું. હું એક હાથે એ પકડું અને બીજા હાથમાં લાકડી પકડીને ઊભો રહું. કોઈ વાર કોઇની મદદ લઉં, કોઈ વાર દીવાલનો ટેકો લઉં. આ લાકડીને ટેકે હું ઊભા રહેવાની કોશિશ કરું છું."
હરજીતે કહ્યું, "હું આ વિરોધપ્રદર્શન માટે આવ્યો કારણ કે અમારામાંના જ કેટલાક લોકો આપણા બધા માટે જે તકલીફ સહન કરી રહ્યા છે તેમારાથી જોવાતું નથીઆજે જ હું એક ટ્રકટ્રૉલીમાં બેસીને 250 કિલોમીટર દૂરથી આવ્યો." અને વિરોધપ્રદર્શનના સ્થળે પહોંચવામાં બીજા ખેડૂતોએ તેમને મદદ કરી. હરજીત ઉમેરે છે કે અહીં ભેગા થયેલા ખેડૂતોએ જે તકલીફો સહન કરી છે તેની સરખામણીમાં તો તેમની પોતાની પીડા કંઈ નથી.
રસ્તાના અવરોધો અને કાંટાળા તારને દૂર કરવા, અશ્રુ ગેસના શેલ અને પાણીના છંટકાવનો સામનો કરવો, પોલીસ દ્વારા માર મારવામાં આવવો, રસ્તામાં ખોદાયેલા ખાડાને ઓળંગવાનો પ્રયાસ કરવો – તેઓએ ખેડૂતોને આ બધું અને બીજું ય ઘણું સહન કરતા જોયા છે.
હરજીત કહે છે, "ભવિષ્યમાં આપણે હજી ઘણી વધારે તકલીફો સહન કરવાની છે." તેમના ખેડૂત મિત્ર કેસરસિંગ માથું હલાવીને સંમતિ દર્શાવે છે.
તેઓ મને કહે છે કે, અમારા નેતાઓ કહે છે કે”અદાણી અને અંબાણી જેવા કોર્પોરેટ્સ અમારી પોતાની જમીન પરનો અમારો અધિકાર ખૂંચવી લેશે. મને લાગે છે એ લોકો સાચું કહે છે."
અકસ્માત પછી હરજીત પોતે ખેતી કરી શકે એવી સ્થિતિમાં ન હોવાથી તેમણે પોતાની ચાર એકર જમીન બીજા ખેડૂતને ભાડાપટે આપી. તેઓ કહે છે કે તેમની જમીન જ્યારે બીજા કોઈ ખેડે ત્યારે શું થાય છે તે તેમણે જોયું છે: ”મને તરત જ ખોટ ગઈ.”
2019માં તેમણે બીજા ખેડૂતને એકર દીઠ 52000 રૂપિયાના દરે ભાડાપટે જમીન ખેડવા આપી. એમાંથી તેમને વર્ષે 208000 રૂપિયા મળ્યા. (ઘઉં અને ડાંગરના બે પાકના). તેમણે ભાડૂત ખેડૂત પાસેથી તેમાંના અડધા - 104000 રૂપિયા વાવણી પહેલા લીધા . બાકીના લણણી પછી મળે. આ જમીનમાંથી આ વર્ષે પણ તેમને એટલી જ આવક થશે..
તેઓ કહે છે, “2018માં હું જાતે એ જમીન ખેડતો હતો ત્યારે એ જ જમીનમાંથી મને 2.5 લાખ રૂપિયાની આવક થઈ હતી. મને વરસની સીધી 46000 રૂપિયાની ખોટ જાય છે. વળી આટલું ઓછું હોય એમ ફુગાવો, જાણે સોને પે સુહાગા. એટલે મારી પાસે ભાગ્યે જ કોઈ બચત છે. અને મને કોઈ પેન્શન પણ મળતું નથી.”
હરજીતે જણાવ્યું, ”મારી કરોડરજ્જુમાં પણ તડ પડેલી છે.” એમના મિત્ર કેસરે ઉમેર્યું ”ક્યારેક કાચના ગ્લાસમાં પડે એવી રીતસરની તડ છે."
છતાં તેઓ અહીં દિલ્હીની સરહદ સુધી આવ્યા છે. તેમની કરોડરજ્જુ ભલે તૂટેલી હોય પણ મનોબળ હજી ય દ્રઢ છે. હરજીત સિંહ ભલે ચાલી શકતા નથી પણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ અડીખમ ઊભા છે.
અનુવાદક: સ્વાતિ મેઢ