હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ ખાતે વિરોધ કરી રહેલા વિશ્વજોત ગ્રેવાલ કહે છે, “આ કાયદાઓ પાછા ખેંચવામાં આવે એટલું જ અમારે જોઈએ છે." ગયા સપ્ટેમ્બરમાં સંસદમાં કાયદા પસાર કરવામાં આવ્યા ત્યારથી લુધિયાણા જિલ્લાના પોતાના ગામ પામલમાં વિરોધ પ્રદર્શન યોજવામાં મદદ કરનાર ખેડૂત પરિવારના 23 વર્ષના વિશ્વજોત કહે છે, "અમારી જમીન સાથે અમારો મજબૂત સંબંધ છે અને કોઈ અમારી પાસેથી અમારી જમીન છીનવી લે તે અમે બિલકુલ સહન નહીં કરીએ."
ગ્રામીણ ભારતમાં ઓછામાં ઓછી 65 ટકા મહિલાઓ (2011 ની વસ્તી ગણતરીની નોંધ મુજબ) ની જેમ તેમના પરિવારની મહિલાઓ પણ સીધી કે આડકતરી રીતે ખેતીની પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. તેમાંની મોટાભાગની મહિલાઓ પાસે પોતાની જમીન નથી, પરંતુ ખેતીમાં તેમની ભૂમિકા મહત્વની છે. ખેતી સંબંધિત મોટાભાગના કામ મહિલાઓ જ કરે છે - વાવણી, રોપણી, લણણી, કણસલામાંથી દાણા કાઢવા માટે ઝૂડવાનું કામ, ખેતરેથી પાક ઘેર લઈ જવાનું કામ, ખાદ્ય પ્રક્રિયા, ડેરીનું કામ વિગેરે.
તેમ છતાં 11 મી જાન્યુઆરીએ ભારતની સર્વોચ્ચ અદાલતે ત્રણ કૃષિ કાયદાઓને સ્થગિત કરવાનો આદેશ પસાર કર્યો ત્યારે મુખ્ય ન્યાયમૂર્તિએ એમ પણ કહ્યું હતું કે મહિલાઓ અને વૃદ્ધોને વિરોધ સ્થળોએથી તેમના ઘેર પાછા જવા માટે ‘સમજાવવા’ પડશે. પરંતુ આ કાયદાઓના પરિણામ મહિલાઓ (અને વૃદ્ધો) ને પણ અસર પહોંચાડે છે ને એ અંગે તેઓ પણ ચિંતિત છે.
ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.
આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. મોટા નિગમોને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે.
ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક વિમેન્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી મરિયમ ધાવલે કહે છે કે, " નવા કૃષિ કાયદાઓની સૌથી વધુ ખરાબ અસર મહિલાઓ પર પડશે. કૃષિ ક્ષેત્રે આટઆટલું કામ કરવા છતાં તેમની પાસે નિર્ણય લેવાનો અધિકાર નથી. [ઉદાહરણ તરીકે] આવશ્યક ચીજવસ્તુઓ અધિનિયમમાં ફેરફાર ખોરાકની અછત તરફ દોરી જશે અને તેનો ભોગ મહિલાઓ બનશે."
અને આમાંની ઘણી મહિલાઓ - યુવાન અને વૃદ્ધ - દિલ્હીમાં અને આસપાસના ખેડૂત વિરોધ પ્રદર્શન સ્થળોએ હાજર અને સંકલ્પબદ્ધ છે, જ્યારે અન્ય ઘણી બિન ખેડૂત મહિલાઓ તેમનો ટેકો નોંધાવવા માટે આવી રહી છે. અને ઘણી મહિલાઓ કેટલીક વસ્તુઓ વેચવા, દાડિયું રળવા અથવા લંગરમાં ભરપેટ જમવા પણ ત્યાં આવે છે.અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક