માયા બપોરે ઘરના એલ્યુમિનિયમના વાસણમાંથી ચોખાના છેલ્લા દાણા વીણી રહી છે. આ એમનું આજના આખા દિવસનું ભાણું થશે. તેમના અને શિવ માટે કઢાઈમાં મસૂરની દાળ વધી નથી.
૨૩ વર્ષીય માયા કહે છે, “અમે ફક્ત એક જ ટંક ખાઈએ છીએ, પણ અમારા બાળકો માટે બે ટંક ખાવાનું રાંધીએ છીએ. એમને પેટ ભરીને ખાવા મળે એ જ અમારો પ્રયત્ન હોય છે.” એમની ઝૂંપડી વાંસની બનેલી છે, જેની દીવાલો અને છત જૂની સાડીઓ અને ચાદરોથી ઢાંકેલી છે. પોતાની ઝૂંપડી સામે બેઠેલા ૨૫ વર્ષીય શિવ કહે છે, “મહામારીની શરૂઆત થઇ ત્યારથી અમે ઓછું રેશન રેશન ખરીદી રહ્યા છીએ.”
માર્ચ ૨૦૨૦માં લોકડાઉનની શરૂઆત થઇ ત્યારથી, માયા અને શિવ ગંડાડે પોતાના અને પોતાના ચાર બાળકોના (જેમની ઉંમર ૨ થી ૭ વર્ષની છે) પેટનો ખાડો ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ખુલ્લા મેદાનમાં બનેલી એમની ઝૂંપડી પંધાર્યચિવાડી ગામથી લગભગ ૬ થી ૭ કિલોમીટર દૂર છે, જે બીડ જિલ્લામાં બીડ તાલુકામાં એમના વસવાટથી સૌથી નજીકનું ગામ છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે ઝુંપડીની રંગીન દીવાલો અને છતમાંથી પાણી ટપકે છે.
મેદાનમાં બનેલી ૧૪ ઝૂંપડીમાં મસનજોગી સમુદાયના લોકો રહે છે, જેઓ એક વિચરતી જનજાતિ (મહારાષ્ટ્રમાં ઓબીસી તરીકે સૂચીબદ્ધ) છે. આ જનજાતિના લોકો પરંપરાગત રીતે માગીભીખીને ખાય છે. આ પરિવારો સામાન્યપણે વર્ષમાં એકવાર, કામ અને મજૂરીની તલાશમાં રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં ભટકતા રહે છે.
આમાંથી ઘણાં લોકો કચરો ઉઠાવવાનું કામ કરે છે. મહિલાઓ સામાન્યપણે રિસાઈકલીંગ માટે અલગ-અલગ ગામોમાંથી વાળ અને જૂના કપડા એકઠા કરે છે, જ્યારે પુરુષો કચરાના ડબ્બા અને ઘરોમાંથી પ્લાસ્ટિક, લોખંડ અને એલ્યુમિનિયમનો ભંગાર એકઠો કરે છે. માયા, જેઓ વાળ અને કપડાના સાટામાં પ્લાસ્ટિકના ટબ અને ડોલ વેચે છે, કહે છે, “અમે દિવસમાં જેટલો ભંગાર ભેગો કરીએ એ પ્રમાણે અમને વેપારીઓ પૈસા આપે છે.”
તેઓ આગળ કહે છે, “જ્યારે અમને એક જગ્યાએ પૈસા ન મળે તો અમે બીજા તાલુકામાં જતા રહીએ છીએ. અમે એક જગ્યાએ એક વર્ષથી વધારે નથી રહેતાં.”
પણ કોવીડ-૧૯ને લીધે મુસાફરી પર પ્રતિબંધ અને પરિવહનના સાધનોના અભાવના લીધે તેઓ બીજે ક્યાંય જઈ શકતા નથી. શિવ પોલિયોના લીધે લાકડીના સહારે ચાલવા મજબૂર છે, તેઓ કહે છે, “અમે નવેમ્બર ૨૦૧૯થી બીડમાં જ છીએ. અમારી પાસે પૂરતા પૈસા ન હોવાથી અમે એક ટેમ્પો પણ ભાડે લઇ શકતા નથી. અને એસટી [રાજય પરિવહન]ની બસોમાં અમારા આટલા સામાનની સાથે મુસાફરી કરવી શક્ય નથી.”
તેઓ કહે છે, “અમે જેટલા કપડા, વાળ અને ભંગાર ભેગો કરીએ તેના પર અમારી કમાણી નિર્ભરછે.” મહામારીના પહેલાં પણ એવા દિવસો આવતા હતા જેમાં શિવ અને માયા કંઈ કમાતા નહોતાં, ને છતાંય મહિને એ બંનેની ભેગી કમાણી ૭,૦૦૦-૮,૦૦૦ રૂપિયાથી ઓછી ક્યારેય નહોતી થતી.
પણ, હવે છેલ્લા એક વરસ કરતાં પણ વધારે સમયથી તેઓ મહિનામાં ૪,૦૦૦થી વધારે રૂપિયા કમાઈ શક્યા નથી.
આવક ઓછી થવાથી એમણે રેશન અને ખોરાકમાં પણ ઘટાડો કરવો પડ્યો છે. માયા અને શિવ કહે છે કે આ પહેલાં દર મહીને તેમના ૬ સભ્યોના પરિવારના ભોજન પાછળ તેઓ મહિને ૪,૦૦૦-૫,૦૦૦ રૂપિયા ખર્ચ કરતાં હતા.
મહામારી પહેલાં તેઓ દર અઠવાડિયે બે કિલો દાળ અને ૮-૧૦ કિલો ચોખા ખરીદતા હતા, એના બદલે તેઓ હવે એક કિલો સસ્તી મસૂરની દાળ અને બે કિલો ચોખા જ ખરીદે છે. માયા આગળ ઉમેરે છે, “આ સિવાય, અમે મહિનામાં ઓછામાં ઓછું ત્રણ વખત ચીકન કે મટન, ક્યારેક-ક્યારેક ઈંડા, સબ્જી કે પછી બાળકો માટે ફળફળાદી લાવતા હતા.” પણ, લોકડાઉન પછી એમના પરિવારને પેટ ભરીને ખાવા પણ મળતું નથી. માયા કહે છે, “એવું નથી કે પહેલાં અમે ઉજાણી કરતાં હતા, પણ અમે પેટ ભરીને ખાઈ શકતા હતા.”
શિવ કહે છે, “હવે તો તેલથી લઈને દાળ સુધી બધી વસ્તુઓ મોંઘી થઇ ગઈ છે. આ બધું અમે કઈ રીતે ખરીદી શકીએ? હવે તો અમે પહેલાં જેટલું કમાતા પણ નથી.”
જો કે મહામારીના એક દાયકા પહેલાંથી જ ભારતમાં ખોરાક પાછળ કરવામાં આવતો ખર્ચ ઘટી રહ્યો છે. એનએસએસ (નેશનલ સેમ્પલ સર્વે)ના ઘરેલું ઉપભોક્તા ખર્ચ સર્વેક્ષણ મુજબ, આ ખર્ચ ૧૯૯૩માં ૬૩.૨% થી ઘટીને ૨૦૧૧-૧૨માં ૪૮.૬% થઇ ગયો હતો. (દર પાંચ વર્ષે કરવામાં આવતા આ સર્વેક્ષણના આગળના રાઉન્ડના પરિણામ આંકડા અને કાર્યક્રમ, અમલીકરણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યા નથી.)
દિલ્હીની કેટલીક સંસ્થાઓના ગઠબંધન “રેપીડ રૂરલ કમ્યુનીટી રિસ્પોન્સ ટુ કોવીડ-૧૯” (જે અન્ય બીજા કામો સાથે, રેશન વિતરણનું કામ કરી રહી છે) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ, જ્યારથી મહામારીની શરૂઆત થઇ છે, ત્યારથી સામાજિક અને આર્થિક રીતે પછાત સમુદાયોમાં ભૂખમરાની સમસ્યા વણસી છે. ૧૨ ડિસેમ્બર, ૨૦૨૦થી લઈને ૫ જાન્યુઆરી, ૨૦૨૧ વચ્ચે કુલ વસ્તીના ૪૦% લોકોએ (૧૧ રાજ્યોના ૧૧,૮૦૦ લોકો પર કરેલા સર્વેક્ષણ મુજબ) ખોરાક પર કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો કર્યો છે, અને લગભગ ૨૫% લોકો ઈંડા, માંસ, શાકભાજી અને તેલ ખરીદી શકતા નથી.
જો માયા અને શિવ પાસે રેશન કાર્ડ હોત, તો એમને અમુક અંશે મદદ મળી જતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, ૨૦૧૩ હેઠળ, જે પરિવારો પાસે રેશન કાર્ડ છે તેમાં વ્યક્તિદીઠ દર મહિને કુલ પાંચ કિલો અનાજ રાહત દરે મળે છે. આમાં ૩ રૂપિયે કિલો ચાવલ, ૨ રૂપિયે કિલો ઘઉં, અને અન્ય અનાજ ૧ રૂપિયે કિલો ભાવે મળે છે.
માયા કહે છે, “અમારી પાસે રેશન કાર્ડ નથી, અમે એક જગ્યાએ લાંબા સમય સુધી રહેતાં નથી.” આ કારણે તેઓ અને તેમના સમુદાયના ૧૪ અન્ય પરિવાર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઓ જેવી સરકારી યોજનાઓ, જેમાં ગરીબોને મહામારી દરમિયાન વધારાનું ૫ કિલો અનાજ મફત આપવામાં આવ્યું હતું, તેનો લાભ ઉઠાવી શકતા નથી.
ખાદ્ય સુરક્ષા અભિયાનના દિલ્હી સ્થિત સદસ્ય દીપા સિંહા, કહે છે, “અમે વ્યાપક પ્રમાણમાં ભૂખમરો ફેલાયેલો જોઈ રહ્યા છીએ. આ વખતે, બીજી લહેર દરમિયાન ભૂખમરાની સમસ્યા વણસી છે. ઘણાં લોકો પાસે રેશન કાર્ડ નથી અને સુપ્રીમ કોર્ટના વારંવારના આદેશ પછી પણ સરકારે એ લોકો માટે કોઈ વ્યવસ્થા નથી કરી.”
૪૮ વર્ષીય લક્ષ્મણ ધનસરવાડ કહે છે, “અમારા સમુદાય (મસનજોગી)ના અડધાથી વધારે લોકો પાસે ન તો રેશન કાર્ડ છે કે ન તો કોઈ અન્ય ઓળખપત્ર.” લક્ષ્મણ ઘંસારવાડ નાંદેડ સ્થિત એક સામાજિક કાર્યકર છે, જેઓ મસનજોગી મહાસંઘ સંસ્થા ચલાવે છે. તેઓ શિક્ષણ, દસ્તાવેજીકરણ, અને અન્ય મુદ્દાઓ પર કામ કરે છે. એમનો અંદાજો છે કે મસનજોગી સમુદાયની કુલ વસ્તી એક લાખ આસપાસ છે, જેમાંથી ૮૦% લોકો કચરો વીણવાનું કામ કરે છે અને સ્થળાંતર કરતા રહે છે.
અન્ય વિચરતા સમુદાયો પણ આવી જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જેમાં નરેશ અને સુવર્ણ પવાર પણ શામેલ છે, જેઓ તેમના ૫ વર્ષના દીકરા અને ચાર વર્ષની દીકરી સાથે યવતમાલ જિલ્લાના નેર તાલુકામાં રહે છે. આમને હું મે ૨૦૧૯માં મળી હતી (અને આ વાર્તા વિષે ફોન પર વાત પણ કરી હતી). તેઓ ફણસે પારધી સમુદાયના, જે એક વિચરતી જનજાતિ છે (અનુસૂચિત જનજાતિ તરીકે સૂચીબદ્ધ છે) અને અને ૭૦ છાપરા વાળી ઝુંપડીઓની વસાહતમાં રહેવાંવાળા અન્ય ૩૫ પરિવારોમાંથી એક છે જેમની પાસે રેશન કાર્ડ નથી.
૨૬ વર્ષની સુવર્ણ રોજ સવારે પોતાની બાળકીને લઈને નજીકના ગામોમાં ભીખ માગવા જાય છે. તેઓ કહે છે, “હું બધાના ઘરે ભીખ માગવા જાઉં છું. પણ હવે ભીખ માંગવી સરળ નથી, કેમ કે ગામવાળાઓને હવે કોરોના સંક્રમણની બીક છે. કેટલાક લોકો તો અમને ગામમાં ઘૂસવા પણ નથી દેતા. જે લોકોને અમારા પર દયા આવે છે તેઓ અમને ચોખા અને વધેલી ભાખરી આપે છે.” (જુઓ લોકડાઉનમાં પારધીઓ – ભીખ માગતો સવાલ )
એકબાજુ સુવર્ણ ખોરાક માટે આમતેમ ભટકે છે, બીજી બાજુ તેમના ૨૮ વર્ષના પતિ નરેશ અને બીજા અન્ય પુરુષો આજુબાજુના જંગલોમાં તેતરનો શિકાર કરવા જાય છે. આ પક્ષીઓને તેઓ રાંધીને ખાય છે કે પછી વેચી દે છે. નરેશ કહે છે, “[આમનો] શિકાર કરવો ગેરકાયદેસર છે. ઘણીવાર જંગલવાળા (વન અધિકારીઓ) અમને ચેતવણી આપે છે. અમે ઘણીવાર ખાલી હાથે પાછા ફરીએ છીએ.”
એક લાંબા દિવસના અંતે, એમની થાળીમાં અલગ-અલગ ઘરોમાંથી એકઠા કરેલા ચોખા, મરચાંનો પાવડર, કે પછી કાળા તલની ચટણી હોય છે. એમને ખાવામાં શાકભાજી મળે એવું તો બહુ ઓછી વાર થાય છે. સુવર્ણ કહે છે, “જો અમે માગીએ, તો કેટલાક ખેડૂતો અમને રીંગણ કે બટાકા આપી દે છે.”
જો કે મહામારીના એક દાયકા પહેલાંથી જ ભારતમાં ખોરાક પાછળ કરવામાં આવતો ખર્ચ ઘટી રહ્યો છે. એનએસએસ (નેશનલ સેમ્પલ સર્વે)ના ઘરેલું ઉપભોક્તા ખર્ચ સર્વેક્ષણ મુજબ, આ ખર્ચ ૧૯૯૩માં ૬૩.૨% થી ઘટીને ૨૦૧૧-૧૨માં ૪૮.૬% થઇ ગયો હતો
અસૂચીત, વિચરતી અને અર્ધ-વિચરતી જાતી માટેના રાષ્ટ્રીય આયોગને ઘણી અરજીઓ આપવામાં આવી છે, જેમાં આવા લોકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવા જરૂરી ઓળખપત્રો બનાવવામાં નળતી મુશ્કેલીઓ ઉજાગર કરવામાં આવી હતી. આ આયોગના ૨૦૧૭ના એક અહેવાલ મુજબ, “વિવિધ દસ્તાવેજો અને ઓળખપત્રો બનાવવામાં પડતી મુશ્કેલીઓ સંબંધિત મળેલી કુલ ૪૫૪ અરજીઓમાંથી ૩૦૪ અરજીઓ મરણ પ્રમાણપત્ર, બીપીએલ [રાશન] કાર્ડ, અને આધાર કાર્ડ વિશે છે.”
મહામારીના લીધે એમની પરિસ્થિતિ ખુબજ દયનીય થઇ ગઈ છે.
કેન્દ્ર સરકારે વિવિધ રાજ્યોના ધ્યાને આ વાત રહે તે માટે એક પરિપત્ર જાહેર કર્યો હતો, “સમાજના પછાત અને કમજોર વર્ગ જેમ કે શેરીમાં રહેતા લોકો, કચરો ઉઠાવવા વાળા, ફેરિયાઓ, રીક્ષા ચાલકો, સ્થળાંતરિત શ્રમિકો વગેરે, જેમને અનાજની સખત જરૂર છે...તેમને રેશન કાર્ડ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.”
મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં સરકારે ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ શિવ ભોજન યોજના ચાલુ કરી, જેમાં કોઈપણ જાતના ઓળખપત્રો વગરના લોકો પણ દસ રૂપિયામાં રાંધેલું ભોજન મેળવી શકે. મહામારી દરમિયાન આ યોજનાની કિંમત ઘટાડીને થાળીના પાંચ રૂપિયા કરી દીધી હતી. મહારાષ્ટ્રના ૨૦૨૦-૨૧ના આર્થિક સર્વેક્ષણ મુજબ, “યોજનાની શરૂઆતથી લઈને ડીસેમ્બર ૨૦૨૦ સુધી, ૯૦૬ શિવભોજન કેન્દ્રોમાંથી કુલ ૨.૮૧ કરોડ થાળીઓની વહેંચણી કરાઈ છે.”
પણ આ થાળીઓ શિવ અને નરેશની વસાહતના પરિવારો સુધી નથી પહોંચી. શિવ કહે છે, “અમને આના વિષે કોઈ જાણકારી નથી.” જ્યારે નરેશ કહે છે, “જો અમને આના વિષે ખબર હોત તો અમારા ભૂખ્યા ન રહેવું પડતું.”
ખાદ્ય સુરક્ષા અભિયાનના દીપા સિંહા કહે છે, “આ મુદ્દો કેન્દ્ર વિરુધ્ધ રાજ્યનો બની ગયો છે, જેનો ભોગ લોકો બની રહ્યા છે. કેટલાક રાજ્યો અલગ-અલગ યોજનાઓ ચલાવી રહ્યા છે, પણ રાષ્ટ્રીય સ્તરે આવી કોઈ યોજના જોવા નથી મળી રહી.”
સામાજિક સુરક્ષા યોજનાઓથી બહાર હોવા છતાંય, નરેશે હંમેશા શિકાર નહોતો કરવો પડતો, અને ન તો સુવર્ણએ પણ ભીખ માંગવી પડતી હતી. તેઓ હંમેશા ભૂખ્યાં નહોતાં રહેતાં. તેમની હાલત આના કરતાં સારી હતી.
નરેશ કહે છે, “અમે કોઈ પણ કામ કરી લેતા હતા. જેવું કે, ખાડા ખોદવાનું, રસ્તા બનાવવાનું, ગટર સાફ કરવાનું, ફૂલ વેચવાનું વગેરે.” તેઓ ડિસેમ્બરથી મે એમ વર્ષમાં ૬ મહિના મુંબઈ, નાગપુર, અને પુણે જેવા શહેરોમાં કામ કરતાં હતા. તેઓ ફ્લાયઓવર નીચે અથવા કોઈ ઝૂંપડીમાં સૂઈ જતા હતા, અને છ મહિનાની સખત મહેનત પછી ૩૦,૦૦૦થી ૩૫,૦૦૦ રૂપિયાની બચત કરતાં હતા.
આ પૈસાથી તેઓ વર્ષના અન્ય ૬ મહિનામાં અનાજ, તેલ, અને શાકભાજી ખરીદતા હતા. નરેશ કહે છે, “આ અમારી મોટી આવક હતી. અમે દર મહિને [ખુલ્લા બજારમાંથી] ૧૫-૨૦ કિલો ચોખા, ૧૫ કિલો બાજરી, ૨-૩ કિલો મગ ખરીદી શકતા હતા.”
મહામારીના લીધે એમની આ મોટી આવક બંધ થઇ ગઈ છે અને આર્થિક હાલત કપરી થઇ ગઈ છે. લોકડાઉનના લીધે તેઓ બીજે સ્થળાંતર પણ નથી કરી શકતા, જેથી તેઓ શિકાર કરીને અને ભીખ માગીને ગુજારો કરવા પર મજબૂર છે. નરેશ કહે છે, “સરકાર ક્યારેય પણ લોકડાઉન જાહેર કરી દે છે, અને અમે શહેરોમાં ફસાવા નથી માંગતા. આનાથી સારું તો એ છે કે અમે અમારા ઘરે જ રહીએ, ભલે અમે ભૂખ્યાં મરી જઈએ. નજીકના ગામોમાં કામ મેળવવું ખુબજ અઘરું છે. શહેરોમાં મજુરી કરીને અમારી આર્થિક હાલત સુધરી જતી હતી, પણ હવે...કંઈ વધ્યું નથી.
અનુવાદક: ફૈઝ મોહંમદ