7 મી ફેબ્રુઆરી, 2021 ના રોજ સવારે 10.30 વાગ્યે રેહના બીબીએ તેમના પતિ અનસ શેખને ફોન કર્યો પણ લાગ્યો નહિ ત્યારે તેમને ખાસ ચિંતા નહોતી. બેએક કલાક પહેલા જ તેઓ બંનેની વાત થઈ હતી. રેહાના કહે છે, "તેમના (અનસના) દાદી તે દિવસે સવારે મૃત્યુ પામ્યા હતા." અને એ સમાચાર આપવા રેહનાએ સવારે 9 વાગ્યે તેમના પતિને ફોન કર્યો હતો.
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ભાગબનપુર ગામમાં એક ઓરડીની ઝૂંપડીની બહાર બેઠેલા 33 વર્ષના રેહના કહે છે, “તેઓ અંતિમવિધિ માટે અહીં આવી શકે તેમ ન હતું. તેથી તેમણે મને દફન સમયે વિડિઓ કોલ કરવા કહ્યું." અનસ 1700 કિલોમીટરથી વધુ દૂર - ઉત્તરાખંડના ગઢવાલ પર્વતોમાં - હતા. જ્યારે રેહનાએ તેમને બીજી વખત ફોન કર્યો, ત્યારે કોલ લાગ્યો જ નહિ.
તે દિવસે રેહનાના બે ફોન કોલ્સ વચ્ચે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આફત સર્જાઈ હતી. નંદા દેવી ગ્લેશિયર (હિમનદી) નો એક ભાગ તૂટી પડ્યો હતો અને તેને કારણે અલકનંદા, ધૌલી ગંગા અને ઋષિ ગંગા નદીઓમાં ભારે પૂરની શરૂઆત થઈ ગઈ હતી. ભારે પૂરના કારણે નદી કાંઠાનાં ઘરો પાણીમાં વહી ગયા હતા અને આ ક્ષેત્રના હાઇડ્રોપાવર પ્લાન્ટ (જળવિદ્યુત પરિયોજના) માં કામ કરતા શ્રમિકો સહિત ઘણા લોકો ફસાયેલા હતા.
અનાસ તેમાંના એક હતા. પણ રેહનાને કંઈ ખ્યાલ જ નહોતો. તેમણે તેમના પતિને ઘણી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો. તેમને ચિંતા થવા માંડી અને થોડી વારમાં તો તેમની ચિંતાનું સ્થાન ગભરાટે લીધું. તેઓ આંખમાં આંસુ સાથે કહે છે, "હું વારંવાર ફોન કરતી રહી. બીજું શું કરવું એની મને કંઈ ખબર નહોતી પડતી."







