તેઓ હાથકડીમાં કેદ છે અને તેમના ગળામાં રહેલી સાંકળો પાછળ સુધી છેક પગ સુધી ફેલાયેલી છે. તેમનો હુલીયો – સફેદ કુર્તો અને કાળી પટ્ટીઓ – જેલના સામાન્ય કેદીનું પ્રતીકાત્મક આલેખન કરે છે.
પરંતુ ૪૨ વર્ષીય કબલ સિંહ કોઈ પણ ગુનામાં દોષિત સાબિત નથી થયા અને તેમની સાંકળો જાતે લાદવામાં આવેલી છે. તેઓ પંજાબના ફાઝીલકા જીલ્લાના રુકાનપુરા (જે ખુઈ ખેરા તરીકે પણ ઓળખાય છે) ગામમાં ખેડૂત છે.
તેઓ લાખો ખેડૂતો કે જેઓ ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તેમાંથી એક છે. સૌ પ્રથમ પાંચ જુને વટહુકમ તરીકે બહાર પાડેલ આ કાયદાઓ ૧૪ સપ્ટેમ્બરે સંસદમાં ખરડા તરીકે રજુ કરવામાં આવ્યા અને એ જ મહિનાની ૨૦ તારીખે મંજૂરી આપીને કાયદો બનાવી દેવામાં આવ્યા.
તો પછી શા માટે જાતે લાદવામાં આવેલી સાંકળો?
“જ્યારે મેં ખેડૂતોને આટલાં લાંબા સમય સુધી પોતાના હકની માંગણી કરતા જોયાં, તો મારાથી એમનું દુઃખ સહન ના થયું. તમે મારી ફરતે આ જે સાંકળો જુઓ છો એ એમના દુઃખ નું પ્રતિબિંબ છે. તેઓ અંદરથી જે અનુભવે છે, હું પણ એ જ અનુભવ કરું છું.”
“મારી ફરતે તમે જે સાંકળો જુઓ છો, એ સાંકળો આપણને બધાને ઘેરી રહી છે, તમારે તેને સરખી રીતે જોવી રહી.” કબલ સિંહ આ ત્રણ કુખ્યાત કાયદાઓને આ સાંકળોમાં નવા જોડાણ તરીકે જુએ છે.
“ઈશ્વર અમને મોટા નિગમોથી બચાવે, કે જેઓ અમને જમીન વગરના ખેડૂત કરીને મૂકી દેશે.
જ્યારે અમારી પાસે વાવણી કરવા માટે અમારી પોતાની જમીન હોય તો અમે શા માટે નોકર બનીએ? અમે કઈ રીતે મોટા નિગમોને અમારી જમીનનો વહીવટ કરવા દઈએ?” તેઓ પૂછે છે.
આ સાંકળના લોકની ચાવી અદાણી અને અંબાણીના હાથમાં છે. મોદી સરકારે તેમની પાસેથી એ ચાવી લઈને આ તાળું ખોલવું જોઈએ. હું પ્રધાનમંત્રીને હાથ જોડીને વિનંતી કરું છું કે તેઓ આ કાયદાઓ રદ કરે.
ખેડૂતો જે કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે તે: કૃષિક ઊપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) કાયદો, 2020 ; કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર કાયદો, 2020 ; અને આવશ્યક વસ્તુ (સંશોધન) કાયદો, 2020 છે. આ કાયદાઓનો વિરોધ એટલા માટે પણ થઇ રહ્યો છે કારણ કે આનાથી દરેક ભારતીયને અસર થશે. આ ભારતના બંધારણની કલમ ૩૨માં દરેક નાગરિકને આપેલ કાયદાકીય ઉપચારની જોગવાઈને અવગણે છે.
આ નવા કાયદાઓએ ખેડૂતોને ગુસ્સે કર્યા છે. ખેડૂતો આ કાયદાઓને પોતાની આજીવિકા માટે ખતરા રૂપે જોઈ રહ્યા છે કેમ કે કાયદો મોટા નિગમોને ખેડૂતો અને ખેતી ઉપર વધારે સત્તા પ્રદાન કરશે. તેઓ ન્યુનતમ સમર્થન કિંમત (એમ.એસ.પી.), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એ.પી.એમ.સી.), રાજ્ય દ્વારા થતી ખરીદી પ્રક્રિયા અને બીજા બધાને કમજોર કરી નાખશે.
કબલ સિંહ કહે છે કે, “દુઃખની વાત કરીએ તો, આખા દિવસ દરમિયાન પાંચ કિલો વજન ઊંચકીને મારું શરીર બહેરું થઇ જાય છે. પણ મારો શારીરિક દર્દ ખેડૂતોને થઇ રહેલા દર્દની સરખામણીમાં કંઈ નથી.”
તેઓ અમારી સાથે વાત કરતી વખતે તેમનો હાથ ઉપર ઊંચકી રાખે છે. આવું દિવસમાં ઘણીવાર કરવું ચોક્કસ પણે થકવી નાખનારું અને તણાવ ભર્યું હશે. તેઓ કહે છે કે, “હું સવારે પાંચ વાગે સાંકળોમાં કેદ થઇ જાઉં છું અને સૂર્ય આથમે ત્યાં સુધી મારી જાતને આ રીતે કેદ રાખું છું.”
આ ખેડૂત, કે જેઓ અઢી વર્ષ પહેલા પાંચ એકર જમીનની માલિકી ધરાવતા હતા, તેઓ ઉમેરે છે કે, “આ સાંકળ મેં મારા ગામમાં બનાવડાવી છે.” હવે તેમની પાસે ફક્ત ત્રણ એકર જ જમીન બચી છે, જેના પર તેઓ મોટે ભાગે ઘઉં અને કપાસ ઉગાવે છે. તેમણે તેમના બીમાર પિતા અને દીકરીની સારવાર માટે પૈસા એકઠા કરવા માટે એ જમીન વેચવી પડી હતી.
એમણે આ જમીનના વેચાણમાંથી થયેલી આવકમાંથી સ્વાસ્થ્ય પાછળ લાખો રૂપિયા ખર્ચી દીધા. “પરંતુ,” તેઓ દુઃખી અવાજે કહે છે કે, “હું તેમને બચાવી શક્યો નહીં. એમની ૨૦ વર્ષીય દીકરી કમળાને લીધે મૃત્યું પામી. અને તેમના પિતા પણ લાંબી માંદગીને લીધે પછી મોતને ભેટી ગયા. તેમને ખબર નથી કે તેમની માલિકીની બે ગાયો માંથી થતી આવક વગર તેઓ કઈ રીતે ગુજારો કરશે.”
તેઓ કહે છે કે, “મારા માતા બલબીર કૌર પણ પ્રદર્શનમાં આવવાના હતાં. પણ તેઓ અહિં આવતાં પહેલા પડી ગયા (બાકીના ઘણાં લોકોની જેમ ટ્રેકટરમાં મુસાફરી કરતી વેળા) અને અમને જાણવા મળ્યું કે તેમનું થાપાનું હાડકું તૂટી ગયું છે. મારા પૂર્વજ ખેડૂત હતા. હું સરકાર દ્વારા અમારી સાથે થયેલો અન્યાય જોઈ શકું છું. અમે એનો વિરોધ કરી રહ્યા છીએ. હું મારા બાળકોને આનો સામનો કરવો પડે એવું નથી ચાહતો.”
તેઓ ઉમેરે છે કે ભારતની સરહદની સુરક્ષા કરી રહેલા સૈનિકો પણ ખેડૂત પુત્ર છે. “જ્યારે તેઓ શહીદ થાય છે, ત્યારે તમે એમને હીરો બનાવી દો છો. અને એ યોગ્ય છે. પણ જ્યારે અમે અમારા હક માંગીએ ત્યારે, અમે ગુનેગાર કહેવાઈએ છીએ. આવું શા માટે?”
અત્યારે કબલ સિંહ માટે, “એક વસ્તુ ચોક્કસ છે: જ્યાં સુધી મોદી સરકાર આ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી ત્યાં સુધી હું મારા પરથી સાંકળો દૂર નહીં કરું.”
કવર છબી: શ્રધ્ધા અગ્રવાલ
ફૈઝ મોહંમદ