એ ઝાંપે ઝડપાયો, ચાર રસ્તે હણાયો
શેરીએ શેરીએ હાહાકાર મચાયો
ઓહ! હમીરિયો હજી એ આવ્યો.
આ 200 વર્ષ જૂનું ગીત બે યુવાન પ્રેમીઓ હમીર અને હેમલીની એક લોકપ્રિય કચ્છી લોકકથા પર આધારિત છે. તેમના પરિવારોને તેમનો પ્રેમસંબંધ પસંદ નથી, અને તેથી બંને ભુજના હમીસર તળાવના કિનારે ચોરીછૂપીથી મળે છે. પરંતુ એક દિવસ, એની પ્રિયાને મળવા જતા હમીરને પરિવારનો એક સભ્ય જોઈ જાય છે. હમીર છટકવાનો પ્રયાસ કરે છે, તેનો પીછો કરવામાં આવે છે પરંતુ તે પછીની ઝપાઝપીમાં તેની હત્યા કરવામાં આવે છે. આ ગીત શોકભર્યું ગીત છે જેમાં હેમલી તેના પ્રેમી માટે તળાવ પાસે રાહ જોઈ રહી છે જે ક્યારેય પાછો નહીં આવે.
પરિવારો શા માટે એમના પ્રેમનો સ્વીકાર કરતાં નથી?
આ ગીત -- જે એક રાસડા તરીકે ઓળખાય છે, એના શબ્દો સૂચવે છે કે છોકરાની હત્યામાં એની જાતિ એક મહત્વપૂર્ણ પરિબળ હોઈ શકે છે. જો કે, મોટાભાગના કચ્છી વિદ્વાનો આ ગીતને કોઈ પ્રેમીને ગુમાવી ચુકેલી સ્ત્રીના દુઃખને વ્યક્ત કરતા ગીત તરીકે વાંચવાનું પસંદ કરે છે. પરંતુ આવા વાંચનમાં એ ઝાંપો, એ ચારરસ્તા અને શેરીમાંના કોલાહલના વાસ્તવિક સંદર્ભોની અવગણના થાય છે.
આ ગીત 2008માં કચ્છ મહિલા વિકાસ સંગઠન (KMVS) દ્વારા શરૂ કરાયેલા સમુદાય સંચાલિત રેડિયો, સૂરવાણી દ્વારા રેકોર્ડ કરાયેલા 341 ગીતોમાંનું એક છે. KMVS દ્વારા PARI સુધી પહોંચેલો આ લોકગીતોનો સંગ્રહ પ્રદેશની વિશાળ સાંસ્કૃતિક, ભાષાકીય અને સંગીતની વિવિધતાને પ્રદર્શિત કરે છે. તેમજ કચ્છની સંગીત પરંપરાને જાળવવામાં મદદ કરે છે. રોજબરોજ વિસરાતા જતા, રણની રેતીમાં વિલીન થઈ રહ્યાં સૂરોને અહીં જાળવી રાખાયા છે
અહીં પ્રસ્તુત ગીત કચ્છના ભચાઉ તાલુકાના ભાવના ભીલ ગાય છે. ગુજરાતના આ પ્રદેશમાં લગ્નોમાં મોટેભાગે રાસડા વગાડવામાં આવે છે. રાસુડા એ કચ્છનું લોકનૃત્ય પણ છે, જેમાં સ્ત્રીઓ ઢોલ વગાડતા ઢોલીની આસપાસ ફરીને નૃત્ય કરે છે અને ગીત ગાય છે. જ્યારે કોઈ છોકરી લગ્ન કરે છે, ત્યારે તેના પરિવારને જરૂરી દાગીના ખરીદવા માટે મોટું દેવું થાય છે. હમીર ના મૃત્યુ સાથે, હેમલીએ આ ઘરેણાં પહેરવાનો અધિકાર ગુમાવ્યો અને આ ગીત તેણીની ખોટ અને તેના દેવાનો ઉલ્લેખ કરે છે.
કરછી
હમીરસર તળાવે પાણી હાલી છોરી હામલી
પાળે ચડીને વાટ જોતી હમીરિયો છોરો હજી રે ન આયો
ઝાંપલે જલાણો છોરો શેરીએ મારાણો
આંગણામાં હેલી હેલી થાય રે હમીરિયો છોરો હજી રે ન આયો
પગ કેડા કડલા લઇ ગયો છોરો હમિરીયો
કાભીયો (પગના ઝાંઝર) મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
ડોક કેડો હારલો (ગળા પહેરવાનો હાર) મારો લઇ ગયો છોરો હમિરીયો
હાંસડી (ગળા પહેરવાનો હારલો) મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
નાક કેડી નથડી (નાકનો હીરો) મારી લઇ ગયો છોરો હમિરીયો
ટીલડી મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
હમીરસર તળાવે પાણી હાલી છોરી હામલી
પાળે ચડીને વાટ જોતી હમીરિયો છોરો હજી રે ન આયો
ગુજરાતી
હમીરસર તળાવે પાણી હાલી છોરી હામલી
પાળે ચડીને વાટ જોતી હમીરિયો છોરો હજી રે ન આયો
એ ઝાંપે ઝડપાયો, ચાર રસ્તે હણાયો
શેરીએ શેરીએ હાહાકાર મચાયો
રે! હમીરિયો હજી એ આવ્યો.
હમીરિયો છોરો હજી રે ન આયો
પગ કેરા કડલા લઇ ગયો છોકરો, હમિરીયો
કાભીયો (પગના ઝાંઝર) મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
ગળાનો હારલો મારો લઇ ગયો છોરો હમિરીયો
હાંસડી મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
નાક કેડી નથણી મારી લઇ ગયો છોરો હમિરીયો
ટીલડી મારી વ્યાજડામાં ડોલે હમીરિયો છોરો હજી રે ન આયો
હમીરસર તળાવે પાણી હાલી છોરી હામલી
પાળે ચડીને વાટ જોતી હમીરિયો છોરો હજી રે ન આયો
ગીતનો પ્રકાર : લોકગીત
ગીતગુચ્છ : ગીતો પ્રેમ, વિરહ, અને ઝંખનાના
ગીત : 2
ગીતનું શીર્ષક : હમીરસર તળાવે પાણી હાલી છોરી હામલી
સંગીતકારઃ દેવલ મહેતા
ગાયક : ચાંપર ગામ ભચાઉ તાલુકાના ભાવના ભીલ
વાજીંત્રો : હાર્મોનિયમ, ડ્રમ
રેકોર્ડિંગનું વર્ષ : 2005, KMVS સ્ટુડિયો
ગુજરાતી અનુવાદ : અમદ સમેજા, ભારતી ગોર
આ પ્રસ્તુતિમાં સમર્થન બદલ PARI પ્રીતિ સોની, અરુણા ધોળકિયા, સેક્રેટરી, KMVS, અમદ સમેજા, KMVS પ્રોજેક્ટ કોઓર્ડિનેટરનો તેમજ ગુજરાતી અનુવાદમાં એમની અમૂલ્ય મદદ બદલ ભારતીબેન ગોરનો ખાસ આભાર.