યશ મહાલુંગે ચોમાસામાં શાળાએ હાજર રહેવા દરરોજ પોતાના જીવને જોખમમાં મુકે છે. બીજાં કેટલાક છોકરાઓ, છોકરીઓ, અને કેટલાક માતા-પિતાઓની સાથે, આઠ વર્ષનો યશ અડધા તૂટ્યાફૂટ્યા એક પુલના થાંભલાઓ પર ટેકવાયેલી લપસણી સાંકડી દિવાલ પર ચાલે છે. ત્યાંથી જો નીચે પડ્યા, તો સીધા ઝાંખરા અને કાદવમાં.

દરરોજ સવારે બે વાર, શાળાએ જતા અને ત્યાંથી પાછા ફરતા, એમની ટોળકી એક જ કતારમાં ચાલે છે. એક હાથમાં છત્રી અને પીઠ પર ભારે થેલા લઇ ચાલતા મોટાભાગના છોકરાઓ ઉઘાડા પગે ચાલે છે. 30 સેકન્ડની કપરી યાત્રા પછી, તેમના પગ બાકી રહેલ પુલની વધુ સુરક્ષિત કૉન્ક્રીટની સપાટી પર મૂકાય છે. પછી તેઓ એક કાદવવાળી કેડી પર થઈને અવારે ગામમાં આવેલી તેમની શાળાથી બે કિલોમીટર દૂર ઔરે પાલહેરી ગામમાં તેમના ઘરોમાં પહોંચે છે.

યશ કહે છે, “જ્યારે હું નીચે જોઉં ત્યારે હું ડરી જાઉં છું. મને ચક્કર આવે છે. હું બાબાનો [પિતાનો] હાથ સજ્જડ પકડી લઉં છું.”

ઔરે પાલહેરીના 77 રહેવાસીઓને (અવારે ગ્રામ પંચાયત કચેરીના આંકડા મુજબ) 2005 સુધી આ જોખમ ખેડવું પડતું ન હતું. એક નાનકડા પુલ વડે તેઓ ભત્સા નદીનું આ વહેણ પસાર કરી શકતા હતા. પણ તે વર્ષની 28 જુલાઈએ ભારે વરસાદે થાણે જિલ્લા સમિતિએ 1998માં બાંધેલ પુલનો કેટલોક ભાગ ધોઈ નાખ્યો. ફક્ત બે સાંકડી બાજુની દિવાલો – એબટમેન્ટ – એ ટૂટેલા ભાગમાં રહી ગઈ.

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: પાણીનું સ્તર ઊંચુ ન હોય તેવા દિવસે વહેણને પાર કરતા યશ (ડાબે) અને અનીશ. જમણે: ગામડાના બાળકો માટે 'સ્ટ્રીમિંગ' નો એક જુદોજ અર્થ છે

“તમારે તમારું બધુંજ ધ્યાન કેન્દ્રિત કરીને સંતુલન જાળવીને [એ દિવાલો પર] ચાલવું પડે છે. બાળકો સાથે કોઈ મોટા વ્યક્તિએ હોવું પડે છે. તેઓ આ રસ્તા પર એકલા નથી ચાલી શકતા અને [શાળાએ પહોંચવાનો] બીજો કોઈ રસ્તો નથી. મોટાઓ પણ એકલા નથી જતા. જો પાણીનું સ્તર ઓછું હોય [લગભગ એકથી દોઢ ફુટ ઊંડુ, તે ભારે વરસાદ દરમિયાન ત્રણ ફુટ જેટલું વધી જઈ શકે છે], તો કેટલીક વાર અમે બીજી બાજુએ જવા માટે ઝરણામાં ચાલી નાખીએ છીએ. બીજા ગામોમાંથી કોઈ અમારી બાજુ આવતું નથી. તેઓ તેમ શું કામ કરે, તેમના જીવને કેમ જોખમમાં મૂકે? અમારું ગામ બીજા ગામોના છેડે છે,” યશના પિતા, આનંદ મહાલુંગે, જે શાહાપુર શહેરમાં રિક્ષા ચલાવની દિવસના રૂ. 200-300 કમાય છે, જણાવે છે.

વર્ષો વીતતા તૂટેલા અને જેનું 14 વર્ષથી સમારકામ કરાયું નથી એવા પૂલના પથ્થરના અવશેષોમાંથી થયેલા સિમેન્ટ-કાદવના ગારાની ઉપર ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાઓએ એને ઢાંકી દીધો છે. અને આ બધાં વર્ષો દરમિયાન આ છેતરામણી યાત્રા શાળા, કાર્ય સ્થળ, આરોગ્ય સુવિધા, બજાર અને બીજા અનેક સ્થળોએ પહોંચવા માગતા  ગ્રામવાસીઓના રોજિંદા જીવનનો ભાગ બની ગઈ છે. બીજી ઋતુઓમાં તેઓ આજ સાંકડી દિવાલનો ઉપયોગ કરે છે, ખાલી તે ભીની અને લપસણી હોતી નથી. “ચોમાસુ હોય કે ઉનાળો, અમારે આ સહન કરવાનું હોય છે,” આનંદ કહે છે. “ચોમાસામાં અમારે વધુ સાવધાન રહેવાનું હોય છે, બીજા મહિનાઓમાં ઓછું. પણ અમે કરી શું શકીએ?”

ઔરે પાલહેરીના નવ પરિવારો – ગ્રામવાસીઓના કહેવા પ્રમાણે બધાં અન્ય અનુસૂચિત જાતિના (OBC) –1970-71માં જ્યારે તેમનું લગભગ 20 કિલોમીટર દૂર થાણે જિલ્લાના સાહાપુર તાલુકામાં આવેલું પાછીવારે ગામ ભત્સા સિંચાઈ પ્રોજેક્ટમાં ડૂબી ગયું ત્યારે અહીંયા આવીને સ્થાયી થયા. બીજા 118 વિસ્થાપિત પરિવારોની સાથે, તેઓ હજુ પણ 1999ના મહારાષ્ટ્ર પ્રોજેક્ટ પ્રભાવિત વ્યક્તિ પુનર્વસવાટ કાયદા હેઠળ પુનર્વસવાટની રાહ જોઈ રહ્યા છે.  આમાં વૈકલ્પિક સ્થળે પુનર્વસવાટ કરાવાનો સમાવેશ થાય છે. કેટલાંક બીજા વિસ્થાપિત પરિવારો નજીકના ગામો અને કસબામાં નવેસરથી જિંદગી શુરૂ કરવાના પ્રયાસો કરવા ગયાં હતાં. ( જુઓ 'અનેક પરિવારો બસ અદૃશ્ય થઈ ગયા' )

'જ્યારે વરસાદ બંધ થયો, ત્યારે અમને ખબર પડી કે બીજી બાજુ જવા માટે કોઈ પુલ નથી. જેમતેમ કરીને અમે નદી ઓળંગી અને અવારે ગામના સરપંચને જાણ કરી'

વીડિયો જુઓ: શાળાએ જવું એટલે એક લપસણું સાહસ

2005માં પોતે 21 વર્ષના હતા ત્યારે પુલને ધોઈ નાખનાર પૂરને યાદ કરતા આનંદ કહે છે, “ઘણાં દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો હતો. પાણી પુલની ઉપર વહેતુ હતું. અમે મારવાના ભયે ઘરની બહાર પગ મૂકી શકતા ન હતા. અમારું ગામ બહારની દુનિયાથી પૂરેપૂરું કપાઈ ગયું હતું. જ્યારે વરસાદ થંભ્યો, અમને ખબર પડી કે બીજી બાજુ જવા માટે કોઈ પુલ નથી. જેમતેમ અમે નદી ઓળંગી અને અવારે ગામના સરપંચને જાણ કરી. સમિતિના અધિકારીઓ આવ્યા, તેમણે માળખાને તપાસ્યું, પણ ત્યાર પછી તેમણે કશું ન કર્યું. ત્યારથી અમે પુલ ફરીથી બંધાવાની માંગણી કરી રહ્યાં છીએ.”

બીજા ગામોમાં કે સાહાપુરના બજારો, બસ સ્ટેન્ડ (જે આશરે 10 કિલોમીટર દૂર છે) કે પછી કામ પર જવા માટે જોખમી દિવાલ પર ચાલવા કે વહેતી નદીને ઓળંગવા સિવાય કોઈ જ વિકલ્પ ન રહ્યો હોવાથી વીતેલાં વર્ષોમાં ઔરે પાલહેરીના રહેવાસીઓ અનેક અકસ્માતોનો ભોગ બન્યા છે.

જુલાઈ 2016માં 65 વર્ષના તુકારામ વિડે અને તેમનો 35 વર્ષનો દીકરો રવિન્દ્ર 10 લીટરનું એક એવા દૂધના બે કેન લઈને એ લપસણા ભાગ પરથી પસાર થઈ રહ્યા હતા. તુકારામ દિવાલ પરથી લપસ્યા અને ઝાંખરામાં જઈને પડ્યા. તેમનો ડાબો પગ ભાંગી ગયો. તેઓ કહે છે, “હું બેભાન હતો. ગામના લોકોએ મને વાંસની એક કામચલાઉ સ્ટ્રેચર પર અવારે ગામ સુધી ઉપાડ્યો અને પછી તેઓ મને શાહાપુર [સબ-ડિસ્ટ્રિક્ટ] હૉસ્પિટલ સુધી એક રિક્ષામાં લઈ ગયા. હું છ મહિના સુધી ત્યાં હતો. હવે મારા પગમાં એક સળિયો છે.”

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: 2016માં તુકારામ વિડે દિવાલ પરથી લપસ્યા અને તેમનો પગ ભાંગી ગયો. જમણે: રામુ વિડે કહે છે, 'હજુ સુધી નદી ઓળંગતા કોઈ મર્યું નથી. પણ તેઓ [રાજ્ય સરકાર] શું કોઈના મરવાની રાહ જુએ છે?'

તુકારામ ઉમેરે છે, “જો પુલ હોત, તો આવા અકસ્માતોને ટાળી શકાત. અમે અમારી દીકરીઓને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જતી વખતે તેમના જીવને જોખમમાં મૂકીએ છીએ. અમારા બાળકો જ્યારે ઘરની બહાર નીકળીને એ બાજુ જાય ત્યારે અમારે પ્રાર્થના જ કરવાની હોય છે.” ભત્સા પ્રોજેક્ટ દ્વારા વિસ્થાપિત થઈને જ્યારે તેમના માતાપિતા અહીં સ્થાયી થયા ત્યારે તેઓ લગભગ 14 વર્ષના હતા. હવે તેઓ ફક્ત તેમની ત્રણ ભેંસોને દોહે છે અને રવિન્દ્ર ડેરીઓને દૂધ પૂરું પાડે છે. પરિવાર બે એકર પર ચોખા પણ ઉગાડે છે.

તુકારામ પૂછે છે, “અમારી પાસે કોઈ વિકલ્પ જ ક્યાં છે? અમારાથી ઘરમાં નવરા બેસી ન રહેવાય. અમારે જોખમ ઉઠાવવું જ રહ્યું. સમિતિના અધિકારીઓ અમારી લાંબા સમયથી કરાયેલી પુલ માટેની માંગણીને ગંભીરતાથી લેતા નથી. અમારી વસાહતમાં ઘણાં લોકો હવે ઇજાગ્રસ્ત છે કે પછી પથારીમાંથી ઉઠી શકતા નથી. તેઓ અમારા દુખને વણજોયુ કરીને અમારી હાંસી ઉડાવે છે.”

બાજુમાં તેમના એકમાળના કૉન્ક્રીટના ઘરમાં 68 વર્ષનાં દ્વારકાબાઈ વિડે વૉકરની મદદથી ઘરમાં હરે-ફરે છે. ગયા વર્ષ સુધી તેઓ પરિવારના ચાર એકરના ખેતરમાં કામ કરતા હતા. ફેબ્રુઆરી 2018માં કરિયાણું લેવા શાહાપુર જતી વખતે તેઓ પણ દિવાલ પરથી પડી ગયાં હતા. જ્યારે હું તેમને મળી ત્યારે તેઓ એક ખુરશીમાં બેસીને બારીની બહાર જોતા હતા.

તેમની પુત્રવધુ તારા કહે છે, “અકસ્માત પછી તેઓ ખાસ વાતો નથી કરતા. તેઓ ખરેખર ડરી ગયા છે. નહીંતો તેઓ ખૂબ વાતો કરતા.” દ્વારકાબાઈનો પરિવાર ચાર એકરમાં ચોખા અને શાકભાજી ઉગાડે છે. તેમનો મોટો દીકરો ભીવંડીના એક ગોદામમાં સુપરવાઇઝર તરીકે કામ કરતે છે. તારા કહે છે, “નાની અમથી બીમારી માટે પણ – શરદી, તાવ – કે પછી સંકટ સમયની પ્રસૂતિ માટે ગામમાં કોઈ તત્કાલિન સગવડ નથી. આ બહુ મોટી સમસ્યા છે.”

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: ફેબ્રુઆરી 2018માં કરિયાણું લેવા માટે શાહાપુર જતા દ્વારકાબાઈ વિડે દિવાલ પરથી પડી ગયા. જમણે:  ઔરે પાલહેરીની દરેક વ્યક્તિ દરરોજ સામેની તરફ જવા માટે પોતાના જીવ અને શરીરને જોખમમાં મૂકે છે

ઔરે પલહેરીના મોટાભાગના પરિવાર 2 થી 5 એકરની એવી જમીનમાં ખેતી કરે છે જેના માટે તેમને માલિકી હક આપવામાં આવ્યો નથી. તેઓ ચોમાસામાં ચોખા વાવે છે. લણણી પછી, તેઓ ભીંડા, કારેલા, અને ફણસી જેવા શાક ઉગાડે છે, જે તેઓ આસપાસના ગામોમાં વેચે છે. ગામના કેટલાક યુવાનો શાહાપુરમાં રિક્ષા ચલાવે છે અથવા નાની ખાણી-પીણીની હાટડીઓ ચલાવે છે.

સુરક્ષિત માર્ગ ન હોવાના કારણે ગામના લોકો પાસે કામના વિકલ્પો સીમિત છે. 35 વર્ષના જયવંત મહાલુંગે, જે શાહાપુરમાં એક ઑટોરિક્ષા ચલાવે છે, તે કહે છે, “એ રસ્તા પર લાઇટો નથી અને અમે ત્યાં અંધારામાં ચાલી શકીએ તેમ નથી. માટે અમે કામ માટે કલ્યાણ કે થાણે જઈ શકીએ તેમ નથી [50થી 60 કિલોમીટર દૂર]. દરરોજ ત્યાં સુધી જઈને સાંજે 7 વાગ્યા સુધીમાં પાછા ફરવું શક્ય નથી. એ લાંબી મજલ છે [લગભગ]  બે કલાક. જેમની પાસે આ શહેરોમાં રહેવાની વ્યવસ્થા હોય તે લોકો ગોદામોમાં કામ કરે છે અથવા પોતાના બાળકોને ત્યાં કૉલેજોમાં ભણવા મોકલે છે. આ સિવાય આ અશક્ય છે. સાંજે 7 વાગ્યા પહેલા તમારે ઘરે હોવું જ જોઈશે. તેથી અમારી ઉંમરના [30-35] કોઈ પણ વ્યક્તિએ 10માં ધોરણ સુધી પણ શિક્ષણ મેળવ્યું નથી.” તેઓ 15 લોકોના સંયુક્ત કુટુંબમાં રહે છે. તેમના બે નાના ભાઈઓ શાહાપુર શહેરના બજારમાં અથવા નજીકના ગામોમાં શાકભાજી વેચે છે, અને દરેક મહિને રૂ. 4,000 કમાય છે.

જયવંતનો ભત્રીજો યશ જે જિલ્લા પરિષદની શાળામાં જાય છે તે ફક્ત 7માં ધોરણ સુધીજ છે; ત્યાર પછી બાળકોએ માધ્યમિક શાળા માટે શાહાપુર શહેરમાં જવાનું હોય છે.  જયવંત પૂછે છે, “અમે પ્રગતિ કેવી રીતે કરીશું? અમારા બાળકો આગળ કેવી રીતે વધશે?”

પરિવારના પાંચ એકરના ખેતરમાં કામ કરતાં તેમના 65 વર્ષની માતા સવિતા કહે છે, “જો ધોળા દિવસે લોકોને આટલી ઇજા થાય છે, તો અંધારામાં શું થશે? ચોમાસામાં અમારા બાળકો ઘણીવાર શાળાએ જઈ શકતા ન હતા. હવે મારા પૌત્ર-પૌત્રીઓ પણ એવું જ કરે છે.”

PHOTO • Jyoti
PHOTO • Jyoti

ડાબે: પુલના ભાંગી પડેલા ભાગ પર બાઝી ગયેલી લીલ. જમણે: ગામના લોકોના રોજિંદા જોખમી રસ્તાનો ભાગ

“1998માં પુલ બન્યો એની પહેલા અમે ઘણાં આંદોલનો કર્યાં છે. જ્યારે પુલ પડી ગયો, ત્યારે અમે ફરી 2005માં અને પછી 2007, 2009, 2012, 2016માં થાણે જિલ્લા સમિતિની કચેરીએ કૂચ કરી ગયા છે.” તેઓ પોતાની આંગળીઓના વેઢે ગણાતા કહે છે, “વચ્ચે, અમારા બાળકોએ કલેક્ટરને અનેક પત્રો લખ્યા. અમે કેટલું બધું કર્યું. તમને કોઈ ફેરફાર દેખાય છે?”

તેમની સાથે સંમત થતા તેમના પાડોશી, 70 વર્ષના રામુ વિડે ગુસ્સાથી કહે છે, “આટલા બધાં વર્ષો પછી પણ પરિસ્થિતિ એવી જ છે. હજુ સુધી નદી પાર કરતા કોઈ મર્યું નથી. પણ શું તેઓ [રાજ્ય સરકાર] કોઈના મરવાની રાહ જુએ છે? સરકારે ખરેખર અમને શું આપ્યું છે? પેલો ટૂટી ગયો તે પુલ?  તેઓ અમને ક્યાંય સ્થાયી પણ નથી કરતા [કોઈ બીજા સ્થળે]”. રામુના શબ્દોમાં પાંચ દાયકાનો ગુસ્સો સંભળાય છે.

વારંવાર પ્રયત્નો કરવા છતાં, થાણે જિલ્લા સમિતિ કચેરીના અધિકારીઓ આ બાબતે ટિપ્પણી કરવા માટે ઉપલબ્ધ ન હતા.

ભારતીય હવામાન કેન્દ્રનો ડેટા દર્શાવે છે કે આ વર્ષે 1થી 7 ઑગસ્ટ દરમિયાન થાણે જિલ્લામાં 644 મિલિમીટર વરસાદ થયો છે, જ્યારે ત્યાં તે અઠવાડિયાની સરેરાશ છે 202 મિલિમીટર. ઑગસ્ટ 3 અને 4ના રોજ, ભારે વરસાદના કરાણે ઔરે પાલહેરીના લોકો બાકીના સ્થળોથી કપાઈ ગયા હતા અને તેમણે નદીના પાણી ઉતરવાની બે દિવસ રાહ જોવી પડી હતી. આનંદ કહે છે, “અમે દરરોજ સાંજે ભગવાનનો પાડ માનીએ છીએ કે અમે બચી ગયા. જોઈએ કાલે શું થાય છે.”

ભાષાંતર: ધરા જોષી

Jyoti

জ্যোতি পিপলস্‌ আর্কাইভ অফ রুরাল ইন্ডিয়ার বরিষ্ঠ প্রতিবেদক। এর আগে তিনি 'মি মারাঠি' মহারাষ্ট্র ১' ইত্যাদি সংবাদ চ্যানেলে কাজ করেছেন।

Other stories by Jyoti
Translator : Dhara Joshi

Dhara Joshi is an English teacher turned translator. She enjoys literature, music and theater.

Other stories by Dhara Joshi